સલમાન ખાનના બીઇંગ હ્યુમન પર મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો અભિનવ કશ્યપે

22 June, 2020 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનના બીઇંગ હ્યુમન પર મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો અભિનવ કશ્યપે

અભિનવ કશ્યપે ફરી એક વાર સલમાન ખાન પર આરોપો વરસાવતાં તેના ‘બીઇંગ હ્યુમન’ને મની લૉન્ડરિંગ કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. સાથે જ તેણે કહ્યું કે ચૅરિટીના નામે લોકોને ઠગવામાં આવે છે. એ એકમાત્ર શો-ઑફ છે. અભિનવ કશ્યપે જ સલમાનની ‘દબંગ’ ડિરેક્ટ કરી હતી. ‘બીઇંગ હ્યુમન’ને લઈને અભિનવ કશ્યપે ફેસબુક પર લખ્યું હતું કે ‘સલીમ ખાનનો સૌથી મોટો આઇડિયા છે ‘બીઇંગ હ્યુમન’. ‘બીઇંગ હ્યુમન’ની ચૅરિટી માત્ર એક નર્યો દેખાડો છે. ‘દબંગ’નાં શૂટિંગ દરમ્યાન મારી નજર સામે પાંચ સાઇકલ બનતી હતી. બીજા જ દિવસે પેપરમાં છપાતું હતું કે દાનવીર સલમાન ખાને ૫૦૦ સાઇકલો ગરીબોને આપી. આ તમામ પ્રયાસ સલમાનની છબી સુધારવા માટેનો હતો, જેથી કરીને તેના તમામ ક્રિમિનલ કોર્ટ કેસીસમાં મીડિયા અને જજ તેને થોડી રાહત આપે. ‘બીઇંગ હ્યુમન’માં ૫૦૦ની જિન્સ ૫૦૦૦ રૂપિયામાં વેચાય છે. ખબર નહીં કેવી-કેવી રીતે ચૅરિટીના નામે મની લૉન્ડરિંગ થાય છે. ભોળીભાળી જનતાને છેતરીને તેમની પાસેથી નોટ ખંખેરવામાં આવે છે. તેમની ઇચ્છા કોઈને કંઈ આપવાની નથી, પરંતુ લેવાની છે. સરકારે ‘બીઇંગ હ્યુમન’ની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. હું સરકારને આ દિશામાં મદદ કરીશ.’

entertainment news bollywood bollywood news abhinav kashyap Salman Khan being human