યોગ દિન : આજના આ સપરમા દિવસે નિયમ લો કે હંમેશાં યોગ કરીશ અને યોગ કરાવતો રહીશ

21 June, 2022 10:14 AM IST  |  Mumbai | Manoj Joshi

યોગ તમને લેટ-ગો કરવાનો ભાવ પણ સમજાવે છે અને યોગ અન્ય પ્રત્યે સહિષ્ણુ બનાવવાનું કામ પણ કરે છે. યોગ દ્વારા માનસિક તંદુરસ્તી પણ આવે છે અને યોગ દ્વારા વૈચારિક તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આજના આ યોગ દિવસે નિયમ બનાવો અને એ નિયમનું આજીવન ચુસ્ત પાલન કરો. નક્કી કરો, નિર્ધાર કરો કે આજના આ દિવસથી હવે યોગનો હાથ ક્યારેય છોડવો નથી. નક્કી કરો કે હવે રોજેરોજ યોગ થશે અને યોગ કર્યા વિનાનો એક પણ દિવસ પસાર નહીં કરીએ. આ નિર્ણય લેવાની સાથોસાથ એ પણ નક્કી કરો કે તમે તો યોગ કરશો જ, પણ સાથોસાથ તમે યોગ કરાવશો પણ ખરા. ભલે પછી તમે યોગ કરાવવામાં તમારી ફૅમિલીને સાથે લો. શરૂઆત એ રીતે કરો અને પછી ધીમે-ધીમે તમે તમારા આડોશી-પાડોશીને યોગની આદત પાડો. બહુ જરૂરી છે આ.
યોગ ચિકિત્સા પદ્ધતિ છે એવું હજી હમણાં જ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું. રામદેવજીએ કહેલી વાત જરા ધ્યાનથી સમજવાની જરૂર છે. જો એ ધ્યાનથી સમજશો તો અને તો જ જીવનમાં એનો અમલ કરી શકશો. યોગ માત્ર શરીરના જૉઇન્ટ્સને જ નહીં, પણ અંગ-ઉપાંગને પણ ઉચ્ચ સ્તરની ચિકિત્સા આપવાનું કામ કરે છે. યોગ દ્વારા તમારી દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થાય છે અને એ પણ એટલું જ સાચું કે યોગ દ્વારા તમારી માનસિકતામાં પણ સુધારો થાય છે. નકારાત્મક માનસિકતા દૂર કરવાનું કામ પણ યોગ કરે છે અને જીવનમાં સકારાત્મકતા ઉમેરવાનું કામ પણ યોગ કરે છે. યોગ તમને લેટ-ગો કરવાનો ભાવ પણ સમજાવે છે અને યોગ અન્ય પ્રત્યે સહિષ્ણુ બનાવવાનું કામ પણ કરે છે. યોગ દ્વારા માનસિક તંદુરસ્તી પણ આવે છે અને યોગ દ્વારા વૈચારિક તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય છે. 
યોગ આજે સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થતી ચિકિત્સા પદ્ધતિ છે. સારા અને ઑથેન્ટિક યોગ-શિક્ષક પાસે પણ તમે એનું જ્ઞાન લઈ શકો અને ઑથેન્ટિક કહેવાય એવા વિડિયો જોઈને પણ તમે યોગ શીખી શકો છો. હું કહીશ કે શક્ય હોય તો યોગનું પ્રશિક્ષણ કોઈ જવાબદાર શિક્ષક પાસેથી લેવાનું રાખજો અને ધારો કે તમારા બજેટને એ પરવડતું ન હોય તો યોગના ઑનલાઇન ચાલતા ક્લાસમાં જૉઇન થઈને તમે યોગ કરવાનું રાખજો. યોગ સૌથી સહજ, સરળ છે. એક વખત પારંગત થયા પછી યોગ માટે તમારે કોઈ વધારાનો ખર્ચ કરવાનો નથી. એક વખત માસ્ટરી મેળવી લીધા પછી તમે એ જ યોગને આગળ લઈ જવાનું કાર્ય પણ કરી શકો છો અને એ કાર્ય કરજો. બહુ જરૂરી છે. બાબા રામદેવના કહેવા મુજબ, માણસ જન્મે છે ત્યારે ઈશ્વરે તેનામાં તમામ શક્તિઓ ભરી હોય છે, પણ એ શક્તિને આપણે રૂટીન લાઇફ દરમ્યાન ભૂલતા જઈએ છીએ કે પછી એ ક્ષમતા પર ધૂળ ચડાવતા જઈએ છીએ. યોગ એ ક્ષમતા પર લાગેલી ધૂળને દૂર કરવાનું કામ કરે છે અને થનારા એ કામની માસ્ટરી તમારા હાથમાં જ છે તો પછી શું કામ સમય વેડફવો, શું કામ હવે હેરાન થવું.
આજના આ ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે બીજું કશું નહીં, માત્ર એક જ કામ કરો. નક્કી કરો કે યોગને હવે છોડવો નથી, કોરાણે મૂકવો નથી. યોગને હવે જીવન બનાવવું છે અને યોગ દ્વારા જ જીવનને નવી દિશા આપવી છે.

columnists manoj joshi