૨૧ વર્ષના આ યંગસ્ટરને ખરેખર ઘણી ખમ્મા

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Ruchita Shah

આવાં એક-બે નહીં પણ પાંચ આસનો રેકૉર્ડ બ્રેક સમય માટે કરવા બદલ વિશ્વભરમાં તેનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેણે પોતાની આ અચીવમેન્ટ પાછળના ફન્ડા મિડ-ડે સાથે શૅર કર્યા એ જાણીએ

૨૧ વર્ષના આ યંગસ્ટરને ખરેખર ઘણી ખમ્મા

વૃશ્ચિકાસન નામનું ઍડ્વાન્સ્ડ આસન યશ મોરડિયાએ ૨૯.૪ મિનિટ કરીને દુબઈમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આવાં એક-બે નહીં પણ પાંચ આસનો રેકૉર્ડ બ્રેક સમય માટે કરવા બદલ વિશ્વભરમાં તેનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેણે પોતાની આ અચીવમેન્ટ પાછળના ફન્ડા મિડ-ડે સાથે શૅર કર્યા એ જાણીએ

ઉંમર નાની હોય પણ ઇરાદા ઊંચા હોય અને એને હાંસલ કરવા માટે મહેનત કરવાની પૂરી તૈયારી હોય તો કોઈ પણ ધ્યેય પામી ન શકાય એવું હોતું નથી. પછી એમાં અડધો કલાક સુધી ઊંધા લટકવાનું હોય એ પણ જાતે જ પોતાનું સંતુલન જાળવીને તો એ પણ શક્ય છે. મૂળ સુરતના યશ મનસુખભાઈ મોરડિયાનું નામ કદાચ તમે પણ ફરતી-ફરતી આવેલી કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટમાં વાંચ્યું હશે. ૨૧ વર્ષના આ યુવાનને તાજેતરમાં જ પાંચ બહુ જ અઘરા કહી શકાય એવા વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવ્યા છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ આવવા બદલ દુનિયાભરનાં પ્રસાર માધ્યમોમાં યશની સિદ્ધ‌િનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે ત્યારે શરીરની ક્ષમતાઓને પડકારનારાં વિવિધ આસનો કરવાની યાત્રાની શરૂઆત ક્યારે થઈ અને આ કરવાનું કેટલું સરળ હતું તેના માટે એ જાણીએ. 
ટ્રેઇ‌નિંગનો પ્રભાવ
જે આસનોમાં ૩૦ સેકન્ડ સુધી રહી શકાય તો પણ બહુ મોટી અચીવમેન્ટ ગણાય એ આસનોમાં અડધો-અડધો કલાક રહેવાનું શક્ય કેવી રીતે બન્યું એની વાત કરતાં યશ કહે છે, ‘હું ગુરુકુલ વિદ્યાલયમાં ભણતો હતો ત્યારની ટ્રેઇનિંગ મને કામ લાગી. અમારી સ્કૂલમાં દર વર્ષે ઍન્યુઅલ ફંક્શનમાં એક યોગ ડાન્સ હોય જેમાં જુદાં-જુદાં આસનો કરવાનાં હોય. એ વખતે મારા એક ટીચરે મારાં આસનો જોઈને મને પણ પસંદ કર્યો હતો. એમાં જ હું આ બધું શીખ્યો છું. એમાંથી જ યોગ કૉમ્પિટિશનમાં જોડાવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ તો હું માત્ર હાર્યો જ છું. હારું શું કામ છું એના પર ચિંતન કરતો અને વધુ મહેનત કરતો. ધીમે-ધીમે પ્રૅક્ટિસ વધુ સઘન થઈ એ પછી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલની ચૅમ્પિયનશિપ જીત્યો. ૨૦૧૬માં યોગની નૅશનલ લેવલની ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. એ દરમ્યાન મને ધીમે-ધીમે સમજાવા માંડ્યું કે આસનો પણ માત્ર ફિઝિકલ બાબત નથી. આપણી મેન્ટલ કૅપેસિટીનો પણ અને માનસિક સ્થિરતાનો પણ આસનમાં બહુ મોટો રોલ છે. ત્રીજા-ચોથા ધોરણથી યોગાસનો કરતો હતો પણ એની સાચી રીત અને એની પાછળનું હાર્દ જેમ-જેમ એમાં આગળ આવ્યો ત્યારે સમજાયું. મને યાદ છે કે અમને મોટિવેટ કરવા માટે સ્કૂલમાં અમને જુદા-જુદા રેકૉર્ડ્સ બનાવનારા, કંઈક ગ્રેટ અચીવમેન્ટ મેળવનારા લોકોના વિડિયો દેખાડતા. ત્યારે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનું નામ મેં પહેલી વાર સાંભળેલું. ત્યારે મેં મનમાં નક્કી કરેલું કે હું પણ કંઈક એવો રેકૉર્ડ બનાવીશ જેની લોકોએ નોંધ લેવી પડે.’

ટીચિંગ શીખ્યો
બીબીએ અને બૅચલર્સ ઑફ યોગિક સાયન્સની ડિગ્રી મેળવનારા યશે ભણવાનું પૂરું થયું એ પહેલાં જ યોગ શીખવવાનું શરૂ કરી દીધેલું. તે કહે છે, ‘મારા અંકલ કેતનસર યોગના બહુ જ સારી કક્ષાના શિક્ષક છે. તેમની પાસેથી હું શરૂઆતમાં યોગાસનો શીખ્યો. એ પછી ટીચર્સ ટ્રેઇનિંગના ઘણા કોર્સ, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ વગેરે કર્યા. ધીમે-ધીમે ટીચિંગમાં માસ્ટરી આવી એટલે પહેલાં નાનાં બાળકોને શીખવવાનું શરૂ કર્યું. પછી તો ભણવાની સાથે ફુલટાઇમ ટીચર જ બની ગયો. જેમ-જેમ શીખવાડતો ગયો એમ યોગ માટેની મારી સમજણ વધુ ઊંડી થતી ગઈ. મને ઘણા લોકો કહે છે કે યોગ એટલે માત્ર આસનો નથી. જોકે આસન પણ યોગ તો છે જ એ વાત આપણે યાદ રાખવી જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ માત્ર આસનથી જ આકર્ષાઈને યોગ સાથે જોડાય તો પણ કંઈ ખોટું નથી. જેમ-જેમ આસનો તેને સમજાતાં જશે તેમ-તેમ યોગનાં અન્ય પાસાંઓ તરફ પણ તેનું ધ્યાન જશે જ. હું પોતે જ આ વાતનું જીવતુજાગતું એક્ઝામ્પલ છું. પહેલાં ડાયનૅમિક આસનો કરવાં એ જ મને યોગ લાગતું હતું. જોકે જેમ-જેમ આસનને સમજતો ગયો એમ યોગ પાછળ રહેલાં વિજ્ઞાન, ધારણા, ધ્યાન અને સમાધિ અવસ્થાનું મહત્ત્વ વગેરે પણ મને સમજવાની ઇચ્છા પણ જાગી.’

શરીર નમ્બ હતું
કોઈ પણ આસન લાંબા સમય માટે ત્યારે જ શક્ય છે જ્યારે તમે શરીરને ભૂલી ગયા હો અને ધ્યાનના કોઈ ‌સ્તર પર જઈને મનને સ્થિર કર્યું હોય. યશ કહે છે, ‘નાનપણમાં જ્યારે વિચારેલું ત્યારે દુનિયાને દેખાડવા રેકૉર્ડ બનાવવો હતો પણ પછી જાતને પડકારવા અને શરીરની મર્યાદાઓથી પાર ઉતારવાનો પ્રયાસ હતો. પહેલી બે-ચાર મિનિટ પછી એવું લાગવા માટે કે જાણે તમારું અડધું શરીર છે જ નહીં. શરીરનાં ઘણાં અંગો સુન્ન પડી ગયાનો અનુભવ થાય. બૉડીમાં વાઇબ્રેશન્સ ફીલ થાય, ધ્રુજારી આવે. શરીરનાં સંવેદનોને તમે જાણતા હો પણ એનાથી વિચલિત ન થતા હો. સંવેદનો પછી પણ તમારી મનની સ્થિરતા અકબંધ હોય. હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહીશ કે માત્ર શરીરની ટ્રેઇનિંગ સાથે આ આસનોને આટલા લાંબા સમય સુધી ન કરી શકાય. કમ્પલ્સરી તમારા માઇન્ડની ટ્રેઇનિંગ અને મેન્ટલ સ્થિરતા બહુ જ મહત્ત્વનો રોલ અદા કરે છે આમાં. એક પૉઇન્ટ એવો આવે જ્યારે તમને લાગે કે બૉડી સાથ નથી આપતું પણ એ પછી પણ તમે સહજ રહી શકો જ્યારે તમે યુનિવર્સલ એનર્જી સાથે કનેક્ટ થઈ ગયા હો. મને આસન કરવા માટે મારા ધ્યાનના અભ્યાસે બહુ મદદ કરી છે. આ અભ્યાસે મને સમજાવ્યું કે શરીરની કોઈ મર્યાદા નથી. મન જ શરીરની મર્યાદા નક્કી કરે છે. યોગ તમને અમર્યાદિત તરફની યાત્રામાં આગળ વધારે છે.’
એક જ ધ્યેય
યોગ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એમ જણાવીને યશ કહે છે, ‘મારા જીવનનું ધ્યેય છે કે વધુને વધુ લોકો સુધી યોગને પહોંચાડું. એનો પ્રચાર, પ્રસાર કરીને લોકોના જીવનને યોગથી સુગંધમય બનાવું, કારણ કે યોગની સુગંધ અમર્યાદ છે. એ ક્યારેય પૂરી નથી થતી અને જીવનભર તમારા અસ્તિત્વને અને આખા વિશ્વને મહેકાવી શકવા સમર્થ છે. યોગમાં આસન પહેલું પગથિયુ છે. ભલે અત્યારે લોકો એ પહેલા પ‌ગથિયાથી આકર્ષાઈને જોડાય પણ જેમ પહેલા પ‌ગથિયાને સમજશે પછી પર્વતની ટોચ પર રહેલી સુંદરતા તરફ આકર્ષાયા વિના નહીં  રહે. 

 માત્ર શરીરની ટ્રેઇનિંગ સાથે આ આસનોને આટલા લાંબા સમય સુધી ન કરી શકાય. એક પૉઇન્ટ એવો આવે જ્યારે તમને લાગે કે બૉડી સાથ નથી આપતું, પણ એ છતાં તમે સહજ રહી શકો જ્યારે તમે યુનિવર્સલ એનર્જી સાથે કનેક્ટ થઈ ગયા હો. 
યશ મોરડિયા

columnists ruchita shah