03 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાને ૨૦૧૨માં ‘સત્યમેવ જયતે’ નામના શો સાથે ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. આ શો ભારતમાં પ્રવર્તતી સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ પાડતો હતો. આમિરે પોતાની કરીઅરનાં ચાર વર્ષ ‘સત્યમેવ જયતે’ને આપ્યાં હતાં. હાલમાં એક પૉડકાસ્ટમાં આમિરે જણાવ્યું હતું કે તેણે આ શો દ્વારા ઘણી કમાણી કરી હોવાની વાત સાવ ખોટી છે, ઊલટાનું તેને આ શોના કારણે સારુંએવું આર્થિક નુકસાન થયું હતું.
‘સત્યમેવ જયતે’ કરતી વખતે મેં જાહેરખબરોનાં પાંચ કરાર કૅન્સલ કર્યા હતા એમ જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘આ પ્રૅક્ટિકલ નિર્ણય નહોતો, પણ ત્યારે હું નહોતો ઇચ્છતો કે લોકો ટીવી પર મારી જાહેરાતો જુએ. જોકે જાહેરાતો કરવામાં કંઈ ખોટું નથી, એ પણ એક કામ છે. જોકે ‘સત્યમેવ જયતે’ કરતી વખતે મને લાગ્યું કે આ શો ખૂબ મહત્ત્વનો છે અને એ સમયે મારી કોઈ જ ઇમેજ ન હોવી જોઈએ. એક તરફ તે સ્ત્રીભ્રૂણહત્યાની વાત કરે છે અને બીજી તરફ કાર વેચે છે એવું લોકો બોલે એવું હું નહોતો ઇચ્છતો. મારા એ નિર્ણય પછી મેં મારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બિમલ પારેખને કહ્યું કે હું મારાં પાંચ એન્ડૉર્સમેન્ટ રદ કરવા ઇચ્છું છું. મને ભારે આર્થિક નુકસાન થયું, પણ મને મારા નિર્ણય પર ખાતરી હતી. મેં પાંચેય ક્લાયન્ટ્સની માફી માગી અને કહ્યું કે તેમનો કોઈ વાંક નથી, પણ મને એ ઇમોશનલી યોગ્ય નથી લાગતું. ખરેખર, મને ‘સત્યમેવ જયતે’માં ખૂબ પૈસાની દૃષ્ટિએ નુકસાન થયું, પણ હું એમાંથી જે શીખ્યો એ અમૂલ્ય છે.’