તમે જેવા છો એવા જ બેસ્ટ છો

29 June, 2022 08:22 PM IST  |  Mumbai | Ruchita Shah

કંઈ પણ પામવું હોય તો પહેલાં જે જેવું છે એનો સહજ સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે. યોગ તમને એ પગથિયું ચડવામાં કેવી રીતે મદદ કરી શકે છે એ જાણી લો આજે

તમે જેવા છો એવા જ બેસ્ટ છો

જો તમે પોતે જ પોતાના સૌથી મોટા ક્રિટિક છો અને સતત પોતાની જાતને કોસી રહ્યા છો તો યાદ રાખજો કે તમે તમારી માનસિક અને શારીરિક હેલ્થ સામે જોખમ ઊભું કરી રહ્યા છો. કંઈ પણ પામવું હોય તો પહેલાં જે જેવું છે એનો સહજ સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે. યોગ તમને એ પગથિયું ચડવામાં કેવી રીતે મદદ કરી શકે છે એ જાણી લો આજે

‘હું તો કેવી જાડી થઈ ગઈ છું’, ‘ચહેરા પર કેવી કરચલીઓ પડી ગઈ છે’, ‘સાચે હું તો સાવ ભુલકણી છું’, ‘મારા માથે ટાલ પડ્યા પછી હું કેવો બેકાર લાગું છું’, ‘હવે ક્યાં પહેલાં જેવું શરીર રહ્યું છે મારું’ આવી તો અઢળક બાબતો છે જેને કારણે તમે જાતથી અસંતુષ્ટ હોઈ શકો. તમારો સ્વભાવ, તમારું સ્વાસ્થ્ય અને તમારા સંજોગો તમારી ધારણા પ્રમાણેના ન હોય એ સ્વાભાવિક છે. પણ શું એનો અર્થ એવો થાય કે આપણે જાતનો વિરોધ કરવાનો? એનો એવો પણ અર્થ નથી થતોને કે આપણે જાતને કોસ્યા કરવાની? એનો એવો અર્થ પણ બિલકુલ નથી થતોને કે જાતની નિંદા કરીને પરિસ્થિતિઓ સામે સતત વિરોધાભાસ ક્રીએટ કરવાનો? તો શું કરવાનું? જવાબ છે સૌથી પહેલાં સ્વીકાર કરવાનો. તમે જેવા છો એવા, જે સંજોગો છે એવા, જેવી સ્થિતિ હોય એવી, પહેલું કામ છે સ્વીકાર કરો. ઍક્સેપ્ટ કરો પહેલાં. જે ક્ષણે જાતનો અને તમારી આસપાસના વાતાવરણનો સ્વીકાર કરો છો એ ક્ષણ પછી ધીમે-ધીમે તમે જે ઇચ્છો છો એ પ્રકારના બદલાવ પણ શરૂ થઈ જાય છે. યોગમાં આ વાત લાગુ પડે છે. કઈ રીતે એ જાણીએ આજે. 
શું કામ જરૂરી?
બારમી સદીમાં એક તિબેટિઅન યોગી થઈ ગયા. એમનું નામ હતું મિલારેપા. મિલારેપા પોતાની અંદર રહેલા દોષોથી દૂર જવાની બહુ કોશિશ કરતા હતા. જાણે એક જંગ ચાલતો હતો તેમની અંદર. વર્ષો સુધી પહાડો પર એકલા રહ્યા, સાધના કરી પણ તેમને કોઈ છુટકારો ન મળ્યો. એક રાતે એવું બન્યું કે તેઓ એક ગુફામાં હતા અને અચાનક ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસુરક્ષા જેવા અંદરથી પજવી રહેલા આ શત્રુઓ બહાર આવી ગયા. જાણે કે કોઈ રાક્ષસો હોય. બૌદ્ધ સાધુને સમજાઈ તો ગયું કે તેના મનની જ આ કલ્પના છે જે બહાર દેખાય છે છતાં મિલારેપાએ સૌથી પહેલાં તો એમને અધ્યાત્મની વાતો કરીને સમજાવવાના પ્રયાસ કર્યા પરંતુ કોઈ એટલે કોઈ માન્યું નહીં. ઊલટાનું તેના પર વધુ ઘૂરકિયાં કરવા માંડ્યા. એ પછી મિલારેપાએ એમની પાછળ જઈને એમને ભગાડવાના પ્રયાસો કર્યા. તો તેઓ તો વધુ સામા થયા. છેલ્લે મિલારેપાએ થાકીને કહ્યું, ‘હું તમને છોડતો નથી અને તમે પણ મને છોડો એવું દેખાતું નથી. એટલે ચાલો સાથે જ જીવીએ. ધીમે-ધીમે મનના એ વિકારો નીકળવા માંડ્યા. છેલ્લે તો મન સંપૂર્ણ વિકારરહિત થઈ ગયું. દેખીતી રીતે જ આ એક રૂપક કથા છે પરંતુ સાથે એટલી જ વાસ્તવિક પણ છે. જ્યારે-જ્યારે તમે તમારી જાતની અંદર રહેલી કોઈ પણ બાબતનો અસ્વીકાર કરો છો ત્યારે એક રેઝિસ્ટન્સ ક્રીએટ કરો છો. આ પ્રતિકાર તમારા મનને વધુ એ જ બાબતોમાં ગૂંચવતું જાય. એના કરતાં જો એનો સ્વીકાર કરો તો સહજ રીતે જ પ્રતિકાર નીકળી જતાં તમે એમાંથી સરળતા સાથે બહાર આવવા માંડો. 
યોગમાં આ જ વાત
અષ્ટાવક્રનું નામ સાંભળ્યું છે તમે? જાતનો સ્વીકાર કેવો મિરૅકલ સર્જી શકે છે એનું અષ્ટાવક્ર અદ્ભુત ઉદાહરણ છે. આ સંદર્ભે જાણીતા યોગ નિષ્ણાત મિતેશ જોશી કહે છે, ‘જ્ઞાનનો ખજાનો હતો અષ્ટાવક્ર. અષ્ટાવક્ર ગીતા જેમણે વાંચી હોય તેમને અધ્યાત્મની ઘણી વાતો સહજ રીતે સમજાઈ જાય. જોકે આઠ અંગ જેનાં વાંકાં હતાં, જે દેખાવમાં એવા કદરૂપા હતા કે લોકો તેમને જોઈને હસતા, તેમના દેખાવને કારણે રાજ્યસભામાં તેમની ઠેકડી ઊડી હતી. એ અષ્ટાવક્ર લોકોના પોતાના દેખાવને લઈને આવેલા રીઍક્શનથી કે પોતાને કુદરતી રીતે મળેલાં રંગરૂપથી દુખી થઈને ડિપ્રેશનમાં નહોતા ગયા. તેમણે પોતાની જાતને કોસી નહોતી. તેમણે સૌથી પહેલાં જાતનો સ્વીકાર કર્યો અને પછી સત્યને શોધ્યું. સત્ય આ દેખાવ, આપણી ધારણાઓ અને આપણા સંજોગોથી અનેકગણું ઉપર છે. ત્યાં સુધી પહોંચવું હોય તો પણ તમારે સ્વીકાર જ કરવો પડે. જો તમે લુઈ હેનું ‘યુ કૅન હીલ’ પુસ્તક વાંચ્યું હોય તો તમારા ધ્યાનમાં આવશે કે લોકોએ જાતનો જેવા છે એવો જ સ્વીકાર કરીને, સ્વયંને પ્રેમ કરીને ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર કરી જ છે. પહેલાં સ્વીકાર થાય પછી જ સુધાર શક્ય છે. પ્રતિકાર કરતા રહો અને સુધારો પણ આવતો રહે જાતમાં એવું શક્ય નથી. ‘સમત્વમ્ યોગ ઉચ્યતે’ - યોગની આ વ્યાખ્યા પણ અલ્ટિમેટલી તો આ જ વાત કહે છે. દરેક સંજોગમાં સમાન ભાવ રાખીને સ્વીકારીને આગળ વધતા જાઓ.’
 

પ્રૅક્ટિકલ ઍપ્લિકેશન

સ્વીકાર કરો અને આગળ વધો એ નીતિ સાથે આસનો કરશો તો પણ લાભ થશે એમ જણાવીને યોગ નિષ્ણાત મિતેશ જોશી કહે છે, ‘યોગ ક્લાસમાં તમે આસનો કરી રહ્યા છો. ધારો કે પશ્ચિમોત્તાનાસન તમે કરો છો પણ એમ કરવામાં તમારો હાથ તમારા પગના અંગૂઠાને ટચ નથી થઈ રહ્યો પણ તમારી બાજુમાં બેસેલા સ્ટુડન્ટનો થાય છે. આવા સમયે તમારા લિમિટેશનનો પણ સ્વીકાર કરો. તમને થઈ રહેલા પેઇનનો પણ સ્વીકાર કરો. એ સમયે તમારા શ્વાસની ગતિ જે રીતે ચાલી રહી હોય એ ગતિનો પણ સ્વીકાર કરો. તમે ઑબ્ઝર્વ કરશો કે જેવો સ્વીકાર કર્યો એવી જ પેઇનની માત્રા ઘટી જશે. જેવો સ્વીકાર કરશો એવું પ્રૅક્ટિસમાં બેટરમેન્ટ પણ દેખાશે. તમે સ્વીકાર કરો છો ત્યારે જજ કરવાનું, કન્ટ્રોલ કરવાનું, એની પાછળ સ્ટ્રેસ લેવાનું આપોઆપ છોડી દો છો. આ રીતે ડર, ચિંતા, દ્વેષ, એકલતા જેવી ઘણી બાબતોને આસાનીથી ટૅકલ કરી શકતા હો છો.’

આ ટ્રાય કરો 

શ્વાસથી સ્વીકાર : તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમારા શ્વાસ તો ચાલતા જ રહેવાના છે બરાબર? તો શું કામ એવું ન થાય કે જે શ્વાસ ચાલી રહ્યા છે એને સહૃદયથી સ્વીકારીને જ લઈએ. જ્યારે સમય મળે ત્યારે થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી દો અને ધ્યાન તમારું શ્વસન પર લગાવી દો. શ્વાસની ગતિને જોયા કરો. શ્વાસ ઝડપી હોય તો પણ સ્વીકારો, શ્વાસ ટૂંકા હોય તો પણ સ્વીકારો. તમે કોઈ પણ પ્રયાસ કર્યા વિના, કોઈ પણ જાતનો બદલાવ કર્યા વિના, શ્વાસમાં તમારી ઇચ્છા સાથે કોઈ પણ છેડખાની કર્યા વિના સીધેસીધો એનો જાગૃતિપૂર્ણ, અવેરનેસ સાથે સ્વીકાર કરો. બહુ જ સરસ અને સુપર ઇફેક્ટિવ અભ્યાસ છે. ધીમે-ધીમે આ પ્રૅક્ટિસને ધ્યાનથી તમારા શરીરના જુદા-જુદા હિસ્સા પર લઈ જઈને પોતાના શરીરનો, પોતાની અંદર રહેલા પ્રત્યેક ગુણ-અવગુણનો પ્રતિકાર કર્યા વિના સ્વીકારનો ભાવ પણ ડેવલપ કરી શકો છો. કૉન્સન્ટ્રેશનની આ પ્રૅક્ટિસ તમારામાં ગજબનો આત્મવિશ્વાસ ભરશે, તમારા મનમાં ખૂણેખાંચરે પણ જાત માટે આશંકા હશે તો એને હરી લેશે. તમને મનથી, તનથી અને તમામ પરિસ્થિતિઓ પ્રત્યે નીડરતાનો અહેસાસ કરાવશે. આત્મવિશ્વાસ બળવાન હોય ત્યારે આપણા જીવનના એરિયા ઑફ ઇમ્પ્રૂવમેન્ટની દિશામાં આપણે વધુ સારી રીતે આગળ વધી શકીએ છીએ.
અફર્મેશન : જ્યારે-જ્યારે સમય મળે, તમે ધ્યાન-પ્રાણાયામ કે આસનનો અભ્યાસ કરતા હો ત્યારે અથવા તો રાતે સૂતા પહેલાં થોડીક ક્ષણ માટે પણ આંખો બંધ કરીને અહીં જણાવેલાં વાક્યોનું મનોમન રટણ કરી શકો છો, એને મહેસૂસ કરી શકો છો. ‘હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું અને મારા અસ્તિત્વના પ્રત્યેક પાસાનો હું સહજ સ્વીકાર કરું છું’, ‘હું પોતાનો આદર કરું છું અને ઈશ્વરે આપેલા આ શરીરનો હું જેવું છે એનો સ્વીકાર કરું છું.’, ‘હું જેવી છું એવી જ મને ગમું છું અને એમાંય હું સતત બહેતર થઈ રહી છું’, ‘હું પોતાની જાતને અનકન્ડિશનલ લવ કરું છું.’

columnists ruchita shah