ફિલ્મમેકર્સને અધિકાર છે કે તેઓ પૉલિટિશ્યન્સની ટીકા કરે : અક્ષય ખન્ના

07 January, 2019 09:42 AM IST  | 

ફિલ્મમેકર્સને અધિકાર છે કે તેઓ પૉલિટિશ્યન્સની ટીકા કરે : અક્ષય ખન્ના

અક્ષય ખન્ના

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના જીવન પર આધારિત આ ફિલ્મને લઈને વિવાદ ચગી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય ખન્ના ડૉ. મનમોહન સિંહના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુની ભૂમિકામાં જોવા મળશે. સંજય બારુના પુસ્તક પર જ આ ફિલ્મ આધારિત છે. અમુક નિંદાકારોનું કહેવું છે કે આ ફિલ્મ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે અને કૉન્ગ્રેસના વિરોધમાં છે. જોકે અક્ષય ખન્નાએ આ વાતને ફગાવી દીધી હતી અને ફિલ્મમાં મનમોહન સિંહના વડા પ્રધાન તરીકેના કાર્યકાળને દેખાડ્યો હોવાનું કહ્યું હતું. આ વિશે વધુ જણાવતાં અક્ષયે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી પંડિત જવાહરલાલ નેહરુના પ્રપૌત્ર છે. રાહુલ ગાંધી જ્યારે કૅમેરાની સામે આવ્યા અને સરકારની અવગણના કરી તો દેશને આ વાત ન ગમી. સાથે જ લોકો રોષે પણ ભરાયા હતા. એક ફિલ્મમેકર તરીકે અમને પણ તમારી નિંદા કરવાનો પૂરો અધિકાર છે. આ એવી વસ્તુ નથી કે જેનાથી લોકો અજાણ હોય. આ બાબત સૌના દિમાગમાં અંકિત છે. જો આપણને કોઈનું વર્તન પસંદ ન પડે તો આપણે એના વિશે બોલવાનો પૂરો અધિકાર ધરાવીએ છીએ.’

લોકો જેને કન્ટ્રોવર્સી કહે છે એને હું ચર્ચાનો વિષય માનું છું : અક્ષય ખન્ના

અક્ષય ખન્નાનું કહેવું છે કે તેની ફિલ્મને લઈને ઊભી થયેલી કન્ટ્રોવર્સી તેના માટે એક ચર્ચાનો વિષય છે. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની બાયોપિક ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું પાત્ર ભજવ્યું છે તો તેમના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુની ભૂમિકામાં અક્ષય ખન્ના જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ પણ ચગડોળે ચગ્યો છે. આ વિવાદ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં અક્ષય ખન્નાએ કહ્યું હતું કે ‘તમે જેને વિવાદ કહી રહ્યા છો એ મારી દૃષ્ટિએ દલીલનો વિષય છે. આપણા લોકશાહીવાળા દેશમાં દરેક વિષય પર ચર્ચા થવી પણ જરૂરી છે પછી એ કોઈ વિષયના પક્ષમાં હોય કે એની વિરોધમાં હોય, ડિબેટ તો થવી જ જોઈએ. હું આવી પ્રવૃત્તિઓને આવકારું છું, કારણ કે લોકોને એ પૂરો અધિકાર છે કે તેઓ જણાવી શકે કે આવી ફિલ્મો બનવી જોઈએ કે નહીં. આવું પહેલી વાર બન્યું છે કે વર્તમાન સમયના પૉલિટિશ્યન પર ફિલ્મ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: હું હંમેશાં મારા દરેક પાત્રને પ્રામાણિકતાથી ભજવવાની ઇચ્છા રાખું છું : વિકી કૌશલ

સાથે જ તેમના રિયલ નામનો ઉપયોગ કરીને એમાં વાસ્તવિક ઘટનાઓને કંડારવામાં આવી છે. લોકો પોતાના વિચારો મુક્ત મને વ્યક્ત કરી શકે છે અને કોઈ પણ મીડિયમ પર જેમ કે સોશ્યલ મીડિયા, મેઇનસ્ટ્રીમ મીડિયા અથવા તો આર્ટિકલ લખીને પણ પોતાનાં મંતવ્યો જણાવી શકે છે. આથી જ હું કહું છું કે આ મારા માટે વિવાદનો વિષય નથી, કારણ કે આપણે લોકશાહીમાં રહીએ છીએ.’

akshaye khanna bollywood news bollywood