જ્યારે વર્લ્ડ કપના આગલા દિવસે મોહિન્દર અમરનાથ તમને કહે કે ‘ચાલ બોલ નાખ’

02 July, 2022 11:56 AM IST  |  Mumbai | Ruchita Shah

આવા અઢળક થ્રિલિંગ અનુભવો ગુજરાતી પત્રકાર, લેખક, સ્ટૅટિસ્ટિશ્યન, કૉમેન્ટેટર, સ્કોરર, રેડિયો અનાઉન્સર યશવંત ચાડને થયા છે.

યશવંત ચાડ

ક્યારેક સચિન માટે ક્રિકેટ ટૂર દરમ્યાન હોમમેડ ભોજન અરેન્જ કરવાનો અવસર મળ્યો તો ક્યારેક કપિલ દેવે તેમની પાસેથી મૅચનો હાલ જાણીને પોતાની સ્ટ્રૅટેજી પણ બદલી હોય અને એ મૅચ જીત્યા હોઈએ. આજના ખાસ દિવસે આવા જ મજેદાર કિસ્સાઓની દુનિયામાં લટાર મારીએ...

૧૯૮૬ની દસમી જૂને ભારત લંડનના લૉર્ડ્સમાં પહેલી ટેસ્ટ ક્રિકેટ મૅચ જીત્યું. આ ઐતિહાસિક વિજય હતો અનેક રીતે. આ મૅચમાં ઑફિશ્યલ સ્કોરર તરીકે મૅચની બારીકીઓ પર સતત નજર રાખી રહ્યા હતા આપણા ગુજરાતીભાઈ યશવંતભાઈ ચાડ. આજે યશવંતભાઈ ૮૦ વર્ષના છે અને કાંદિવલીમાં મજાની લાઇફ જીવી રહ્યા છે. જોકે આજે પણ ૧૯૮૬ની એ મૅચ યાદ કરે તો તેમનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે, કારણ કે મૅચ પૂરી થયા પછી કપિલ દેવે તેમને ડ્રેસિંગ રૂમમાં ‘લકી સ્કોરર’ કહીને ઊંચકી લીધા હતા. એ મૅચ દરમ્યાનનો ક્રમ એવો હતો કે સ્કોરર યશવંતભાઈ સાથે ટીમનો કૅપ્ટન કપિલ દેવ રોજ સવાર-સાંજ મૅચને લગતી મહત્ત્વની વિગતો પૂછે. યશવંતભાઈ એ કિસ્સો યાદ કરતાં કહે છે, ‘એ દિવસે તેમણે પૂછ્યું કે કોણે કેટલી વિકેટ લીધી, કોણે કૅચ છોડ્યો, કોણે કેટલા રન બનાવ્યા, કેટલી ઓવરમાં શું સ્કોર હતો. ત્યારે આજ જેવી ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી નહોતી એટલે રેકૉર્ડ રાખવાનું મોટા ભાગનું કામ સ્કોરર દ્વારા મૅન્યુઅલી જ થતું. બધી જ ડીટેલ્સ જાણ્યા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે હજી ચેતન શર્માને બોલિંગ નથી આપી. મારી પાસેથી સ્કોર અને સ્ટાઇલ જાણ્યા પછી કપિલ દેવ કહે છે, ‘દેખો અભી મૈં ઘોડે કો કૈસે ભગાતા હૂં.’ ટેસ્ટ મૅચમાં સતત સ્ટ્રૅટેજી પર નજર રાખતા રહેવું પડે. એ માહિતીના બેઝ પર કપિલ દેવે જે નિર્ણયો લીધા એણે ભારતને પહેલી ટેસ્ટ મૅચ જિતાડી દીધી. એ પણ ઇંગ્લૅન્ડ સામે અને એ પણ લંડનમાં તેમના જ લૉર્ડ્સ સ્ટેડિયમમાં. ભારત ક્રિકેટ ટીમની આ બહુ મોટી સિદ્ધિ હતી અને એનો હું પ્રત્યક્ષ સાક્ષી હતો.’

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટરો સાથે દુનિયાભરમાં થયેલી સેંકડો મૅચમાં સાથે રહીને એનો આંખે દેખ્યો હાલ લખનારા યશવંતભાઈએ મુંબઈ, અમદાવાદ અને લંડનનાં અખબારોમાં કૉલમો લખી છે. ક્રિકેટ બોર્ડના પ્રમુખ સિલેક્શનમાં તેમની રાયને મહત્ત્વપૂર્ણ ગણતા. ક્રિકેટર, સ્ટૅટિસ્ટિશ્યન વિજય મર્ચન્ટ, આણંદજી ડોસા, મન્સૂર અલી પટૌડી, કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, વિશ્વના મહાન ક્રિકેટર ગણાતા ગૅરી સોબર્સ જેવા અઢળક જાણીતા અને નામવંતા લોકો સાથે યશવંતભાઈએ કામ કર્યું છે. છેલ્લે ૨૦૧૧ની વર્લ્ડકપ મૅચમાં પણ તેઓ સ્કોરર તરીકે હાજર હતાં.

સચિન માટે ભોજન
૧૯૯૦માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં સચિન તેન્ડુલકરે પોતાની પહેલી સેન્ચુરી બનાવી હતી. એ સમયે તેની ઉંમર માંડ ૧૬-૧૭ વર્ષની હશે. યશવંતભાઈ કહે છે, ‘એ સમયે સચિને મારી પાસે આવીને પોતાનો સ્કોર ચાર્ટ લીધો હતો. એ પછી અમારો સરસ રૅપો થઈ ગયો હતો. ત્યાર પછી અમે સાથે ઇન્ટરનૅશનલ ટૂર પર હોઈએ તો કોઈ ભારતીય ફૅમિલી પાસેથી હોમમેડ નાસ્તો અરેન્જ કરવાનું તે મને કહેતો. મોટા ભાગે બધે ગુજરાતીઓ હોય તો તેઓ મને આમાં ઘણી હેલ્પ કરતા અને સચિન પણ ઘરના બનેલા બટાટા પૌંઆ, કાંદા પૌંઆ વગેરે મળતાં ખુશ થઈ જતો. એ સમય જુદો હતો ઘણો. મને યાદ છે કે મેં જ્યારે પટૌડી સાહેબને પૂછેલું કે તેમને કૉમેન્ટેટર તરીકેનું કામ અઘરું લાગે કે ક્રિકેટરનું. તો તેમણે કહેલું કે ક્રિકેટર તરીકે માત્ર તમારે તમારી ગેમ પર ધ્યાન આપવાનું છે પરંતુ કૉમેન્ટેટર તરીકે દરેકની ગેમ પર ધ્યાન કોણે શું કર્યું અને શું કરવું જોઈતું હતું તેનું વિશ્લેષણ અઘરું છે. કૉમેન્ટેટર તરીકે એક સમયે એવું થયું હતું કે વિજય મર્ચન્ટ, આણંદજી ડોસા અને હું ત્રણેય સાથે હોઈએ. આમ અમારું દૂર-દૂર સુધી કોઈ રિલેશન નહીં પણ યોગાનુયોગ અમે ત્રણેય કચ્છી ભાટિયા હતા એટલે ક્યારેક બને એવું કે અમે કચ્છી પણ બોલી દઈએ. એ સમયે કૉમેન્ટરીમાં જેમનું નામ લેજન્ડ તરીકે લેવાય છે એવા અનંત સેતલવાડ ત્યારે મજાકમાં કહેતા કે હવે આને કૉમેન્ટરી બૉક્સ નહીં પણ ભાટિયા બૉક્સ જ કહેવું જોઈએ. કચ્છીમાં બોલીએ તો તેઓ અમારી કોડ લૅન્ગ્વેજમાં કંઈક ગૉસિપ થઈ રહી છે એવી પણ રમૂજ કરતા.’

પૅશન પરસ્ત
અહીં ઉલ્લેખનીય છે કે યશવંત ચાડ બહુ જ નાના હતા ત્યારથી તેમના બાપુજીની પ્રેરણાથી ક્રિકેટ રમતા આવ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ થયા પછી એલએલબીની ડિગ્રી લીધા પછી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાં નોકરી કરતા પણ ક્રિકેટનું પૅશન તેમને ક્રિકેટર તરીકે નહીં તો રિપોર્ટર, સ્કોરર, કૉમેન્ટેટર જેવા જુદા-જુદા રોલ તરફ લઈ ગયું. તેઓ કહે છે, ‘હું ઇન્ટસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘણી મૅચો રમ્યો હતો. મને ક્રિકેટમાં સમજ પણ ખૂબ પડે. ત્યારે આણંદજી ડોસાએ જ મને આ ફીલ્ડમાં જુદી-જુદી રીતે ઍક્ટિવ થવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. છેલ્લાં ૬૫ વર્ષથી તો મિનિમમ ક્રિકેટ સાથે સંકળાયેલો છું. ૫૦ વર્ષથી સ્કોરર તરીકે કામ કરું છું. શરૂઆતનાં વર્ષો તો એવાં હતાં કે લોકોને નિયમોની ખબર નહોતી પડતી. બહુ જ બધું હોમવર્ક કરવું પડતું. અમ્પાયર સાથે વાત કરવી પડતી, ક્રિકેટરોના ડ્રેસિંગ-રૂમમાં જઈને તેમની સાથે ડિસ્કશન કરતો. ૧૯૭૯માં એક વાર એવું થયેલું કે ઇંગ્લૅન્ડ અને ભારતની મૅચ હતી. ત્યારે ટૉસ કોણ જીત્યું એની પણ જલદી ખબર ન પડે. મોટા ભાગે ગેસવર્ક પર જ કામ ચાલે. બે સ્કોરર વચ્ચે ટૉસ કોણ જીત્યું એ વિશે ઝઘડો થયો. છેલ્લે ગ્રાઉન્ડ પર જઈને અમ્પાયરના માધ્યમે કન્ફર્મ કર્યું ત્યારે ખબર પડી કે ભારત ટૉસ જીત્યું છે પણ ત્યાં સુધી ઇંગ્લૅન્ડ જીત્યું છે એના બેઝ પર કૉમેન્ટરી પણ ચાલુ થઈ ગઈ હતી. એ સમયે ઘણી વાર પ્લેયર્સનાં નામ પણ તમને ખબર ન હોય. તમારે બહુ જ જોરદાર ફોકસ સાથે બધુ ઑબ્ઝર્વ કરવું પડે. આ જ ઑબ્સર્વેશનમાં સુનીલ ગાવસ્કર સાથે પણ ખૂબ સારો રેપો થઈ ગયો હતો. તેના જેવો એકાગ્રતા સાથે રમનનારે ઓપનિંગ બેટ્સમેન શોધવો મુશ્કેલ છે.’

વર્લ્ડ કપની એ મૅચ
ક્રિકેટમાં તેમણે કરેલા પ્રદાન બદ્દલ યશવંતભાઈને એ સમયના ચીફ મિનિસ્ટર મનોહર જોશીએ સન્માનિત પણ કર્યા છે. ૧૯૮૩ની એ મૅચ પણ જ્યારે આપણે પહેલો વર્લ્ડ કપ જીત્યા એ સમયે પણ ત્યાં સ્કોરર તરીકે યશવંતભાઈ પ્રત્યક્ષ હાજર હતા. એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘મૅચના આગલા દિવસે મોહિન્દર અમરનાથ મેદાનમાં પ્રૅક્ટિસ કરતા હતા. હું ત્યારે ત્યાં હતો તો મને કહે કે તું બોલ નાખ. લગભગ પંદર મિનિટ સુધી મેં તેમના માટે બોલિંગ કરી હતી. ૧૯૮૩ની વર્લ્ડકપની મૅચમાં સ્કોર બહુ ઓછો થયો હતો. મૅચ કટોકટીની હતી. મેં ત્યાં નજરોનજર જોયું છે કે કલાક-કલાકના બેઝિસ પર ત્યાંના પત્રકારો સ્ટેડિયમમાં બેટિંગ કરતા હતા. બીજો એક મેમરેબલ ઇન્સિડન્ટ યાદ આવે છે. વિશ્વના ટૉપ કક્ષાના વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ગૅરી સોબર્સને બધા જ ઓળખતા હશે. એક વાર એવું બન્યું કે હું અને એ કૉમેન્ટરી બૉક્સમાં સાથે હતા. મારા એક હાથમાં ફ્રૅક્ચર થયું હતું અને બીજા હાથથી હું લખી રહ્યો હતો. એવામાં ચા આપવાવાળો આવ્યો. હું ચા લઉં એ પહેલા જ ગૅરીએ ચા લઈ લીધી અને મારા માટે પકડી રાખી. મને કહે, તમે લખવાનું પૂરું કરો, હું ચા પકડીને ઊભો છું અહીં. મારા માટે આ બહુ જ મોટી વાત હતી. દિલીપ વેન્ગસરકર મને લકી સ્કોરર યશવંત ચાડ કહીને જ બોલાવતા, કારણ કે યોગાનુયોગે તેમણે જ્યારે-જ્યારે સેન્ચુરી કરી ત્યારે-ત્યારે હું સાથે હતો અથવા તો હું જ્યારે-જ્યારે સાથે હતો ત્યારે-ત્યારે તેમણે સેન્ચુરી કરી જ હતી.’

 

columnists ruchita shah