'માઉન્ટેન મેન' દશરથ માંઝીના પરિવારની મદદે આવ્યો સોનુ સૂદ

25 July, 2020 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'માઉન્ટેન મેન' દશરથ માંઝીના પરિવારની મદદે આવ્યો સોનુ સૂદ

સોનુ સૂદ, દશરથ માંઝીનો પરિવાર

લૉકડાઉનમાં હજારો શ્રમિકોને વતન પહોંચાડવામાં મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર જરૂરિયારમંદની મદદે આવ્યો છે. આ વખતે અભિનેતા 'માઉન્ટેન મેન'ના નામથી લોકપ્રિય દશરથ માંઝીના પરિવારની મદદે આવ્યો છે. છેલ્લાં ઘણાં દિવસથી માંઝીનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે આ બાબતની જાણ એક યુઝરે ટ્વીટરના માધ્યમથી કરી હતી. સમાચારનું કટિંગ પોસ્ટ કરીને સોનુ સૂદને ટ્વીટમાં ટેગ કરવામાં આવ્યો હતો.

અંકિત રાજગઢિયા નામના ટ્વિટર યુઝરે દશરથ માંઝીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના સમાચારનું કટિંગ શૅર કર્યું હતું. સાથે જ સોનુ સૂદને ટ્વીટમાં ટેગ કર્યો હતો. લખ્યું હતું કે, સોનુ સૂદ સર, આ દશરથ માંઝી છે અને તેઓ માઉન્ટન મેનના નામથી જાણીતા છે. તેમણે પત્નીના પ્રેમ માટે પર્વતમાંથી રસ્તો કાઢ્યો હતો. આજે તેઓ એક-એક રૂપિયા માટે તરસી રહ્યા છે. તેમને તમારી મદદની જરૂર છે.

આ ટ્વીટ પર સોનુ સૂદે જવાબ આપ્યો હતો અને ક્હયું હતું કે, 'આજથી તંગી પૂરી, આજે જ થઈ જશે ભાઈ.'

બિહારના માઉન્ટન મેન તરીકે દશરથ માંઝી લોકપ્રિય છે. તેમણે પત્નીના મોત બાદ 22 વર્ષ સુધી પર્વત ખોદીને રસ્તો બનાવ્યો હતો. તેમણે એકલા હાથે હથોડી તથા છીણીની મદદથી 360 ફુટ લાંબા, 30 ફુટ પહોળા અને 25 ફુટ લાંબા પહાડને કાપીને રસ્તો બનાવ્યો હતો. તેમના આ કામથી પ્રભાવિત થઈને સરકારે તેમનું સન્માન કર્યું હતું. ફિલ્મ-મેકર કેતન મહેતાએ તેમના જીવન પર ‘માંઝીઃ ધ માઉન્ટન મેન’ નામની ફિલ્મ બનાવી હતી. સરકારે જિલ્લામાં દશરથ માંઝીના નામથી હોસ્પિટલ પણ બનાવી હતી. દશરથ માંઝીનું 2007માં 17 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું.

દશરથ માંઝીના દીકરા ભગીરથે કહ્યું હતું કે, થોડાં દિવસ પહેલાં રોડ અકસ્માતમાં તેમની દીકરીનાં હાથ-પગ તૂટી ગયા હતાં. પૈસા ના હોવાને કારણે યોગ્ય સારવાર થઈ શકી નહીં. સારવાર માટે હજારો રૂપિયાનું દેવું કરવામાં આવ્યું છે. સરકારી લાભના નામ પર માત્ર રાશન મળે છે અને તેમાંથી જ ઘરનું ગુજરાન ચાલે છે. ઈન્દિરા આવાસ યોજન હેઠળ ઘર મળશે તેવું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી ઘર મળ્યું નથી. ફિલ્મ પ્રોડ્યૂસરે રોયલ્ટી આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે પૈસા પણ આવ્યા નથી. તેમનો એક દીકરો ચેન્નઈની ફેક્ટરીમાં કામ કરતો હતો પરંતુ લૉકડાઉનને કારણે ફેક્ટરી બંધ થવાથી ઘરે આવી ગયો છે. પેન્શન પણ ઘણાં સમયથી બંધ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sonu sood manjhi: the mountain man