જાણો કેમ આમિર ખાને ટ્વિટ કરીને માગી માફી ?

04 September, 2019 08:21 PM IST  |  મુંબઈ

જાણો કેમ આમિર ખાને ટ્વિટ કરીને માગી માફી ?

બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાને તાજેતરમાં જ ટ્વિટર પર એક એવી પોસ્ટ કરી છે, જેના માટે લોકો તેમને માફ કરી રહ્યા છે. આમિરના આ ટ્વિટના કમેન્ટમાં લોકો તેમને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બનાવવા માટે માફ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આમિર ખાને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બનાવવા માટે માફી નથી માગી. તો પછી ઘટના શું છે ?

આમિર ખાને શ્વેતાંબર જૈન સમાજના મહાપર્વ પર્યુષણ સમાપ્ત થવા પર મિચ્છામી દુક્કડમનો સંદેશ લખ્યો હતો. મિચ્છામી દુક્કડમ ભગવાન મહાવીરે આપેલું સૂત્ર છે, જેનો અર્થ થાય છે છે,'તમામ સજીવો મને ક્ષમા કરે, હું બધાને ક્ષમા કરુ છું. બધા જ જીવો મારા મિત્ર છે, કોઈ સાથે દુશ્મની નથી.' આ સૂત્ર કહેવું એ તમે વર્ષ દરમિયાન કરેલા પાપનું પ્રાયશ્ચિત મનાય છે.

આમિર ખાને પોતાના ટ્વિટમાં લખ્યું છે,'મિચ્છામી દુક્ડમ, જો મેં ક્યારેય જાણી જોઈને કે અજાણ પણે કોઈને તકલીફ આપી હોય કે દુઃખ પહોંચાડ્યું હોય, તો હું નતમસ્તકે હાથ જોડીને માફી માગુ છું. મહેરબાની કરીને મને માફ કરો.' આ મેસેજ બાદ કેટલાક ફેન્સ આમિર ખાનને ટ્રોલ કરી રહ્યા છે. આમિરના આ ટ્વિટ નીચે એક યુઝરે લખ્યું,'ચલો ઠીક છે, માફ કર્યા. પરંતુ બીજી વાર ઠગ્સ ઓફ હિન્દોસ્તાન જેવી બકવાસ ફિલ્મ ન બનાવતા.'

તો અન્ય એક યુઝરે લખ્યું,'ચલો જવા દો, ભૂલ તો બધાથી થાય છે, પણ જે ભૂલ માને તે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ છે.' બીજા એક વ્યક્તિએ કમેન્ટ કર્યું છે કે,'હું તમને માફ નહીં કરું, કારણ કે તમે સંપૂર્ણ છો.'

ઉલ્લેખનીય છે કે 2018માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં આમિરે અમિતાભ બચ્ચન સાથે પહેલીવાર કામ કર્યું હતું. મોટા બજેટમાં બનેલી આ મેગાસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે કાંધ પછડાઈ હતી. ફિલ્મને વિજય કૃષ્ણ આચાર્ય એ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચનની સાથે સાથે કેટરીના કૈફ, ફાતીમા સના શેખ પણ લીડ રોલમાં હતા.

aamir khan amitabh bachchan bollywood thugs of hindostan katrina kaif