જમનાદાસ શાંતાબહેન મજીઠિયા

16 June, 2022 01:46 PM IST  |  Mumbai | JD Majethia

હા, તમે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની ક્રેડિટ્સમાં જોશો તો તમને આ નામની મારી ક્રેડિટ જોવા મળશે. મા હોય જ એવી, તે તમારી પાસે કશું માગે નહીં, તેને તમારી પાસેથી કંઈ જોઈએ નહીં. તે તો બસ તમારી પ્રગતિ જોઈને રાજી થયા કરે અને મનોમન તમને આશીર્વાદ આપ્યા કરે

જમનાદાસ શાંતાબહેન મજીઠિયા અને જેડી મજીઠિયા

હા, તમે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની ક્રેડિટ્સમાં જોશો તો તમને આ નામની મારી ક્રેડિટ જોવા મળશે. મા હોય જ એવી, તે તમારી પાસે કશું માગે નહીં, તેને તમારી પાસેથી કંઈ જોઈએ નહીં. તે તો બસ તમારી પ્રગતિ જોઈને રાજી થયા કરે અને મનોમન તમને આશીર્વાદ આપ્યા કરે

અમે ઑડિશન શરૂ કર્યાં અને એક દિવસ અમે ઑડિશનમાં જોયું કે આ વ્યક્તિ જબરદસ્ત છે, આને નક્કી કરો. એ નક્કી કરનાર વ્યક્તિને હવે તમે પુષ્પા તરીકે જોઈ જ લીધી છે, પણ હું તમને એક વાત કહી દઉં કે ૧૧૦ ઑડિશન પછી આ પુષ્પા તમારી સામે આવી છે. રિયલ નામ તેનું કરુણા પાંડે.

આપણી વાત ચાલે છે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની, જેની વાતો દરમ્યાન મેં ગયા ગુરુવારે તમને કહ્યું હતું કે મારામાં વાર્તા કહેવાની આ જે ક્ષમતા આવી એ મારી બાને લીધે. હા, મારી માએ મને વાર્તા કહેતો કર્યો છે. બા મને એટલી સરસ રીતે વાર્તા કરતી કે તમારો આ જેડીભાઈ જ્યારે બાબુલ હતો એટલે કે ટેણિયો હતો ત્યારે પણ સ્કૂલમાં જઈને રોજ વાર્તા કરતો. એમાં બન્યું એવું કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે સ્કૂલમાં ટીચર તમારી ટૅલન્ટ વિશે જાણે, તે તમને પૂછે. એક વખત એવી જ રીતે હું સ્કૂલમાં હતો ત્યારે ટીચરે ક્લાસમાં બધાને કહ્યું કે તમને જે આવડતું હોય એ દેખાડો. મારામાં તો એક જ કુનેહ ત્યારે. મેં વાર્તા કહેવાની શરૂઆત કરી, જે વાર્તા મારા ટીચર અને ક્લાસના બીજા છોકરાઓને સાંભળવાની મજા આવી એટલે મારામાં કૉન્ફિડન્સ વધ્યો અને પછી તો એ નિયમ બની ગયો.

ક્લાસમાં જ્યારે વાર્તાની વાત આવે ત્યારે ટીચર મને જ ઊભો કરે અને હું પણ એ જ રાહ જોતો હોઉં. ઘરે બાએ મને જે વાર્તા કહી હોય એ વાર્તા હું ક્લાસમાં મારી પોતાની સ્ટાઇલ સાથે કહું અને બધાને એમાં મજા પડે. ધીમે-ધીમે મારી વાર્તાઓ પૂરી થવા માંડી, પણ બાની વાર્તા કહેવાની સ્ટાઇલ ત્યાં સુધીમાં મેં ગ્રહણ કરી લીધી હતી એટલે હું જે ફિલ્મ જોઈ આવતો એની સ્ટોરી વાર્તાની સ્ટાઇલમાં બધાને કહું. એમ ધીમે-ધીમે મારામાં સ્ટોરી કહેવાની, વાર્તા કહેવાની આજની આ સ્ટાઇલ ડેવલપ થવા માંડી. મારે કહેવું પડે કે વાર્તા કહેવાની મારી આ આવડતની ગુરુ મારી બા છે અને એટલે જ તમે જો ધ્યાન આપ્યું હોય તો તમને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની ક્રેડિટમાં નામ દેખાશે, ‘જમનાદાસ શાંતાબહેન મજીઠિયા.’ હા, આ સિરિયલની ક્રેડિટમાં મેં મારા નામની પાછળ મારી બાનું નામ મૂક્યું છે, પહેલી વાર. હા, ઘણી વખત આપણે આપણી માને જે આપવી જોઈએ, તે જેટલી હકદાર છે એટલી ક્રેડિટ આપતા નથી. કામના ભારણ વચ્ચે એવું બનતું હોય છે અને કાં તો આપણું ધ્યાન પણ એ દિશામાં નથી હોતું અને મા, એ તો માગવામાં ક્યારેય માનતી જ નથી. તે તો પોતાના દીકરાનું નામ જુએ એટલે રાજી-રાજી. પણ હું કહીશ કે જ્યારથી અને જ્યાંથી ખબર પડી ત્યારથી આપણે જીવનમાં સુધારો કરીએ અને માનો જે હક છે એને જે ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ, એને જે પ્રેમ અને લાગણી મળવાં જોઈએ એ આપવાનું ચૂકતા નહીં. મા ક્યારેય એની રાહ નથી જોતી, મા ક્યારેય એવી કોઈ ડિમાન્ડ પણ નથી કરતી અને તેની ડિમાન્ડ નથી હોતી એટલે જ કહું છું કે તમે તમારી ફરજ ચૂકતા નહીં. ગયા વીકમાં તમને કહ્યું હતું એમ, મારો આ શો હું દુનિયાની એ તમામ માને સમર્પિત કરું છું જેમણે કોઈ જાતના સ્વાર્થ વિના, એક પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના પોતાનાં સંતાનોનું ઘડતર કર્યું છે. હું-તમે, આપણે બધા માના ઋણી છીએ અને એ ઋણ ચૂકવવાનો હું મારી રીતે પ્રયાસ કરું છું, તમે તમારી રીતે કરજો.

મારી વાત કહું તો, મારી મા મારી પહેલી દોસ્ત હતી અને આજે પણ અમારી દોસ્તી એવી જ સ્ટ્રૉન્ગ છે જેવી પહેલાં હતી. અમારું બૉન્ડિંગ પણ એટલું જ ગાઢ છે જે એક નાના બાળક અને તેની માનું હોય. આજે પણ હું તેની સાથે મારા કામની એકેએક વાત કરું અને તે પણ મને બધું પૂછે. જે વાત તેને સમજાય એવી ન હોય તો એ વાત હું તેને સરળમાં સરળ રીતે કહેવાની કોશિશ કરું, કારણ કે એક સમય એવો હતો જ્યારે મને નહોતું સમજાતું ત્યારે તેણે મને સમજાવ્યું હતું અને એવી રીતે સમજાવ્યું હતું કે મને જિંદગીભર યાદ રહે. મને એક વાતનો અફસોસ પણ છે કે હું મારી બાને એ ન શીખવી શક્યો, ઇંગ્લિશ.

તમને ગયા વીકમાં મેં એ વાત કરી હતી. તે શીખવા-ભણવા રાજી હતી અને એ ઉત્સાહ પણ તેનામાં દેખાતો હતો, પણ હું સ્કૂલમાં ભણતો ગયો અને આગળ વધી ગયો, જ્યારે મારાથી બાને ઇંગ્લિશ શીખવવાનું રહી ગયું. જો મેં ટ્રાય કરી હોત તો હું તેને ઘરે ઇંગ્લિશ શીખવી શક્યો હોત, પણ એવું બન્યું નહીં. તેને શીખવું હતું, પણ હું સમય આપી શક્યો નહીં એ વાતનો રંજ મને હંમેશાં રહેશે, પણ જરૂરી નથી કે રંજ સાથે જીવવું. તમે યાદ કરો કે તમારી મા તમારી પાસેથી કઈ અપેક્ષા રાખતી હતી, કેવી ઇચ્છા તેની હતી અને એ પૂરી કરવાની કોશિશ કરો અને સજાગ રીતે કરો. તમને હું એક વાત કહીશ કે જો આજે એ ટ્રાય નહીં કરો તો ભવિષ્યમાં બહુ પસ્તાવો થશે અને એ પસ્તાવો થશે ત્યારે મા હાજર નહીં હોય, તે માથે હાથ ફેરવીને એવું પણ નહીં કહે કે ‘દુઃખ નહીં લગાડ, મને કોઈ દુઃખ નથી લાગ્યું.’ બહેતર છે કે આજે જ સુધારો કરો અને આજથી જ આ કામ પર લાગી જાઓ. ઍનીવેઝ, આ એક એવો વિષય છે જે વિષય પર હું બોલવાનું શરૂ કરું એ પછી હું અટકતો નથી અને આ ટૉપિક પર તો આપણે પછી પણ વાત કરી શકીએ છીએ એટલે અત્યારે વાત આપણે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની કરીએ.

હવે તો શો શરૂ થઈ ગયો છે, પણ લોકોને એના મેકિંગની વાત વાંચવી-સાંભળવી હંમેશાં ગમતી હોય છે, તમને પણ ગમશે એવું ધારીને જ આ વાતને આગળ વધારું છું.

રાઇટરની જબરદસ્ત ટીમ બની ગઈ, જેણે આ વિષયની ચર્ચાને આગળ લઈ જવાનું કામ કર્યું અને સમય જતાં પુષ્પાનું આ પાત્ર એક એવા વળાંક પર આવ્યું જેની કલ્પના પણ ન કરી હોય. એ કૅરૅક્ટર અદ્ભુત બની ગયું. એવું અદ્ભુત કે ટીવી પર ક્યારેય આ પ્રકારની મા જોવા જ ન મળી હોય. સાવ સાચી જ મા લાગે તમને. તે દીકરાની ભૂલ માટે સાવરણી હાથમાં લઈને પાછળ પણ પડે અને દીકરીની ભૂલ માટે બેઝિક તેને પણ તતડાવી લે, રિયલિટીમાં જીવતી મા. હું દાવા સાથે કહું છું કે આ કૅરૅક્ટર ડેઇલી સોપની તમામ માની વ્યાખ્યા બદલી નાખશે, જોજો તમે.
કૅરૅક્ટર ડિઝાઇન થયા પછી અમારે માટે સૌથી મોટું ટેન્શન જો કોઈ હતું તો એ કે આ પાત્ર માટે હવે કલાકારની પસંદગી કેવી રીતે કરીશું? કોણ કરશે આ પાત્ર, કોણ છે એને લાયક?

અમે શોધખોળ આદરી. તમે માનશો નહીં કે ટીવી-ઇન્ડસ્ટ્રીની ૩૫થી ૪૦ વર્ષની ઉંમર ધરાવતી ૫૦થી ૬૦ પૉપ્યુલર ઍક્ટ્રેસને અમે શૉર્ટલિસ્ટ કરી, મોટાં-મોટાં નામ જેણે મોટા-મોટા શો કર્યા હોય એવી. શૉર્ટલિસ્ટ થયેલાં એ નામ પછી અમે બીજાં ઑડિશન પણ શરૂ કર્યાં. કેટકેટલી પૉપ્યુલર ઍક્ટ્રેસને ખબર પડી કે આવો શો આવી રહ્યો છે એટલે તેમણે તરત જ સામેથી કૉન્ટૅક્ટ કર્યો. હું એ ઍક્ટ્રેસનાં નામ નહીં લઉં, કારણ કે ખોટો મેસેજ જાય, પણ હકીકત તો એ હતી કે તેમને અમારા પર અને આવનારા આ નવા શોની કન્ટેન્ટ પર વિશ્વાસ હતો અને એટલે જ તેઓ શો કરવા માગતી હતી. ઘણી સારી અને સીઝન્ડ ઍક્ટ્રેસને તો અમે રિસ્પૉન્ડ પણ કરી શક્યા નહીં, કારણ કે પુષ્પાના આવા અદ્ભુત પાત્ર માટે અમને જે વ્યક્તિ જોઈતી હતી તેણે બધું જ કરવાનું હતું, કારણ કે એ કૅરૅક્ટરમાં બધા જ શેડ્સ છે; ડ્રામા, ઇમોશન, હ્યુમર, ટશન અને એવું બધું.

અમે ઑડિશન શરૂ કર્યાં અને એક દિવસ અમે ઑડિશનમાં જોયું કે આ વ્યક્તિ જબરદસ્ત છે, આને નક્કી કરો. એ નક્કી કરનાર વ્યક્તિને હવે તમે પુષ્પા તરીકે જોઈ જ લીધી છે, પણ હું તમને એક વાત કહી દઉં કે ૧૧૦ ઑડિશન પછી આ પુષ્પા તમારી સામે આવી છે. રિયલ નામ તેનું કરુણા પાંડે.

કરુણા એનએએસડી રેપેટોરીમાંથી આવે છે. આ રેપેટોરી શું છે એના વિશે એવી બીજી બધી વાતો કરીશું હવે આપણે આવતા ગુરુવારે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists JD Majethia