Saaho Movie Review:ઍક્શનનો આઇટમ-બૉમ્બ સ્ટોરીનું સુરસુરિયું

31 August, 2019 08:04 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

Saaho Movie Review:ઍક્શનનો આઇટમ-બૉમ્બ સ્ટોરીનું સુરસુરિયું

સાહોનું સૂરસુરિયુ

‘બાહુબલી’નો બીજો પાર્ટ આવ્યાનાં બે વર્ષ બાદ પ્રભાસની ‘સાહો’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણી આશા હતી કે છે, પરંતુ એના પર એ ખરી નથી ઊતરતી. ઇન્ડિયાની સૌથી ધમાકેદાર ઍક્શન ફિલ્મ તરીકે એને પ્રમોટ કરવામાં આવી છે. આ ફિલ્મને તમિળ, તેલુગુ અને હિન્દીમાં એકસાથે શૂટ કરવામાં આવી હતી અને મલયાલમમાં એને ડબ કરવામાં આવી છે.

કહાની...

ફિલ્મમાં સ્પેશ્યલ પોલીસ ઑફિસર અશોક ચક્રવર્તીનું પાત્ર ભજવતો પ્રભાસ ચોરને પકડવા નીકળે છે. તેની કામ કરવાની સ્ટાઇલ અલગ હોય છે. ફિલ્મમાં એક ફિક્શન શહેર વાજી દેખાડવામાં આવ્યું છે. આ એક ફ્યુચરિસ્ટિક શહેર હોય છે જેને રૉય્સ ગ્રુપ (જૅકી શ્રોફ) દ્વારા ચલાવવામાં આવતું હોય છે. દુનિયાની સૌથી ખતરનાક ક્રિમિનલ સિન્ડિકેટનો એ લીડર હોય છે. ચોર-પોલીસની લડાઈમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર પ્રેમમાં પડે છે. શ્રદ્ધા પણ પોલીસ-ઑફિસર હોય છે અને તે પ્રભાસ સાથે મળીને ચોરને પકડવા નીકળે છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આવતાં રહે છે.

કહાની... કહીં ખો ગઈ

ફિલ્મની શરૂઆત એક ખતરનાક ક્રિમિનલ સિન્ડિકેટથી થાય છે અને એનો લીડર જૅકી શ્રોફને દેખાડવામાં આવે છે. રૉયનું પાત્ર ભજવતો જૅકી શ્રોફનો સ્વૅગ ખૂબ જ જોરદાર છે, પરંતુ તે ફક્ત થોડી મિનિટનો મહેમાન હોય છે. તેનું એક અકસ્માતમાં મૃત્યુ થાય છે અને ત્યાંથી શરૂ થાય છે ચોર-પોલીસની લડાઈ. ક્રિમિનલ સિન્ડિકેટ અને આ ચોર-પોલીસની લડાઈ વચ્ચે કોઈ સંબંધ નથી હોતો અને છતાં ફિલ્મ આગળ વધતી રહે છે. ૧૭૪ મિનિટની લાંબી ફિલ્મમાં ઇન્ટરવલ સુધી ડિરેક્ટર સુજિત શું કહેવા માગે છે એ સમજવું મુશ્કેલ છે. ચોર-પોલીસ બેમાંથી કોણ સાચું અને કોણ ખોટું એ માટે પણ કન્ફ્યુઝન ક્રીએટ કરવામાં આવ્યું છે. પોલીસ-ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા પ્રભાસની એન્ટ્રી ખૂબ જ કંગાળ છે. ‘બાહુબલી’ના ધમાકેદાર પર્ફોર્મન્સ બાદ સિંહની ગર્જના સાથે એન્ટ્રી પાડે એવી આશા સાથે દર્શકો ફિલ્મ જોવા જાય તો અહીં તમારે નિરાશાનો સામનો કરવો પડશે. તેની એન્ટ્રી સાથે જ ઍક્શનની શરૂઆત થાય છે. જોકે આ ઍક્શનમાં સ્ટોરી ખોવાઈ જાય છે. ડિરેક્ટર અને પ્રોડ્યુસરે ઍક્શન પાછળ ખૂબ ધ્યાન આપ્યું છે, પરંતુ એટલું જ ધ્યાન સ્ટોરીને ક્રીએટ કરવામાં આપ્યું હોત તો ફિલ્મ એક અલગ લેવલ પર પહોંચી હોત. ફિલ્મની ઍક્શન અને રોમૅન્સને સ્ટોરી સાથે સારી રીતે સિન્ક કરવામાં નથી આવી. સ્ટોરીમાં જેટલો પ્રૉબ્લેમ છે એટલો જ પ્રૉબ્લેમ ડિરેક્શનમાં પણ છે. સુજિતે ૨૦૧૪માં આવેલી ‘રન રાજા રન’ ડિરેક્ટ કરી હતી. ત્યાર બાદ તેણે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ડિરેક્શનને કારણે પણ ફિલ્મ એકદમ કંટાળાજનક લાગે છે તેમ જ ફિલ્મનો સ્ક્રીનપ્લે ખૂબ જ નબળો છે. ફિલ્મની સ્ટોરીને થોડી ફાસ્ટ બનાવી એને ટૂંકી કરી શકાઈ હોત. ઇન્ટરવલ બાદ ફિલ્મો થોડી ફાસ્ટ ચાલે છે, પરંતુ એમાં મોટા ભાગની ઍક્શન જ છે. સ્ટોરીમાં ૧૦ મિનિટ થઈ ગઈ, ચાલો ઍક્શનનો ઉમેરો કરો. ત્યાર બાદ ફરી ૧૦ મિનિટ બાદ રોમૅન્સનો ઉમેરો કરો. આ પ્રકારે ૧૭૪ મિનિટ પૂરી કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડિરેક્શન અને એડિટિંગ સાથે કોઈ લેવા-દેવા નહીં હોય અને ફક્ત ઍક્શનપ્રેમી દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી હોય એવું લાગે છે.

રોમૅન્સને માર ડાલા

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર વચ્ચેનો રોમૅન્સ ખૂબ વિચિત્ર છે. તેમની વચ્ચે કોઈ કેમૅસ્ટ્રી નથી. લવ-સૉન્ગમાં પણ પ્રભાસના ઍક્સપ્રેશન એવાં હોય છે કે તેની પાસે જબરદસ્તીથી ડાન્સ કરાવવામાં આવી રહ્યો હોય તેમ જ તેનાં ડાન્સ-સ્ટેપને કારણે પણ લવ-સૉન્ગ જોવાની મજા નથી આવતી. જૅકલિન ફર્નાન્ડિસ અને પ્રભાસનું ગીત ‘બૅડ બૉય’ પણ એટલું જ નિરાશાજનક છે. જૅકલિનને ગ્લૅમર દેખાડવા માટે લાવવામાં આવી છે જે તેણે ખૂબ જ સારી રીતે કર્યું છે, પરંતુ ગીતના બૅકગ્રાઉન્ડમાં ટૅન્ક અને બંદૂક ચલાવતી દેખાડવી તેમ જ ટૅન્ક દ્વારા કારનો કચ્ચરઘાણ કરવો એ લૉજિક બહારની વસ્તુ છે. ફિલ્મમાં પ્રભાસ રોમૅન્સ કરતાં શ્રદ્ધાને ડોમિનેટ કરતો હોય એવું વધુ લાગે છે.

ઍક્શન-એ-બહાર

ઍક્શનથી ભરપૂર આ ફિલ્મને ઇન્ટનૅશનલ સ્ટન્ટ ડિરેક્ટર પેન્ગ ઝેન્ગ અને કેની બૅટ્સ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમને ઇન્ડિયન સ્ટન્ટ માસ્ટર્સનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. ફિલ્મમાં ઘણાં દિલધડક દૃશ્યો છે, જેમાં દર્શકો રોમાંચનો અનુભવ કરી શકે છે. જોકે કેટલાંક લૉજિક વગરનાં દૃશ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક દૃશ્યમાં શ્રદ્ધા હેલિકૉપ્ટરમાંથી નીચે પડી રહી છે. પ્રભાસ જેટ-સૂટ પહેરીને તેને બચાવવા જાય છે. જોકે આ જેટ-સૂટ બગડી જતાં તે તેને હવામાં જ કાઢી નાખે છે અને છતાં શ્રદ્ધા પાસે પહોંચ્યા બાદ તેઓ પાણીમાં પડે છે. જોકે પાણીમાં જ પાડવું હોય તો પ્રભાસ પાસે જેટ-સૂટ શું કામ પહેરાવડાવ્યું? અને જો એ પહેર્યું તો એ બગડી જાય એ દેખાડવા પાછળનું લૉજિક સમજની બહારનું છે. ફિલ્મ જોવા માટે જો કોઈ એક રિઝન હોય તો એ છે એની ઍક્શન અને એ સિવાય ફિલ્મમાં બીજું કંઈ જ નથી.

જોરદાર ઍક્ટર્સને વેડફી નાખવામાં આવ્યા

‘સાહો’માં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે, જૅકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, મુરલી શર્મા, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ટીનુ આનંદનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રભાસની હિન્દી ડાયલૉગ-ડિલિવરી ઘણી ખરાબ છે. તેને ડાયલૉગ બોલતાં સાંભળવો જરા પણ નથી ગમતું. ‘બાહુબલી’ જેવી એક ટકા પણ ફીલિંગ નથી આવતી. શ્રદ્ધા કપૂર પણ પોલીસ-ઑફિસરની જગ્યાએ શોભાની પૂતળી દેખાડવામાં આવી છે. ‘બાગી’માં તેને ઍક્શન કરતી જોયા બાદ આ ફિલ્મમાં તેની પાસેથી વધુ આશા રાખવામાં આવી હતી, પરંતુ એ પણ સ્ટોરીને કારણે ધોવાઈ ગઈ. જૅકી શ્રોફનું પાત્ર ખૂબ જ નાનું છે તો ટીનુ આનંદ, મહેશ માંજરેકર અને નીલ નીતિન મુકેશ પાસે પણ ડિરેક્ટર કામ નથી કઢાવી શક્યા. ત્રણેય વિલનના પાત્રમાં જોરદાર અભિનય કરી ચૂક્યા છે, પરંતુ ‘સાહો’માં ફક્ત નિરાશા છે. ગ્રૅન્ડ ફિલ્મ છે એ દેખાડવા પૂરતા આ ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે. ચંકી પાંડેનું પાત્ર થોડું સારું છે. તે વિલનના પાત્રમાં જામે છે, પરંતુ થોડાં દૃશ્યોને બાદ કરતાં તેની પાસે પણ વધુ કામ નથી. મંદિરા બેદીએ રૉય ગ્રુપની લીગલ એડ્વાઇઝરનું પાત્ર ભજવ્યું છે અને તે હંમેશાં સાડીમાં જોવા મળી છે. મહિલા સશક્તીકરણનો એક ડાયલૉગ તેની પાસે બોલાવડાવવામાં આવ્યો છે.

‘સાહો’ને ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. જોકે એ તમામ બજેટ ક્યાં ગયું એ માટે ફિલ્મને જોયા બાદ સવાલ ઊભો થાય છે. બૉલીવુડમાં અત્યાર સુધીના સૌથી સારાં ચેઝ સીક્વન્સમાંની આ એક ફિલ્મ છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને લોકેશનની પાછળ ખૂબ જ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. સિનેમૅટોગ્રાફીને કારણે દર્શકોને વિઝ્યુઅલ ડિલાઇટ મળી રહેશે.

આ પણ વાંચોઃ તમારા ખિસ્સાને હળવા કરવા આવી રહ્યો છે પ્રભાસ, જાણો કેમ

આખરી સલામ

આ ફિલ્મ તેની ઍક્શનને કારણે એક વાર જોવી હોય તો જોઈ શકાય છે. કોઈ પણ અપેક્ષા સાથે ફિલ્મ જોવા જશો તો નિરાશા જ મળશે અને એ માટે તૈયાર રહેવું.

prabhas entertaintment saaho shraddha kapoor movie review