તમે છો એટલે નહીં, તમે છો તો પણ દુનિયા ચાલે છે

Rashmin Shah | Jan 11, 2019, 09:50 IST

વાતને ધ્યાનથી વાંચજો અને સમજજો પણ ખરા. જો તમારા જેવા અડિયલ, ખડૂસ અને વાહિયાત લોકોના અસ્તિત્વ વચ્ચે પણ દુનિયાનો નિર્વાહ ચાલુ રહ્યો હોય તો તમારી ગેરહાજરીથી જગતને કોઈ ફરક નથી પડી જવાનો

તમે છો એટલે નહીં, તમે છો તો પણ દુનિયા ચાલે છે
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

સાવ અવળી વાત છે આ અને આ રીતે ક્યારેય કોઈએ કહ્યું પણ નહીં હોય તમને. એવું લાખો વખત સાંભYયું હશે, હજારો વખત અનુભવ કરી લીધો હશે અને સેંકડો વખત ગર્વ પણ કરી લીધો હશે જ્યારે કોઈએ તમને કહ્યું હશે : તમે છો એટલે આ બધું ચાલે છે, તમે નહીં હો ત્યારે શું થશે?

સાવ ખોટી વાત. જેને તમારો સાચો અનુભવ થઈ ચૂક્યો છે, જેને તમારો ખરો રંગ જોવા મળી ગયો છે તેને જઈને એક વખત પૂછશો તો તમને સમજાશે કે તમે છો એટલે નહીં, પણ તમે છો તો પણ આ દુનિયા ચાલે છે અને આ જ હકીકત છે. આપણે છીએ એટલે નહીં, આપણા જેવું નડતર અને કળતર હોવા છતાં પણ આ દુનિયા આટલી સરસ રીતે ચાલે છે તો આપણી ગેરહાજરીમાં તો એ ચોક્કસપણે ઉત્કૃષ્ટ રીતે ચાલવાની છે. એમાં કોઈ કાંકરાવાળા નથી હોવાના અને એમાં કોઈ કંટક પાથરનારાઓ પણ નથી હોવાના. આપણી ગેરહાજરીમાં કોઈ પ્રકારની કટકટ કરનારાઓ પણ નથી રહેવાના અને આપણી ગેરહાજરીમાં તમામ પ્રકારની કચકચનો પણ અંત આવી જવાનો છે તો પછી આપણી ગેરહાજરીમાં ક્યાંથી કોઈ દુ:ખી થાય અને ક્યાંથી કોઈને તકલીફો પડે અને પડે પણ શું કામ? તકલીફ ત્યારે પડે જ્યારે એમાં નડતરો ઊભાં કરનારાઓ વધવાના હોય, મુશ્કેલી ત્યારે આવે જ્યારે વિઘ્નસંતોષીઓની સંખ્યા વધવાની હોય અને પરેશાની તો જ હોય જો પરેશાન કરનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી હોય. પણ જો એનો જ અંત આવી જાય તો, જો એનું જ નિરાકરણ આવી જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી અને જો કોઈ પ્રશ્ન રહેતો નથી તો કોઈ તકલીફ રહેતી નથી.

હાજરી ખૂંચવી ન જોઈએ. હાજરી ખટકવી ન જોઈએ. હાજરીનો ભાર ન લાગવો જોઈએ. યાદ રહે, તમારી હાજરી ઑક્સિજન જેવી હોવી જોઈએ, જેની અનિવાર્યતા નિર્વિવાદ છે અને એમ છતાં એનો અણસાર તસુભાર પણ નથી. જો તમે હાજરીને હાવી થવા દેશો તો લખી રાખજો, તમારી હાજરી અને તમારા અસ્તિત્વ બન્નેનો ભાર વર્તાવો શરૂ થઈ જશે અને જ્યારે પણ ભાર વર્તાય છે ત્યારે એ ભારને હટાવવાનો આદેશ સૌથી પહેલું મન કરે છે. નક્કી તમે કરો, તમારી હાજરીનો ભાર આપીને કાયમ માટે દૂર થવું છે કે પછી હાજરીનો ભાર કાઢીને કાયમ માટે સાથે રહેવું છે?

સાથે રહેનારાઓનો કોઈ ભાર હોવો જોઈએ નહીં અને એની સાથે જ રહી શકાય જેના ભારને કોઈ ત્રાહિતના શિરે મૂકવામાં ન આવતો હોય. આજે મોટા ભાગના સંબંધોમાં ભારણ વધી રહ્યું છે. ઑફિસ હોય કે ઘર, હસબન્ડ-વાઇફ હોય કે પછી સંતાન અને પેરન્ટ્સની વાત હોય. બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને પણ આ વાત લાગુ પડે અને સિનિયર-જુનિયરની સાથે પણ આ જ અનુસંધાન કામ કરે છે. ક્યારેય સંબંધો ભારરૂપ ન બને એનું ધ્યાન રાખજો. જો એવું માનતા હો કે એવું ધારતા પણ હો કે તમારો સ્વભાવ, તમારું વર્તન સંબંધો પર હાવી થઈ રહ્યા છે તો તરત જ સજાગ થઈને એ ભારને હટાવી દેજો. નહીં તો એવો તબક્કો આવી જશે કે સામેની વ્યક્તિને તમે નહીં, તમારા તરફથી ફેંકવામાં આવતો ભાર જ નજરમાં આવશે. સામેની વ્યક્તિ તમારાથી બચવા નહીં, પણ તમારી સાથે પ્રવેશી રહેલા ભારથી જાતને ક્ષેમકુશળ રાખવા અંતર બનાવી રહી છે. આપણે ત્યાં મોટા ભાગના સંબંધોમાં આ જ ભૂલ થતી રહી છે. ફર્નિચરને જેમ ઊધઈ ખાય એમ સંબંધોને સ્વભાવગત ભાર ખાવાનું શરૂ કરી દે છે.

મહત્વનું એ છે કે આ ભાર હોય છે કઈ વાતનો?

અનુભવનો ભાર, વધુપડતી સમજદારીનો ભાર, પદને સિંહાસન બનાવ્યાનો ભાર અને ગેરસમજણનો ભાર. સૌથી વધારે જો કોઈ વાત ખટકનારી હોય તો એ છે આ ગેરસમજણનો ભાર. ગેરસમજણ વચ્ચે મોટા ભાગના સંબંધોનું નિકંદન નીકળે છે અને જ્યાં નિકંદન કાઢવાની હિંમત નથી હોતી ત્યાં એ સંબંધો વષોર્ જૂની લાશની જેમ ગંધ મારવાના શરૂ થઈ જાય છે. તમે જુઓ, આજુબાજુમાં નજર નાખો, તમને એ દુર્ગંધ મારતા સંબંધોનો ઢગલો દેખાશે. બને કે એવી જ દુર્ગંધ તમારા સંબંધોમાંથી આવતી પણ તમને દેખાય. જીવનમાં બે જ સચ્ચાઈ એવી છે જે છુપાવ્યા પછી પણ પોતાની હાજરીની ચાડી ખાય. સુગંધ અને દુર્ગંધ. આ બન્નેને ક્યાંય પોતાનો ચહેરો દેખાડવાની જરૂર નથી પડતી અને એ પછી પણ પોતાની હાજરી નોંધાવી દે છે. સુગંધની ગેરહાજરી હશે તો ચાલશે, પણ સંબંધોમાં દુર્ગંધની હાજરી ન હોવી જોઈએ અને એને ગેરહાજરી આપવી હોય તો સંબંધો પર રહેલો ગેરસમજણનો ભાર હટાવજો. ગેરસમજણનો ભાર હટાવવા માટે ખુલાસાઓની આવશ્યકતા નથી. આ ખુલાસાઓ ગેરસમજણની ચીરફાડ કરશે અને દુર્ગંધથી વધારે માથું ફાડશે અને પછી જીવવું પણ અઘરું થઈ જશે, પણ જો ઇચ્છતા હો કે સંબંધોનો નિખાર અકબંધ રાખવો છે તો ગેરસમજણનો ભાર હટાવી દેજો. ગેરસમજણનો જ નહીં, તમામ પ્રકારના ભાર હટાવીને રહેજો. જો ભાર હટાવશો તો જ તમારી હાજરીનો ભાર ઘટશે અને જો હાજરીનો ભાર ઘટશે તો જ તમને લાગુ નહીં પડે : તમે છો એટલે નહીં, તમે છો તો પણ દુનિયા ચાલે છે.

આ પણ વાંચો : જેને પોતાના કોઈ નિયમ નથી તે હંમેશાં બીજાના નિયમો પર ચાલે છે

હા, હકીકત છે આ.

એક વખત જરા વિચારજો ધ્યાનથી. તમને પણ સમજાશે, તમે છો તો પણ દુનિયા ચાલે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK