જાવેદ અખ્તરે PM મોદીને આપી ગુજરાત રેજિમેન્ટ બનાવવાની સલાહ

11 March, 2019 07:28 AM IST  |  મુંબઈ

જાવેદ અખ્તરે PM મોદીને આપી ગુજરાત રેજિમેન્ટ બનાવવાની સલાહ

ગીતકાર જાવેદ અખ્તર

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગઈ કાલે મુંબઈમાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવી સલાહ આપી હતી કે ગુજરાતની રેજિમેન્ટ બનાવો. આ ટિપ્પણી આમ તો મોદીની ટીકા કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ મુંબઈના દરેક ક્ષેત્રના લોકોએ ગુજરાત રેજિમેન્ટ બનાવવાની ચૅલેન્જને સ્વીકારી લીધી હતી. ‘મિડ-ડે’ને ગઈ કાલે મુંબઈના અગ્રણી ગુજરાતીઓએ એક સૂરમાં કહ્યું હતું કે ‘ગુજરાતીઓને કાચાપોચા ન સમજતા. દેશદાઝ અને હિંમતમાં ગમે તેને પહોંચી વળે એવા ગુજરાતીઓની અલગ રેજિમેન્ટ ન હોવા છતાં અત્યારે પણ મિલિટરીની અનેક રેજિમેન્ટમાં ગુજરાતીઓ છે.’

દેશના વિવિધ પ્રાંતની રેજિમેન્ટ છે, પણ ગુજરાતની નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગજબનો ગુજરાતપ્રેમ છે એમ જણાવીને જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગઈ કાલે કહ્યું હતું કે ‘અત્યારે તેમનો પ્રેમ લશ્કર માટે જોવા મળી રહ્યો છે એટલે મારી તેમને સલાહ છે કે તેમણે લશ્કરમાં ગુજરાત રેજિમેન્ટ બનાવવી જોઈએ. આ રેજિમેન્ટમાં અમદાવાદ અને સુરતના લોકોને ભરતી કરવા જોઈએ અને સરહદ પર લડવા મોકલવા જોઈએ.’

દેશમાં બિનસાંપ્રદાયિકતા વિશેના સવાલનો જવાબ આપતાં મુંબઈ કલેક્ટિવ ફોરમના એક કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘દેશમાં સેક્યુલરિઝમ માટે બોલવાનું  હોય તો ફક્ત એટલું જ કહી શકાય કે વન્સ અપૉન અ ટાઇમ... આરએસએસ એક ફાસિસ્ટ સંસ્થા છે. ગોલવલકરના ફોટો બધી જ ઑફિસમાં રાખવામાં આવે છે. સ્વયંસેવકો કહે છે કે અમને તિરંગો માન્ય નથી. તેમને બંધારણ પણ મંજૂર નથી. આ લોકોની બૌદ્ધિક ક્ષમતા અત્યંત નિમ્ન કક્ષાની છે. આરએસએસના કોઈ લોકો આઝાદીની લડાઈ વખતે જેલમાં ગયા નહોતા. ગોલવલકર પણ ઇન્દિરા ગાંધી સામેના આંદોલનને લીધે જેલમાં ગયા હતા. તેમની પાસે કોઈ આદર્શ વ્યક્તિ નથી એટલે મજબૂરીમાં સરદાર પટેલનું સ્મારક બનાવવું પડે છે. એ વ્યક્તિ કે જેણે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.’

નરેન્દ્ર મોદીની છાતી ૫૬ ઇંચની છે એમ કહેવાય છે એમ કહેતાં જાવેદ અખ્તરે ઉમેર્યું હતું કે ‘દેશને અત્યાર સુધીમાં મળેલું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ ઇન્દિરા ગાંધીનું છે. મોદીજી, તમે ઇન્દિરા ગાંધીની બરાબરી કરી નહીં શકો. તમને અનેક જન્મ લાગશે તેમની બાજુમાં ઊભા રહેવા માટે. દરેક બાબતમાં ઇન્દિરા ગાંધી તમારા કરતાં શ્રેષ્ઠ છે.’

આ પણ વાંચોઃ શબાના આઝમી અને જાવેદ અખ્તરે પણ કરાચીના કાર્યક્રમને કર્યો કૅન્સલ

 બીજું શું કહ્યું જાવેદ અખ્તરે?

  1. આઝાદી પછી હિન્દુ કોડ બિલમાં સમયાનુરૂપ અનેક સુધારા થયા, પરંતુ મુસ્લિમ પર્સનલ લૉમાં કેમ ક્યારેય કોઈ સુધારા કરવામાં ન આવ્યા?
  2. લાલ કૃષ્ણ અડવાણીએ ભારત છોડો આંદોલનમાં જોડાવાને બદલે આરએસએસમાં જોડાવાનું પસંદ કર્યું.
  3. જેવી રીતે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ગમે એવી રેઢિયાળ ફિલ્મો પણ ચાલી જાય છે તેવું જ આમનું પણ થયું છે.
  4. કાશ્મીરી લોકોના જો પાકિસ્તાન કે આઇએસઆઇએસ સાથે સંબધો નહીં હોય તો અમે તમારા માટે જીવ પણ આપવા તૈયાર છીએ.
  5. સર્જિકલ સ્ટ્રાઇક એક સ્વાભાવિક રીઍક્શન હતું.
javed akhtar bollywood narendra modi