ડિજિટલ માધ્યમ થકી આ વખતે થયો એવો યોગનો પ્રચાર-પ્રસાર ક્યારેય નહોતો થયો

20 June, 2021 01:45 PM IST  |  Mumbai | Ruchita Shah

કોરોના મહામારીનાં છેલ્લાં બે પડકારજનક વર્ષોને તકમાં ફેરવીને આયુષ મિનિસ્ટ્રીએ ઘર-ઘરમાં યોગ પહોંચાડવાની અનન્ય જવાબદારી સુપેરે નિભાવી છે.

નમસ્તે યોગ તાજેતરમાં યોગ વિશે જાગૃતિ લાવવા માટે આયુષ મિનિસ્ટ્રીએ યોગની મિની એન્સાઇક્લોપીડિયા સમાન એક ઍપ્લિકેશન લૉન્ચ કરી છે જેનું નામ છે નમસ્તે યોગ.

કોરોના મહામારીનાં છેલ્લાં બે પડકારજનક વર્ષોને તકમાં ફેરવીને આયુષ મિનિસ્ટ્રીએ ઘર-ઘરમાં યોગ પહોંચાડવાની અનન્ય જવાબદારી સુપેરે નિભાવી છે. એક પણ રૂપિયો ખર્ચ્યા વિના ઑનલાઇન બેસ્ટ ક્વૉલિટીના યોગ પ્રોગ્રામ્સનો લાભ પ્રત્યેક વ્યક્તિ લઈ શકે અને યોગની જાણકારી જન-જન સુધી પહોંચી શકે એવા અઢળક પ્રોગ્રામ મિનિસ્ટ્રીએ પોતાના સોશ્યલ મીડિયા પેજ પર ઉપલબ્ધ કર્યા છે

યોગ એ ઝીરો કૉસ્ટ હેલ્થ અશ્યૉરન્સ છે. એટલે કે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વિના તમે સ્વસ્થ રહી શકશો એવી ખાતરી યોગ કરનારાઓને બાય ડિફૉલ્ટ મળી જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ વિચારને આયુષ મિનિસ્ટ્રીએ ખૂબ ગંભીરતાથી લઈને યોગને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી છે. એમાં પણ છેલ્લાં બે વર્ષમાં યોગને પ્રત્યેક વ્યક્તિના ફોન સુધી પહોંચાડવાનું અને મહામારીના સમયમાં પણ ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિની શ્રેષ્ઠતાનો લાભ ઘર-ઘર સુધી પહોંચાડવામાં પણ આ મંત્રાલયને ઘણા અંશે સફળતા મળી છે. અનેક પ્રકારના વિરોધ-પ્રદર્શન વચ્ચે પણ ઑથેન્ટિક યોગ અને અન્ય ઉપચાર પદ્ધતિને ડિજિટલ ફૉર્મેટમાં પણ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના ઘણા ઇનોવેટિવ રસ્તાઓ આ વખતે અપનાવાયા છે. આવતી કાલે સાતમો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે યોગને વ્યાપક બનાવવા અને એના ભવિષ્યને વધુ સુદૃઢ કરવા માટે આયુષ મંત્રાલયનો માસ્ટર પ્લાન શું છે એ વિશે મિનિસ્ટ્રીના અગ્રણીઓ સાથે વાત કરીએ... 
હૃદયથી જોડાયા લોકો
આયુષ મિનિસ્ટ્રીના પ્રયાસોને સફળતા મળી શકી, કારણ કે લોકોનો એમાં સાથ સહયોગ હતો એમ જણાવીને મિનિસ્ટ્રી ઑફ આયુષના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘કોવિડને કારણે એક વસ્તુ અમે નોટિસ કરી કે લોકોમાં મેજર ચેન્જ એ આવ્યો કે તેમણે ટ્રેડિશનલ મેડિસિનનો હૃદયથી સ્વીકાર કર્યો. યોગની અને પ્રાણાયામની ઉપયોગિતા તેમને પોતાને સમજાઈ અને તેમણે એને પોતાની ઇચ્છાએ ફૉલો કરવાનું શરૂ કર્યું. લગભગ આઠેક લાખ લોકો પર કરેલા કોવિડ રિકવરીને લગતા એક સર્વેના નિરીક્ષણમાં પણ આ જ વાત સ્પષ્ટ થઈ કે ૮૫ ટકા જેટલા લોકો યોગ-પ્રાણાયામ વગેરે કરતા હતા. કોવિડના સમયમાં લોકોનું યોગ-પ્રાણાયામમાં ઇન્વૉલ્વમેન્ટ વધ્યું છે. યોગ લોકોના જીવનમાં બિહેવિયર ચેન્જ તરીકે ઉમેરાઈ ગયો છે જે ખૂબ જ મોટો બદલાવ છે અમારી દૃષ્ટિએ.’
આ વર્ષે શું ખાસ?
ગયા વર્ષે અને આ વર્ષે યોગના જાહેર કાર્યક્રમો મિનિસ્ટ્રી દ્વારા યોજાયા નથી અને છતાં લોકોનું યોગમાં ઇન્વૉલ્વમેન્ટ વધ્યું છે એની પાછળનું કારણ જણાવતાં મિનિસ્ટ્રી ઑફ આયુષના જૉઇન્ટ સેક્રેટરી રણજિતકુમાર કહે છે, ‘ગયા વર્ષે અને આ વર્ષે અમે ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરવાને બદલે ઑબ્ઝર્વેશન પર વિશેષ ફોકસ કર્યું છે. બેશક, ડિજિટલ પ્લૅટફૉર્મ્સનો યોગને પ્રત્યેક વ્યક્તિના ફોન સુધી પહોંચાડવામાં નેવર બિફોર ઉપયોગ કર્યો છે, જેમ કે આ વખતે અમે જાણીતા અને વેલ એસ્ટૅબ્લિશ્ડ ટીચરોની મદદથી ૯૦ મિનિટના કૅપ્સ્યુલ યોગ પ્રોગ્રામ્સનું આયોજન કર્યું છે. મુખ્યત્વે આ વખતે યોગ દિવસની થીમ ‘યોગ ફૉર વેલનેસ’ છે. યોગ એ માત્ર ઓવરઑલ હેલ્થ અને ઇમ્યુનિટી સુધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરદીઓની ઝડપી રિકવરીમાં પણ મદદરૂપ થઈ શકે છે તેમ જ અત્યારના સમયમાં જ્યારે ઘરમાં રહીને સતત અનિશ્ચિતતાભર્યા માહોલમાં વ્યક્તિ ઘણીબધી રીતે સ્ટ્રેસ અને ભયમાં છે ત્યારે પણ યોગ એ ઇફેક્ટિવ સૉલ્યુશન બની શકે છે અને એટલે જ ‘યોગ ફૉર વેલનેસ’ની થીમને આ વખતે મિનિસ્ટ્રીએ પસંદ કરી છે. એને જ અનુરૂપ અમે બધા પ્રોગ્રામ ડિઝાઇન કર્યા છે. ખૂબ જ ઑથેન્ટિક અને ઉપયોગી એવા આ ક્લાસ દરેક લોકો ઘરે રહીને ફેસબુક પર જોઈને કરી શકે એવા સરળ છે.’
લોકો મોટિવેટ થાય એટલે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રોગ્રામ્સમાં ૨૦૧૮માં લગભગ ત્રણ કરોડ લોકોનું પાર્ટિસિપેશન હતું અને ૨૦૧૯માં ૯ કરોડ પર પહોંચ્યું હતું. ૨૦૨૦માં લગભગ ૧૨થી ૧૩ કરોડ લોકો ડિજિટલી યોગ ડેના સેલિબ્રેશનમાં સામેલ થયા છે. આ વખતે પણ આ રેશિયો આ સ્તરે જ રહેશે એમ જણાવીને રણજિતકુમાર આગળ કહે છે, ‘આ વર્ષે અમે યોગ ડે સેલિબ્રેશનની તૈયારી ૧૦૦ દિવસ પહેલાં શરૂ કરી દીધી હતી. કાઉન્ટ ડાઉન ઑફ ૧૦૦ ડેઝ. જેથી ૧૦૦ દિવસમાં વધુમાં વધુ જનસમુદાયને યોગ રૂટીનમાં સામેલ કરી શકાય. યુનાઇટેડ નેશન્સના રેઝોલ્યુશનમાં પણ કૉમનમૅનની હેલ્થ માટે યોગને ખૂબ જ સુંદર પદ્ધતિ તરીકે ઉલ્લેખવામાં આવી છે. યોગની આ અકસીરતા લોકો સમજે અને જીવનમાં અપનાવે એટલે અમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૯૦ મિનિટના ૨૪ એપિસોડ ડિઝાઇન કરાવડાવ્યા જેમાં અગ્રણી યોગશિક્ષકો ક્લાસ લે. બેસ્ટ, ઑથેન્ટિક અને દરેક જણ કરી શકે એ પ્રકારના અભ્યાસનો આ કોર્સ લોકો ઘેરબેઠાં એક પણ રૂપિયો ખર્ચ્યા વિના કરી શકે તો ૨૪ દિવસમાં ૧૦૦ ટકા યોગ સાથે તેમનો કાયમી નાતો જોડાઈ જાય. યોગને આ વર્ષે અમે એક દિવસ પૂરતો મર્યાદિત રાખવાને બદલે વેલનેસ માટે એને જીવનનો હિસ્સો બનાવવા પર વધુ ફોકસ કર્યું છે. એ સિવાય અમે ઘણાબધા વેબિનાર્સ યોગના અગ્રણીઓ સાથે મળીને યોજ્યા. સન્ડે યોગ ડિસ્કશન સિરીઝ શરૂ કરી. ૧૦૦૦ કરતાં વધુ યોગ સ્કૂલ સાથે જોડાઈને ઘણાબધા પ્રોગ્રામ્સ છેલ્લા ૧૦૦ દિવસમાં કર્યા છે. નિકલોડિયન સાથે કોલૅબરેશન કરીને બાળકોને યોગની દિશામાં ઉત્સુક બનાવવા માટેના પ્રયાસ અમે કરવાના છીએ જેમાં બાળકોને આ ચૅનલ દ્વારા યોગ મૅટ જેવી બાબતો ગિફ્ટ-હૅમ્પર તરીકે આપવામાં આવશે.’
વૉટ નેક્સ્ટ?
અત્યારે યોગાસનોના ફાયદા અને એની ઉપયોગિતા યોગ-ગુરુઓ પોતાના અનુભવો પરથી આપણી સાથે શૅર કરી રહ્યા છે, પરંતુ હવે પછીનું આયુષ મિનિસ્ટ્રીનું ધ્યેય છે કે થેરપી તરીકે યોગને વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે અને વધુમાં વધુ અભ્યાસો થાય. આ સંદર્ભે વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘થેરપી તરીકે યોગનું ડેવલપમેન્ટ થાય એ લક્ષ્ય છે અમારું. એને માટે સૌથી પહેલાં અમે સાયન્ટિફિક એવિડન્સ બેઝ્‍ડ વધુ ને વધુ અભ્યાસ થાય એ માટે વિવિધ યોગ ઇન્સ્ટિટ્યૂટનાં માધ્યમોથી પ્રયાસ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં ઘણી ભારતીય યુનિવર્સિટીના રિસર્ચરો અને વિશ્વની અન્ય જાણીતી યુનિવર્સિટીના રિસર્ચરો સાથે મળીને યોગના વિવિધ અભ્યાસની ઇફેક્ટ પર સંશોધનાત્મક પુરાવા આપી શકે એ પ્રકારની જોગવાઈઓ થઈ રહી છે. કેટલીક મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે મળીને પણ ઇફેક્ટ ઑફ યોગ ઑન માઇગ્રેન, બૅકપેઇન, હાઈ બ્લડપ્રેશર,  યોગ ઇન કાર્ડિયોલૉજી જેવા લગભગ ૩૨ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. એના રિસર્ચ પર સ્પેસિફિક યોગ મૉડ્યુલ બનાવવામાં આવશે. હવે અનુમાન બેઝ્‍ડ નહીં પણ એવિડન્સ બેઝ્‍ડ પ્રૅક્ટિસ તરફ લોકો થેરપી યોગને અપનાવે એ અમારું ફ્યુચર પ્લાનિંગ છે.’

યોગ કૅપ્સ્યૂલ્સ
દરેક કૉમનમૅન પણ ઘરે રહીને ફેસબુક પર જોઈને શ્રેષ્ઠ અને સરળ એવા યોગાભ્યાસ કરી શકે એ માટે આયુષ મિનિસ્ટ્રીએ ૯૦ મિનિટના યોગ કૅપ્સ્યૂલ પ્રોગ્રામ્સના ૨૪ એપિસોડ હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવ્યા છે. આ પ્રોગ્રામ્સ જોવા માટે તમે https://www.facebook.com/moayush પેજ પર વિઝિટ કરી શકો છો.

 થેરપી તરીકે યોગનું ડેવલપમેન્ટ થાય એ લક્ષ્ય છે અમારું. એને માટે અમે સાયન્ટિફિક એવિડન્સ બેઝ્‍ડ વધુ ને વધુ અભ્યાસ થાય એ માટે વિવિધ યોગ ઇન્સ્ટિટ્યૂટનાં માધ્યમોથી પ્રયાસ કરી રહ્યા છીએ.
વૈદ્ય રાજેશ કોટેચા 

 યોગને આ વર્ષે અમે એક દિવસ પૂરતો મર્યાદિત રાખવાને બદલે વેલનેસ માટે એને જીવનનો હિસ્સો બનાવવા પર વધુ ફોકસ કર્યું છે. એ સિવાય અમે ઘણાબધા વેબિનાર્સ યોગના અગ્રણીઓ સાથે મળીને યોજ્યા.
રણજિત કુમાર 

 

columnists ruchita shah