'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં કામ નહોતું કરવું અનુપમ ખેરને

Published: 29th December, 2018 08:29 IST

મનમોહન સિંહનું પાત્ર ચૅલેન્જિંગ લાગતાં તેમણે આ ફિલ્મ પસંદ કરી હતી

મનમોહન સિંહના પાત્રમાં અનુપમ ખેર
મનમોહન સિંહના પાત્રમાં અનુપમ ખેર

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં કામ કરવાની ના પાડી હતી અનુપમ ખેરે. તેમના મુજબ ડૉ. મનમોહન સિંહના પાત્રને પડદા પર સાકાર કરવું તેમના માટે અઘરું હતું. તેમને એમ પણ લાગતું હતું કે આ ફિલ્મ રાજકીય વિવાદો પર આધારિત હશે. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય ખન્ના પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘દોઢ વર્ષ પહેલાં મારા મિત્ર અશોક પંડિતે મને કહ્યું હતું કે ડૉ. મનમોહન સિંહના જીવન પર એક ફિલ્મ બની રહી છે. સૌકોઈ તેમની બુક અને એની સાથે સંકળાયેલા વિવાદ બાબત જાણે છે. એથી જ મારું પહેલું રીઍક્શન હતું કે હું આ ફિલ્મ નહીં કરું. એની પાછળ અનેક કારણો પણ હતાં. મને એમ લાગતું હતું કે આ એક પૉલિટિકલ ફિલ્મ હશે અને હું એ પણ જાણતો નહોતો કે આ ફિલ્મમાં શું હશે? બીજું કારણ એ પણ છે કે ડૉ. મનમોહન સિંહના પાત્રને ભજવવું એટલું સરળ પણ નહોતું, કારણ કે તેઓ રાજકારણમાં સક્રિય વ્યક્તિ છે. આ ફિલ્મ ૧૯૬૦ અથવા તો ૧૯૭૦ના દાયકાની રાજકીય હસ્તી વિશે નથી. આ ફિલ્મ એક જીવિત વ્યક્તિ પર આધારિત છે. વિજય ગુટ્ટે (ડિરેક્ટર) અને સુનીલ બોહરા (પ્રોડ્યુસર) જ્યારે મને મળવા આવ્યા હતા ત્યારે પહેલા એકાદ-બે મહિના તો મેં તેમને કહ્યું હતું કે હું આ ફિલ્મ નથી કરવા માગતો.’

ડૉ. મનમોહન સિંહનું પાત્ર ચૅલેન્જિંગ હોવાનું જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘એક દિવસ મેં ટેલિવિઝન પર જોયું હતું કે ડૉ. મનમોહન સિંહ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. એ વખતે મારી અંદરના કલાકારે મને કહ્યું હતું કે હું પણ તેમની જેમ ચાલીને જોઉં તો? પરંતુ હું એ કરી શક્યો નહીં. એ જ વસ્તુએ મને ચૅલેન્જ આપી હતી. મેં ૪૫ મિનિટ સુધી તેમની જેમ ચાલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હું એમાં સફળ થઈ શક્યો નહીં. મેં ãસ્ક્રપ્ટના નરેશન માટે મેકર્સને ફોન કર્યો હતો અને હું એનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. મને ત્યારે અહેસાસ થયો કે ડૉ. મનમોહન સિંહનું પાત્ર ભજવવું ખૂબ કપરું છે. તેમનો અવાજ એક સ્વરવાળો છે. આમ છતાં ઘણી વાર એમાં વિવિધતા મળી આવે છે. મેં ત્યાર બાદ ફિલ્મમેકર્સને ફિલ્મ કરવા માટે હા કહી હતી.’

ફિલ્મના પાત્ર માટે કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી એ સંદર્ભે અનુપમ ખેરે કહ્યું હતું કે ‘આ રોલ માટે મેં લગભગ છથી ૭ મહિનાઓ સુધી તૈયારી કરી હતી. મેં ૧૦૦ કલાકનાં તેમનાં ફુટેજિસ પણ જોયાં હતાં, પરંતુ સૌથી અઘરો મને અવાજ લાગ્યો; કારણ કે તેમનો ટિપિકલ વૉઇસ છે. મેં મારી જાતને ત્યારે કહ્યું હતું કે જો તમારું કામ પડકારજનક ન હોય તો એ ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ફાયદો નથી. ફિલ્મના પહેલા શેડ્યુલ માટે અમે ૪૦ દિવસ ઇંગ્લૅન્ડમાં હતા અને એ સમયે અમે એકાંતવાળા સ્થાને હતા. મને ડૉ. મનમોહન સિંહ જેવા દેખાવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો. મારા માટે મારી કરીઅરમાં ભજવેલો આ સૌથી અઘરો રોલ હતો, કારણ કે ડૉ. મનમોહન સિંહને સૌકોઈ જાણે છે અને તેઓ આજે પણ ખૂબ જ ઍક્ટિવ છે. ૨૦૧૪ના વર્ષ કરતાં તેઓ આજના સમયમાં અનેક મુદ્દાઓ પર બોલી રહ્યા છે.’

ફિલ્મને લઈને કૉન્ગ્રેસ વિરોધ કરશે એની ચિંતા તમને સતાવે છે કે નહીં એ વિશે અનુપમ ખેરે કહ્યું હતું કે ‘હું માનું છું કે તમારે દરેક બાબતની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે નિંદા કરવા માટે લોકોને માત્ર બે મિનિટ જ લાગશે. મારા મતે આને એક ફિલ્મ તરીકે જ જોવી જોઈએ અને પૉલિટિકલ બૅકગ્રાઉન્ડને કારણે એને લઈને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થવો જોઈએ, કારણ કે આવી ફિલ્મો બનાવવા માટે સાહસ જોઈએ. હું એટલું જરૂર કહીશ કે અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસરોમાં આ સાહસ છે.’

આ પણ વાંચો : ઠાકરેના મેકર્સને ફિલ્મોની ટક્કરથી ફરક નથી પડતો

ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને લઈને ખૂબ ઉત્સાહિત છે રિશી કપૂર

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને લઈને રિશી કપૂર ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને રિશી કપૂરે એનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં ભારત દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું પાત્ર ભજવતા અનુપમ ખેર જોવા મળશે અને તેમના મીડિયા સલાહકાર સંજય બારુની ભૂમિકામાં અક્ષય ખન્ના દેખાશે. તેમની બુક પર જ આ ફિલ્મ આધારિત છે. ફિલ્મનું ટ્રેલર જોઈને રિશી કપૂરે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પ્રશંસનીય છે. એ પૉલિટિકલ હોવાની સાથે જ ઇન્ટરેસ્ટિંગ પણ છે. અનુપમ ખેર, તમારું કામ પ્રત્યેનું જે પૅશન છે એ તમારી ઍક્ટિંગ સ્કૂલમાં તમે જે રીતે શીખવતા હશો એટલું જ અદ્ભુત છે. અક્ષય ખન્ના આ ફિલ્મમાં ખૂબ જ આકર્ષક લાગે છે. તમને અગાઉથી જ હું અભિનંદન આપું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK