27 December, 2025 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
થોડા દિવસ પહેલાં ‘દૃશ્યમ 3’ના મેકર્સે જાહેરાત કરી હતી કે તેમની ફિલ્મ આવતા વર્ષે બીજી ઑક્ટોબરે રિલીઝ થશે. આ જાહેરાતમાં ફિલ્મના લીડ ઍક્ટર્સ તરીકે અજય દેવગન, તબુ, શ્રિયા સરન અને રજત કપૂરનાં નામ સામેલ હતાં, પરંતુ અક્ષય ખન્નાનું નામ એમાં જોવા નહોતું મળ્યું એને કારણે ફૅન્સને ભારે આશ્ચર્ય થયું હતું. એ પછી એવા રિપોર્ટ હતા હતા કે ફી સંબંધી મતભેદને કારણે અક્ષય ખન્નાએ ‘દૃશ્યમ 3’માં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે અક્ષય ખન્નાએ ‘છાવા’ અને ‘ધુરંધર’માં તેને મળેલા દર્શકોના પ્રેમ પછી ‘દૃશ્યમ 3’ માટે પોતાની ફી વધારવાનો નિર્ણય કર્યો હતો અને ‘દૃશ્યમ 3’ના મેકર્સ પાસે તેણે ફીરૂપે ૨૧ કરોડ રૂપિયાની માગણી કરી હતી.
આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘અમારી ‘દૃશ્યમ 3’ના મેકર્સ આ ફીની ડિમાન્ડ સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમણે અક્ષયને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે આટલી મોટી રકમ ચૂકવવાથી ફિલ્મનું બજેટ હદની બહાર જતું રહેશે, પરંતુ અક્ષય ખન્નાને લાગ્યું કે મારી ડિમાન્ડ યોગ્ય છે. તેને ખબર હતી કે હવે તેની હાજરીથી ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ ઘણો વધ્યો છે. એ સિવાય અક્ષય ફિલ્મ માટે વિગવાળો સ્ટાઇલિશ લુક ઇચ્છતો હતો, પણ ફિલ્મમેકર્સને એ વાત ગમી નહોતી, કારણ કે ફિલ્મના બીજા ભાગમાં અક્ષયે વિગ નહોતી પહેરી. આમ અક્ષયની ડિમાન્ડ પૂરી ન થતાં તેણે ‘દૃશ્યમ 3’માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.’