ફિલ્મ રિવ્યુ: ક્લાઇમૅક્સની કમાલ

19 November, 2022 03:17 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરી બિલ્ડ-અપ થવામાં સમય લાગ્યો છે, પરંતુ ફિલ્મનો અંત જોરદાર છે : પહેલા પાર્ટની સ્ક્રિપ્ટ થોડી ધીમી છે, પરંતુ છેલ્લો એક કલાક એટલો જ થ્રિલિંગ છે

દૃશ્યમ 2 ફિલ્મ રિવ્યુ

દૃશ્યમ 2 

કાસ્ટ : અજય દેવગન, તબુ, અક્ષય ખન્ના, સૌરભ શુક્લા, રજત કપૂર, ઈશિતા દત્તા
ડિરેક્ટર : અભિષેક પાઠક
 સ્ટાર: 3/5

 

અજય દેવગનની ‘દૃશ્યમ 2’ ગઈ કાલે રિલીઝ થઈ છે. મલયાલમ ફિલ્મની આ રીમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં મોહનલાલે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં એ પાત્ર અજય દેવગને ભજવ્યું છે. ઓરિજિનલ ફિલ્મનો પહેલો પાર્ટ હિન્દીમાં નિશિકાન્ત કામતે ડિરેક્ટ કર્યો હતો, પરંતુ તેનું અકાળે મૃત્યુ થયું હોવાથી સીક્વલની જવાબદારી અભિષેક પાઠકે સંભાળી છે.
સ્ટોરી
પહેલી ફિલ્મની સ્ટોરી જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી જ બીજી ફિલ્મની શરૂઆત થાય છે. જોકે શરૂઆતમાં જ દેખાડી દેવામાં આવે છે કે અજય દેવગનને પોલીસ-સ્ટેશનમાં બૉડી છુપાવતાં એક વ્યક્તિ જોઈ જાય છે. જોકે ત્યાર બાદ ફિલ્મ સાત વર્ષનો જમ્પ લે છે. આ સાત વર્ષમાં અજય દેવગન કેબલ ઑપરેટરની સાથે થિયેટરનો માલિક પણ બની જાય છે. આ સાથે જ તે તેની ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાનો હોય છે. જોકે સાત વર્ષ પહેલાં તેના પર જે કેસ ચાલતો હતો એ હજી પણ ચાલી જ રહ્યો છે. કેસમાં નવા ડેવલપમેન્ટ આવે છે, કારણ કે હવે આઇજી બદલાઈ ગયો હોય છે. આ પાત્ર હવે અક્ષય ખન્ના ભજવી રહ્યો છે. આગળ શું થાય છે એ માટે ફિલ્મ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સ્ક્રિપ્ટની ક્રેડિટ જિતુ જોસેફને આપવી રહી, જેણે ઓરિજિનલ ફિલ્મની સ્ટોરી લખી હતી. હિન્દીનો સ્ક્રીનપ્લે આમીલ કિયાન ખાન અને અભિષેક પાઠકે લખ્યો છે. ડિરેક્ટ પણ અભિષેક પાઠકે કરી છે. આ ફિલ્મની સ્ટોરીને બિલ્ડ-અપ કરતાં ખૂબ જ સમય લાગે છે, પરંતુ એ બિલ્ડ-અપ થયા બાદ જે ટ્વિસ્ટ આવવાની શરૂઆત થાય છે એ ખૂબ જ જોરદાર છે. શરૂઆતમાં ફિલ્મની સ્ટોરી ખેંચવામાં આવી રહી છે અને સાઇડ સ્ટોરી શું કામ બતાવવામાં આવે છે એવું લાગે છે, પરંતુ અંતે બધું જ વાજબી લાગે છે. ‘મની હાઇસ્ટ’માં જે રીતે પ્રોફેસર તેના પર આવતી દરેક મુસીબતને લઈને તૈયાર હોય છે એ જ રીતે વિજય સાળગાંવકર પણ હંમેશાં તૈયાર હોય છે. તે ચોથી ફેલ હોય છે અને કેબલનો બિઝનેસ કરતો હોય છે. જોકે તેનામાં ફિલ્મોનો કીડો હોય છે. આ ફિલ્મનો કીડો તેને પહેલી ફિલ્મમાં પણ હિટ કરી ગયો હતો અને આ સીક્વલમાં પણ એ જ કીડો એનો તારણહાર બન્યો છે. ડિરેક્શનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નિશિકાન્ત કામતની કમી જરૂર લાગે છે. અભિષેક પાઠકના ડિરેક્શનમાં કોઈ નવીનતા નથી. જોકે પહેલા પાર્ટમાં મોટા ભાગના દરેક પાત્ર પાસે સ્ક્રીન ટાઇમ અને ડાયલૉગ હતાં, પરંતુ સીક્વલમાં અજય દેવગન અને અક્ષયખન્ના અને ગાયતોન્ડેના પાત્રની આસપાસ જ સ્ટોરી ફરે છે.
પર્ફોર્મન્સ
અજય દેવગને ફરી એક વાર જોરદાર પર્ફોર્મન્સ આપ્યો છે. તેની બૉડી લૅન્ગ્વેજ અને તેનો શાંત સ્વભાવ આ ફિલ્મમાં ખૂબ જ કામ આવ્યાં છે. આ એક એવું પાત્ર છે જેમાં એનર્જીની જરૂર નથી, પરંતુ તમારો ચહેરો ઘણું કહી જવો જોઈએ. શ્રિયા પિલગાંવકર માટે લિમિટેડ કામ છે અને તેની દીકરીનું પાત્ર ભજવતી ઈશિતા દત્તા પાસે ભાગ્યે જ કોઈ ડાયલૉગ બોલવા માટે આવ્યા હશે. રજત કપૂર અને સૌરભ શુક્લાએ તેમનાં પાત્રને ખૂબ જ સારી રીતે ભજવવાની કોશિશ કરી છે. તબુનો સ્ક્રીન ટાઇમ ખૂબ જ ઓછો છે, પરંતુ હજી પણ તેના ચહેરા પર તેના દીકરાને ખોવાનું દુઃખ અને ગુસ્સો જોઈ શકાય છે. અક્ષય ખન્ના પાસે વધુ અપેક્ષા હતી, પરંતુ સ્ટાઇલમાં ચાલવા અને ડાયલૉગબાજી કરવાની સાથે તેને વધુ સ્ક્રીન ટાઇમ આપવાની જરૂર હતી. તેની જગ્યાએ ગાયતોન્ડેને આગળ કરવામાં આવ્યો છે અને એથી અક્ષય ખન્નાનો ટાઇમ ડિવાઇડ થઈ ગયો છે. વિજય સાળગાંવકરના વકીલના રોલમાં સંવેદનાએ નાની ભૂમિકા ભજવી છે. એ નાનું પાત્ર હોવા છતાં ખૂબ જ કન્વિન્સિંગ લાગી છે. જોકે કોર્ટના ઓવરઑલ દૃશ્યને વધુ સારી રીતે લખી શકાયો હોત.
મ્યુઝિક
કેટલાક ફિલ્મમેકર્સને આ ફિલ્મ દેખાડવી જોઈએ જેથી તેમને ખબર પડી શકે કે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને કેવી રીતે કૉમ્પ્લીમેન્ટ આપતું હોવું જોઈએ. ઘણાં દૃશ્યો ફિલ્મના મ્યુઝિકને કારણે ખૂબ જ અસરદાર બન્યાં છે. તેમ જ એ થ્રિલ પણ બનાવી રાખે છે. ફિલ્મનું મ્યુઝિક દેવી પ્રસાદે આપ્યું છે. ‘સાથ હમ રહે’ સારું છે અને કિંગનું ગીત ‘સહી ગલત’ને ક્રેડિટમાં આપવાની જગ્યાએ બીજી રીતે રજૂ કરવું જોઈતું હતું.
આખરી સલામ
ફિલ્મનો ક્લાઇમૅક્સ ઘણી વાર એટલો સારો હોય છે કે ફિલ્મની સ્ટોરીમાં જે ખામી રહી ગઈ હોય એને આપણે નજરઅંદાજ કરી દઈએ. છેલ્લા ઘણા સમયમાં સારા ક્લાઇમૅક્સવાળી કોઈ ફિલ્મ હોય તો એ આ છે.

bollywood news ajay devgn