ફિલ્મ-રિવ્યુ: સ્પાઇડર-મૅનમાંથી આયર્ન મૅન બનવાની દોડ

04 July, 2019 12:42 PM IST  |  | હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ: સ્પાઇડર-મૅનમાંથી આયર્ન મૅન બનવાની દોડ

સ્પાઇડર-મૅન

માર્વલ સિનેમૅટિક યુનિવર્સની નવી ફિલ્મ ‘સ્પાઇડર-મૅન : ફાર ફ્રૉમ હોમ’ આજે રિલીઝ થઈ છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’ બાદ દુનિયામાં પર એની શું અસર થઈ છે એની સ્ટોરી આ ફિલ્મમાં કરવામાં આવી છે. ‘આયર્ન મૅન’ના મૃત્યુ બાદ સ્પાઇડર-મૅન તેના દુખમાંથી બહાર નથી આવી શક્યો અને તે તેની પર્સનલ લાઇફ પર વધુ ફોકસ કરી રહ્યો હોય છે. ‘અવેન્જર્સ’ બાદ આયર્ન મૅન જે રીતે ‘આયર્ન મૅન ૩’માં એક બ્રેક લેવા ઇચ્છતો હોય છે એ જ રીતે સ્પાઇડર-મૅનને પણ દેખાડવામાં આવ્યો છે. તેમની બન્નેની સ્થિત‌િ એકસરખી દેખાડવામાં આવી છે. ‘સ્પાઇડર-મૅન: હોમ કમિંગ’ બાદ આ બીજી ફિલ્મ છે.

આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત

‘એન્ડગેમ’ બાદ થાય છે. એન્ડગેમમાં જે પાંચ વર્ષનો તફાવત થયો હોય છે એને પણ આમાં દેખાડવામાં આવ્યો છે. આ પાંચ વર્ષમાં કોઈ વ્યક્તિ મોટા થઈ ગયા હોય છે તો કોઈની ઉંમર એટલી જ રહી હોય છે. આ તમામ ઘટનાને બે-ત્રણ મિનિટમાં દેખાડી ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. સ્પાઇડર-મૅન એટલે કે ટૉમ હોલૅન્ડ તેની સાથે સ્કૂલમાં ભણતી છોકરી એમજે (ઝેન્દાયા)ને પ્રેમ કરતો હોય છે. તેમની યુરોપની સ્કૂલ ટ્રિપમાં તે એમજેને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવે છે. આ પ્લાન બનાવે ત્યારે તેની લાઇફ નૉર્મલ થઈ રહી હોય એવું તેને લાગે છે અને ત્યાં જ એન્ટ્રી થાય છે નિક ફ્યુરી (સૅમ્યુઅલ એલ. જૅક્સન)ની. નિક ફ્યુરી દુનિયાને બચાવવા માટે એક વાર ફરી સ્પાઇડર-મૅનને મિશન આપે છે. જોકે સ્પાઇડર-મૅન એનો સ્વીકાર કરે છે કે નહીં એ એક સવાલ છે. આ ફિલ્મની સ્ટોરી વેનિસ, પ્રાગ અને લંડનની આસપાસ ફરે છે. જોકે વચ્ચે નેધરલૅન્ડ્સ પણ આવી જાય છે.

‘સ્પાઇડર-મૅન : ફાર ફ્રૉમ હોમ’ને પહેલી ફિલ્મના ડિરેક્ટર જૉન વૉટ્સે જ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી માર્વલ સિનેમૅટિક યુનિવર્સની ગુણવત્તાને બંધબેસતી છે. અગાઉની દરેક ફિલ્મની જેમ એને પણ અન્ય ફિલ્મ સાથે કનેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઍક્શન જ નહીં, પરંતુ સ્કૂલ રામૅન્સ પણ જોવા મળશે. ઍક્શનની સાથે હ્યુમર પણ આ ફિલ્મનું એક મહત્ત્વનું પાસું છે. અમેરિકન ફિલ્મની ભાષામાં કહીઓ તો ઍક્શન પૅક ફિલ્મની સાથે ટીનેજ કૉમેડી અને હાઈ સ્કૂલ રોમૅન્સથી ભરપૂર ફિલ્મ છે. માર્વલ યુનિવર્સ તેમની ટેક્નૉલૉજીને લઈને હંમેશાં આગળ વધે છે. આ ફિલ્મમાં પણ તેઓ ટેક્નૉલૉજીને લઈને એક સ્ટેપ આગળ નીકળી ગયા છે. દુનિયા કઈ દિશા તરફ વધી રહી છે એને આ ફિલ્મ દ્વારા બખૂબી દેખાડવામાં આવ્યું છે. આપણને અંતરીક્ષથી જ નહીં, પરંતુ દુનિયાની તમામ વ્યક્તિથી ભય રહેલો છે એ પણ દેખાડવામાં આવ્યું છે.

એક તરફ સ્ટાર્ક ઇન્ડસ્ટ્રીનો તમામ દોર સ્પાઇડર-મૅનના હાથમાં આવી જાય છે. દુનિયાને જ્યારે બીજા આયર્ન મૅનની જરૂર હોય ત્યારે સ્પાઇડર-મૅન એ બને છે. જોકે તેની સામે એવી ટેક્નૉલૉજી આવીને ઊભી રહે છે જેની તે કલ્પના પણ નહીં કરી શકે.

આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે તેને મિસ્ટિરિયો એટલે કે જૅક ગિલેનહાલ મદદ કરે છે. મિસ્ટિરિયો અલગ દુનિયામાંથી આવ્યો હોય છે અને તેની દુનિયાનું નામ-ઓ-નિશાન મિટાવનાર એલિમેન્ટલ ક્રીચર્સ એટલે કે પાણી, આગ અને ધૂળનો સમાવેશ થાય છે. મિસ્ટિરિયોનું પાત્ર જૅક ગિલેનહાલ દ્વારા ખૂબ જ અદ્ભુત ભજવવામાં આવ્યું છે. તેની ઍક્ટિંગને કારણે ફિલ્મ અને સ્ટોરીલાઇનમાં ચાર ચાંદ લાગી ગયા છે. ઍક્ટિંગની દૃષ્ટિએ તમામ ઍક્ટર્સ અદ્ભુત છે. સૅમ રાઇમીની ‘સ્પાઇડર-મૅન’ ટ્રિલજીમાં જે. જોના જેમ્સના પાત્રમાં જોવા મળેલા જે. કે. સિમોન્સે પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી છે.

માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં નિક ફ્યુરી ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે અને એમ છતાં આ ફિલ્મમાં અે થોડું વિચિત્ર લાગે છે. ફિલ્મની શરૂઆતથી ઘણા સવાલો થવાના શરૂ થાય છે અને અંત સુધીમાં એના જવાબ પણ મળી જાય છે. નિક ફ્યુરીના કેસમાં પણ એવું જ જોવા મળશે. સ્પાઇડર-મૅન કેમ બ્લૅક ડ્રેસ પહેરે છે જે એકદમ સામાન્ય હોય છે એની પણ ધારણા કરવી મુશ્કેલ નથી.

‘સ્પાઇડર-મૅન : ફાર ફ્રૉમ હોમ’ના એન્ડમાં સ્પાઇડર-મૅનની ઓળખ બહાર આવી જાય છે. દુનિયાને ખબર પડી જાય છે કે તે પીટર પાર્કર છે. ફિલ્મના વિલન દ્વારા તેની ઓળખ જાહેર કરવામાં આવે છે. જોકે આ દૃશ્યને પણ આયર્ન મૅન સાથે સરખાવવામાં આવ્યું છે. આયર્ન મૅન એક પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેર કરે છે કે ‘આઇ અૅમ આયર્નમૅન.’ આ સ્ટેટમેન્ટ બાદ તેની લાઇફમાં તોફાન આવી જાય છે. તેની પર્સનલ લાઇફ જેવું કંઈ રહેતું નથી અને તે દુનિયાને બચાવવાની હોડમાં નીકળી પડે છે. આ દૃશ્યને જોયા બાદ એ કહેવાની જરૂર નથી કે સ્પાઇડર-મૅનની લાઇફમાં પણ એક તોફાન આવવાનું છે. આ ફિલ્મના અંતમાં એના પર એક ગંભીર આરોપ મૂકવામાં આવે છે અને એનાથી માવર્લ સિનેમૅટિક યુનિવર્સના ભવિષ્ય વિશે ખબર પડી જાય છે.

ફિલ્મના અંતમાં એન્ડ-ક્રેડિટમાં જે દૃશ્ય દેખાડવામાં આવે છે એ માટે રાહ જોવી. આ દૃશ્ય પરથી નિક ફ્યુરીનો વર્તાવ અને આગામી ફિલ્મ કઈ હશે એનો અંદાજ કાઢવો મુશ્કેલ નહીં હોય.

આ ફિલ્મ જોવા જઈએ તો માર્વલની સરખામણીમાં થોડી ધીમી છે. ઍક્શન દૃશ્ય આવવા માટે ઘણી રાહ જોવી પડે છે. ઍક્શન જ્યારે પણ આવે છે ત્યારે ભરપૂર હોય છે, પરંતુ એ લિમિટેડ છે. ‘એન્ડગેમ’ બાદ મા‍ર્વલના ચાહકોની અપેક્ષા વધી ગઈ હોય એમાં બેમત નથી.

આખરી સલામસ્પાઇડર-મૅનને નવો આયર્ન મૅન બનાવવા કરતાં એના પાત્રને વધુ એક્સપ્લોર કરવાની જરૂર છે. આયર્ન મૅન એક લેજન્ડ છે અને એની જગ્યા કોઈ લઈ ન શકે.

આ પણ વાંચો : રંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ

આયર્નમૅન કે ચાહનેવાલે તુમ્હે માફ નહીં કરેંગે

આ ફિલ્મમાં ‘એન્ડગેમ’ બાદની વાત કરવામાં આવી છે. જોકે એમ છતાં આયર્નમેનનું નામ વારંવાર આવતું જોવા મળશે. તેમ જ એના ફોટો અને અગાઉની ફિલ્મનાં વિઝ્યુઅલ પણ જોવા મળશે. જોકે આ ફિલ્મની સ્ટોરીનો મુખ્ય પ્લૉટ આયર્નમૅનની આસપાસ ફરે છે. આયર્નમૅનની દસ વર્ષની મહેનત પર એક જ મિનિટની અંદર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. આયર્નમૅને કેટલાંક સંશોધન અન્ય વ્યક્તિનાં ચોરી લીધાં હતાં એવો આરોપ મૂકવામાં આવે છે, જે આ ફિલ્મનો માઇનસ પૉઇન્ટ છે. જીનિયસ મલ્ટિ બિલ્યનેર પ્લેબૉયની ઇમેજ બનાવતાં તેને દસ વર્ષનો સમય લાગ્યો અને એક જ મિનિટની અંદર એની ઐસી કી તૈસી કરી નાખવામાં આવી. સ્ટોરીમાં ફેરફાર કરી આ પૉઇન્ટને કાઢી શકાયો હોત.

spider-man hollywood news hollywood film review film review