જીવનનો એ અનુભવ જે નિર્દોષ નજરે જોયો, અનુભવ્યો

04 January, 2023 04:45 PM IST  |  Mumbai | Rashmin Shah

‘માલગુડી ડેઝ’ નામ આવે ત્યાં જ એંસીના દશકની સુપરહિટ ટીવી સિરિયલ યાદ આવી જાય, જે આર. કે. નારાયણની આ જ નામની ટૂંકી વાર્તાની બુક પર આધારિત હતી. નારાયણે પોતાના અને પોતાના મિત્રોના અનુભવને ‘માલગુડી ડેઝ’માં લખ્યા હતા

આર. કે. નારાયણ અને માલગુડી ડેઝ

જાણીતાં લેખિકા સરિતા જોષીને જો કોઈ પૂછે કે તમારી ફેવરિટ સિરિયલ કઈ તો તે ફટાક દઈને બોલે, ‘માલગુડી ડેઝ’. પ્રોડ્યુસર-ઍક્ટર જે. ડી. મજીઠિયા પણ આમ જ કહે છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આમ જ કહે છે. 

એંસીના દશકમાં બનેલી ‘માલગુડી ડેઝ’ પછી તો આર. કે. નારાયણની આ બુકે વેચાણના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા. લોકો રીતસર બુક ખરીદવા માટે દોડ્યા હતા. દૂરદર્શન પર આ સિરિયલ પૂરી થઈ ત્યાં સુધીમાં ચાલીસ હજાર બુક વેચાઈ ગઈ અને આ આંકડો ઓછો છે, કારણ કે અનઑફિશ્યલ રીતે ‘માલગુડી ડેઝ’ પ્રિન્ટ કરીને વેચાઈ હોય એનો ફિગર તો પાંચ લાખથી પણ વધારે છે. માત્ર એક જ વર્ષમાં એક બુક આ સ્તર પર વેચાઈ હોય એવું ભારતમાં પહેલી વાર બન્યું અને એ ચમત્કાર દર્શાવવાનું કામ સિરિયલ ‘માલગુડી ડેઝ’એ કર્યું. આર. કે. નારાયણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘પ્રામાણિકતાથી કહું તો મને વિશ્વાસ હતો કે લોકોને સ્વામીની વાતો ગમશે, પણ એ સમયે લોકો સુધી પહોંચવાનાં માધ્યમ મર્યાદિત હતાં એટલે વાત દૂર સુધી પહોંચી નહીં. એ કામ સિરિયલે કર્યું અને લોકો બુક તરફ ખેંચાયા.’

મેરી અપની દુનિયા

‘માલગુડી ડેઝ’ આર. કે. નારાયણની પોતાની દુનિયા હતી. પોતાની સાથે બનેલા પ્રસંગો, ઘટનાઓને તેણે શૉર્ટ સ્ટોરીનું રૂપ આપ્યું હતું તો સાથોસાથ તેમણે પોતાના મિત્રો સાથે બની હોય એ ઘટનાઓ પણ એમાં લીધી હતી. ‘માલગુડી ડેઝ’ દૂર-દૂર સુધી આર. કે. નારાયણ લખવાના નહોતા પણ તેમને એ લખવા વિશે જો કોઈએ સમજાવ્યા હોય તો તેના જ ભાઈ અને ‘કૉમનમૅન’ આપીને દુનિયાભરમાં પૉપ્યુલર થઈ જનારા કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ. દેશના ટોચના પાંચ અંગ્રેજી સાહિત્યકારોમાં ભાઈનું નામ સામેલ હતું, પણ એ પછી લક્ષ્મણને એવું લાગતું હતું કે તેમણે એવું કોઈ ક્રીએશન કર્યું નથી જે એ સમયના ટીનેજર્સને કામ લાગી શકે. લક્ષ્મણ માનતા કે ટીનેજર્સ ભારતનું ભવિષ્ય છે, તેમને સાચા સંસ્કાર આપવાની આ સાચી ઉંમર છે.
લક્ષ્મણના આગ્રહથી નારાયણે ‘માલગુડી ડેઝ’ લખવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે ફૅન્ટસી સાથે કરી હતી પણ તેમને પોતાને મજા આવી નહીં એટલે તેમણે સ્વામીના કૅરૅક્ટરને અકબંધ રાખીને પોતાના જીવનના અનુભવો લખવાનું શરૂ કર્યું અને એમાં તેમને મજા આવવા માંડી. આ બુકની અસર એવી તે ઊભી થઈ કે સાઉથમાં તો આજે પણ એંસીના દશકમાં જે ટીનેજર્સ હતા તેમને માલગુડી-જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ રાઇટિંગની કમાલ હતી.

આ પણ વાંચો : ઈશ્વર એ સમય જીવનમાં ફરી ક્યારેય ન દેખાડે

હવે ઇશ્યુ છે રાઇટ્સનો

તમને જાણીને નવાઈ લાગશે પણ જ્યારે ઓટીટી પ્લૅટફૉર્મ પર બાળકો માટે શો બનવાના શરૂ થયા અને કલર્સ ગ્રુપના વૂટ પ્લૅટફૉર્મ દ્વારા વૂટ કિડ્સ પ્લૅટફૉર્મ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમની પહેલી ઇચ્છા ‘માલગુડી ડેઝ’ શો કરવાની હતી પણ રાઇટ્સના ઇશ્યુ ઊભા થવાના કારણે એ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો. સબ ટીવી પણ ‘માલગુડી ડેઝ’ અને એના લીડ હીરો એવા સ્વામી તથા એની ટીમને લઈને શો કરવા માગે છે એ જ રાઇટ્સનો ઇશ્યુ નડ્યો હતો.

દૂરદર્શને ‘માલગુડી ડેઝ’ના રાઇટ્સ પોતાની પાસે રિઝર્વ રાખ્યા હોવાથી નારાયણના ફૅમિલી મેમ્બર પણ એ દિશામાં કામ કરી શકતા નથી. દેશની મોટા ભાગની ચૅનલ અને ઓટીટી પ્લૅટફૉર્મ ‘માલગુડી ડેઝ’ પરથી શો કરવા માગે છે પણ દૂરદર્શન નથી એ શોને રીવાઇવ કરતું કે નથી એ બીજા કોઈને કરવા દેવા માટે પણ તૈયાર થતું.

આ પણ વાંચો : જાતને સતત કોસવાનું બંધ કરી એને પ્રેમ કરો

સ્ટોરી શૉર્ટકટ

‘માલગુડી ડેઝ’માં વાત છે સ્વામીની, જેની ઉંમર દસેક વર્ષની છે. સ્વામી વાચાળ છે, બોલકો છે અને સૌથી અગત્યની વાત પરાણે વહાલો લાગે એવો છે. સ્વામીની આસપાસ બનતી ઘટનાઓને લઈને તમામ વાત કહેવામાં આવી છે. વાતને એટલી સરળ અને સહજ રીતે કહેવામાં આવી છે કે નાનાં બાળકોથી લઈને વડીલ સુધ્ધાંને સ્વામીનાં કારસ્તાન અને એ કારસ્તાનમાંથી તેને મળતા બોધપાઠ અને સાથોસાથ માનવીય લાગણીઓની વાતોમાં આનંદ આવે છે. બુકમાં ટૂંકી વાર્તાઓ છે, જેને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી અને એમ છતાં તમામ વાર્તાઓનો ભાવ એક જ છે. નિર્દોષ આનંદ અને માનવીય લાગણીઓ સાથે સંકળાયેલો બોધપાઠ.                      

columnists Rashmin Shah