ઑગસ્ટમાં ત્રણ સિંગલ સૉન્ગ લઈને આવી રહી છે તુલસી કુમાર

29 June, 2019 12:29 PM IST  |  | હર્ષ દેસાઈ

ઑગસ્ટમાં ત્રણ સિંગલ સૉન્ગ લઈને આવી રહી છે તુલસી કુમાર

તુલસી કુમાર

તુલસી કુમાર આમ તો મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ છે. મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના બાદશાહ ભૂષણકુમારની તે બહેન હોવા છતાં તેણે કરીઅરની શરૂઆત એક સામાન્ય સિંગરની જેમ ઑડિશન આપ્યા બાદ શરૂ કરી હતી. તે મમ્મી બન્યા બાદ પણ તેની કરીઅર પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. હાલમાં રિલીઝ થયેલી ‘કબીર સિંહ’માં તેણે ‘તેરા બન જાઉંગા...’ ગીત ગાયું છે. તેણે બૉલીવુડમાં ઘણાં સારાં-સારાં ગીતો ગાયાં છે અને તેની બૉલીવુડની જર્ની અને પર્સનલ લાઇફ વિશે ‘મિડ-ડે’એ કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :

શું તારે પહેલેથી જ સિંગર બનવું હતું?

હું પહેલેથી જ મ્યુઝિક તરફ આકર્ષિત હતી. સિન્ગિંગ અને ડાન્સમાં મને ખૂબ જ રસ હતો. સ્કૂલમાં પણ મને કોઈ પણ કૉમ્પિટ‌િશનમાં સેન્ટરમાં રાખવામાં આવતી હતી. સિન્ગિંગ અને ડાન્સ મને ખૂબ જ ગમે, પરંતુ સિન્ગિંગ તરફ હું ખૂબ જ દિલથી આગળ વધી છું. મારા પપ્પાએ જ્યારે મારો અવાજ સાંભળ્યો હતો ત્યારે તેમને એ ખૂબ જ મધુર લાગ્યો હતો. તેમણે મને એ દિશામાં આગળ વધવા કહ્યું હતું. એથી હું સુરેશજીની ઍકૅડેમીમાં જઈને ક્લાસિકલ મ્યુઝિક શીખતી હતી. આથી શરૂઆતથી મારે સિંગર બનવું હતું. મારી કરીઅરમાં મમ્મી-પપ્પાનો ખૂબ જ મોટો હાથ છે. પપ્પા પછી મમ્મીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. અમે અચાનક મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગયાં હતાં. અમારી ફૅમિલીમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ હતું, પરંતુ એમ છતાં મમ્મીએ મારા સિન્ગિંગને લઈને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. હું દિલ્હીમાં પણ મારા ઘરે સિન્ગિંગ શીખતી હતી.

ગુલશનકુમારની દીકરી અને ભૂષણકુમારની બહેન હોવા છતાં બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવવું કેટલું મુશ્કેલ રહ્યું?

મારી કરીઅરની મુસાફરી પણ અન્ય કલાકાર જેવી જ રહી છે. ઘણા લોકો વિચારે છે કે તુલસી એક બૅકગ્રાઉન્ડમાંથી આવી હોવાથી તેના માટે સરળ રહ્યું હશે. મેં ૨૦૦૬માં મારું પહેલું ગીત ગાયું હતું. મને યાદ છે કે મારા ભાઈ ભૂષણે મને હિમેશ રેશમિયા અને અનુ મલિક સાથે મુલાકાત કરાવી હતી. એ સમયે મારું ઑડિશન થયું હતું. મારા ભાઈએ કહ્યું હતું કે તુલસી ગીત ગાય છે, તમે લોકો તેને સાંભળો અને પછી નક્કી કરો. તો મેં તેમની સામે ઑડિશન આપ્યું હતું. તેમણે મને ટિપ્સ આપી હતી કે મારે શેના પર કામ કરવું જોઈએ. તેમને જ્યારે લાગ્યું કે મારો અવાજ તૈયાર છે ત્યારે મેં સૌથી પહેલાં હિમેશજી સાથે ‘અકસર’માં ‘જના બે જાનિયા...’થી શરૂઆત થઈ હતી. લોકો મને પૂછે કે મારા માટે કેટલું સરળ રહ્યું ત્યારે હું એટલું કહું છું કે મારા જેવા બૅકગ્રાઉન્ડને કારણે તમને પહેલું ગીત મળી શકે છે, પરંતુ જ્યાં સુધી લોકો મને પસંદ ન કરે ત્યારે સુધી મને કોઈ કામ નહીં આપે. કોઈ પણ કંપની મને સપોર્ટ નહીં કરે, જ્યાં સુધી લોકોને મારો અવાજ પસંદ ન પડે.

તારી કરીઅરથી ખુશ છે?

મારી કરીઅરને શરૂ થયાને બાર વર્ષ થયાં છે. મને ખૂબ જ ખુશી છે અને ગર્વ પણ છે. મને એ વાતની પણ ખુશી છે કે મેં મારી કરીઅરને ખૂબ જ જોરશોરમાં આગળ નથી વધારી, કારણ કે એના લીધે મને ખૂબ જ સારાં ગીતો આપવાનો ચાન્સ મળ્યો છે. મારાં ગીત આજે પણ લોકોને પસંદ છે અને તેમને યાદ છે.

કોની સાથે કામ કરવાથી તને ઘણું શીખવા મળ્યું?

મને અનુ મલિક સાથે કામ કરવાની સાથે મને ઘણું શીખવા મળ્યું હતું. તેમનાથી મને ખૂબ જ ડર લાગ્યો હતો. હું અઢાર વર્ષની હતી ત્યારે મેં તેમની સાથે ‘હમ કો દીવાના કર ગએ’ સોનુ ન‌િગમ સાથે રેકૉર્ડ કર્યું હતું. હું ખૂબ જ નર્વસ હતી અને તેમણે મને ગાઇડ કરી હતી. અનુ મલિક અને હિમેશ રેશમિયાને હું મારા મેન્ટર માનું છું, કારણ કે તેમની સાથે મેં મારી કરીઅરની શરૂઆત કરી હતી. તેમ જ મિથુને (કમ્પોઝર) પણ મને ઘણી મદદ કરી છે. તેણે હંમેશાં મને મારી કરીઅરમાં ગાઇડ કરવાની સાથે મદદ પણ કરી છે.

તેં ગાયેલાં ગીતમાંથી તારું ફેવરિટ ગીત કયું છે?

મારાં તમામ ગીતોમાંથી ‘તુમ જો આએ ઝિંદગી મેં...’ (વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ) અને ‘સોચ ના સકે...’ (અૅરલિફ્ટ) છે. જોકે હવે ‘તેરા બન જાઉંગા’ (કબીર સિંહ)નું પણ મારું ફેવરિટ બની ગયું છે. મને ઘણા લોકોએ કહ્યું છે કે આ ગીતમાં મેં જેટલી પણ લાઇન ગાઈ છે એમાં મારો અવાજ મારા અગાઉનાં તમામ ગીતો કરતાં એકદમ અલગ છે. મારા માટે આ એક ખૂબ જ મોટું કૉમ્પ્લ‌િમેન્ટ છે. આ ગીતના બોલ ખૂબ જ સારા છે. અખિલ સચદેવા અને કુમારજીએ ખૂબ જ સારા લિરિક્સ લખ્યા છે.

તું કૉન્સર્ટ પણ કરે છે અને બૉલીવુડમાં ગીત પણ ગાય છે. તો બેમાંથી શું વધુ પસંદ છે?

બન્ને અલગ-અલગ છે. તમે જ્યારે સ્ટેજ પર લાઇવ ગીત ગાતા હો અને હજારો લોકો તમારી સાથે એ જ ગીત ગાતા હોય એની ફી‌લ‌િંગ્સ અલગ હોય છે. એ ખુશી, એ કૉન્ફિડન્સ એને તમે શબ્દોમાં રજૂ ન કરી શકો. એનાથી તમને જે કિક મળે એ અલગ જ હોય છે. જોકે જ્યાં સુધી સ્ટુડિયોમાં ગીત નહીં ગાઈશું તો સ્ટેજ પર કેવી રીતે આવીશું? આથી બન્ને ખૂબ જ મહત્વનાં છે.

તારું નવું સિંગલ સૉન્ગ ક્યારે આવી રહ્યું છે?

‘રાત કમાલ હૈ’ અને ‘એક યાદ પુરાની’ મારાં સિંગલ છે. ત્યાર બાદ મેં મારા પપ્પા માટે ‘મેરે પાપા’ ગીત ગાયું હતું. ઑગસ્ટ મહિનામાં હું એક પછી એક ત્રણ ‌સ‌િંગલ સૉન્ગ રિલીઝ કરીશ. હું એ વિશે વધુ જણાવી શકું એમ નથી.

આ પણ વાંચો : લાઇવલી સૉન્ગ પર ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે સોનાક્ષી સિંહાને

મમ્મી બન્યા બાદ કેવી રીતે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ રાખે છે?

(હસતાં-હસતાં કહે છે.) ખૂબ જ મુશ્કેલી પડે છે. હું મારી પ્રોફેશનલ લાઇફ પર ખૂબ જ ફોકસ કરું છું, પરંતુ મારી અંદર રહેલી મમ્મીનું ધ્યાન સતત મારા દીકરામાં હોય છે. મને લાગે છે કે કોઈ પણ છોકરીએ તેણે જે મેળવવું હોય અને એમાં તેની ફૅમિલીનો સપોર્ટ હોય તો તે મેળવીને રહે. હું જ્યારે પણ કામ માટે નીકળું છું ત્યારે મારા દીકરાનું તમામ પ્લાનિંગ કરીને નીકળું છું. મારી મૉમ અને મારો પતિ ખૂબ જ સપોર્ટિવ હોવાથી હું બૅલૅન્સ કરી શકું છું.

bollywood news