તૂ‌ કિસ લિએ હતાશ હૈ? તૂ ચલ તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ

14 October, 2021 08:24 PM IST  |  Mumbai | Ruchita Shah

આંખની એવી બીમારી તેમને છે જેમાં ધીમે-ધીમે વિઝન જતું રહ્યું. આજે બે ટકા વિઝન સાથે એક બહેન જૈન ધર્મની પાઠશાળાનાં શિક્ષિકા તરીકે સક્રિય છે તો બીજી બહેન સંગીતને સમર્પિત છે

મ્યુઝિકની હૉબીને જ નીપાએ પોતાની કારકિર્દી બનાવી અને  જૈનોની દીક્ષાના ૯૦થી વધુ લાઇવ પ્રોગ્રામ્સ કર્યા છે.

આ અંદાજ સાથે મુંબઈની બે બહેનો હિના અને નીપા શાહ જીવી છે જેના વિશે વાંચીને તમને પ્રાઉડ થશે. છાતી ગજ-ગજ ફૂલી જશે. આંખની એવી બીમારી તેમને છે જેમાં ધીમે-ધીમે વિઝન જતું રહ્યું. આજે બે ટકા વિઝન સાથે એક બહેન જૈન ધર્મની પાઠશાળાનાં શિક્ષિકા તરીકે સક્રિય છે તો બીજી બહેન સંગીતને સમર્પિત છે

એસસસીની એક્ઝામ ચાલુ હતી. ચાલુ એક્ઝામમાં અચાનક પ્રશ્નપત્ર પર લખાયેલા પ્રશ્નો દેખાવાના બંધ થઈ ગયા. પેપર આખું ધૂંધળું દેખાવા માંડ્યું. એક અક્ષર ન વંચાય. બોર્ડની એક્ઝામમાં એકા એક આંખોને આ શું થયું અને હવે ચાલુ એક્ઝામે શું કરવું એ વિચારે નીપા શાહ ગભરાઈ ગઈ હતી. ત્યાં રહેલા એક્ઝામિનરે રડી રહેલી આ યુવતીને કારણ પૂછ્યું ત્યારે તેની વાત સાંભળીને તે પણ અચંબામાં. આવડતું નહીં હોય એટલે છોકરી ગભરાઈ ગઈ હશે એમ વિચારીને પહેલાં તો હિંમત આપી પરંતુ અહીં જવાબ નહીં આવડવા એ નહીં પણ સવાલ નહોતા વંચાતા એ સમસ્યા હતી. એક્ઝામિનર પોતે મહારાષ્ટ્રિયન એટલે તેમને ગુજરાતીમાં લખેલું પ્રશ્નપત્ર વંચાય નહીં. 
ગુજરાતી જાણનારી વ્યક્તિને તેમણે બોલાવી અને તેણે આ યુવતી સમક્ષ પ્રશ્નપત્રના પ્રશ્નો વાંચી સંભળાવ્યા. જવાબો લખીને તેણે એક્ઝામ પૂરી કરી. સારા માર્ક્સ સાથે તે પાસ પણ થઈ ગઈ પરંતુ એ દિવસથી જીવનનો એક નવો સંઘર્ષ સામે ઊભો હતો. 
 
 
પાર્લામાં રહેતી નીપા શાહના જીવનનો આ પ્રસંગ છે. એ નીપા શાહ જે આજે ઉમદા સ્તરની સિંગર છે. સેંકડો સ્ટેજ પ્રોગ્રામ્સ તેણે આપ્યા છે. ખૂબ સુંદર ગાય છે અને ઘણાં વાંજિત્રો પણ વગાડી જાણે છે. જોકે નીપા અને તેનાથી છ વર્ષ મોટી બહેન હિના શાહ આંખની એવી સમસ્યા સામે ઝઝૂમ્યાં છે જેમાં ધીમે-ધીમે વિઝન ઓછું થતું જાય. બન્ને બહેનોની આંખોની દૃષ્ટિ અત્યારે બે ટકા છે. સહેજ ધૂંધળું અને આછેરું, ના બરાબરનું તેઓ જોઈ શકે છે. આકાર પરથી અંદાજ લગાડવાનો. જોકે એ પછી પણ બન્ને બહેનો એ ક્યાંય પોતાના જીવનની રફતારમાં બ્રેક નથી લાગવા દીધી. નાની બહેન સિંગર છે તો મોટી બહેન જૈન ધર્મનાં શાસ્ત્રોની ઊંડી અભ્યાસુ છે અને લોકોને જૈનિઝમને લગતાં ટ્યુશન્સ આપે છે. જેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે તેમણે જન્મથી જ આંખો વિના જીવવાની આદત કેળવી હોય છે પરંતુ જ્યારે દેખતા હોઈ એ અને અચાનક આંખો જતી રહે ત્યારે વેઠવી પડતી માનસિક પીડા અને ડે ટુ ડે લાઇફના સંઘર્ષો જીરવવા અઘરા પડી શકે. પરંતુ અા બહેનો એ મક્કમતા સાથે એ તમામ સંઘર્ષોનો સામનો કર્યો છે. આજે વિશ્વભરમાં આંખોના તેજનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવા માટે ‘વર્લ્ડ સાઇટ ડે’ ઊજવાઈ રહ્યો છે અને આંખોનું જતન કરવાના, આંખોને લગતા રોગો વિશે અવેરનેસ પ્રોગ્રામ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે દૃષ્ટિ વિના પણ દુનિયાને જેમણે હિંમત, દૃઢ ઇચ્છાશક્તિ અને ઉપકારીઓના આશીર્વાદ હોય ત્યારે શું થઈ શકે એનો જીવંત દાખલો પૂરો પાડનાર આ બહેનો સાથે વાતો કરી એ. 
એ દિવસ યાદ છે
‘હું લગભગ ચોથા ધોરણમાં હતી ત્યારથી ચશ્માં આવી ગયાં હતાં. ચશ્માં સાથે પણ સહેજ જોવામાં તકલીફ પડતી પરંતુ એ નૉર્મલ હતું.’
હિના શાહ વાતની શરૂઆત કરીને આગળ ઉમેરે છે, ‘ટેન્થ સુધી તો બધું જ નૉર્મલ હતું. ચશ્માં હતાં જે ઘણાં બાળકોને હોય. જોકે એસ એસસીમાં આવી ત્યારે વિઝન ઘટતું હોય એવું લાગવા માંડ્યું. ચશ્માંના નંબર તપાસ્યા પણ એમાં કોઈ ફરક નહોતો પણ દૃષ્ટિ ઝાંખી પડી રહી હતી. પછી તો આંખના ડૉક્ટર પાસે ગયા. મુંબઈના લગભગ તમામ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોને દેખાડી ચૂક્યા હતા. ‘મેક્યુલર ડિજનરેશન’ નામની બીમારી હતી જે મોટે ભાગે વારસાગત પ્રૉબ્લેમ ગણાય છે પણ મારા પેરન્ટ્સને કંઈ નહોતું. જોકે મારી સમસ્યા ડિટેક્ટ થઈ પછી પરિવારના બધા જ સભ્યોનું આઇ ચેકઅપ થયું. એ સમયે ઍલોપથી, આયુર્વેદ, હોમિયોપથી, મંત્ર, તંત્ર, દોરા-ધાગા જેવી બધી દિશામાં જે ઇલાજ શક્ય હતો એ બધું જ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. મારા પપ્પાનો વિલપાવર સ્ટ્રૉન્ગ હતો. આપણે બધા જ પ્રયાસો કર્યા કરીશું અને જીવનને એની નૉર્મલ ગતિથી ચાલવા દઈશું એવું તેમણે કહી દીધું હતું અને એમાં જ મેં બૅચલર્સ સુધીનો અભ્યાસ કર્યો. ટીવાયમાં હું ડિસ્ટિંક્શન સુધી પાસ થઈ હતી. આ ભણવાની સાથે જ મારો ધાર્મિક અભ્યાસ ચાલુ હતો. જૈનિઝમના ક્લાસિસ લેતા સર પાસેથી ખૂબ શીખવા મળ્યું. કર્મનો સિદ્ધાંત સમજાયો એટલે વિલપાવર સ્ટ્રૉન્ગ થવા માંડ્યો. કૉલેજ ચાલુ હતી ત્યારે જ મેં પણ અંધેરીમાં બે પાઠશાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. લગભગ બાવીસ વર્ષ લાગલગાટ આ પાઠશાળાઓમાં ભણાવ્યું છે અને ત્યાં અનેક ધાર્મિક, સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કર્યા છે. શરૂઆતના બાર વર્ષ તો કોઈને ત્યાં ખબર પણ નહોતી કે વિઝનની એક ખતરનાક સમસ્યા સામે હું ઝઝૂમી રહી છું.’
હિનાબહેન માને છે કે ઈશ્વર, માતાપિતા અને જીવનના દરેક તબક્કે મળેલા ગુરુઓના આશીર્વાદને કારણે ડગલેને પગલે તેમને રસ્તો મળતો ગયો. આ બન્ને બહેનોની વચ્ચેની બહેન અલ્પાબહેનને વિઝનનો કોઈ પ્રૉબ્લેમ નથી. તેણે પોતાનું જીવન પોતાની નાની અને મોટી બહેનને સપોર્ટ આપવા માટે સમર્પિત કરી દીધું છે. હિનાબહેન હવે ઑનલાઇન જૈનિઝમના ક્લાસિસ લે છે અને દેશ-વિદેશના લોકો તેમની પાસે જૈન ધર્મનાં વિવિધ સૂત્રોથી લઈને તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. 
 
 
ક્યારેક મન વિચલિત થતું

હિનાથી છ વર્ષ નાની બહેન નીપાને પણ આ સેમ સમસ્યા આવી. એસ એસસીના પેપર વખતે અચાનક તેને વંચાવાનું બંધ થઈ ગયું હતું. નીપા કહે છે, ‘સ્વાભાવિક રીતે પહેલાં તો આ વાસ્તવિકતા સ્વીકારવાનું અઘરું હતું. મારી મોટી બહેન મને ગાઇડ કરવા માટે હતી પરંતુ તેની વખતે તો કોઈ નહોતું. એ વિચારીને પણ મારામાં હિંમત આવી ગઈ હતી. વિઝનના પ્રૉબ્લેમને કારણે જ કૉમર્સમાંથી આર્ટ્સમાં શિફ્ટ થઈ ગઈ. જોકે એ પછી પણ ગુજરાતી લિટરેચરમાં માસ્ટર્સ સુધી ભણી અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી. ભણવાની સાથે મ્યુઝિક પણ નાનપણથી મમ્મીને કારણે હું શીખતી હતી. એટલે મ્યુઝિકની હૉબીને જ મેં મારી કારકિર્દી બનાવી. જૈનોની દીક્ષાના જ લગભગ ૯૦થી વધારે લાઇવ પ્રોગ્રામ્સ કર્યા. આંખોના વિઝનનો પડકાર જીવનમાં નડતર નથી બનવા નથી દીધો અમે બન્ને બહેનો એ. ઘણી મોટી-મોટી ઇવેન્ટ્સમાં પણ મ્યુઝિશ્યન તરીકે ભાગ લીધો છે. આર્થર રોડ જેલમાં મ્યુઝિકનો પ્રોગ્રામ કર્યો છે. જ્યારે પણ હતાશ કે અપસેટ થાઉં તો રિયાઝ કરી લઉં અને એ મારા માટે બેસ્ટ સ્ટ્રેસબસ્ટર છે. મારું મેડિટેશન છે. નિયમિત રિયાઝ ઉપરાંત હવે મ્યુઝિક શીખવું છું. હજી પણ શીખું છું અને પ્રોગ્રામ્સ પણ આપું છું. ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટે અમારી લાઇફને સ્મૂધ બનાવવા માટે ખૂબ મદદ કરી છે. સમાજનો નજરિયો પણ પહેલાં કરતાં હવે બદલાયો છે, પરંતુ આજે પણ એવા લોકો છે જેઓ બિચારા તરીકે જુ એ ત્યારે દુઃખ થાય છે. જોકે હિંમતથી આગળ વધો તો કોઈ શારીરિક મર્યાદા તમારો રસ્તો રોકી શકે એમ નથી એ વાત ક્યારેય ન ભૂલવી.’

 જીવનની આ યાત્રામાં ક્યારેક લોકો એ આંખોની મર્યાદાને કારણે કૅપેબિલિટી પર ભરોસો ન કર્યો હોય ત્યારે નિરાશ થયા છી એ, ક્યારેક દયામણા અપ્રોચને કારણે અફસોસ થયો છે પરંતુ અમારા પપ્પા હંમેશથી અમારા માટે ઢાલ બનીને રહ્યા છે. 
‌હિના અને નીપા શાહ

columnists ruchita shah