15 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
છેલ્લા કેટલાક સમયથી આમિર ખાનની નિવૃત્તિના સમાચાર ચર્ચામાં હતા. એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ વિશે વાત કરતાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ પછી તે કદાચ જ કામ કરી શકે. આમિરના આ નિવેદન પછી આ ફિલ્મ પછી તે રિટાયર થઈ જવાનો છે એવા સમાચાર વાઇરલ થયા હતા. હવે આમિરે સ્પષ્ટ કર્યું છે કે તેની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે મારો અભિનયથી દૂર થવાનો કોઈ પ્લાન નથી અને ‘મહાભારત’ મારી છેલ્લી ફિલ્મ નહીં હોય.
આમિર ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મહાભારત’ મારી છેલ્લી ફિલ્મ નથી થવાની. હવે સમસ્યા એ છે કે તમે કંઈ પણ બોલો એનો હંમેશાં ખોટો અર્થ કાઢવામાં આવે છે. મને પૂછવામાં આવ્યું હતું કે તમે એવી કઈ ફિલ્મ કરશો જેના પછી તમને કોઈ કામ કરવાનું મન નહીં થાય. એ સમયે મેં જવાબ આપ્યો હતો, ‘મહાભારત’માં એ શક્તિ છે કે જે કર્યા પછી કદાચ મારા મનમાં એ વિચાર આવે કે બસ, હવે થઈ ગયું. મેં પ્રશ્નના સંદર્ભમાં આ જવાબ આપ્યો હતો અને લોકોને લાગ્યું કે ‘મહાભારત’ મારી છેલ્લી ફિલ્મ છે. હકીકતમાં જવાબને યોગ્ય રીતે સાંભળવો જોઈએ.’