21 May, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અચિંત કૌર
ઍક્ટ્રેસ અચિંત કૌરે ઘણા ટીવી-શો અને ફિલ્મોમાં ઍક્ટિંગ કરી છે. હાલમાં અચિંતે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે કામ આપવા માટેની વિનંતી કરી છે. અચિંતે વિડિયોમાં કહ્યું છે, ‘નમસ્તે બધાને, હું આશા રાખું છું કે તમે બધા સારું કરી રહ્યા છો. આ હૃદયથી એક નાની વિનંતી છે. હું એક ઍક્ટ્રેસ અને વૉઇસ-આર્ટિસ્ટ છું અને મારી પાસે વિવિધ પ્લૅટફૉર્મ્સ પર વર્ષોનો અનુભવ છે. હાલમાં હું ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી અને રોમાંચક તકની શોધમાં છું. શૉર્ટ ફિલ્મ્સ, ફિલ્મ્સ, સિરીઝ, તમામ પ્રકારનાં વૉઇસ-વર્ક, સોશ્યલ મીડિયા કોલૅબરેશન જેવું કંઈ પણ કામ હોય જે મૂળભૂત રીતે કંઈ પણ સર્જનાત્મક હોય તો એ બધું કરવા હું તૈયાર છું. જો તમે જાણતા હો કે કોઈ કાસ્ટિંગ કરી રહ્યું છે કે કોલૅબરેશન માટે તૈયાર છે તો કૃપા કરીને મને જણાવો, કારણ કે હું જોડાવા માટે ખૂબ ઉત્સાહી છું. એ ઉપરાંત મેં મારાં મૅનેજર તનુજા મેહરા અને મારાં સોશ્યલ મીડિયા મૅનેજર રેવા ખરે શર્માની વિગતો આપી છે. બસ, આટલું જ અને મને સાંભળવા અને હંમેશાં સમર્થન આપવા બદલ ખૂબ-ખૂબ આભાર.’
અચિંતે ‘કિટ્ટી પાર્ટી’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘જમાઈ રાજા’ જેવા ટીવી-શોમાં કામ કર્યું છે. તેણે ‘હોન્ટેડ 3D’, ‘હિરોઇન’, ‘2 સ્ટેટ્સ’, ‘કલંક’ જેવી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે.