12 September, 2023 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોભિતા ધુલિપલા
સોભિતા ધુલિપલાની ઇચ્છા છે કે તેને ‘ડૉન 3’ માટે ઑડિશન આપવું છે અને તેને રોમાનો રોલ કરવો છે. રોમાનો આ રોલ પ્રિયંકા ચોપડા જોનસે ભજવ્યો હતો. તાજેતરમાં જ ફરહાન અખ્તરે ‘ડૉન 3’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ જોવા મળવાનો છે. રિતેશ સિધવાણી સાથે મળીને તે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો છે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કોણ ઍક્ટ્રેસ છે એ જાણવા નથી મળ્યું. એથી સોભિતાની ઇચ્છા આ ફિલ્મમાં રોમાનો રોલ ભજવવાની છે. તે હાલમાં ફરહાનની બહેન ઝોયા અખ્તરની સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં તારાના રોલમાં જોવા મળી રહી છે. ‘ડૉન 3’માં કામ કરવા વિશે સોભિતાએ કહ્યું કે ‘મને ‘ડૉન 3’માં કામ કરવું ગમશે. ‘મેડ ઇન હેવન 2’માં કામ કર્યા બાદ અનેક લોકો મારી પાસે આવીને કહેતા હતા કે તારા ખૂબ શક્તિશાળી છે. તારાની એનર્જી રોમા જેવી છે. એથી એ સમાનતા પ્રશંસનીય છે. મને એ ફિલ્મો ગમી છે. રોમા તરીકે પ્રિયંકા છવાઈ ગઈ હતી. લોકો એમ વિચારે છે કે એ રોલ મારા પર સારી રીતે બંધ બેસે છે. એથી મને ‘ડૉન 3’નું ઑડિશન આપવું ગમશે. મને એવી ફિલ્મો કરવી ગમે છે જે મેં કરેલા રોલ કરતાં હટકે હોય. હું એવા રોલની શોધમાં હોઉં છું. મને ઍક્શન અને એવી ફિલ્મો જેમાં ડાન્સ અને કૉમેડી હોય એ કરવી ગમશે. લોકો મારા કામથી ચોંકી જાય એ મારી કરીઅરની સૌથી સુંદર બાબત રહેશે.’