...તો માધુરી દીક્ષિત માધુરી શ્રીરામ નેને નહીં, માધુરી સુરેશ વાડકર હોત!

08 January, 2020 03:05 PM IST  |  Mumbai | Ashu Patel

...તો માધુરી દીક્ષિત માધુરી શ્રીરામ નેને નહીં, માધુરી સુરેશ વાડકર હોત!

માધુરી દીક્ષિત

યસ, જાણીતા ગાયક સુરેશ વાડકરે માધુરી દીક્ષિતને રિજેક્ટ કરી હતી! માધુરી દીક્ષિત કેટલાય દાયકાઓથી કરોડો ભારતીય પુરુષોની ડ્રીમગર્લ રહી છે, પણ સાડાત્રણ દાયકા પૂર્વે સુરેશ વાડકરે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ વાત લગભગ સાડાત્રણ દાયકા જૂની છે. માધુરી દીક્ષિત અભિનયક્ષેત્રે આગળ વધવા માગતી હતી, પરંતુ બીજા બધા પેરન્ટ્સની જેમ માધુરી દીક્ષિતનાં માતા-પિતાને પણ ચિંતા થઈ રહી હતી કે માધુરીની ઉંમર મોટી થઈ જશે તો પછી તેને કોઈ સારો છોકરો નહીં મળે એટલે તેઓ ચિંતિત બનીને માધુરી માટે છોકરા શોધી રહ્યા હતા. એ દરમ્યાન તેમને કોઈકે સુરેશ વાડકરનું નામ સૂચવ્યું. તેમણે માધુરી માટે સુરેશ વાડકરનું માગું નાખ્યું. સુરેશ વાડકરના કુટુંબ સાથે માધુરીના કુટુંબની મુલાકાત યોજાઈ, જેમાં સુરેશ વાડકરે માધુરીને જોઈને જ રિજેક્ટ કરી દીધી હતી.

એ રિજેક્શનથી માધુરી દીક્ષિતને તો બહુ ફરક ન પડ્યો, પરંતુ તેનાં માતા-પિતાને બહુ આઘાત લાગ્યો, કારણ કે તેમને ચિંતા થતી હતી કે માધુરીનું શું થશે. તેમણે પછી કારણ જાણવા માગ્યું કે શા માટે સુરેશ વાડકરે માધુરીને રિજેક્ટ કરી. સુરેશ વાડકરે એવું કારણ આપ્યું, ‘તમારી દીકરી બહુ પાતળી છે, એટલે હું તેની સાથે લગ્ન નહીં કરી શકું.’

એ સમય દરમ્યાન સુરેશ વાડકર વિખ્યાત ગાયક બની ચૂક્યા હતા. તેમણે ગાયક તરીકે હિન્દી ફિલ્મોમાં ૧૯૭૭થી ગાવાનું શરૂ કરી દીધું હતું અને માધુરી માટે તેમનું માગું નખાયું ત્યાં સુધીમાં ગાયક તરીકે તેમની એક ડઝનથી વધુ ફિલ્મો આવી ચૂકી હતી. એમાં તેમની ‘પ્રેમરોગ’, ‘સદમા’, ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી અનેક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ ચૂકી હતી અને તેઓ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ગાયક તરીકે પોતાનું આગવું સ્થાન જમાવી ચૂક્યા હતા.

બીજી બાજુ માધુરીએ પણ હિરોઇન તરીકે કરીઅર શરૂ કરી દીધી હતી, પણ તેની કરીઅર ટેકઑફ નહોતી થઈ રહી. માધુરી દીક્ષિતે એ દરમ્યાન રાજશ્રી ફિલ્મ્સની ‘અબોધ’ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી (એના ડિરેક્ટર હિરેન નાગ હતા અને માધુરીએ ગૌરીનું પાત્ર ભજવ્યું હતું).

માધુરી દીક્ષિતને રિજેક્ટ કર્યા પછી સુરેશ વાડકરે ૧૯૮૮માં કેરળની વતની પદ્‍મા સાથે લગ્ન કર્યાં હતાં અને ૧૯૮૮માં જ માધુરી દીક્ષિતની ‘તેજાબ’ ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ હતી. એ ફિલ્મમાં મોહિનીના રોલ થકી માધુરીનું નામ સુનામીની જેમ આખા દેશમાં ફરી વળ્યું હતું. એ વખતે કદાચ સુરેશ વાડકરને અફસોસ થયો હોઈ શકે. જોકે તેઓ તેમની પત્ની પદ્‍મા સાથે ખુશ હતા. તેમની પત્ની પણ શાસ્ત્રીય ગાયક છે. પદ્‍મા સાથેના લગ્નજીવનમાં સુરેશ વાડકરને બે દીકરીઓ થઈ તો માધુરી દીક્ષિતનાં લગ્ન પછી અમેરિકાસ્થિત એનઆરઆઇ ડૉક્ટર શ્રીરામ નેને સાથે થયાં અને માધુરી પણ પોતાના લગ્નજીવનમાં ખુશ છે. ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે ૧૯૯૯માં લગ્ન કર્યા પછી માધુરીને પણ બે સંતાનો થયાં. ૧૨ વર્ષ અમેરિકામાં રહ્યા પછી માધુરી પતિ અને સંતાનો સાથે ૨૦૧૧માં ફરી મુંબઈ આવી ગઈ હતી.

માધુરી દીક્ષિતના જીવનમાં આ સિવાય પણ ઘણાંબધાં રિજેક્શન્સ આવ્યાં છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.
બાય ધ વે બે દાયકા અગાઉ માધુરી દીક્ષિતની સગાઈ ડૉક્ટર શ્રીરામ નેને સાથે થઈ એ બ્રેકિંગ ન્યુઝ સૌપ્રથમ આ લેખકે વાચકો સામે મૂક્યા હતા.

madhuri dixit bollywood news