દુનિયા કા મેલા ફિલ્મ અડધી શૂટ થયા બાદ અમિતજીને એમાંથી કાઢી મુકાયા હતા

19 December, 2019 04:00 PM IST  |  Mumbai | Aashu Patel - Extra Shots

દુનિયા કા મેલા ફિલ્મ અડધી શૂટ થયા બાદ અમિતજીને એમાંથી કાઢી મુકાયા હતા

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કરીઅરની શરૂઆતનાં વર્ષોમાં ઘણાં રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં. તેમને સ્ક્રીન-ટેસ્ટમાં રિજેક્ટ કરાયા હતા તો વળી કોઈએ તો તેમને સ્ક્રીન-ટેસ્ટ લેવાને લાયક પણ નહોતા ગણ્યા અને કોઈએ તો વળી તેમને જોઈને દરવાજો જ બતાવી દીધો હતો અને કોઈએ તો તેમની હીરો તરીકે અડધી ફિલ્મ શૂટ થઈ ગયા પછી તેમને ફિલ્મમાંથી તગેડી મૂક્યા હતા.

તેજી બચ્ચનના કહેવાથી તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ નર્ગિસ અને સુનીલ દત્તને ભલામણ કરી કે હરિવંશરાય અને તેજી બચ્ચનના દીકરાને મુંબઈમાં મદદ કરજો. એ પછી અમિતાભ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ દિવસોમાં સુનીલ દત્ત અને નર્ગિસ દત્તે ઘણા લોકોને તેમને માટે ભલામણ કરી હતી. એ સમયમાં સુનીલ દત્તે રાજ ગ્રોવર (જે ત્યારે ફિલ્મોની પબ્લિસિટીનું કામ સંભાળતા હતા અને વર્ષો પછી પ્રોડ્યુસર બન્યા હતા)ને કહ્યું હતું કે આ યુવાન અમારા પરિવારના સભ્ય જેવો છે એટલે તેની સાથે તમે ફિલ્મ-દિગ્દર્શકો અને ફિલ્મ-નિર્માતાઓ પાસે જજો.

સુનીલ દત્તની સૂચનાથી રાજ ગ્રોવર અમિતાભ સાથે જવા માંડ્યા. રાજ ગ્રોવરે મુંબઈના ઘણા સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચનની સ્ક્રીન-ટેસ્ટ લેવડાવી હતી. એ દિવસો દરમ્યાન રાજ ગ્રોવર એક વાર અમિતાભને રાજશ્રી ફિલ્મ્સના માલિક તારાચંદ બડજાત્યા પાસે લઈ ગયા હતા. એ વખતે તારાચંદ બડજાત્યાએ અમિતાભ બચ્ચનને તેમની ઑફિસમાંથી તગેડી મૂક્યા હતા. તેમને અમિતાભમાં કોઈ દમ લાગ્યો નહોતો.



આવી જ રીતે રાજ ગ્રોવર અમિતજીને લઈને બૉલીવુડના એ સમયના ધુરંધર મોહન સહગલ પાસે રૂપતારા સ્ટુડિયોમાં ગયા હતા. ત્યાં તેમણે અમિતાભની સ્ક્રીન-ટેસ્ટ લેવડાવી હતી. મોહન સહગલે નર્ગિસની ભલામણથી શરમે-ધરમે સ્ક્રીન-ટેસ્ટ તો લીધી પણ પછી અમિતજીને રિજેક્ટ કર્યા હતા.

ડિરેક્ટર મોહન સહગલે તેમની ‘સાજન’ ફિલ્મ માટે અમિતાભની સ્ક્રીન-ટેસ્ટ લીધી હતી એ વિશે વાત કરતાં અમિતજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું સૌપ્રથમ વાર કૅમેરા સામે જે ડાયલૉગ બોલ્યો હતો એ ડાયલૉગ વાસ્તવમાં પ્રોડ્યુસર રાજ ગ્રોવરનો પ્રેમપત્ર હતો જે તેમણે તેમની પ્રેમિકા માટે લખ્યો હતો. તેમણે અમિતાભને કહ્યું કે આને જ યાદ કરી લો અને કૅમેરા સામે બોલી નાખો. અમિતાભ કૅમેરા સામે જે ડાયલૉગ બોલ્યા એ આ હતો ઃ ‘નિમ્મો, જબ ભી તુમ્હે દેખતા હૂં, સબ ભૂલ જાતા હૂં. ક્યા હૂં, ક્યું હૂં, કુછ સમઝ નહીં આતા. નજારા પૂનમ કે ચાંદ કા હો યા સંગેમરમર કે તાજમહલ કા, ખુદા જાનતા હૈ તુમ સે બઢકર ઔર કોઈ નઝારા હૈ હી નહીં.’

મોહન સહગલે એ સ્ક્રીન-ટેસ્ટ જોઈને અમિતાભ બચ્ચનને રિજેક્ટ કરી દીધા અને કટાણું મોઢું કરીને કહ્યું કે આ છોકરાએ સમય બગાડ્યો (બાય ધ વે, વર્ષો પછી જ્યારે અમિતાભે ‘ઝંજીર’ ફિલ્મ સાઇન કરી અને એ ફિલ્મનો મુહૂર્ત શૉટ લેવાયો ત્યારે એ શૉટની ક્લૅપ મોહન સહગલે આપી હતી). અમિતજીએ આવાં તો ઘણાં રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં. આવા જ વધુ એક રસપ્રદ કિસ્સા સાથે આ પીસ પૂરો કરીએ.

‘દુનિયા કા મેલા’ ફિલ્મમાં રેખા સામે અમિતાભને હીરો તરીકે સાઇન કરાયા હતા. એ વખતે અમિતજીની કરીઅર હજી જામી નહોતી. તેમને એ ફિલ્મ માટે ૫૦,૦૦૦ રૂપિયા ફી આપવાનું નક્કી થયું હતું. ફિલ્મનું ૭ રીલ જેટલું શૂટિંગ પતી ગયું પણ એ પછી ફિલ્મના કેટલાક સીન ફાઇનૅન્સર્સને બતાવાયા ત્યારે ફાઇનૅન્સરે કહ્યું કે આવો સુકલકડી હીરો ન ચાલે. એટલે નવીન નિશ્ચલને એ ફિલ્મ ઑફર થઈ. નવીન નિશ્ચલે એ ફિલ્મ કરવાની તૈયારી ન બતાવી. એ પછી સંજય ખાનને લઈને એ ફિલ્મ બનાવાઈ હતી. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પિટાઈ ગઈ. એ દરમ્યાન અમિતાભ સુપરસ્ટાર બની ચૂક્યા હતા. ફિલ્મ પિટાઈ ગઈ એટલે ફાઇનૅન્સરે ડિરેક્ટરને કહ્યું કે તમારે અમિતાભ બચ્ચનને હીરો તરીકે લેવો જોઈતો હતો.

બાય ધ વે ‘દુનિયા કા મેલા’ ફિલ્મમાં અમિતાભ જોવા મળ્યા નહોતા, પણ એ ફિલ્મ માટે અમિતાભ અને રેખાનું જે ‘ચેહરા યે ઝુલ્ફે જાદુ સા કર રહે હૈં... તૌબા તૌબા...’ ગીત પણ શૂટ થયું હતું.

extrashotsgmd@gmail.com

bollywood gossips bollywood news amitabh bachchan