એક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ

26 January, 2021 08:13 AM IST  |  Mumbai | Rashmin Shah

એક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ

‘ચાણક્ય’ની ભૂમિકામાં મનોજ જોષી

ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર નાટકના છૂટાછવાયા શો થવા માંડ્યા, પણ હિન્દી રંગભૂમિ હજી સુધી લૉકડાઉનમાં જ હતી. જોકે આજથી હિન્દી રંગભૂમિનું લૉકડાઉન પણ પૂરું થઈ રહ્યું છે. ઍક્ટર-ડિરેક્ટર મનોજ જોષીના હોમ-પ્રોડક્શનમાં બનેલા નાટક ‘ચાણક્ય’નો આજે રાતે ૮ વાગ્યે દિનાનાથ ઑડિટોરિયમમાં શો થશે અને એ સાથે જ હિન્દી રંગભૂમિના શો પણ શરૂ થશે. મનોજ જોષીએ કહ્યું કે ‘નાટક રેકૉર્ડબ્રેક ટાઇમથી એટલે કે ત્રણ દસકાથી ચાલી રહ્યું છે. અગાઉ માર્ચમાં છેલ્લો શો ઉત્તર પ્રદેશમાં વિધાનસભ્યો માટે કરવામાં આવ્યો હતો એ પછી લૉકડાઉન આવ્યું. સંસદભવનમાં શો સાથે આ નાટક ફરી શરૂ થવાનું હતું, પણ મારી ઇચ્છા હતી કે પહેલાં એનો શો આમજનતા માટે થાય એટલે અમે મુંબઈમાં શો કરવાનું નક્કી કર્યું.’

નાટકમાં બાવીસ કલાકારોનો કાફલો છે. તોતિંગ સેટ્સ ધરાવતા આ નાટક માટે છેલ્લા ૨૦ દિવસથી રિહર્સલ્સ પણ શરૂ કરવામાં આવ્યાં. ચાણક્યના જીવનકવન પર અગાઉ ‘વેન્સ્ડે’, ‘બેબી’, ‘સ્પેશ્યલ છબ્બીસ’ અને ‘એમ. એસ. ધોની’ જેવી અનેક સુપરહિટના ડિરેક્ટર-પ્રોડ્યુસર નીરજ પાંડે અજય દેવગનને લઈને ફિલ્મ બનાવવાનું ઑલરેડી અનાઉન્સ કરી ચૂક્યા છે. આજના ‘ચાણક્ય’નો શો નીરજ પણ જોવા આવે એવી સંભાવના છે. ‘ચાણક્ય’ના અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધારે શો થઈ ચૂક્યા છે.

entertainment news manoj joshi Rashmin Shah