શાહરુખ ખાને એક રાત જેલમાં વિતાવી હોવાનો કર્યો ખુલાસો

27 October, 2019 10:55 AM IST  |  મુંબઈ

શાહરુખ ખાને એક રાત જેલમાં વિતાવી હોવાનો કર્યો ખુલાસો

શાહરુખ ખાન સાથે ઍસિડ-વિક્ટિમ્સ

શાહરુખ ખાને અમેરિકન હૉસ્ટ ડૅવિડ લેટરમેનનાં ટૉક -શો ‘ઓન માય નેક્સ્ટ ગેસ્ટ’માં ખૂલાસો કર્યો હતો કે તે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે શરૂઆતનાં દિવસોમાં તેણે એક રાત જેલમાં વિતાવી હતી. તેનું કહેવુ હતું કે એક મૅગેઝિનનાં એડિટરે ખોટા સમાચાર છાપ્યા હતાં અને સાથે જ તેની કો-સ્ટાર સાથે તેનાં રિલેશન હોવાની વાત પણ છાપી હતી. આ આખાય પ્રકરણ પર પ્રકાશ પાડતા શાહરુખે કહ્યું હતું કે ‘હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો હતો અને દરેક સમાચાર પર રિએક્ટ કરતો હતો. એ વખતે સોશ્યલ મીડિયાનું ચલણ નહોતુ એ એક સારી બાબત હતી. ફક્ત મૅગેઝિન અને અન્ય સામગ્રીઓ હતી. મારા વિશે છાપવામાં આવેલા સમાચાર પર હું ખૂબ ગુસ્સે થયો હતો. મેં તે એડિટરને કૉલ કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે તે મારા વિશે આવુ બધુ કેમ છાપ્યું. તેણે મને કહ્યું હતું કે સાંભળ તું શાંત થા. એ બધુ માત્ર જૉક હતો. એથી મેં તેને કહ્યું કે મને તો એમાં કંઈ ફની નથી દેખાયુ. બાદમાં હું તેની ઑફિસે ગયો હતો. મેં તેની સાથે ખૂબ ગેરવર્તન કર્યું હતું.’

આ ઘટના બાદ પોતાની ધરપકડ થઈ એ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘હું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. પોલીસ આવ્યા તેમણે શાંતિથી બેસીને મને કહ્યું કે તેમણે મને કેટલાક સવાલો પૂછવા છે. મેં તેમને કહ્યું કે શું તમે ચાહો છો કે હું પૅક-અપ કરી લઉં અને મારી કારમાં આપણે ચૅટ કરીએ? કારણ કે એ વખતે મને એમ જ લાગતુ હતું કે જે પણ મને મળવા આવે છે એ બધા મારા ફૅન્સ જ હોય છે. તેમણે કહ્યું ના તું અમારી કારમાં અમારી સાથે ચાલ. તેઓ મને નાનકડી જેલમાં લઈ ગયા જ્યાં અજીબ ચહેરાઓ તાકી રહ્યા હતાં. એ ખરેખર ખૂબ જ ખરાબ હતું.’

જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ એ એડિટરને કૉલ કરીને શાહરુખે કહ્યું હતું કે ‘હું હવે જેલમાં છું અને હું હવે નથી ગભરાતો. હવે તારે મારાથી સાવચેત રહેવાની જરૂર છે.’

આ પણ વાંચો : મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં નજર આવ્યા સિતારાઓ, જુઓ તસવીરો

શાહરુખનું મીર ફાઉન્ડેશન ૧૨૦ ઍસિડ-વિક્ટિમ્સની કરી રહ્યું છે સારવાર

શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન ઍસિડ હુમલાનો શિકાર બનેલા ૧૨૦ પીડિતોને સારવાર આપી રહ્યું છે. શાહરુખે આ સંસ્થા ૨૦૧૩માં સ્થાપી હતી. સંસ્થાનું નામ તેના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ફાઉન્ડેશન ઍસિડ હુમલાના પીડિતોના કલ્યાણ માટે કામ કરે છે. તેમને ટ્રીટમેન્ટ આપવાથી માંડીને તેમને જૉબ અને અન્ય સુવિધાઓ પણ આ સંસ્થાના માધ્યમથી આપવામાં આવે છે. સાથે જ જરૂરિયાતમંદ બાળકોને પણ વિવિધ પ્રકારે મદદ કરવામાં આવે છે. આ ઍસિડ હુમલાના પીડિતો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી, ‘આ પહેલ માટે થૅન્ક યુ મીર ફાઉન્ડેશન. બેસ્ટ ઑફ લક અને એ ૧૨૦ મહિલાઓના સારા સ્વાસ્થ્યની કામના કરું છું જેમની સર્જરી ચાલી રહી છે. સાથે જ એ તમામ ડૉક્ટર્સનો પણ આભાર જેઓ અમને આ નેક કામમાં મદદ કરી રહ્યા છે.’

Shah Rukh Khan bollywood news entertaintment