કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આનાકાની કરતા ખૈયામ અચાનક કેમ રાજી થઈ ગયા!

06 October, 2019 02:40 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આનાકાની કરતા ખૈયામ અચાનક કેમ રાજી થઈ ગયા!

એક જાણીતી કહેવત છે, ‘ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ.’ આ કહેવત કોઈના વ્યક્તિગત જીવનમાં જયારે ઈશ્વરની કૃપા વરસે; તે સંદર્ભમાં સાર્થક થતી હોય છે. આ વાત યાદ આવી. કારણ કે આજના દિવસે મુંબઈમાં અને વધતેઓછે અંશે ભારતનાં અનેક રાજ્યોમાં સરેરાશ કરતાં બમણો કહેવાય એટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજી એ રોકાશે કે કેમ, તેના વિષે શંકા છે. આ પરિસ્થિતિની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ ખૂબ થઈ રહી છે. થોડા દિવસ પહેલાં ફેસબુક પર એક પોસ્ટ વાંચી કે ભગવાનની ડિક્શનરીમાં ‘માફકસર’ શબ્દ લાગતો નથી કાં તો એ ઓછું આપે, કાં તો એ વધારે આપે, ત્યારે મને સ્વામી વિવેકાનંદે કહેલી એક વાત યાદ આવી, ‘જ્યારે જ્યારે જીવનમાં મેં જે ચીજની તમન્ના કરી છે; ત્યારે તે ચીજ મને કદી નથી મળી. પરંતુ, જે ચીજની મને જ્યારે જરૂરત હોય છે; તે ચીજ મને ઈશ્વરે માંગ્યા વિના હમેશા આપી છે.’ એનો સીધોસાદો અર્થ એટલો જ થયો કે  આપણા અને ઈશ્વરના, સમય અને સંજોગના ટાઇમિંગનો કદી મેળ પડતો નથી. ઈશ્વરની ડિક્શનરીના શબ્દોના અર્થ ઉકેલવા માટેની પૂરતી સમજણ હજી આપણામાં આવી નથી... બાળપણમાં મારા પિતાજી અતિવૃષ્ટિ થતી ત્યારે એટલું જ કહેતા, ‘સુકા દુકાળ કરતાં લીલો સારો.’ તે સમયે આ વાત સમજાતી નહોતી. આજે એટલું સમજાય છે કે દુનિયામાં આપણું ધારેલું નહીં, ઈશ્વરનું સુધારેલું જ થાય છે.

તમને થશે આ વાતો કયા સંદર્ભમાં થાય છે? તો એનો ફોડ પાડું. આપણી ઘડિયાળ અને ઈશ્વરની ઘડિયાળનો સમય એકસરખો નથી હોતો એ વાતનો Aવાર અહેસાસ થયો; જ્યારે સંગીતકાર ખૈયામનો દેહાંત થયો. ત્રણ –ચાર મહિના પહેલાં આણંદજીભાઈ સાથેની મુલાકાતો દરમ્યાન એક વાર તેમણે સહજ મને પૂછ્યું હતું કે આ સીરિઝ પૂરી થયા બાદ કોના વિષે લખવાનો વિચાર કરો છો? મારો જવાબ હતો.’ હજી વિચાર્યું નથી. ઘણા મહારથીઓ વિષે લખવાનું બાકી છે. એક વાર તમારી વાતો પૂરી થાય પછી જોઈશું.’ જ્યારે કલ્યાણજી –આણંદજીની વાતોનું સમાપન નજીક આવ્યું ત્યારે મનમાં વિચાર આવ્યો કે સંગીતકાર ખૈયામ હજી હયાત છે તો તેમની સાથે મુલાકાત કરવી જોઈએ. મારી વર્ષો પહેલાં થયેલી પહેલી મુલાકાત બાદ હું તેમને એકાદ બે કાર્યક્રમમાં મળ્યો હતો. મેં તેમને ફોન કર્યો તો રાજીપો વ્યક્ત કરતાં કહે, ‘કિતને લંબે સમય કે બાદ આપકા ફોન આયા હૈ. આપ અગલે હપ્તે ઝુરુર આઇએ. ઇત્મીનાન સે બાતે કરેંગે. ‘અફસોસ, એ દિવસ આવે એ પહેલાં જ તેમણે અંતિમ વિદાય લઈ લીધી. યોગાનુયોગ વિશ્વજિત અને ખૈયામ, એક જ બિલ્ડિંગના રહેવાસી છે. વિશ્વજિત સાથેની ટૂંકી લેખમાળા બાદ ખૈયામ વિષે વિગતવાર લખવાનો મારો ઈરાદો હતો. ખેર, હવે મારી તેમની સાથેની બે –ત્રણ  મુલાકાત અને મારી લાઇબ્રેરીમાં તેમના રેકોર્ડેડ ઈન્ટરવ્યુના આધારે તેમના જીવનની યાદગાર વાતો તમારી સાથે શેર કરું, એ પહેલાં તેમની સાથેની મારી પહેલી મુલાકાત અને તેમના અભિવાદન માટે અમે કરેલા કાર્યક્રમ માટે તે કઈ રીતે રાજી થયા એ વાત કરવી છે.

અમારી સંસ્થા સંકેતની સ્થાપના ૧૯૯૬માં થઈ તે સમયે કેવળ ગુજરાતી કાર્યક્રમો કરવાનો આશય હતો. જોકે બીજા જ વર્ષે મને એ અહેસાસ થયો કે ફિલ્મ સંગીતનો છોછ રાખ્યા વિના, તેને લગતા કાર્યક્રમ પણ કરવા જોઈએ. આમ વર્ષમાં એક અથવા બે કાર્યક્રમમાં, હિન્દી ફિલ્મ સંગીતના દિગ્ગજોનું અભિવાદન કરવાનો સિલસિલો શરુ થયો. ૧૯૯૮માં મન્ના ડે સાથેના કાર્યક્રમથી શરૂ થયેલી આ પરંપરામાં આજ સુધી અનેક સંગીતકારો, કલાકારો અને કસબીઓ સાથેના કાર્યક્રમ થયા છે. આ દરમ્યાન બીજા અનેક કલાકારો સાથે મુલાકાતો થઈ છે, જેનાં સ્મરણો યાદગાર છે. ૨૦૦૧માં હું ખય્યામને તેમના ઘેર પહેલી વાર મળ્યો ત્યારે ‘સંકેત’ની પ્રવૃત્તિ વિષે થોડી ઘણી વાત થઈ હતી. જોકે તે મુલાકાતમાં હું એક ભાવક તરીકે જ તેમને મળવા ગયો હતો એટલે તેમનાં સંસ્મરણો સિવાય બીજી કોઈ વાત નહોતી થઈ. હા, મારી ડાયરીમાં એક નોંધ કરી રાખી કે ભવિષ્યમાં તેમનાં ગીતોનો કાર્યક્રમ કરીશું. મારી એક ટેવ છે. જે વિષય મારા મનમાં સૂઝે, તેની નોંધ કરી લઉં. ઘણી વાર એવું બન્યું છે કે લીસ્ટમાં લખાયેલા વિષયનો કાર્યક્રમ લગભગ દસ-બાર વર્ષ પછી થાય. ગુરુદત્ત –ગીતા દત્તના જીવન આધારિત એક કાર્યક્રમની ઇચ્છા શરૂઆતથી હતી જે છેક ૧૧ વર્ષ બાદ પૂરી થઈ... એ પણ હકીકત છે કે ૨૩ વર્ષ અને ૧૩૩ કાર્યક્રમ બાદ આજ સુધી મારા પ્રિય સંગીતકાર સી. રામચંદ્ર અને રોશનનાં ગીતોના કાર્યક્રમનું આયોજન કરી નથી શક્યો. આવું જ કૈંક પુસ્તકોની બાબતમાં થયું છે. ગમતાં પુસ્તકો ખરીદી લીધા બાદ એવું બન્યું છે કે લાંબા સમય બાદ વાંચવાનો યોગ આવ્યો હોય, અથવા નિરાંતે વાંચવાનાં બાકી રહી ગયાં હોય.

એક આડ વાત. ઘણી વાર મને એ પ્રશ્ન પુછાય છે કે આ દિગજ્જો સાથેની  તમારી મુલાકાત કોઈના રેફરન્સ સાથે થાય છે કે પછી બીજી કોઈ રીતે. મારો જવાબ છે કે આ કલાકારોની નજીકની વ્યક્તિઓનો રેફરન્સ હોય તો જ હું એનો ઉપયોગ કરું છું. નહિતર હું પોતે જ મારી રીતે તેમની સાથે મુલાકાત ગોઠવું છું. ઈશ્વરકૃપાથી આજ સુધી મને તેમાં નિષ્ફળતા નથી મળી. વર્ષો પહેલાં, હું કોઈના પણ રેફરન્સ વિના, ખૈયામને મળવા તેમને ઘેર એપોઇન્ટમેન્ટ લઈને પહોંચી ગયો હતો. ઈશ્વરનો બીજું એક અહેસાન પણ ભૂલાય તેમ નથી. ‘સંકેત’નાં ૨૩ વર્ષના ઇતિહાસમાં આજ સુધી નક્કી થયેલા કાર્યક્રમમાં જે વ્યક્તિવિશેષનું સન્માન થવાનું નક્કી થયું હોય, તેમની અચૂક હાજરી રહી છે. હું માનું છું કે નિષ્ઠાથી કરેલું કામ નિષ્ફળ જતું નથી. ડગલે ને પગલે મને આ વાતની ઈશ્વરે પ્રતીતિ કરાવી છે .

દરેક ઘટનાનો એક સમય નિશ્ચિત હોય છે. ‘સંકેત’ના  ૧૪મા વર્ષના અંતિમ કાર્યક્રમમાં અમે સંગીતકાર રવિનું સન્માન કર્યું. સામાન્ય રીતે ફિલ્મ સંગીતના કાર્યક્રમ વચ્ચે અમે ચાર-પાંચ મહિનાનો ગાળો રાખતા હોઈએ છીએ. એટલે ૧૫મા વર્ષના પહેલા કાર્યક્રમ માટે શું કરવું તેનો વિચાર ચાલતો હતો; અને મને  ખૈયામ યાદ આવ્યા. હું સંગીતની બાબતમાં ‘અંદર કી આવાઝ’ને અનુસરું છું. મેં તરત તેમની સાથે વાત કરીને મુલાકાતનો સમય નક્કી કર્યો.

જૂન, ૨૦૧૧ની એક સાંજે હું ખય્યામને તેમના ઘરે મળ્યો, જ્યાં મેં તેમને વિધિવત્ તેમના અભિવાદન માટેના કાર્યક્રમ વિશેની વાત કરી. તે સમયે અમે ‘સંકેત’માં વીતેલાં ૧૪ વર્ષ દરમ્યાન મન્ના ડે, નૌશાદ, આણંદજીભાઈ, શબાના આઝમી, જાવેદ અખ્તર, શંકર મહાદેવન, ઓ. પી.  નય્યર, આશા પારેખ, પંડિત શિવકુમાર શર્મા, અમીન સયાની, ભુપીન્દર સિંહ, રવિનું અભિવાદન કરી ચૂક્યા હતા . તે ઉપરાંત ફિલ્મ સંગીતના દિવંગત દિગ્ગજો કૈફી આઝમી, શંકર- જયકિશન, આર. ડી. બર્મન, તલત મહેમૂદ, જયદેવ, શમ્મી કપૂર – ગીતા બાલી, ગુરુ દત્ત – ગીતા દત્તને તેમના પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સ્વરાંજલિ આપી હતી. અમારો ટ્રેક રેકોર્ડ એટલો પાવરફૂલ હતો કે તે જોઈ ખય્યામ એકદમ ઈમ્પ્રેસ થઈ ગયા પરંતુ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે તેમણે ‘કન્ડીશન અપ્લાઈ’ જેવી એક શરત મૂકી. એ વાતની વધુ ચર્ચા અહીં ન કરતાં, હું એટલું જ કહીશ કે એ પૂરી કરવી મારા માટે શક્ય નહોતું. ઘણી વખત એવું બનતું હોય છે કે; યુ આર રાઇટ બટ આઇ અમ નોટ રોંગ’ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તેમની વાત જરા પણ ગેરવાજબી નહોતી પરંતુ તે અમુક હદથી વધુ પૂરી કરવા જેટલી ક્ષમતા મારામાં નહોતી. મેં મારી મર્યાદાની વાત કરતાં તેમને એટલું જ કહ્યું કે હું તમારી ઈજ્જત કરું છું. તમારી અપેક્ષા અને મારી મર્યાદા; આ બે નક્કર હકીકત છે. જો  મારી મર્યાદા તમે સ્વીકારી શકો તો જ કૈંક વાત બને. તેમના પક્ષે એ વાતનો ઉલ્લેખ કરવો જોઈએ કે તેમણે મને કહ્યું કે તમે તમારી રીતે સાચા છો. આમ તે દિવસે કોઈ પણ જાતની કડવાશ વિના અમે છૂટા પડ્યા. રસ્તામાં કોણ જાણે કેમ, મારી સિકસ્થ સેન્સ મને કહેતી હતી કે વહેલામોડે, આ કાર્યક્રમનું આયોજન થશે જ.

આ ઘટના બન્યા બાદ લગભગ ત્રણ અઠવાડિયા બાદ એક સાંજે હું સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલને ઘેર બેઠો હતો. ત્રણ-ચાર મહિના થાય એટલે અમે એક સાંજ સાથે ગાળીએ અને ફિલ્મસંગીત ઉપરાંત અનેક વિષયો વિષે ચર્ચા થાય... તે દિવસે અમારી વાતો ચાલતી હતી ત્યાં પંડિત શિવકુમાર શર્માનો ફોન આવ્યો. તેમની સાથેની વાત પૂરી કર્યા બાદ પ્યારેભાઈએ, મારું નામ આપ્યા વિના તેમને કહ્યું, ‘આપકે મિત્ર યહાં બૈઠે હૈ, ઉનસે બાત કીજીએ...’ મારી સાથેની વાતચીતમાં પંડિત શિવકુમાર શર્માએ પૂછ્યું કે હવે પછી કોના સન્માનનો વિચાર કરો છો?’ ડિસેમ્બર, ૨૦૦૬માં અમે તેમનું અભિવાદન અમે કરી ચૂક્યા હતા એટલે  ‘સંકેત’ની પ્રવૃત્તિઓ વિષે તેમને ખબર હતી મેં કહ્યું કે હાલમાં તો કોઈ પ્લાન નથી. તો કહે, ‘તમે ખૈયામનું સન્માન કરો. એ એટલા ગુણી સંગીતકાર છે કે તેમને જે માન મળવું જોઈએ, તે મળ્યું નથી.’ એટલે મેં કહ્યું કે તેમની સાથે મુલાકાત  થઈ છે પરંતુ વાત જામતી નથી. કોશિશ જારી હૈ.’ મેં તેમને એ સિવાય બીજી કોઈ વાતનો ઉલ્લેખ ન કર્યો .

તે રાતે હું વિચાર કરતો હતો કે આ કેવો સંયોગ હતો! પંડિત શિવકુમાર શર્મા મને સામેથી એ સજેશન આપે જેના વિષે હું ઓલરેડી વિચારી રહ્યો હતો. આ ઈશ્વરનો કોઈ સંકેત હતો?’ ‘સંકેત’ના ઇતિહાસમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે જે માનવામાં ન આવે તે છતાં સાચા છે. દરેક સેલિબ્રિટી સાથેના મારા  અનુભવો રોમાંચક છે. જ્યારે એ સેલિબ્રિટી વિષે વિગતવાર લખવાનું થશે ત્યારે જરૂર એ વિષે લખીશ. કોઈને ન મળતા, લગભગ અજ્ઞાતવાસમાં રહેતા ઓ. પી. નૈયર સાથે કઈ રીતે મુલાકાત થઈ અને મુંબઈ બંધના એલાન વચ્ચે કઈ રીતે તેમની સાથેનો કાર્યક્રમ સફળતાથી પૂરો થયો, એ રોમાંચક કિસ્સાઓ, આ પહેલાં લખી ચૂક્યો છું. મારું ઇન્ટ્યુશન મને કહેતું હતું કે કૈંક સારું જ થશે. પરંતુ એ ખબર  નહોતી કે તે આટલું જલ્દી થશે!

બીજે દિવસે બપોરે મારી ઑફિસમાં ખૈયામના પુત્ર પ્રદીપનો ફોન આવ્યો. મને કહે, ‘આપને કાર્યક્રમ કે બારેમે ક્યા સોચા?’ મેં એટલું જ કહ્યું, ‘મેં તૈયાર હું, પર  આપકો મેરી લિમિટેશન તો પતા હૈ ના?’ તેણે એટલું જ કહ્યું, ‘શામકો આપ ઘર આ સકતે હૈ?’ નેકી ઔર પૂછપૂછ...! તે દિવસે સાંજે હું તેમના ઘરે પહોંચી ગયો. રસ્તામાં મને ૧૦૦ ટકા ખાતરી હતી કે મારું કામ થઈ જશે પરંતુ એની પાછળની જે સાચી હકીકત હતી, તેની મેં કલ્પના જ નહોતી કરી.

ત્યાં પહોંચતાં જ શરૂઆતમાં ઇધર–ઉધરની વાત થઈ અને ત્યાર બાદ ખૈયામ મૂળ વાત પર આવ્યા.’ હમેં પતા હૈ કે આપ બહુત અચ્છે કાર્યકમ કરતે હૈ. આપ કે સાથ બાતે કરકે, ઇતના તો પતા ચલા કી આપ બડે શૌકીન ઔર સમજદાર આદમી હૈ. કલ રાત શિવજી કા પંડિત શિવકુમાર શર્મા ફોન આયા થા. વો આપકી બહુત  તારીફ કર રહે થે. કહ રહે થે, આપ ઝુરુર ઉનકે પ્રોગ્રામ મેં જાઈએ. ઉન્હોને બહુત અચ્છી તરહ મેરા સન્માન કિયા થા. આજ તક મેરે સંતૂર બજાયે હુએ ગાનોંકા પ્રોગ્રામ કીસીને નહીં કિયા થા. ઉન્હોને પહેલી બાર વો ગાને સહી ઢંગ મેં લોગોં કે સામને પેશ કિયે. ઉનકો સંગીત કી અચ્છી પહેચાન હૈ. ઉનકી ટીમ ભી અચ્છી હૈ. ઉનકા ઓડિયન્સ ભી લાજવાબ હૈ. આપકો અચ્છા લગેગા.’

ખૈયામ વાત કરતા હતા અને હું મનોમન વિચાર કરતો હતો કે ‘સંકેત’ માટે પંડિત શિવકુમાર શર્મા જેવા દિગ્ગજ આટલો ઊંચો અભિપ્રાય ધરાવે એ માન્યામાં ન આવે તેવી હકીકત હતી. વાત આગળ વધારતાં ખૈયામ બોલ્યા, ‘બેટા, હમ આપ કી મજબૂરી સમજ સકતે હૈં, ઔર આપ હમારી. પર આપ જૈસે કદરદાન લોગોં કે લિયે કોઈ ભી શર્ત આખરી નહીં હોતી. આપ અપને હિસાબ સે જૈસા મુનાસીબ સમજેં, કીજીયે. હમ આપકે પ્રોગ્રામ મેં ઝુરુર આયેંગે.’

અને પછી તો મોડી રાત સુધી તેમના ઘરે જે વાતો થઈ તે રોમાંચની અભિવ્યક્તિ કરવી મુશ્કેલ છે. એક દિગ્ગજ સંગીતકાર તેમના અતીતની. આજ સુધી મેં ન સાંભળેલી યાદો, મારી સાથે શેર કરી રહ્યા હતા. તેની થ્રીલ કઈ ઔર હતી. તે  દિવસોમાં મારી પાસે મોબાઇલ નહોતો. નહિતર ત્યાંથી જ હું પંડિત શિવકુમાર શર્માનો આભાર માની લેત! હા, તે દિવસોમાં હું મિત્રોને કહેતો, જો હું મોબાઇલ ખરીદું તો સાથે મારે ઓપરેટર પણ રાખવો પડે, જે મને ન પોસાય. મને માણસ સાથે વધુ ફાવે છે, મોબાઇલ સાથે નહીં. છેલ્લાં પાંચ-છ વર્ષથી જ મારી પાસે મોબાઇલ છે. આજે પણ હું તેનો માર્યાદિત ઉપયોગ કરું છું અને આ મારી મર્યાદા છે એનો સ્વીકાર પણ કરું છું. બીજે દિવસે મેં પંડિત શિવકુમાર શર્માનો આભાર માનતાં કહ્યું, ‘પંડિતજી, આપ ન હોતે તો યે બાત ન બનતી. આપકા શુક્રિયા કૈસે અદા કરું?’ ત્યારે તેમના ધીરગંભીર અવાજમાં, ઓછાબોલા પંડિતજી એટલું જ બોલ્યા, ‘જો કામ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કો કરના ચાહીયે, વો આપ ઇતની મહેનત ઔર લગન સે કર રહે હો. ઐસે કામ કો સરાહના મિલની હી ચાહિયે...’

આમ ૧૯ ઑગસ્ટ, ૨૦૧૧ની રાતે ‘સંકેત’ના ૧૫મા વર્ષના પહેલા અને સળંગ ૮૫મા કાર્યક્રમ ‘દિલ ચીઝ ક્યા હૈ’નું આયોજન થયું. જેમાં ખૈયામના બેનમૂન સંગીતથી સજાવેલાં ચુનંદા ગીતોની સુરીલી રજૂઆત થઈ. ખૈયામનાં પત્ની જગજિત કૌર તેમની અનોખી ગાયકી માટે જાણીતા છે. કાર્યક્રમમાં આવતાં પહેલાં મેં તેમને વિનંતી કરી હતી કે તમે એક ગીત ગાશો તો અમને આનંદ થશે. પરંતુ તેમણે મના કરતાં કહ્યું કે વર્ષોથી સ્ટેજ પર ગાયું નથી એટલે તે શક્ય નથી. જોકે મને ખાતરી હતી કે અમે માહોલ જ એવો સુરીલો બનાવીએ છીએ કે સાચો કલાકાર પોતાને રોકી ન શકે! આશા પારેખના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે મને વિનંતી કરી હતી કે તેમને સ્ટેજ પરથી બોલવું ફાવતું નથી એટલે કેવળ એક વાર પાંચ મિનિટ માટે સ્ટેજ પર આવશે. તેને બદલે તે ત્રણ વખત સ્ટેજ પર આવ્યાં, અનેક સંસ્મરણો યાદ કર્યાં અને એટલું જ નહીં ‘આજા... આજા... મૈ હું પ્યાર તેરા...’ ગીતની રજૂઆત વખતે ડાન્સ પણ કર્યો તે દિવસે પણ એવું જ બન્યું.

આ પણ વાંચો : જિંદગીમાં વરસો ભરાઈ જાય છે. વરસોમાં જિંદગી ભરવી પડે છે!

પોતાની સુંદર અદાયગી અને ગાયકીમાં ફિલ્મ ‘શગુન’માં તેમના અવાજમાં રેકોર્ડ થયેલું ‘તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુજે દે દો’ જ્યારે જગજિત કૌરે ગાયું , ત્યારે ખુદ ખૈયામ ભાવવિભોર બની ગયા હતા. તે રાતે ખૈયામે પોતાના જીવનનાં યાદગાર સંસ્મરણો અમારી સાથે શેર કરીને તે કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. એક સક્ષમ, ખુદ્દાર પરંતુ ‘અન્ડરરેટેડ’ સંગીતકાર ખૈયામની સંગીતસફરની વાતો આવતા રવિવારથી.

columnists weekend guide