`72 હૂરેં` રિવ્યુ: એન્ટરટેઇનમેન્ટ નહીં, મેસેજ

08 July, 2023 04:38 PM IST  |  Mumbai | Harsh Desai

આ ફિલ્મ કોઈ ધર્મ પર કમેન્ટ નથી કરતી અને એમાં દેખાડવામાં આવ્યું છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો : સંદીપે આ ફિલ્મ દ્વારા આતંકવાદને એક અલગ રીતે જરૂર દેખાડ્યો છે

પ્રતીકાત્મક તસવીર

કાસ્ટ: સોપવન મલ્હોત્રા, આમિર બશીર

ડિરેક્ટર: સંજય પૂરણ સિંહ

રિવ્યુ: અઢી સ્ટાર

સંજય પૂરણ સિંહની ફિલ્મ ‘72 હૂરેં’ હાલમાં થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ ઘણી કન્ટ્રોવર્સીમાં ફસાઈ ગઈ હતી. આ ફિલ્મ ઇસ્લામોફોબિક હોવાનો પણ ટૅગ એના પર લાગ્યો હતો તેમ જ આ ફિલ્મ સેન્સરબોર્ડ સાથેની કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ હતી. ફિલ્મને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી કે એમાં જે-તે ધર્મના લોકોને કેવી રીતે દેખાડવામાં આવ્યા છે.
આ ફિલ્મ આંતકવાદ પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં આતંકવાદને એક અલગ રીતે દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, તેમને ફક્ત આતંકવાદ સાથે જ મતલબ હોય છે. બે આતંકવાદીઓએ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર થયેલા હુમલાને પાર પાડ્યો હોય છે. એક રીતે જોવા જઈએ તો આ બે આતંકવાદીઓ સુસાઇડ-બૉમ્બર જેવા ગણી શકાય. તેમને મરવાની ઉતાવળ હોય છે, કારણ કે તેમનું બ્રેઇનવૉશ કરીને કહેવામાં આવ્યું હોય છે કે જો તેઓ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે તો જન્નતમાં તેમની 72 હૂરેં રાહ જોતી હોય છે. આ સાથે જ તેમને એવું પણ કહેવામાં આવે છે કે ૪૦ પુરુષોની તાકાત તેમને મળે છે. જોકે તેમનું જે માઇન્ડવૉશ કરવામાં આવ્યું હોય છે એના પર ફિલ્મ છે. ફિલ્મની મૂળ સ્ટોરી મૃત્યુ બાદ શું થાય છે એના પર છે. શું ખરેખર માસૂમ વ્યક્તિને મારવાથી જન્નત મળે છે એનો જવાબ ફિલ્મમાં આપવામાં આવ્યો છે.

સંજય પૂરણ સિંહની ‘72 હૂરેં’ને નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મને દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. સંજય પૂરણ સિંહે તેની ફિલ્મને કોઈ પણ વાતને વધુ પડતી ચગાવવાને બદલે જેટલું છે એટલું જ કહ્યું છે. દરેકને જાણ છે છતાં આ એક સિમ્પલ સ્ટોરીને લોકોએ નજરઅંદાજ કરી છે. ડિરેક્ટરને ખબર છે કે ધર્મ એક ખૂબ સેન્સિટિવ મુદ્દો છે અને એથી જ આ ફિલ્મને ખૂબ નજાકતથી બનાવવામાં આવી છે. સંજયની એક સારી વાત એ છે કે તેણે દરેક ધર્મને પૂરતો ન્યાય આપ્યો છે. તેણે એ સાબિત કર્યું છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.
આ ફિલ્મ બ્લૅક ઍન્ડ વાઇટ છે અને એ લોકોને વિચારતા કરી દે એવી ફિલ્મ છે. મસાલા ફિલ્મોના પ્રેમીઓને ફિલ્મ પસંદ ન પડે એવું બની શકે. ફિલ્મ ઘણી જગ્યાએ ખેંચવામાં આવી હોય એવું લાગે છે. કેટલાંક દૃશ્યોને કટ જરૂર કરી શકાયાં હોત. ‘બ્લાઇન્ડ’માં સિનેમૅટોગ્રાફીમાં દમ નહોતો, પરંતુ અહીં કેટલાંક દૃશ્યો ખૂબ સારાં છે.

પવન મલ્હોત્રા અને આમિર બશીરે તેમના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યું છે. કેટલાંક દૃશ્યમાં પવને જોરદાર કામ કર્યું છે. ફિલ્મના ડાયલૉગ પણ સારા છે. સંજયની આ ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ નહીં, પરંતુ મેસેજ જરૂર આપે છે. આથી આ ફિલ્મને કયા નજરિયાથી જોવામાં આવે છે એ પણ મહત્ત્વનું છે.

 ફાલતુ,  ઠીક-ઠીક, ટાઇમ પાસ, પૈસા વસૂલ, બહુ જ ફાઇન

harsh desai film review bollywood news bollywood gossips bollywood movie review entertainment news