કાશીના નાવિકોની 'નૈયા' પાર લગાવી અભિનેતા સોનુ સૂદે

02 September, 2020 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાશીના નાવિકોની 'નૈયા' પાર લગાવી અભિનેતા સોનુ સૂદે

અભિનેતા સોનુ સૂદ

લૉકડાઉનની સાથે સાથે જ જો બીજા કોઈની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે વ્યક્તિનું નામ છે બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood). કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યક્તિ હોય અભિનેતા મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોચાડયા, રહેવા માટે ઘર આપ્યુ, બેરોજગારોને નોકરી આપી, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપ્યા, પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા સુધી દરેક પ્રકારની મદદ અભિનેતા કરે છે. હવે સોનુ સૂદ કાશીના નાવિકોની મદદે આવ્યો છે અને તેમને કરિયાણું પુરુ પાડયું છે.

વારાણસીમાં લૉકડાઉન અને પૂરને લીધે 350 નાવિકો અને તેમનો પરિવાર ભુખમરાની કગાર પર આવી ગયા હતાં. જેમની મદદ અભિનેતા સોનુ સૂદે કરી છે. ટ્વિટર પર જ્યારે વારાણસીનાં સામાજિક કાર્યકર્તા દિવ્યાંશુ ઉપાધ્યાયે મદદની ગુહાર લગાવી તો સોનૂ સૂદે તેમને મદદનો વિશ્વાસ અપાવ્યો હતો.

દિવ્યાંશુ ઉપાધ્યાયે સોનુ સૂદને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે, વારાણસીના 84 ઘાટોમાં 350 નૈયા ચલાવતા નાવિકો અને તેમનો પરિવારે આજે અનાજના એક દાણા માટે તરસે છે. હવે તમે જ તેમની છેલ્લી આશા છો. ગંગામાં આવેલા પૂરને લીધે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. કાશીમાં 15થી 20 દિવસ સુધી તેમના બાળકોને ભુખ્યા પેટે સુવુ ન પડે તે જોજો. આ ટ્વીટનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું હતું કે, વારાણસીના ઘાટોનો આ 350 પરિવાનો એકપણ સભ્ય આજ પછી ભુખ્યો નહીં સુવે. આજે જ મદદ પહોંચી જશે.

દિવ્યાંશુ ઉપાધ્યાયે કહ્યું હતું કે, સોનુ સૂદની ટીમ તરફથી તેમને તાત્કાલિક ફોન પણ આવી ગયો હતો જેમાં નાવિકોનાં પરિવારની લિસ્ટ માંગવામાં આવી હતી અને સાંજ સુધીમાં તો મદદ પણ પહોંચી ગઈ હતી. અમારા લોકો દ્વારા આ નાવિકોને થોડા દિવસ પહેલાં કરિયાણું આપવામાં આવ્યું હતું. પણ કામ કાજ સંપૂર્ણ બંધ હોવાને કારણે નાવિકોને પૈસાની ખુબ તંગી સર્જાઇ ગઇ છે. સોનુ સૂદે તાત્કાલિક મદદ કરી એટલે અમે તેમના ખુબ આભારી છીએ

entertainment news bollywood bollywood news sonu sood varanasi