દેખાવ કરવાના અધિકારની સાથે દેશનું રક્ષણ કરવાની પણ તમારી ફરજ છે : અનુપમ

23 December, 2019 11:32 AM IST  |  Mumbai

દેખાવ કરવાના અધિકારની સાથે દેશનું રક્ષણ કરવાની પણ તમારી ફરજ છે : અનુપમ

અનુપમ ખેર

અનુપમ ખેરે આંદોલન કરનારા વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું છે કે તેઓ દેખાવ ભલે કરે, પરંતુ સાથે જ દેશની સલામતીનું પણ તેમણે ધ્યાન રાખવું જોઈએ. દેશમાં નાગરિકતા કાયદાને લઈને જે પ્રકારે હિંસા ફેલાઈ રહી છે એને ધ્યાનમાં રાખતાં અનુપમ ખેરે એક વિડિયો બનાવ્યો છે. એ વિડિયોમાં અનુપમ ખેર કહી રહ્યા છે કે ‘નમસ્કાર. છેલ્લા થોડા દિવસોથી દેશની સ્થિતિ જોઈને મનમાં બેચેની થઈ રહી છે.

સોશ્યલ મીડિયા અને ટેલિવિઝન દ્વારા જે દૃશ્યો જોવા મળી રહ્યાં છે એને જોઈને મન વિચલ‌િત થઈ રહ્યું છે. આપણે બધા આપણા જીવનના કોઈ ને કોઈ પડાવ પર વિદ્યાર્થીઓ રહ્યા છીએ. અમે બધાએ આંદોલનોમાં પણ ભાગ લીધો છે. એ આંદોલન સામાન્ય રીતે કોઈ વસ્તુની સ્થાપનાની વિરોધમાં રહ્યાં છે. આંદોલન નારાજગી કે રોષ વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યાં છે. એથી વિદ્યાર્થીઓનાં આંદોલનો પર હું કોઈ પણ ટ‌િપ્પણી નહીં કરું. હું એમ જરૂર કહીશ કે સ્વતંત્ર ભારતમાં આ તેમનો અધિકાર છે. જોકે કોઈ એવાં તત્ત્વો જે દેશને નુકસાન પહોંચાડવા માગતાં હોય તેઓ વિદ્યાર્થીઓનાં આંદોલનોમાં ભાગ લેવાનું શરૂ કરે છે અને પોતાના સ્વાર્થ માટે દેશને નુકસાન પહોંચાડે તો એ બધા આપણા ભવિષ્ય માટે, આપણા દેશના ભવિષ્ય માટે અને આપણા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જે દેશની સંપત્તિને અને બસોને આગ લગાવી રહ્યા છે એ દેશના દુશ્મન છે. જે પોલીસોને પથ્થર મારી રહ્યા છે, તેમની સાથે મારપીટ કરી રહ્યા છે તેઓ પત્રવી છે. કેટલીક મહાન હસ્તીઓ પછી તે કલાકાર હોય, સાહિત્યકાર હોય કે પત્રકાર હોય કે બુદ્ધિજીવી હોય. તેઓ વિદ્યાર્થીઓ કે કોઈ અલ્પસંખ્યક વર્ગના શુભચિંતકો જરા પણ નથી. તેઓ એવા લોકો છે જે જ્યારે પણ દેશને નુકસાન થાય એવી સ્થિતિ ઊભી થાય ત્યારે પોતાના સ્વાર્થને પોષવા માટે આગળ આવે છે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ શું છે? CAB શું છે? NRC શું હશે? એની વાસ્તવિકતા જાણ્યા વગર તમારી ટ‌િપ્પણીઓ અને તમારી પ્રતિક્રિયા દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જય હિન્દ.’

આ પણ વાંચો : તમે નવાઝુદ્દીન સિદ્દીકીને સરફરોશ, શૂલ અને મુન્નાભાઈ એમબીબીએસમાં જોયો હતો?

આ વિડિયોને ટ્‍‍વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘હું ભારતના તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિનંતી કરવા માગુ છું કે કોઈ વસ્તુનો વિરોધ કરવો એ તમારો અધિકાર છે, પરંતુ ભારતની રક્ષા કરવી એ પણ તમારી ફરજ છે.’

bollywood news anupam kher