Sacred Games 2ના કારણે UAEનો આ વ્યક્તિ મુકાયો મુશ્કેલીમાં

20 August, 2019 08:08 PM IST  |  મુંબઈ

Sacred Games 2ના કારણે UAEનો આ વ્યક્તિ મુકાયો મુશ્કેલીમાં

નેટફ્લિક્સે 15 ઓગસ્ટે સેક્રેડ ગેમ્સ 2 રિલીઝ કરી હતી. બીજી સિઝનની લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા દર્શકોએ એ જ રાત્રે આખી સિરીઝ જોઈ નાખી. જો કે બીજી સિઝનની ખૂબ જ ટીકા થઈ છે, પરંતુ આ ઉપરાંત નેટફ્લિક્સે એવી ભૂલ કરી નાખી, જેના કારણે કંપનીએ યુએઈના એક વ્યક્તિની માફી માગવી પડી છે.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સેક્રેડ ગેમ્સ 2 રિલીઝ થયા બાદ શારજાહમાં રહેતા એક ભારતીય વ્યક્તિને સતત ફોન આવવા લાગ્યા હતા. કૉલ કરનાર લોકો તેને ઈસા વિશે પૂછી રહ્યા હતા, જે સેક્રેડ ગેમ્સનું એક પાત્ર છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં અંડરવર્લ્ડ ડોન ઈસાનો જે નંબર બતાવાયો છે, તે સંજોગોવશાત યુએઈમાં રહેતા આ વ્યક્તિનો છે. સિરીઝમાં જેવો આ નંબર દર્શાવાયો કે લોકો તેના પર ફોન કરવા લાગ્યા. આ વ્યક્તિનું નામ કુન્હદુલ્લા છે, જે મૂળ કેરળનો છે. ભૂલથી નેટફ્લિક્સે આ નંબર સબ ટાઈટલ્સમાં પણ દર્શાવ્યો હતો, જેને કારણે કુન્હદુલ્લા મુશ્કેલીમાં મુકાઈ ગયો.

ગલ્ફ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કુન્હદુલ્લાએ પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું કે તેને ભારત, નેપાળ, પાકિસ્તાન અને યુએઈથી ફોન આવી રહ્યા છે, ફોન કરનાર લોકો તેને ઈસા વિશે પૂછી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ નેટફ્લિક્સે માફી માગી છે. મીડિયા હાઉસને આપેલા સત્તાવાર નિવેદનમાં નેટફ્લિક્સે કહ્યું કે આ બાબતની જાણ થતાં જ તાત્કાલિક નંબર હટાવી દેવાયો છે.

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

ઉલ્લેખનીય છે કે સેક્રેડ ગેમ્સની આ સિઝનમાં નવાઝુદ્દિન સિદ્દિકી, સૈફ અલી ખાન, પંકજ ત્રિવાઠી, સુરવીન ચાવલા, સમીર કોચર, આમિર બસી અને એલનાઝ નૌરોજી લીડ રોલમાં છે. સેક્રેડ ગેમ્સ ભારતમાં રિલીઝ થનારી પહેલી ઓરિજિનલ સિરીઝ છે.

netflix pankaj tripathi nawazuddin siddiqui surveen chawla saif ali khan