મેં કોઈ પૉલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવા ફિલ્મ નથી બનાવી : અનુપમ ખેર

30 December, 2018 10:25 AM IST  | 

મેં કોઈ પૉલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવા ફિલ્મ નથી બનાવી : અનુપમ ખેર

અનુપમ ખેર

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને લઈને ઊઠેલા વિવાદ પર અનુપમ ખેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ પૉલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવા માટે ફિલ્મ નથી બનાવી. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંહની બાયોપિકમાં અનુપમ ખેરે તેમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલરમાં તેમની અને કૉન્ગ્રેસ પાર્ટી વચ્ચેની અનબનને દેખાડવામાં આવી છે. આ ટ્રેલરને લઈને કૉન્ગ્રેસને આ ફિલ્મમાં વાંધો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ફિલ્મના ટ્રેલરને સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરી રહી છે. અનુપમ ખેર ભારતીય જનતા પાર્ટીને સર્પોટ કરે છે અને એથી જ તેમણે આ ફિલ્મ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ કરવા માટે આ ફિલ્મ કરી હોવાના સવાલનો જવાબ આપતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘મેં ૫૦૦થી પણ વધુ ફિલ્મો કરી છે, પરંતુ મારી ફિલ્મોની સંખ્યા જેટલી કોઈ પૉલિટિકલ પાર્ટીઝ પણ નથી. આથી કોઈ એવું કેવી રીતે કહી શકે કે આ ફિલ્મ મેં કોઈ પાર્ટીને સમર્થન આપવા માટે બનાવી છે?’

૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૉલિટિકલ સ્ટેટમેન્ટ આપવા માટે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી રહી હોવા વિશે પૂછતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘કેમ નહીં? ઇલેક્શન નજીક હોય ત્યારે પૉલિટિકલ ફિલ્મ રિલીઝ કેમ ન કરી શકાય? નૅશનલ હૉલિડેઝ પર દેશભક્તિ પર આધારિત ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે તો પછી ઇલેક્શન દરમ્યાન પૉલિટિકલ ફિલ્મ કેમ નહીં?’

આ પણ વાંચો : 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં કામ નહોતું કરવું અનુપમ ખેરને

ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના સ્પેશ્યલ સ્ક્રીનિંગની ડિમાન્ડથી ખૂબ જ નારાજ છે અનુપમ ખેર

અનુપમ ખેર તેમની ફિલ્મ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવા માટે તૈયાર નથી. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે. ફિલ્મની રિલીઝ પહેલાં મહારાષ્ટ્રની યુથ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ સત્યજિત તામ્બે પાટીલે ફિલ્મના પ્રોડ્યુસરને સ્પેશ્યલ સ્ક્રીનિંગની ડિમાન્ડ કરતો લેટર લખ્યો હતો. તેમના મુજબ ફિલ્મમાં વાસ્તવિકતાને ખોટી રીતે રજૂ કરવામાં આïવી છે. આ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું હતું અને ત્યાર બાદથી જ વિવાદ શરૂ થયો છે. આ સંદર્ભે પોતાના વિચાર વ્યક્ત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘કોઈને પણ એ અધિકાર નથી કે તેઓ રિલીઝ પહેલાં અમારી ફિલ્મ જોવાની માગણી કરી શકે. આ ફિલ્મ બુક અને વાસ્તવિકતા પર જ આધારિત છે. અમે રાઇટ્સ ખરીદ્યા હતા અને સાથે તમામ લીગલ પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરી હતી. દરેક વસ્તુસ્થિતિ જગજાહેર છે. તો હવે લોકોને કેવી રીતે વાંધો હોઈ શકે છે? હું શું કામ કોઈના પણ માટે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખું. અમે ફિલ્મ CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન)ને દેખાડી છે એ અમારા માટે પૂરતું છે. જો ડૉ. મનમોહન સિંહ અમારી પાસે ફિલ્મ જોવાની માગણી કરશે તો અમે તેમને નક્કી દેખાડીશું.’

anupam kher bollywood news