ત્રણ ડિવૉર્સ અને પાંચ બાળકો પછી ૬૬ વર્ષના સિંગર લકી અલીને ચોથાં લગ્ન કરવાં છે

09 February, 2025 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લકી અલીએ બીજી વાર ૨૦૦૦ના વર્ષમાં પારસી મહિલા અનાહિતા સાથે લગ્ન કર્યાં હતાં.

સિંગર લકી અલી

જાણીતા સિંગર લકી અલી ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે અને હાલમાં તેમણે ચોથી વખત લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. લકી અલીની વય ૬૬ વર્ષ છે. તાજેતરમાં લકી અલી દિલ્હીમાં એક ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે ચોથી વખત લગ્ન કરવાની વાત કરી હતી જેની હાલમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. અહીં લકી અલીએ ફેસ્ટિવલમાં પોતાના પર્ફોર્મન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા અને સાથે જ પોતાનાં કેટલાંક હિટ ગીતોના રસપ્રદ કિસ્સા પણ સંભળાવ્યા. જ્યારે લકી અલીને તેમના આગામી સપના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમના જવાબે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

લકી અલીએ કહ્યું કે મારું સપનું છે કે હું ફરીથી લગ્ન કરું. આ નિવેદન બાદ ચર્ચા છે કે લકી અલી ચોથી વખત લગ્ન કરશે. લકી અલીએ ૧૯૯૬માં ઑસ્ટ્રેલિયન યુવતી સાથે પ્રથમ લગ્ન કર્યાં હતાં, જેનાથી તેમને બે સંતાનો છે. આ લગ્ન થોડા સમય બાદ તૂટી ગયાં હતાં.

લકી અલીએ બીજી વાર ૨૦૦૦ના વર્ષમાં પારસી મહિલા અનાહિતા સાથે લગ્ન કર્યાં હતાં. અનાહિતાએ લકી અલી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને નામ બદલીને ઇનાયા રાખ્યું હતું. આ લગ્નથી પણ લકી અલીને બે સંતાનો છે. ૨૦૧૦માં લકી અલીએ ત્રીજી વખત પોતાના કરતાં ૨૪ વર્ષ નાની કેટ એલિઝાબેથ હલમ સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૧૭માં તેમના ડિવૉર્સ થઈ ગયા. કેટે તો લકી અલી સાથે લગ્ન બાદ પોતાનું નામ આઇશા અલી રાખ્યું હતું. કેટ અને લકી અલીને પણ એક દીકરો છે.

lucky ali bollywood news bollywood gossips bollywood entertainment news indian music