જોખમો હોય એવી જગ્યાએ સાહસ કરવું એનું નામ જ યુવાની

20 January, 2022 09:43 AM IST  |  Mumbai | Varsha Chitaliya

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં વીસ હજાર કિલોમીટરની યાત્રા કરી ચૂકેલા આ ભાઈ હવેથી વર્ષના સો ​દિવસ બાઇક પર ફર-ફર કરવાના છે

જોખમો હોય એવી જગ્યાએ સાહસ કરવું એનું નામ જ યુવાની

જેસલમેરના પ્રવાસ દરમિયાન રાતના સમયે મારગમાં જંગલી પ્રાણીઓના હુમલાનો ભય હોવા છતાં બાઇક ચલાવવાનું સાહસ ખેડનારા વિરારના ૩૦ વર્ષના અજય મારુને લૉકડાઉન દરમિયાન ટ્રાવેલિંગનો એવો ચસકો લાગ્યો કે ઇન્ડિયા એક્સપ્લોર કરવા નવી બુલેટ ખરીદી લીધી. દોઢ વર્ષના ટૂંકા ગાળામાં વીસ હજાર કિલોમીટરની યાત્રા કરી ચૂકેલા આ ભાઈ હવેથી વર્ષના સો ​દિવસ બાઇક પર ફર-ફર કરવાના છે

રાજસ્થાનના રણનું સૌંદર્ય, શાહી મહેલો, કિલ્લાઓમાં વસેલાં ગામો, સંગ્રહાલયો, મંદિરો અને ઐતિહાસિક સ્થળોને નજીકથી જોવાની ચાહમાં વિરારના ૩૦ વર્ષના અજય મારુ ગયા મહિને બુલેટ પર આઠ દિવસનો પ્રવાસ ખેડી આવ્યા. આ ટ્રિપ દરમિયાન ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે રાતના ૧૧ વાગ્યે જંગલ વિસ્તારમાં બાઇક ચલાવી. કડકડતી ઠંડીમાં ઉદયપુરથી જેસલમેરના રસ્તામાં જંગલી પ્રાણીઓનો ભય વચ્ચે રાતના સમયે તેમણે બાઇકિંગ કરવાનું સાહસ કેમ કર્યું, ટ્રાવેલિંગનો ચસકો ક્યારથી લાગ્યો, કઈ જગ્યાઓ એક્સપ્લોર કરી આવ્યા એના રસપ્રદ અનુભવો જાણીએ.
પ્રવાસમાં શું થયું?
રાજસ્થાન ટ્રિપના અનુભવો શૅર કરતાં અજય કહે છે, ‘દોઢ વર્ષથી સોલો ટ્રાવેલિંગ કરતો હતો પરંતુ આ વખતના પ્રવાસમાં મારા બેસ્ટ ફ્રેન્ડ અનિકેત વાઘમારેએ સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરતાં બે જણ ગયા હતા. મારાથી ઇન્સ્પાયર થઈને તેણે નવી બુલેટ લીધી હતી. અનિકેતને લૉન્ગ ટૂરમાં એકલા બાઇકિંગનો અનુભવ નહોતો તેથી એની જવાબદારી પણ મારા શિરે આવી ગઈ. ઉદયપુર, જયપુર, જોધપુર અને જેસલમેર એક્સપ્લોર કરવા આઠ દિવસનો પ્રોગ્રામ બનાવ્યો હતો. મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી ઉદયપુર ગયા. રામાપીર મંદિરથી જેસલમેર ફોર્ટ ૧૨૦ કિલોમીટર છે. અહીં ઠેર-ઠેર બોર્ડ મારેલાં છે કે જંગલી પ્રાણીઓથી સાવધ રહેવું. પ્લાન મુજબ રાતના આઠ સુધીમાં ડેસ્ટિનેશન પહોંચી જવાનું હતું પણ લેટ થઈ ગયા. અહીં કોઈ ઢાબા, દુકાનો કે રાતવાસો કરવા હોટેલ નહોતી તેથી જર્ની કમ્પ્લીટ કરવાનું વિચારી આગળ વધ્યા. જંગલમાંથી પસાર થતા હતા ત્યાં અચાનક બાઇકની સામે હરણ આવી ગયું. એક તો ઠંડીની મોસમ ઉપરથી ઘનઘોર જંગલ એટલે પૅનિક થઈ ગયા. અમારી આગળ-પાછળ દૂર-દૂર સુધી કોઈ દેખાતું નહોતું. કોઈ પણ સંજોગોમાં રસ્તો કાપવાનો જ હતો તેથી માઇન્ડ ડાઇવર્ટ કરવા તેમ જ અલર્ટનેસ માટે બન્નેએ હેડફોન લગાવી ફોન પર વાતચીત સ્ટાર્ટ કરી. બાઇક વચ્ચે દોઢસો મીટરથી વધુ અંતર ન રહે એનું ધ્યાન રાખ્યું જેથી કદાચ મુશ્કેલી આવે તો સામનો કરી શકાય. ભયના ઓથાર તળે ત્રણ કલાક ડ્રાઇવ કરીને અમે જેસલમેર પહોંચ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો. એમાંય જેસલમેરનો પ્રવાસ મેમરેબલ રહ્યો.’ 
રૂડું રાજસ્થાન
આ કલ્ચરલ અને એક્સપ્લોરેશન ટ્રિપ હતી એમ જણાવતાં અજય કહે છે, ‘રાજસ્થાનનાં વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળો, કિલ્લાઓ અને ભારત-પાકિસ્તાનની સરહદ મુખ્ય આકર્ષણ છે. આ સ્થળની સંસ્કૃતિ અને ઇતિહાસ જાણીને તમે આશ્ચર્યમાં પડી જાઓ. મારી હિસ્ટરીમાં દિલચસ્પી રહી છે. કહેવાય છે કે રામાપીરના શ્રાપના કારણે અહીં રેગિસ્તાન છે. રાજસ્થાનના કિલ્લાઓની ખાસિયત એ કે અહીં આખાં ગામ વસાવ્યાં છે. લોકો ફોર્ટની અંદર રહે છે. કલાકારીમાં તો રાજસ્થાનનો જવાબ નથી. ફૂડ પણ એક્સલન્ટ છે. રૂડું મજાનું રાજ્ય છે. એમાંય ‘ધ ગોલ્ડન સિટી’ તરીકે જાણીતા જેસલમેરનો પ્રવાસ ન કર્યો તો તમે કંઈ નથી જોયું. જેસલમેરના કિલ્લા એની આન, બાન અને શાન છે. સાંજના સમયે આથમતા સૂરજનાં કિરણો પીળા બલુઆ પથ્થરના કિલ્લાને સોનેરી રંગથી ભરી દે એ નઝારો માણવા જેવો છે. પર્યટકોમાં આ જગ્યા સોનાર કિલ્લાના નામથી પ્રચલિત છે. બૉર્ડર વિસ્તાર હોવાથી મિલિટરીની સતત અવરજવર રહે છે. તેમની સાથેની છોટી સી મુલાકાત યાદગાર રહી.’
ટર્નિંગ પૉઇન્ટ
સોલો ટ્રાવેલિંગનો ચસકો લાગ્યો એની પાછળ રોમાંચક વાર્તા છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘સરકારી નોકરી હોવાના કારણે કોવિડમાં અમારા માથા પર કામનો બોજો ખૂબ હતો પણ એનો ફાયદો એ થયો કે અમે આઇ કાર્ડ બતાવી બહાર નીકળી શકતા હતા. મારી પાસે ઘણી રજાઓ જમા પડી હતી એનો ઉપયોગ કરવા એકાદ વાર કારમાં પ્રવાસ કરી આવ્યો. અંદરખાને રોડ ટ્રિપનું અટ્રૅક્શન હતું તેથી ફર્સ્ટ અનલૉક બાદ બુલેટ ખરીદી. સૌથી પહેલાં વિરારથી લોનાવલા બાઇક ચલાવી. અજાણ્યા રસ્તાઓ પર એક્સપ્લોર કરવાનો રોમાંચક અનુભવ કર્યા બાદ સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ વધતો ગયો. રોડ ટ્રિપનો આનંદ ઉઠાવવા ગો-થ્રૂ કૅમેરા વસાવ્યો. મુંબઈ, ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો ફરી આવ્યો. તમામ પ્રવાસો બાઇક પર જ કર્યા હોવાથી અઢળક અનુભવો થયા છે. ક્યારેક બાઇકમાં પંક્ચર પડી જાય. કોઈક વાર ઍનિમલ રસ્તાની વચ્ચે બેઠું હોય, રસ્તો ભૂલી જઈએ, દૂર-દૂર સુધી પેટ્રોલ પમ્પ ન હોય એવું પણ બન્યું છે. જોકે યુવાની આવાં સાહસો કરવા માટે જ છે.’

અજયભાઈને બુલેટ લઈને મહાબળેશ્વર, માથેરાન, લોનાવલા જેવાં મુંબઈથી નજીકનાં સ્થળો એક્સપ્લોર કરવાં ગમે છે. નજીકના ભવિષ્યમાં કેદારનાથનાં દર્શન કરી ઉત્તરાખંડ એક્સપ્લોર કરવાનો વિચાર છે. તેમનું કહેવું છે કે સોલો ટ્રાવેલિંગ ઘણી રીતે થાય. ક્યારેક મન થાય એટલે બૅકપૅક લઈને રખડવા નીકળી પડો એમાં મજા આવે, જ્યારે કેટલાંક સાહસો માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડે. બાઇક પર સોલો ટ્રાવેલિંગ તો ચાલુ જ રહેશે પણ ફ્રેન્ડને અનુકૂળતા હશે તો ઉત્તરાખંડ સાથે જશે. તેઓ કહે છે, ‘લાંબા પ્રવાસમાં અનેક કિલોમીટર સુધી પેટ્રોલ ન મળે તો કઈ રીતે મૅનેજ કરવું, બાઇકનું મેકૅનિઝમ શું છે, કયા સ્પેરપાર્ટ્સ સાથે રાખવા જોઈએ જેવી ઝીણી-ઝીણી બાબતોનો અભ્યાસ કરું છું જેથી હવે પછીના પ્રવાસમાં સમય ઓછો વેડફાય અને વધુ જગ્યા એક્સપ્લોર કરવા મળે. ગવર્નમેન્ટ સર્વન્ટ હોવાથી મારી પાસે ઘણી રજાઓ હોય છે અને રિસ્ટ્રિક્શન ઓછાં નડે છે તેથી નક્કી કર્યું છે કે હવેથી વર્ષના સો દિવસ બાઇ​ક લઈને રખડવા નીકળી જવું છે.’

20,000
કોવિડના દોઢ વર્ષના ગાળામાં અજય મારુએ આટલા કિલોમીટરનું ભારતભ્રમણ કરી લીધું છે.

હમેં ફેમસ કર દેના

અજય પોતાના વિશે જણાવતાં કહે છે કે મને બનીઠનીને રહેવાનો શોખ છે. પ્રવાસ દરમિયાન ઢાબા પર જમવા રોકાતો ત્યારે મારો લુક જોઈને ગામડાના લોકો સેલ્ફી લેતા હતાં. બાળકો બાય-બાય કરતાં પાછળપાછળ દોડતાં. ઉત્સાહમાં આવીને તે કહે છે, ‘ઇન્ટરનેટ આજે ગામડાંઓ સુધી પહોંચી ગયું છે. બુલેટ, સ્ટાઇલિશ ઍક્સેસરીઝ, હેલ્મેટ, ગો-થ્રૂ કૅમેરા વગેરે જોઈને ઘણાને લાગતું કે હું ટ્રાવેલ ઍન્ડ ફૂડ બ્લૉગર છું. મારી યુ-ટ્યુબ ચૅનલ હશે એવું માની ફોટો પડાવતા. જમીને પૈસા આપવા જાઉં તો કહે, ‘સાહેબ પૈસા નહીં ચાહિએ, હમેં આપકી ચૅનલ પર ફેમસ કર દેના. હમારા બિઝનેસ બઢ જાએગા.’ નાનાં શહેરોના લોકો લાગણીશીલ અને દિલદાર હોય છે. ફૂડ સ્ટૉલ, શૉપ્સ અને લોકલ બિઝનેસને પર્યટકોનો સપોર્ટ મળે એવી તેઓ અપેક્ષા રાખે છે. સમયાંતરે મારી ચૅનલ પર તેમના વિડિયો શૅર કરતો રહું છું.’

columnists Varsha Chitaliya