શ્રીમદ્ ભાગવતમ્ : આવી રહી છે ૭ ફિલ્મોની ભવ્ય સિરીઝ

11 September, 2026 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મોટા પ્રોજેક્ટની કમાન આકાશ સાગર ચોપડા અને અમૃત સાગર ચોપડાના હાથમાં છે.

સાત ભાગની સિરીઝની શરૂઆત ‘શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ 1 : વિષ્ણુરત’થી થશે

ભારતીય પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલો પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત હવે મોટા પડદા પર એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટે આ પવિત્ર ગ્રંથ પર આધારિત એક વિશાળ લાઇવ-ઍક્શન ફિલ્મ ફ્રૅન્ચાઇઝી ‘શ્રીમદ ભાગવતમ્’ની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે મેકર્સ સમગ્ર કથાને એક ફિલ્મમાં સમેટવાને બદલે એને ૭ અલગ-અલગ ફિલ્મો દ્વારા દર્શકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. આ મોટા પ્રોજેક્ટની કમાન આકાશ સાગર ચોપડા અને અમૃત સાગર ચોપડાના હાથમાં છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ લાંબા સમયથી ભારતીય પૌરાણિક અને ધાર્મિક કથાઓને દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે.

આ સાત ભાગની સિરીઝની શરૂઆત ‘શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ 1 : વિષ્ણુરત’થી થશે. મેકર્સે ફિલ્મનું પહેલું ટીઝર-પોસ્ટર પણ રિલીઝ કરી દીધું છે. એની સાથે જ આ મહત્ત્વાકાંક્ષી સિનેમૅટિક સફરની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ફિલ્મને ૨૦૨૭માં દુનિયાભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે અને એને  પ્રીમિયમ લાર્જ ફૉર્મેટમાં પણ દર્શાવવામાં આવશે.

મેકર્સે હાલમાં વાર્તાના વિસ્તૃત હિસ્સા વિશે માહિતી જાહેર કરી નથી. જોકે સાત ફિલ્મોની જાહેરાતથી સ્પષ્ટ છે કે દર્શકોને શ્રીમદ્ ભાગવતની કથાનો વિસ્તૃત સિનેમૅટિક અનુભવ કરાવવાની તૈયારી છે. અલગ-અલગ અધ્યાયોને પૂરતો સમય અને જગ્યા આપવાથી ફિલ્મમેકર્સ એનાં પાત્રો, ઘટનાઓ અને આધ્યાત્મિક પ્રસંગોને વધુ વિસ્તારથી રજૂ કરી શકશે.

upcoming movie culture news entertainment news bollywood bollywood news