Netflixની લિટલ થિંગ્સ 3માં આ વખતે નવું શું છે?

16 October, 2019 01:58 PM IST  |  અમદાવાદ

Netflixની લિટલ થિંગ્સ 3માં આ વખતે નવું શું છે?

ધ્રુવ વત્સ અને કાવ્યા કુલકર્ણી

ધ્રુવ વત્સ નામનો છોકરો અને કાવ્યા કુલકર્ણી નામની છોકરી મુંબઈમાં લિવ-ઇન રિલેશનશિપમાં એક છત નીચે રહે છે. બન્ને વચ્ચે સવારથી લઈને રાત સુધી થતી નાની-નાની નોંકઝોંક, મતભેદ, કરીઅર અને ઇચ્છાઓને લઈને મતભેદ આ બધું જ ૨૦૧૬માં ડિજિટલ કંપની ‘પૉકેટ એસિસ’ની ચૅનલ ડાઇસ મીડિયા પર ‘લિટલ થિંગ્સ’ નામની વેબ-સિરીઝરૂપે રજૂ થયું. એ પાંચ એપિસોડ એટલા જાણીતા થયા કે સૌથી મોટા સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સે ફ્રૅન્ચાઇઝી ખરીદી લીધી અને એ તથા એની બીજી સીઝનના આઠ એપિસોડ ૨૦૧૮માં નેટફ્લિક્સ પર રિલીઝ થયા.

આ ‘લિટલ થિંગ્સ’ની ત્રીજી સીઝન ‘લિટલ થિંગ્સ ૩’ આવતા મહિને ૯મી નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ધ્રુવ વત્સનું પાત્ર ધ્રુવ સહગલ અને કાવ્યાનું પાત્ર મિથિલા પાલકર ભજવે છે. આ બન્ને નામો આજે વેબ-જગતમાં અત્યંત જાણીતાં છે. બીજી સીઝનમાં કાવ્યા અને ધ્રુવ રોજબરોજના પ્રશ્નોની સાથે પોતાની સ્વતંત્ર ઓળખ શોધી રહ્યાં હતાં, જ્યારે આવનારી સીઝનમાં તેમની વચ્ચે ડિસ્ટન્સ ઊભું થશે અને એનાથી તેઓ ડીલ કરશે. વાત એમ છે કે ત્રીજી સીઝનમાં ધ્રુવ પોતાની કરીઅરનું સપનું પૂરું કરવા બૅન્ગલોર શિફ્ટ થશે અને કાવ્યા મુંબઈ રહેશે. અત્યાર સુધી બન્નેના સંબંધમાં સાથે રહેવું એ સ્ટ્રગલ હતી, હવે તેઓ બન્ને વચ્ચેના અંતર સાથે ડીલ કરશે.

મરાઠી અભિનેતા અભિષેક ભાલેરાવનો મહત્ત્વનો રોલ, બૅન્ગલોર ગયેલા ધ્રુવનો ક્લાસમેટ બનશે

રુચિર અરુણ અને સુમિત અરોરાએ ડિરેક્ટ કરેલી ‘લિટલ થિંગ્સ ૩’માં મરાઠી અભિનેતા અભિષેક ભાલેરાવ મહત્ત્વના રોલમાં છે. અભિષેક ઍડ ફિલ્મો ઉપરાંત ‘યે હૈ મોહબ્બતેં’, ‘પીઓડબલ્યુ બંદી યુદ્ધ કે’ તથા નેટફ્લિક્સની જ ઓરિજિનલ ફિલ્મ ‘ચૉપ્સ્ટિક્સ’માં દેખાઈ ચૂક્યો છે. ‘ચૉપ્સ્ટિક્સ’માં અભય દેઓલની સાથે ‘લિટલ થિંગ્સ’માં કાવ્યા બનતી મિથિલા પાલકર લીડ રોલમાં હતી. એ રીતે મિથિલા અને અભિષેકની આ બીજી ફિલ્મ છે. મિડ-ડે સાથે વાત કરતાં અભિષેક કહે છે કે ‘મારું પાત્ર ધ્રુવ (ધ્રવ સહગલ)ના ક્લાસ-મેટ અને રૂમ-મેટ મૂર્તિ નામના સાઉથ ઇન્ડિયનનું છે. બીજી સીઝનના અંતે ધ્રુવ બહાર ભણવા (બૅન્ગલોર) જાય છે ત્યાં હું તેને મળું છું.’

આ પણ વાંચો : Bigg Boss 13: બિગ બૉસનું ઘર બન્યું જંગનું મેદાન, શહનાઝ અને પારસ વચ્ચે આવી દેવોલીના

અભિષેકે જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં એક ઍડ ફિલ્મ ફેમસ થયા પછી તેને ‘નેટફ્લિક્સ’ની ચાર ફિલ્મની ઑફર આવી હતી, જેમાંથી ‘ચૉપ્સ્ટિક્સ’ આવી ગઈ અને ‘લિટલ થિંગ્સ’ તૈયાર છે અને બે બાકી છે.

netflix television news