જયેશભાઈ, જોરદાર ટ્રાફિક જૅમ કરાવ્યો તમે તો...

13 January, 2020 07:39 AM IST  |  rajkot | rashmin shah

જયેશભાઈ, જોરદાર ટ્રાફિક જૅમ કરાવ્યો તમે તો...

પોતાની પહેલી ફિલ્મ સીધી રણવીર સિંહ સાથે ડિરેક્ટ કરનારા ગુજરાતી ઍક્ટર ટર્ન્ડ ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે, જે પૈકી ગઈ કાલે આખું યુનિટ અમદાવાદ-કચ્છ નૅશનલ હાઇવે પર સૂરજબારીના પુલ પાસે શૂટ કરતું હતું. શૂટને કારણે નૅશનલ હાઇવે પર એક સાઇડ બ્લૉક કરવામાં આવતાં હાઇવે પર ટ્રાફિક વધ્યો હતો, પણ જેવી ખબર પડી કે ફિલ્મના શૂટિંગ માટે રણવીર સિંહ આવ્યો છે કે તરત ભારે વાહનો પણ હાઇવે પર પાર્ક થઈ ગયાં હતાં અને બધા રણવીરને જોવા માટે ભાગ્યા હતા, જેને લીધે સૂરજબારી ટોલનાકાથી શિકારપુર ચોકડી સુધીના નૅશનલ હાઇવે પર પાંચથી છ કિલોમીટર જેટલો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

નૅશનલ હાઇવે-૪૧ કંડલા સાથે જોડતો નૅશનલ હાઇવે છે. આ હાઇવે પર ટ્રાફિક જૅમ થતાં કંડલા પોર્ટ પર કન્સાઇનમેન્ટ લાવતાં-લઈ જતાં વાહનો પણ અટવાઈ જતાં કંડલામાં ઑફલોડ થનારા માલના ટાઇમિંગમાં પણ ફરક આવ્યો હતો.
‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે જયેશભાઈ બનેલા રણવીર સિંહ સાથે બમન ઈરાની અને શાલિની પાંડે પણ આવ્યાં છે. હજી ત્રણ દિવસ આ જ લોકેશન પર શૂટ થશે.
જોકે સામખિયાળીના પોલીસ-ઇન્સ્પેક્ટર એ. પી. જાડેજા સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે માત્ર ફિલ્મના શૂટિંગને લીધે નહીં, પણ ફાસ્ટૅગને કારણેય ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આવતી કાલે ફરી આવો ટ્રાફિક ન થાય એ માટે વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Rashmin Shah bollywood ranveer singh ahmedabad kutch national highway