... અને જાણે તમે સાક્ષાત્ સિંહનો અવતાર

12 January, 2022 10:58 PM IST  |  Mumbai | Ruchita Shah

તમારી રેસ્પિરેટરી હેલ્થને સુધારવાથી લઈને ચહેરાને સુંદર બનાવવામાં, બ્લડ-પ્રેશરનું નિયમન કરવામાં અને થાઇરૉઇડ માટે પણ ખૂબ જ ઇફેક્ટિવ મનાય છે 

... અને જાણે તમે સાક્ષાત્ સિંહનો અવતાર

યોગમાં સિંહાસન, સિંહ મુદ્રા, લાયન બ્રીધિંગ, નરસિંહાસન જેવાં જુદાં-જુદાં નામ ધરાવતો એક અભ્યાસ લુક વાઇઝ અને મેન્ટલ સ્ટેટ વાઇઝ પણ જંગલના રાજાની યાદ અપાવે એવો છે જે તમારી રેસ્પિરેટરી હેલ્થને સુધારવાથી લઈને ચહેરાને સુંદર બનાવવામાં, બ્લડ-પ્રેશરનું નિયમન કરવામાં અને થાઇરૉઇડ માટે પણ ખૂબ જ ઇફેક્ટિવ મનાય છે 

ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવવા નરસિંહનું રૂપ લીધેલું એવું આપણી પુરાણકથાઓ કહે છે. જોકે યોગના એક અભ્યાસને પણ નરસિંહાસન કહેવાય છે. માત્ર આ એક જ નામ નથી એનું. થોડાંક વેરિએશન સાથે કેટલાંક પુસ્તકોમાં એને સિંહમુદ્રા નામ અપાયું છે. કોઈક વળી એને સિંહાસન, લાયન બ્રેથ, સિંહક્રિયા વગેરે નામે ઓળખે છે. જોકે દરેક નામ પાછળનું હાર્દ એક જ છે, સિંહ જેવો નીડરતાનો ભાવ મનમાં લાવવો અને એ દરમ્યાન શરીરને અમુક પોઝિશનમાં રાખવું. સાઇકોલૉજિકલી નીડર બનાવવાની સાથે આ આસન તમને ઇમોશનલી ફ્રી કરે છે. ફિઝિકલી પણ એના અઢળક ફાયદા છે અને સૌથી મહત્ત્વની વાત એટલે કોઈ પણ કરી શકે છે આ અભ્યાસ. યોગની જૂની, જાણીતી અને પરંપરાગત યોગને પ્રમોટ કરતી સંસ્થા યોગ વિદ્યા નિકેતનના ચૅરમૅન અને છેલ્લાં ૨૮ વર્ષથી યોગ સાથે સંકળાયેલા મહેશ સિનકર સાથે આ વિશિષ્ટ અભ્યાસ પર વાત કરીએ.  
સરળ પણ મહત્ત્વનો
ટેન્શનને રિલીઝ કરી શકે એવા યોગમાં ઘણા અભ્યાસો છે. એવા જ એક અભ્યાસમાં ઇફેક્ટિવ અભ્યાસ મનાય છે સિંહમુદ્રા. યોગ નિષ્ણાત મહેશ સિનકર કહે છે, ‘હાઇપરટેન્શનને રિલીઝ કરવામાં સિંહમુદ્રાથી ખૂબ સારાં પરિણામ અમને થેરપી દરમ્યાન મળ્યાં છે. યોગના પ્રૉમિનન્ટ પુસ્તકોમાં એને આસન નહીં પણ મુદ્રામાં સ્થાન અપાયું છે. મુદ્રા એટલે સિમ્બોલિક યોગિક પ્રૅક્ટિસ. આ મુદ્રા સિંહના દેખાવ સાથે મેળ ખાતી હોવાથી એને સિંહમુદ્રા કહેવાય છે. મુદ્રામાં ભાવ પણ મહત્ત્વનો હોય છે. સિંહમુદ્રા કરતી વખતે ખરેખર જો તમે જંગલના રાજા સિંહ જેવો ભાવ મનમાં લાવો, સિંહની જેમ સાહસનો અનુભવ કરો અને ગમે તેવા પ્રોબ્લેમ સામે લડી લેવાની નીડરતાને મનમાં અકબંધ રાખો તો એનાથી થતા લાભ અનેકગણા વધી જશે. અહીં શારીરિક બદલાવ સાથે સાઇકોલૉજિકલ સ્ટેટનું પણ મહત્ત્વ છે, જે સિંહમુદ્રાથી ઇન્સ્ટન્ટ મળે છે. બૉડીને વૉર્મઅપ કરવા માટે એનો ઉપયોગ થાય છે.
કેવી રીતે થાય સિંહમુદ્રા?
સિંહમુદ્રા અથવા તો સિંહાસનની દરેક યોગની શાખાઓની પોતપોતાની રીત છે. મહેશ સિનકર કહે છે, ‘કોઈ પણ સુખકારી આસનમાં બેસીને કરોડરજ્જુને સીધી રહે એ રીતે રાખીને બેસી જાઓ. જીભને ખેંચીને બહાર કાઢો અને તમારું મોઢું આખેઆખું ખૂલેલું રહે એ રીતે રાખો. તમારી નજર બન્ને આઇબ્રોની વચ્ચે તમારા આજ્ઞા ચક્ર પર રાખવી અને તમારાં જડબાંને છાતી સાથે લગાડવાની કોશિશ કરો. ધ્યાન રહે, અહીં શ્વસન તમારે નાકથી જ કરવાનું છે. સામાન્ય રીતે તમામ લોકો કરી શકે એવો આ અભ્યાસ છે. બેશક, જેમને પણ સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ હોય તેમણે તેમની સમસ્યાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ડૉક્ટર અને કોઈ અનુભવી યોગશિક્ષકની સલાહ મુજબ જ આ અભ્યાસ કરવો જોઈએ.’
યોગ વિદ્યા નિકેતનમાં આ સ્ટાઇલથી સિંહમુદ્રા થાય છે, જ્યારે બીજી કેટલીક યોગની સ્કૂલોમાં વજ્રાસનમાં બેસીને બન્ને હાથને ઘૂંટણ પર રાખીને હાથની આંગળીઓને આગળની તરફ સિંહના પંજાની જેમ ખેંચવાના હોય છે. મોઢું પૂરેપૂરું ખોલીને જીભને વધુમાં વધુ બહાર ખેંચીને નાક વાટે શ્વાસ લઈને સિંહની ત્રાડની જેમ મોઢાથી શ્વાસ બહાર ફેંકવાનો હોય છે. 
પર્સનાલિટી ચેન્જ
મહેશ સિનકરના મતે સિંહમુદ્રા વ્યક્તિને સંપૂર્ણપણે બદલી શકે એવી પાવરફુલ પ્રૅક્ટિસ છે. એની પાછળના કારણો આપતાં તેઓ કહે છે, ‘જ્યારે તમે તમારી ઠોડીને એટલે કે ચિનને કૉલર બોનના સ્નાયુઓ પર દબાવો છો ત્યારે એની સીધી અસર તમારી થાઇરૉઇડ અને પૅરાથાઇરૉઇડ ગ્રંથિ પર પડે છે. શરીરમાં આ ગ્રંથિઓ બહુ જ મહત્ત્વનો રોલ અદા કરે છે. આ બન્ને ગ્રંથિઓ થાયરોક્સિન અને પૅરાથાયરોક્સિન નામનાં હૉર્મોન્સનું સિક્રેશન કરે છે જે તમારી હાઇટ, વજન, આંખોની સાઇઝ, હાર્ટ રેટ, અમુક અંશે તમારું બ્લડ-પ્રેશર, તમારી સ્કિનનું કૉમ્પ્લેક્શન જેવી ઘણી બાબતોનું નિયમન કરે છે. આ મુદ્રાથી આ બે મહત્ત્વપૂર્ણ હૉર્મોન્સનું નિયમન થાય છે. છથી આઠ મહિનાની નિયમિત પ્રૅક્ટિસથી તમે લિટરલી એની અસરોને અનુભવી શકો છો. એ જ કારણથી ફિઝિકલ સ્તર પર એ તમારી પર્સનાલિટીમાં જોરદાર બદલાવ કરે છે. એ સિવાય સિંહમુદ્રા કરતી વખતે માનસિક રીતે પણ જે પ્રકારનો ભાવ તમે લાવો છો એ તમને ઇમોશનલી સ્ટ્રૉન્ગ કરે છે. તમે જ વિચારોને કે તમે મનથી ભયભીત હો તો એ તમારા વ્યવહાર અને વર્તનને પ્રભાવિત કરે છેને? એ જ રીતે જો તમે મેન્ટલી સ્ટ્રૉન્ગ હો તો એની પણ અસર તમારા વ્યવહાર પર અને ઇમ્યુનિટી પર પડે છે. સિંહ જેવી નીડરતા, સિંહ જેવી સાહસિકતા તમને નાના-નાના પ્રૉબ્લેમ્સ સામે ઘૂંટણિયે નહીં બેસવા દે. વ્યક્તિ આત્મવિશ્વાસથી છલોછલ થઈ જાય છે. તમારા મેન્ટલ બ્લૉકેજિસને દૂર કરે છે. સાથે જ આ અભ્યાસથી વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થાય છે જે પણ હેલ્થને અનેક પ્રકારના લાભ આપે છે.’
સિંહમુદ્રા આપણા વિશુદ્ધિ ચક્રને પણ ઉત્તેજિત કરીને એને પ્યૉરિફાય કરે છે, જે આપણા સેલ્ફ-એક્સપ્રેશન સાથે અને શરીરના વિશેષ શુદ્ધીકરણ સાથે સંકળાયેલું ચક્ર છે. કેટલાક યોગીઓ માને છે કે સિંહમુદ્રાથી બૅડ બ્રેથ એટલે કે શ્વાસમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. 
 

સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા અપાયેલી સિંહક્રિયાની મેથડ

ફેફસાંની કૅપેસિટી વધારવાથી લઈને લંગ્સની કૅપેસિટી અને ઇમ્યુનિટી વધારવા માટે સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કોરોનાની પહેલી જ લહેરમાં સિંહક્રિયા નામનો એક અભ્યાસ રેકમન્ડ કર્યો હતો, જે પણ સિંહમુદ્રા સાથે હળતો-મળતો આવે છે. તેમના મતે આ અભ્યાસ નિયમિત કરતા હો અને અચાનક ત્રણ-ચાર દિવસ પછી એ કરવામાં તકલીફ પડે તો માનવું કે શ્વસનતંત્રમાં કોઈ પણ પ્રકારની ગરબડ થઈ છે અને એની તપાસ કરાવી લેવી. પહેલાં એની રીત જોઈએ. 
 ખભાને ઉપર એ રીતે ખેંચો કે તમારી પાંસળીઓ ઉદરપટલથી ઉપર ઊઠેલી રહે. હવે મોઢાને શક્ય હોય એટલું વધુ ખોલીને જીભને ખેંચીને બહાર કાઢો. પછી પેટને જર્ક આપ્યા વિના પાવરફુલી શ્વાસ લો અને બહાર કાઢો. આ રીતે તમારે એકવીસ વાર શ્વાસ લેવાના છે. 
 પહેલા અભ્યાસના ૨૧ વાર શ્વાસના રાઉન્ડ પૂરા થયા પછી જીભને વાળીને ગળા તરફ લઈ જાઓ અથવા ઉપરના તાળવા પણ ચોંટાડી દો. હવે ફરી એક વાર પહેલાંની જેમ જ ૨૧ વાર સહેજ ઝડપથી શ્વાસ અંદર-બહાર કરવાના છે.
 ઉપરની બન્ને બ્રીધિંગ પ્રૅક્ટિસ પતી ગયા પછી ત્રીજા સ્ટેપમાં શ્વાસને અંદર લો અને એને એક મિનિટ માટે રોકી રાખો. ધારો કે તમારી ઉંમર વધારે છે કે તમને અમુક પ્રકારની બીમારી છે તો કમ સે કમ ૩૦ સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો. 

 યાદ રહે : સાતથી સિત્તેર વર્ષની ઉંમરના તમામ લોકો આ અભ્યાસ એની ઓરિજિનલ મેથડ પ્રમાણે કરી શકે. પરંતુ જો તમને બ્રેઇન ટ્યુમર જેવી મગજની બીમારી છે અથવા તો તમારી ઉંમર સાતથી ઓછી અને સિત્તેરથી વધારે છે તો તમારે આ અભ્યાસમાં શ્વસનક્રિયા ૨૧ રાઉન્ડને બદલે ૧૨ રાઉન્ડ કરવાની રહેશે.

 છથી આઠ મહિનાની નિયમિત પ્રૅક્ટિસથી તમે લિટરલી એની અસરોને અનુભવી શકો છો. એ જ કારણથી ફિઝિકલ સ્તર પર એ તમારી પર્સનાલિટીમાં જોરદાર બદલાવ કરે છે. 
મહેશ સિનકર

columnists ruchita shah