23 January, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર અને ગૌરીની ફાઇલ તસવીર
આમિર ખાને પોતાની ૬૦મી વર્ષગાંઠના દિવસે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટનો ફૅન્સ સાથે પરિચય કરાવ્યો હતો. હવે ખબર પડી છે કે આમિર અને ગૌરીએ તેમના નવા ઘરમાં એકસાથે રહેવાનું શરૂ કરી દીધું છે. આમિરના જીવનમાં ગૌરીના આગમન પછી ફૅન્સ સતત સવાલ કરી રહ્યા હતા કે શું આમિર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ત્રીજાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે? ફૅન્સના આ સવાલોનો જવાબ આપતાં આમિરે રસપ્રદ ખુલાસો કર્યો છે.
આમિરે આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે, ‘ગૌરી અને હું એકબીજા માટે ખૂબ જ સિરિયસ છીએ અને અમારો સંબંધ બહુ મજબૂત છે. અમે કમિટેડ છીએ, અમે પાર્ટનર છીએ અને સાથે છીએ. લગ્નની વાત કરીએ તો દિલથી તો હું પહેલેથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. લગ્નને ઔપચારિક રૂપ આપવું કે નહીં એનો નિર્ણય હું સમય આવશે ત્યારે કરીશ.’