05 October, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કજરા રે’માં ઐશ્વર્યા રાયનાં ડાન્સ-મૂવ્સ, અભિષેક અને અમિતાભ બચ્ચનની મસ્તી જોવા મળી હતી
અભિષેક બચ્ચન આજે પણ ‘બંટી ઔર બબલી’ના ‘કજરા રે’ને પોતાનાં સૌથી મજેદાર ગીતોમાંનું એક માને છે. આ આઇકૉનિક ગીતને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ‘કજરા રે’માં ઐશ્વર્યા રાયનાં ડાન્સ-મૂવ્સ, અભિષેક અને અમિતાભ બચ્ચનની મસ્તી જોવા મળી હતી. અભિષેક, ઐશ્વર્યા અને અમિતાભ પહેલી વાર આ ગીતમાં એકસાથે જોવા મળ્યાં હતાં. આ ગીતને પોતાનું ફેવરિટ ગણાવીને અભિષેકે કહ્યું હતું કે હું તો ‘કજરા રે 2.0’માં કામ કરવા તૈયાર છું, પણ હવે આ માટે તેના પિતા અમિતાભ અને પત્ની ઐશ્વર્યાને મનાવવાનું મુશ્કેલ સાબિત થઈ શકે છે.
હાલમાં આ ગીતના શૂટિંગને યાદ કરતાં અભિષેકે જણાવ્યું હતું કે ‘આ ગીતનું શૂટિંગ કોઈ કૉરિયોગ્રાફ કરવામાં આવેલી સીક્વન્સ કરતાં ડાન્સ-પાર્ટી જેવું વધુ હતું. મને નથી લાગતું કે મેં અન્ય કોઈ ગીતના શૂટિંગમાં આટલી મજા કરી હશે. એ સમયે સેટ પરનું વાતાવરણ એક મોટી અને ખુશહાલ પાર્ટી જેવું હતું. શૂટિંગ દરમ્યાન મારો જન્મદિવસ પણ હતો અને ટીમે એની ઉજવણી કરી હતી. ફિલ્મના ડિરેક્ટર શાદ અલીએ ગીતના શૂટિંગ માટે અલગ રીત અપનાવી હતી. તેમણે લગભગ ચાર કલાક સુધી ગીત વગાડ્યું અને તમામ કલાકારોએ સાથે મળીને ડાન્સ-પાર્ટી કરી હતી. આ દરમ્યાન શાદ અલીએ કલાકારોના મસ્તીભર્યાં ડાન્સ-મૂવ્સ અને એક્સપ્રેશન્સ કૅમેરામાં કેદ કર્યાં હતાં, એમાંથી ઘણા શૉટ્સનો બાદમાં ગીતમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.’