Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જિંદગીમાં વરસો ભરાઈ જાય છે. વરસોમાં જિંદગી ભરવી પડે છે!

જિંદગીમાં વરસો ભરાઈ જાય છે. વરસોમાં જિંદગી ભરવી પડે છે!

06 October, 2019 02:29 PM IST | મુંબઈ
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

જિંદગીમાં વરસો ભરાઈ જાય છે. વરસોમાં જિંદગી ભરવી પડે છે!

જિંદગીમાં વરસો ભરાઈ જાય છે. વરસોમાં જિંદગી ભરવી પડે છે!


એક વાર એવું બન્યું-

સ્વાસ્થ્ય અને વય વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે એ વિશે થોડાક મિત્રો વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો.



“૮૦ વરસની વયે પણ તમારું સ્વાસ્થ્ય ઘણું સારું કહેવાય,” એક વયસ્ક મિત્રે બીજા વડીલ મિત્ર સામે નજર ઠેરવીને કહ્યું.


“૮૦?! મને ૮૦ ક્યાં થયાં છે? મને તો હજુ ૭૮ જ થયાં છે. ૭૯મું બે મહિના પહેલાં જ બેઠું.” પેલા વડીલ મિત્રને જાણે માઠું લાગ્યું હોય એમ સહેજ ઊંચા અવાજે કહ્યું. ૮૦ અને ૭૮માં જાણે બહુ જ ફરક હોય એમ રક્ષણાત્મક નહિ પણ આક્રમક ઢબે એમણે કહ્યું.

આ કંઈ નવી વાત નથી. માણસને પોતાની ઉંમર વધુ લાગે કે વધુ કહેવાય તો તરત જ કશુંક અનિચ્છનીય બન્યું હોય એવું માનસિક કંપન થાય છે. સામાન્ય રીતે પોતાની ઉંમર હોય એ કરતાં ઓછી લાગે એવું માણસને ગમે છે. આમાં અપવાદ પણ છે. ૨૮ વરસના એક માણસને તમે “તું ૧૮નો લાગે છે” એમ કહો તો એનાથી એ નારાજ થાય છે. અહીં વયનો ઘટાડો અણગમતો થઈ જાય છે. પચાસ વરસની એક મહિલાને “તમે ૪૦નાં લાગો છો” એમ કહો તો એનાથી એ રાજીનાં રેડ થાય છે. શરમાવાનો થોડોક અભિનય પણ કરે છે. કદાચ સહેજ અભિમાનની છાંટ સાથે એવું પણ કહેશે કે મને હજુ ૪૨ પણ નથી થયાં. આમ ૪૦, ૪૨, ૫૦ વચ્ચે ભારે જબરી ભૂલભૂલામણી પેદા થઈ જશે.


બીજી રીતે જોઈએ તો માણસ પોતે ખરેખર હોય એના કરતાં ઓછી ઉંમરનો લાગે એનાથી એને સંતોષ કે આનંદ થવો જોઈએ નહિ. માણસ જિંદગીનાં સાઠ કે સિત્તેર વરસ ખરેખર પૂરાં કરે અને ત્યારે એ પચાસ કે સાઠનો લાગે તો એનો અર્થ એવો થયો કે એણે ખરેખર દશ વરસની નુકસાની કરી છે. માનવપ્રકૃતિ જ એવી છે કે માણસ પોતાના માટે એક કલ્પિત ચિત્ર ઘડી કાઢે છે અને પછી આ ચિત્ર જ પોતે છે, એમ માનવા માંડે છે અને બીજા પાસે આવી માન્યતા સ્વીકારવાનો પ્રયત્ન પણ કરવા માંડે છે. 

માણસને નાના થવું કેમ ગમે છે? વયમાં મોટા થવું કેમ નથી ગમતું? વયનો વધારો એ પ્રાકૃતિક છે. ત્રણ વરસનું બાળક રમાડવું ગમે એવું હોય છે. એને વહાલ કરવાનું મન થાય એવું રૂપકડું પણ હોય છે પણ જો પાંચમે વરસે એ ત્રણ વરસનું હતું એવું જ દેખાય તો એ ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય. દરેક વયને એનું પોતાનું સૌંદર્ય હોય છે. વયને પોતાની વિશેષતા પણ હોય છે. ત્રણ વરસના બાળકની આંખમાં જે પ્રશ્ન હોય છે એનું વિસ્મય સમજવા માટે બ્રહ્માને પૂછવું પડે. શેષશાયી વિષ્ણુની નાભિમાંથી કમળ પ્રગટ્યું અને આ કમળ અનંત આકાશમાં ઊંચે ને ઊંચે ગયું અને એમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માએ પહેલી વાર આંખ ખોલી અને જોયું – નીચે અતલાંત જળરાશિ અને ઉપર અફાટ આકાશ. બ્રહ્માને ભારે વિસ્મય થયું. એમના મનમાં પ્રશ્ન પેદા થયો- ‘આ બધું શું છે?’ ત્રણ વરસના બાળકની આંખમાં આંખ પરોવીને જો તમે ધ્યાનથી જોશો તો એની આંખમાં પણ બ્રહ્માનો આ પ્રશ્ન પડઘાતો તમને દેખાશે. આ જ બાળક દશ વરસનું થશે ત્યારે એની આંખમાં આવા કોઈ પ્રશ્નની છાંટ સુદ્ધાં શોધી નહિ જડે.

આવું જ દરેક ઉંમરે બને છે. દશ વરસના કિશોરની આંખમાં વિસ્મય છે. હજુ એ આંખ પૂરેપૂરી ઊઘડી નથી પણ જ્યારે એ વીસે પહોંચે છે ત્યારે વિસ્મય અલોપ થઈ જાય છે. હવે એ આંખ કશાકની શોધ શરૂ કરે છે. હવે આ શોધમાં પોતે ક્યાં ગોઠવાઈ શકે એમ છે એની મથામણ શરૂ થઈ ગઈ હોય છે. આ તરુણ જ્યારે ચાળીસ પીસ્તાળીસે પહોંચે છે ત્યારે જિંદગીના ઉત્તમ કહી શકાય એવાં વરસોનો ઉત્તરાર્ધ શરૂ થઈ ગયો હોય છે. આ તબક્કે જો એ સફળ થયો હોય તો એની આંખમાં અહંકાર એનાં જુદાં જુદાં રૂપે ચારેય બાજુ ચકરાવા લેતો હોય છે. જો એને ધારી સફળતા ન મળી હોય અથવા તો એ નિષ્ફળ રહ્યો હોય તો એની આંખમાં હવે હતાશા, ક્રોધ, દ્વેષ, આક્રમણ અને અણગમો - આ બધું સાગમટે ઢગલો થઈને ખડકાઈ જતું હોય છે.

ઉંમરની આ યાત્રા સાઠ, પાંસઠે પહોંચે છે ત્યારે હવે એને ખ્યાલ આવી જાય છે કે પોતે પહેલાં જે હતો એ હવે નથી પણ આ વાત ખાનગી રાખવા એ રમૂજી મથામણ કરવા માંડે છે. કોઈને આની જાણ ન થાય એ માટે કલપથી માંડીને ડેન્ચર કે હીયરિંગ એડની પછીતે એ ઊભો રહેવા માંડે છે. આ બધાં સાધનો વાપરવા પાછળ સગવડ સચવાય એના કરતાં વિશેષ પોતાની આ સાંઠ પાંસઠની વાત બાંધી મુઠ્ઠીમાં રાખવાની હોય છે. આ પછી સિત્તેરે પહોંચે ત્યારે એની મનોદશા પેલી સગર્ભા સ્ત્રી જેવી થાય છે. સગર્ભા સ્ત્રી ત્રણ મહિના અને બહુ બહુ તો ચાર મહિના અવસ્થા સંતાડી શકે છે પણ પછી એ શક્ય નથી. સિત્તેરે પહોંચેલા માણસે આ સગર્ભા સ્ત્રીની જેમ અવસ્થા સ્વીકારી લેવી પડે છે પણ ગૌરવ એ વાતનું હોવું જોઈએ કે આ અવસ્થા લાચારી નથી, જીવનયાત્રાનું ગૌરવ છે. સગર્ભાવસ્થા ગૌરવવંતી સ્ત્રી માટે સફળતાનો સંકેત છે આ વાત યાદ રાખવા જેવી છે.

પણ એંસી પંચ્યાસીનું શું? સદભાગ્યે આ અવસ્થાએ બહુ ઓછા પહોંચે છે. જેઓ પહોંચે છે એમની સામે ત્યાં નહિ પહોંચી શકેલાઓ – અને પોતે ક્યારેય પહોંચી નહિ શકે એવી લઘુતાગ્રંથિથી જોનારાઓની આંખ પહોળી થઈ જાય છે. જોકે જેઓ આ એંસી પંચ્યાસીએ કે એનાથી પણ આગળ પહોંચ્યા છે એમને હવે ઝાંખી થઈ ગયેલી આંખે સામો કાંઠો દેખાય છે. જેમને જીવતા આવડ્યું છે એમને આ સામો કાંઠો ઓળખાઈ જાય છે. જેમને નથી આવડ્યું એમને આ સામો કાંઠો સમજાતો નથી અને સમજવાની મથામણમાં જે કંઈ શેષ વરસો રહ્યા હોય છે એને કાદવિયા કરી મૂકે છે.

તમારાં દાદા-દાદી કે નાના-નાની તમને સાંભરે છે? આ દાદા-દાદી કે નાના-નાનીની કોઈ તસવીર જો તમારી પાસે હોય તો ધ્યાનથી એની સામે મીટ માંડજો. આ દાદા-દાદી કે નાના-નાની એમની ઉત્તરાવસ્થાની આ તસવીરમાં સરસ નથી લાગતાં? એમને એમની પૂર્વાવસ્થાની કોઈ તસવીરમાં તમે જુઓ તો તમારા મનમાં પેલી ઉત્તરાવસ્થાની તસવીર જ વધુ રૂપાળી લાગશે. ગાંધીજી, ટાગોર, સરદાર, પ્રભાશંકર પટ્ટ્ણી, રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ, મધર ટેરેસા - આ બધા ચહેરાઓ યાદ કરો. આ બધા જ ઉત્તરાવસ્થાના ચહેરાઓ આપણા ઘરની દીવાલો ઉપર અથવા તો શાળાનાં પાઠયપુસ્તકોમાં રહ્યા છે.

આ પણ વાંચો : સલીમ ઉર્ફે એસટીડી ઉર્ફે બાબા ઉર્ફે સલીમ રિપોર્ટર

આમ જુઓ તો જિંદગીમાં જીવવું એટલે શું એનું નિરાકરણ આપણને કોઈને મળ્યું નથી. બીજી રીતે જોઈએ તો જેનું નિરાકરણ લાવી શકાય એવો આ કોયડો જ નથી. આપણે જીવવાનું છે અને માત્ર જીવવાનું છે. નિરાકરણની સમસ્યામાં જો અટવાઈ જઈશું તો આ જીવવાનું ભૂલાઈ જશે. જિંદગીમાં વરસો ભરવાને બદલે વરસોમાં જિંદગી ભરાય એવું જો થોડુંક જીવાય તો પછી આ સાઠ, સિત્તેર કે એંસીનું કોઈ મહત્ત્વ રહેતું નથી. વરસો લેવા જવા નથી પડતાં, આપોઆપ આવે છે. આપોઆપ આવેલાં આ વરસો ભારે મોંઘી મૂડી છે. આ મૂડીને તમે કાળાં નાણાંની જેમ સેફ ડિપૉઝિટ લૉકરમાં બંધ કરી દો છો કે પછી ભળતા નામે ક્યાંક સંતાડી દો છો, એ તમારા હાથની વાત છે. એને ક્યાંક એવી રીતે પણ વાપરી શકાય કે જ્યાંથી એ ઊગી નીકળે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 02:29 PM IST | મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK