યોગશિક્ષા અમૂલ્ય છે, એના શું પૈસા લેવાના

18 June, 2022 12:56 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે મળીએ મુંબઈના એવા યોગશિક્ષકોને જેઓ એક પણ રૂપિયો લીધા વિના વર્ષોથી ફ્રી ટ્રેઇનિંગ આપી રહ્યા છે. યોગસાધનાએ તેમના જીવનને કઈ રીતે સમૃદ્ધ કર્યું છે અને તેઓ કઈ રીતે પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યાં છે એ જાણીએ તેમની જ પાસેથી

જુહુ ચોપાટી પર યોગ શીખવી રહેલાં ઉષા પટેલ.

યોગસાધના સાથે હવે એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી પણ વીકસી છે. યોગ પ્રોફેશનલ્સ પણ અન્ય પ્રોફેશનલની જેમ એક સ્ટેબલ આવક સાથે પોતાનો જીવનનિર્વાહ ચલાવતા થયા છે. યોગ દ્વારા ભલાઈ સાથે કમાઈ કરવામાં કંઈ ખોટું પણ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તમે એને સંપૂર્ણ સમર્પિત થઈને જીવતા હો. જોકે આજે પણ ઘણા એવા યોગી છે જેઓ નિષ્કામ રીતે યોગનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેમને યોગમાંથી કંઈ મેળવી નથી લેવું. તેમણે યોગનો સ્વાર્થ સાથે સાથ નથી પકડ્યો પણ પરમાર્થતા સાથે તેઓ યોગની મહત્તાને જન-જન સુધી પહોંચાડવામાં લાગેલા છે. આજે એવા જ કેટલાક ખરા અર્થમાં કર્મયોગીઓ સાથે વાતચીત કરીએ અને જાણીએ યોગની સાધના તેમને કઈ રીતે લોકસેવાનું માધ્યમ લાગે છે.
યોગ તો છે અણમોલ
જે લોકો બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં નિયમિત વૉક માટે જતા હશે તેમના માટે રોશની બાફનાનું નામ અજાણ્યું નથી. છેલ્લાં વીસેક વર્ષથી રોજ સવારે પાંચ વાગ્યાથી લગભગ દસેક વાગ્યા સુધી વિવિધ ગ્રુપ્સને નૅશનલ પાર્કમાં નિઃશુલ્ક યોગ શીખવતાં ૬૧ વર્ષનાં રોશનીબહેન યોગને એક અમૂલ્ય સાધના તરીકે જુએ છે અને એ સાધનામાંથી મારે પૈસા નથી જ કમાવા એવું દૃઢપણે માને છે. રોશનીબહેન કહે છે, ‘હું પોતે બીમાર હતી. યોગ કરતાં-કરતાં લડી અને ત્યારે સમજાયું કે કુદરતે આપણને રોગ નથી આપ્યા, આપણે જ રોગ ઊભા કર્યા છે અને એટલે આપણે એને રિવર્સ પણ કરી શકીએ. જીવનમાં મેં ખૂબ તકલીફો જોઈ છે. શારીરિક અને માનસિક પીડામાંથી હું યોગની મદદથી બહાર આવી. આપણાં પ્રાચીન શાસ્ત્રોનો, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાનનો અને યોગના પ્રૅક્ટિકલ અભ્યાસનો મારા પર બહુ મોટો ઉપકાર છે. આપણા ઋષિમુનિઓ આ પરંપરા આપણા સુધી લાવ્યા એ ઋણને ચૂકવવાની તક તરીકે પણ હું યોગને વેચવા નથી માગતી. ઈશ્વરની કૃપાથી આર્થિક રીતે હું સંતુષ્ટ છું અને મને લોકોની યોગ દ્વારા સેવા કરવાની મજા આવે છે. લોકોના રોગ જ્યારે દૂર થાય ત્યારે મને એમ લાગતું હોય છે કે જાણે હું થોડીક વધુ હેલ્ધી થઈ છું. મને લોકોના ચહેરા પર આનંદ પાથરવો ગમે છે. એ જ મારું સૌથી મોટું મહેનતાણું છે જ્યારે તેમના ચહેરા પર સ્મિત હોય. બસ, હું તો સહુને એક જ વાત કહેતી હોઉં છું કે મોજમાં રહો, આનંદમાં રહો, ખુશ રહો. જીવન ટૂંકું છે એને દુખી થઈને કે કોઈની અદેખાઈ કે અસુરક્ષાના ભાવ સાથે જીવીને કલુષિત નહીં કરો. સતત ખુશીનો વ્યવહાર કરો. કુદરતનો અદ્ભુત ખજાનો તમારી પાસે હોય તો એનો આનંદ ઉઠાવો.’
૩૫ વર્ષથી યોગ સાથે સંકળાયેલાં રોશનીબહેન સવારે પાંચ વાગ્યે નૅશનલ પાર્કમાં જાય તો બપોરે બે વાગ્યા સુધી ત્યાં જ રહે. લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે તો યોગ શીખવે અને બાકીના સમયમાં પોતાની સાધના કરે. મહિલાઓ, સિનિયર સિટિઝન્સ અને સવારે પાંચ વાગે અને છ વાગ્યાના બે ગ્રુપ તો નિયમિતપણે તેમની પાસે યોગાભ્યાસ કરે છે.

લોકોની દુઆ સર્વોપરી
રોજ સવારે છ વાગ્યાથી સાડાસાત વાગ્યા સુધી જુહુ ચોપાટી પર એક જુદો જ માહોલ હોય છે. કોવિડ સહિતના છેલ્લાં પાંચ વર્ષથી જુહુમાં જ રહેતાં ઉષા પટેલ લોકોને ઍરોબિક યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવે છે. ૧૫ સ્ટુડન્ટ્સથી શરૂ કરેલો ક્લાસ હવે ૨૦૦ સ્ટુડન્ટ સુધી પહોંચ્યો છે. લૉકડાઉનના થોડાક મહિના આ પ્રૅક્ટિસ બંધ રહી પણ હવે ફરી પહેલાંની જેમ જ રોજ સવારે ક્લાસ યોજાય છે અને ઉષાબહેન એક પણ દિવસનો બ્રેક લીધા વિના નિયમિત લોકોને અભ્યાસ કરાવે છે. તેઓ કહે છે, ‘સુરતના યોગવિદ્યાના નિષ્ણાત અને ભારતીય પરંપરાના જાણકાર મનુભાઈ એક વાર મુંબઈ આવેલા અમારે ત્યાં. એ સમયે તેમની પાસે આ સાયન્સની જાણકારી મને મળી હતી. ત્યારે હું મલાડમાં રહેતી હતી. એ સમયે હું વિવિધ પ્રકારના યોગ શીખી એ પછી જુહુ શિફ્ટ થયા પછી જુહુ ચોપાટી જતી તો અહીં યોગ કરીએ તો કેવી મજા પડે એવો વિચાર આવ્યો. એમાં એક ગ્રુપ બનતું ગયું. પંદરેક લોકો ભેગા થઈને અમે જુહુ ચોપાટી પર યોગ કરવા જતા. સામે દરિયો હોય અને ઉપર આકાશ, માટી, હવા અને સૂર્યનો પ્રકાશ પણ થોડોક હોય એમ પાંચેય તત્ત્વને સ્પર્શતાં, કુદરતની એકદમ નજીક રહીને યોગ કરવાનો અમારો આનંદ બીજા લોકોને પણ આકર્ષતો ગયો અને ધીમે-ધીમે અમારું ગ્રુપ મોટું થઈ ગયું. દરેક સ્ટેટસના, દરેક પ્રોફેશનના અને દરેક ઉંમરના લોકો અમારા ગ્રુપનો હિસ્સો છે. એક પણ રૂપિયો ફી નથી લેતા, કારણ કે એની ઇચ્છા જ નથી થતી. લોકોને સારું થાય અને આપણને દુઆ આપે એનાથી વિશેષ શું હોઈ શકે. લૉકડાઉનમાં અમે ઝૂમ પર પણ પ્રૅક્ટિસ કરતાં. ક્યારેક કોઈનો બર્થ-ડે કે ઍનિવર્સરી હોય તો એ સેલિબ્રેટ કરીએ. ઍરોબિક યોગમાં થોડોક સમય મ્યુઝિક ચલાવીએ. એ બે કલાકનો સમય જાણે કે બધા તરોતાજા થઈ જાય. ગરીબ હોય કે અમીર, આ ગ્રુપમાં બધા જ એક થઈને જોશ અને જુસ્સાથી જોડાતા હોય છે. રવિવારે પણ અમારે ત્યાં રજા નથી હોતી. મારા માટે હવે આ ગ્રુપ પણ મારો એક પરિવાર જ છે. તેમના તરફથી એટલો બધો સ્નેહ મને મળી રહ્યો છે.’
આ ગ્રુપના સભ્યોએ સ્પીકર, ઉષાબહેન બરાબર બધાને દેખાય એ માટે નાનકડા ટેબલની વ્યવસ્થા પોતાની રીતે કરી છે. જે વિદ્યા આપણને આવડતી હોય એ બીજા સાથે વહેંચો અને કોઈ પણ અપેક્ષા વિના તમારું કામ કર્યા કરો એ પણ યોગનો ઉત્કૃષ્ટ પ્રકાર જ છે અને ઉષાબહેન એ કાર્ય સારી રીતે કરી રહ્યાં છે.
દાયિત્વની છે વાત
યોગ શીખ્યા પછી એનાથી જો લાભ થયો હોય તો એ લાભ લોકો સુધી પહોંચાડવાની આપણી જવાબદારી પણ છે આવું દૃઢપણે માનતા ઘાટકોપરમાં રહેતા શાંતિભાઈ પટેલ પણ છેલ્લાં ત્રીસ વર્ષથી લોકોને યોગ શીખવે છે અને યોગના સિદ્ધાંતોને પોતાના જીવનમાં બને એટલા ફૉલો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. યોગે મને એટલું આપ્યું છે કે વાત ન પૂછો એમ જણાવીને શાંતિભાઈ કહે છે, ‘મને શરીરમાં ખૂબ તકલીફો હતી. બધા પ્રકારની દવાઓ પછી પણ કોઈ લાભ નહોતો થયો. ડૉક્ટરો પણ થાકી ગયા હતા. એટલે મેં કોઈકની સલાહથી યોગ શરૂ કરેલા અને કલ્પી ન શકાય એવો ફાયદો થયો. રોગ જાણે મૂળમાંથી નીકળી ગયો. કન્સ્ટ્રક્શન લાઇનના બિઝનેસમાં આમ પણ સ્ટ્રેસ ખૂબ વધારે હોય. પહેલાં યોગથી જાતને ફાયદો આપ્યો એ પછી શીખવવા માટે યોગાભ્યાસ કર્યો. યોગશિક્ષક બન્યા પછી લાંબા સમય સુધી નિઃશુલ્ક જ યોગ શીખવ્યા છે. હું રોજ મારી સોસાયટીમાં નિઃશુલ્ક યોગ શીખવું છું. સાદું જીવન રાખ્યું છે. જરૂરિયાત ઓછી છે. ક્યારેક કોઈ આમંત્રણ આપે યોગ શીખવવા માટે અને કંઈક ભેટ આપે તો એ સ્વીકારી લઉં છું. એનાથી જ જીવનનિર્વાહ ચાલી જાય છે. પૂરેપૂરો સંન્યાસી તો નથી પરંતુ બને એટલું સંતોષપૂર્ણ અને સાદગીભર્યું જીવન જીવવાના પ્રયાસો કરતો રહું છું.’

રોજ બોરીવલીના નૅશનલ પાર્કમાં ફ્રીમાં યોગ શીખવતાં રોશની બાફના.

 આપણાં પ્રાચીન શાસ્ત્રોનો, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાનનો અને યોગના પ્રૅક્ટિકલ અભ્યાસનો મારા પર બહુ મોટો ઉપકાર છે. આપણા ઋષિમુનિઓ આ પરંપરા આપણા સુધી લાવ્યા એ ઋણને ચૂકવવાની તક તરીકે પણ હું યોગને વેચવા નથી માગતી.
રોશની બાફના, યોગશિક્ષક

columnists ruchita shah