ટીચર્સ અને પેરન્ટ્સ વચ્ચે છેડાયેલા જંગમાં બાળક પિસાય છે

11 January, 2019 09:52 AM IST  |  | Varsha Chitaliya

ટીચર્સ અને પેરન્ટ્સ વચ્ચે છેડાયેલા જંગમાં બાળક પિસાય છે

પ્રતીકાત્મક તસવીર

યંગ વર્લ્ડ

આપણી શિક્ષણપદ્ધતિ દિવસે-દિવસે કથળતી જાય છે. ઊંચા પગારો મળે છે તેમ છતાં સ્કૂલ અને કૉલેજમાં શિક્ષકો ભણાવતા જ નથી. તેઓ ભણાવે નહીં એટલે આપણે બાળકોને પ્રાઇવેટ ક્લાસિસ અને ટ્યુશનમાં મોકલવાં પડે છે. એ જ ટીચરો પાછા ડાહ્યા થઈને પ્રાઇવેટમાં ભણાવવાના હજારો રૂપિયા પડાવે છે. આવો કકળાટ લગભગ બધા જ પેરન્ટ્સ કરતા હોય છે. પેરન્ટ્સની આ કકળાટ કથા પાછળ શિક્ષકોની વ્યથા છુપાઈ છે કે પછી તેઓ ખરેખર પ્રોફેશનલ બની ગયા છે? ખાનગી ક્લાસિસમાં હજારો રૂપિયાની ફી વસૂલતા શિક્ષકોનું પેટ મોટું છે કે તેમની જરૂરિયાતો પૂરી થતી નથી તેથી તેમને વધારાના કલાકો કામ કરવાની ફરજ પડે છે? આ નવી એજ્યુકેશન સિસ્ટમ સંદર્ભે પેરન્ટ્સ, સ્ટુડન્ટ અને ટીચર્સનું શું કહેવું છે એ જાણીએ.

એક્સ્ટ્રા પ્રૅક્ટિસ માટે ક્લાસિસમાં જવું પડે છે : ક્રતિ સોની, સ્ટુડન્ટ, અંધેરી

સ્કૂલ અને ક્લાસિસના માહોલમાં અંતર હોય છે એવો અભિપ્રાય આપતાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી ક્રતિ સોની કહે છે, ‘સ્કૂલ ટીચર્સનું સ્ટુડન્ટ્સ પર ફોકસ નથી હોતું એવું મને નથી લાગતું, પરંતુ ક્લાસિસમાં જે રીતે ડાઉટ સૉલ્વિંગ થાય છે અને એક્સ્ટ્રા પ્રૅક્ટિસ મળે છે એવી સ્કૂલમાં નથી મળતી. સ્કૂલમાં એક્ઝામના પૉઇન્ટ ઑફ વ્યુથી ગવર્નમેન્ટની બાલભારતી વેબસાઇટ પર જેટલી માહિતી આપી હોય એટલું જ ભણાવવામાં છે, જ્યારે ક્લાસિસમાં બીજાં પેપર પણ સૉલ્વ કરાવવામાં આવે છે. મૅથ્સ જેવા સબ્જેક્ટમાં વધારાની પ્રૅક્ટિસ જોઈએ જ. તેઓ એક-એક સ્ટુડન્ટ પર પર્સનલ ધ્યાન આપે છે. સ્કૂલમાં ઘણાબધા સ્ટુડન્ટ્સ હોય એમાં ટીચર્સ બધા પર ફોકસ ન રાખી શકે એ સ્વાભાવિક છે. તેમની પાસે એક ચૅપ્ટરને ફરી-ફરી ભણાવવાનો સમય પણ નથી હોતો. બીજું, સ્કૂલમાં ક્લાસરૂમમાં ઘોંઘાટ બહુ થાય અને ડાઉટ સૉલ્વિંગ માટે સ્કૂલ છૂટે પછી ટીચરની રાહ જોતાં બેસી રહેવું પડે અથવા નક્કી કરેલા સમયમાં જવું પડે. બન્ને જગ્યાએ ટીચર્સના લેવલમાં ફરક નથી, પરંતુ વાતાવરણમાં ફરક પડી જાય છે. સ્કૂલ ટીચર્સ વધારાની ઇન્કમ માટે કંઈ કરતા હોય એની મને જાણ નથી, કારણ કે અમારી સ્કૂલમાં ટીચર્સને પ્રાઇવેટ ટ્યુશન કરવાની પરમિશન આપવામાં આવતી નથી.’

પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર્સની નોકરીની કોઈ ગૅરન્ટી નથી હોતી : રમેશચંદ્ર ભટ્ટ, રિટાયર્ડ અસિસ્ટન્ટ હેડમાસ્ટર, કાંદિવલી

તેર વર્ષ પહેલાં મલાડની ગવર્નમેન્ટ એઇડેડ સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તેમ જ નિવૃત્તિ વેળાએ વાઇસ પ્રિન્સિપાલના હોદ્દા પર ફરજ બજાવનારા રમેશચંદ્ર ભટ્ટનું માનવું છે કે અત્યારે શિક્ષકોના પગારનું ધોરણ સુધરી ગયું છે તેમ છતાં આત્મસંતોષ નથી રહ્યો એનાં અનેક કારણો છે. તેઓ કહે છે, ‘સરકારી સ્કૂલોમાં શિક્ષકોના પગાર ઊંચા છે, જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં મૅનેજમેન્ટ અને શિક્ષકોના પર્ફોર્મન્સ પર બધો આધાર રાખે છે. અમારા જમાનામાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનાં પરિણામોને ધ્યાનમાં લઈ અમારી શ્રેણી નક્કી થતી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ લાવે એ માટે અમે ઓછા પગારે વધુ મહેનત કરતા હતા. મને યાદ છે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે એ માટે હું રાતે જાગીને પ્રશ્નાવલિ તૈયાર કરતો. અત્યારના શિક્ષકોમાં આવું ડેડિકેશન જોવા મળતું નથી. પ્રાઇવેટ સ્કૂલમાં ત્રણ વર્ષ બાદ શિક્ષકોને કાઢી મૂકવામાં આવે છે. તેમની નોકરીની ગૅરન્ટી હોતી નથી તેથી તેઓ બૅકઅપ પ્લાન તરીકે પોતાનો બિઝનેસ ચાલુ રાખે છે. અંગ્રેજી માધ્યમની નામાંકિત સ્કૂલો પેરન્ટ્સ પાસેથી ડોનેશનપેટે મોટી રકમ પડાવે છે, પણ શિક્ષકોને પૂરતું મહેનતાણું આપતી નથી. બીજી બાજુ સરકારી સ્કૂલોમાં બે વર્ષની નોકરી બાદ કાયમી ધોરણે નિમણૂક થઈ જાય છે, તેથી જોખમ ઓછું છે. આ માહોલમાં વિદ્યાર્થીઓ પિસાય છે.’

આજના ટીચર્સ માટે મનમાં આદરભાવ જાગતો નથી : રેખા સીતાપરા, પેરન્ટ, સાંતાક્રુઝ

આજના ટીચર્સ મની-માઇન્ડેડ બની ગયા છે એવો બળાપો કાઢતાં બે પુત્રોનાં મમ્મી રેખા સીતાપરા કહે છે, ‘પ્રાઇવેટ સ્કૂલના ટીચર્સની સૅલેરી ઓછી હોય છે એટલે તેઓ ટ્યુશન કરતા હશે એવું મને તો નથી લાગતું. આજે બધાં જ ફીલ્ડમાં પૈસો-પૈસો થઈ ગયું છે અને ટીચર્સ પણ એમાંથી બાકાત નથી. પેરન્ટ્સનાં ખિસ્સાં ખંખેરવાની જ વાતો હોય છે. સ્કૂલમાં તેઓ સિલેબસ પૂરું કરવાના ધ્યેયથી ભણાવે છે, જ્યારે પ્રાઇવેટ ટ્યુશનમાં પર્સનલ ધ્યાન આપે છે. અને કેમ ન આપે? પેરન્ટ્સ એના જ પૈસા ચૂકવે છે. તેઓ પ્રોફેશનલ બની ગયા છે તેથી ગુરુ માટે મનમાં જે આદરભાવ જાગવો જોઈએ એ હવે રહ્યો નથી. મોટા ભાગના ટીચર્સ પ્રાઇવેટ ટ્યુશન કરી તગડી કમાણી કરે છે. જોકે હું ટોટલી તેમના પર આક્ષેપ નહીં નાખું. અત્યારના કમ્પેટિટિવ માહોલમાં પેરન્ટ્સ પણ સ્વાર્થી બની ગયા છે. મમ્મીઓ એવું માને છે કે મારું બાળક સ્કૂલ ટીચર પાસે ટ્યુશનમાં જશે તો પરીક્ષામાં વાંધો નહીં આવે. પેરન્ટ્સની આવી માનસિકતાથી તેઓ પરિચિત છે. વર્ષ પૂરું થાય એટલે તેઓ જ મમ્મીને કહે છે કે બીજા પેરન્ટ્સને અમારું નામ રેકમન્ડ કરજો. આમ કરવાથી તેમની ગુડવિલ બને છે અને વધુ ટ્યુશન મળી રહે છે. શિક્ષકોની ભૂખ અને પેરન્ટ્સની માનસિકતા વચ્ચે બાળકો પિસાય છે.’

મની તમારો મોટિવ હોય તો કૉર્પોરેટ ફીલ્ડમાં કામ કરો, ટીચર બનવાની જરૂર નથી : સુધા કેરાવાલા, સ્કૂલ ટીચર, અંધેરી

ટીચિંગ પૅશનનું ફીલ્ડ છે, નહીં કે પૈસા કમાવાનું એવો મત વ્યક્ત કરતાં સ્કૂલ ટીચર તરીકે ફરજ બજાવતાં સુધા કેરાવાલા કહે છે, ‘જે વ્યક્તિ મની માઇન્ડેડ હોય તે ક્યારેય ટીચર ન બની શકે. આ પ્રોફેશનમાં રહેવા માટે ડેડિકેશન જોઈએ. આજના વિદ્યાર્થીઓને વીસ મિનિટથી વધુ સમય માટે એક જગ્યાએ બેસાડીને ભણાવવા એ ચૅલેન્જ છે. થોડા-થોડા સમયે મેથોડોલૉજી ચેન્જ કરતાં રહેવું પડે. પેરન્ટ્સ પ્રાઇવેટ ટ્યુશન પર ભાર મૂકે છે એનું કારણ જુદું છે. બાળક નાનું હોય ત્યારે તેઓ અભ્યાસમાં રસ લે છે. જેમ-જેમ ઉપરના ધોરણમાં જાય છે તેઓ હાથ ઊંચા કરી દે છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને સુંદર રીતે ભણાવવામાં આવે છે, પરંતુ દિવસના અંતે પેરન્ટ્સને માત્ર માર્ક્સ જોઈએ છે. તેથી તેઓ પોતાના બાળકને ક્લાસિસમાં મોકલે છે. હું દોઢસો વિદ્યાર્થીઓને ભણાવું છું. હવે ત્રણસો પેરન્ટ્સના માઇન્ડને ચેન્જ ન કરી શકું. દસમાનું વર્ષ છે એટલે કોઈ જોખમ નથી લેવું, પૈસા તો કમાઈ લઈશું એવી માન્યતા તેમના મનમાં ઘર કરી ગઈ છે. પ્રાઇવેટ સ્કૂલમાં ગ્રોથ નથી અને સૅલેરી ઓછી મળે છે એટલે શિક્ષકોએ ટ્યુશન કરવાં પડે છે એ વાત સાથે હું સહમત નથી. અમારી સ્કૂલમાં શિક્ષકોને છઠ્ઠા વેતનપંચ અનુસાર પગાર મળે છે અને આગળ વધવાની તક પણ છે.’

આગામી પેઢીને તૈયાર કરનારા શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ધૂંધળું છે : ચેતના ચૌહાણ, સ્કૂલ ટીચર, ભાઈંદર

ગણિત અને ઇતિહાસ વિષયના શિક્ષક ચેતના ચૌહાણનો અનુભવ કડવો રહ્યો છે. તેઓ કહે છે, ‘પેરન્ટ્સને લાગે છે કે સ્કૂલ આટલી ઊંચી ફી લે છે તો શિક્ષકોની સૅલેરી સારી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. અમારા વિસ્તારની સ્કૂલમાં હાઈ સ્કૂલના શિક્ષકની સૅલેરી દસ હજારની અંદર છે. આટલી રકમમાં વ્યક્તિ પોતાની પારિવારિક જવાબદારીઓ પાર પાડી શકે? સરકારે ઘણા કાયદા બનાવ્યા છે, પરંતુ સ્કૂલ મૅનેજમેન્ટ એને ગંભીરતાથી લેતું નથી. અમુક સ્કૂલમાં તો ટીચર્સને બેસવા ખુરશી પણ હોતી નથી. છ કલાક ખડેપગે ઊભા રહી આગામી પેઢીનું ઘડતર કરનારા શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય છે. પાંચથી આઠ વર્ષ એક જ સ્કૂલમાં ફરજ બજાવનારા શિક્ષકોને પણ કાયમી ધોરણે નોકરીએ રાખવામાં આવતા નથી.

આ પણ વાંચો : તમે છો એટલે નહીં, તમે છો તો પણ દુનિયા ચાલે છે

સ્કૂલ પ્રશાસન કોઈ ને કોઈ બહાનું બતાવી તેમને હાંકી કાઢે છે, કારણ કે ઓછા પે સ્કેલમાં બીજા ટીચર્સ મળી જ રહે છે. આ ફીલ્ડમાં પગારવધારો પણ સાવ જ ઓછો છે. દર વર્ષે મહિને અઢીસોથી પાંચસો રૂપિયા જેટલો વધારો થાય એમાં શું વળે? આવી પરિસ્થિતિમાં બે છેડા ભેગા કરવા મોટા ભાગના શિક્ષકોને પ્રાઇવેટ ક્લાસિસમાં ભણાવવું પડે છે અથવા ટ્યુશન લેવાં પડે છે. હાલમાં અંગત કારણસર મેં એક વર્ષનો બ્રેક લીધો છે. મારા અનુભવો અને અખબારના માધ્યમથી શિક્ષકોની વ્યથા પેરન્ટ્સ અને સ્કૂલ મૅનેજમેન્ટ સુધી પહોંચશે એવી અપેક્ષા રાખું છું.’

columnists