પરિવાર સાથે સમય વિતાવવા શશી કપૂર કદી રવિવારે શૂટિંગ નહોતા કરતા

24 February, 2019 12:53 PM IST  |  | રજની મહેતા

પરિવાર સાથે સમય વિતાવવા શશી કપૂર કદી રવિવારે શૂટિંગ નહોતા કરતા

કલ્યાણજી આણંદજી સ્પેશ્યલ

વો જબ યાદ આએ

ફિલ્મનો ડિરેક્ટર ફિલ્મનો કૅપ્ટન હોય છે. તેના દૃષ્ટિકોણ પ્રમાણે ફિલ્મની માવજત થાય છે. ફિલ્મના દરેક પાસાનું જો ડિરેક્ટર સાથે ટ્યુનિંગ હોય તો જ ફિલ્મ સફળ થાય. એટલે જ સફïïïળ ફિલ્મ માટે ડિરેક્ટર અને મ્યુઝિક-ડિરેક્ટરનું ટ્યુનિંગ મહત્વનું છે. આણંદજીભાઈ તેમના સહયોગી ડિરેક્ટરને યાદ કરતાં કહે છે,

‘ગોલ્ડી (વિજય આનંદ) એક સફળ ડિરેક્ટર હતો. સામાજિક હોય કે પછી સસ્પેન્સ ફિલ્મો હોય, તે દરેક વિષયને પોતાના આગવા અંદાજમાં ટ્રીટ કરતો. કલાકાર હોય કે પછી પ્રોડ્યુસર, દરેકને તે કન્વિન્સ કરાવે કે આ રીતે કામ થવું જોઈએ. ગીતોના પિક્ચરાઇઝેશનમાં તેની માસ્ટરી હતી. જે રીતે ગીતો માટે તે ફિલ્મમાં સિચુએશન ઊભી કરે એ જોવા જેવું હતું. સંગીતની તેની સમજ ઊંડી હતી. એટલે જ તેની ફિલ્મોનાં ગીતો હિટ હતાં. પોતે રજનીશનો ભક્ત હતો. અવારનવાર અમારા મ્યુઝિક હૉલ પર આવે અને તેની સાથે ફિલ્મો સિવાયની ઘણી બાબતોમાં ચર્ચા થતી. દેવ આનંદને સંગીતની સારી સમજ હતી. પોતાનાં ગીતોનું રિહર્સલ થતું હોય ત્યારે સિટિંગમાં આવે. રેકૉર્ડિંગ સમયે પણ હાજર હોય. ગુલશન રાયની ‘જૉની મેરા નામ’ દેવ આનંદની લાંબા સમય બાદ હિટ થયેલી ફિલ્મ હતી. પ્રેમનાથની ઍક્ટિંગની આ ફિલ્મથી બીજી ઇનિંગ્સ શરૂ થઈ જેમાં વિલન અને ચરિત્ર અભિનેતા તરીકેની ભૂમિકામાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી. આ ફિલ્મ માટે દેવ આનંદ અને ગોલ્ડી વચ્ચે ગીત બાબતમાં લંબાણથી ચર્ચા થાય. દેવ આનંદ ઘણી વાર તેની સાથે સંમત ન થાય ત્યારે ગોલ્ડી ધીરજથી તેને સમજાવે.’

આણંદજીભાઈની વાત સાંભïળી મને ફિલ્મ ‘ગાઇડ’ની હિરોઇન વહીદા રહેમાનનો એક ઇન્ટરવ્યુ યાદ આવ્યો. તે કહે છે, ‘ઉદયપુરમાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ નું શૂટિંગ કરવાનું હતું. દેવ આનંદ આ ગીતનું રેકૉર્ડિંગ પૂરું કરી ઉદયપુર આવે એની અમે રાહ જોતાં હતાં. આવીને તે કહે, ગોલ્ડી, મને આ ગીત જરાય ગમ્યું નથી. મેં સચિનદાને કહ્યું પણ તે માનતા નથી. તે કહે છે, ના, આ ગીત સરસ રેકૉર્ડ થયું છે. એમાં કોઈ ખરાબી નથી.

ગોલ્ડી શાંતિથી તેની વાત સાંભળતા હતા. દેવ આનંદ રેસ્ટલેસ હતા. બોલ્યા જ કરે, ‘આઇ ઍમ વેરી અનહૅપી.’ ગોલ્ડીએ કહ્યું, ‘એક વાર આપણે ગીત સાંભïળી લઈએ.’ પૂરું યુનિટ ત્યાં હાજર હતું. ડાન્સ માસ્ટર હીરાલાલ ત્યાં જ બેઠા હતા. આખું ગીત સૌએ સાંભળ્યું. ગોલ્ડી કહે, ‘ફરી એક વાર વગાડો.’ આમ ત્રણ વાર અમે ગીત સાંભïળ્યું. દેવ આનંદ હજી રાજી નહોતા, પણ ચૂપ બેઠા હતા. ગોલ્ડીએ કહ્યું, ‘ગીત સુપર્બ છે. રિધમ કૅચી છે. શબ્દો પણ સુંદર છે.’ આમ કહી તેણે દેવ આનંદ સામે જોયું પણ કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે મેં કહ્યું, ‘દેવ, તમારું શું કહેવું છે?’ કેટલું સરસ ગીત છે. માસ્ટર હીરાલાલ અને પૂરું યુનિટ સૌ એકમત હતા કે ગીત સરસ રેકૉર્ડ થયું છે. પરંતુ દેવ આનંદ હજી એક જ રટ લઈને બેઠા હતા, ‘આઇ ડોન્ટ લાઇક ધ સૉન્ગ.’

અહીં મેં ગોલ્ડીની કમાલ જોઈ. જરા પણ અકળાયા વિના એક નાના બાળકને સમજાવતા હોય એમ કહ્યું, ‘આપણે એક કામ કરીએ. આ ગીતનું શૂટિંગ પૂરું કરીએ અને એને મોટી સ્ક્રીન પર જોઈએ. એ પછી પણ જો તને સંતોષ ન થાય તો ફરી વાર આ ગીતનું રી-રેકૉર્ડિંગ કરીશું અને નવેસરથી શૂટિંગ કરીશું.’ દેવ આનંદ છેવટે રાજી થયા. અને અમે શૂટિંગ શરૂ કર્યું. શૂટિંગ સમયે વારંવાર આ ગીત વાગતું હોય ત્યારે દેવ આનંદ કહેતા જાય, ‘ઇટ ગ્રોસ ઑન યુ. એક્સલન્ટ સૉન્ગ. (ધીરે-ધીરે મનમાં ઊતરતું જાય છે, અદ્ભુત ગીત છે).’

અને આમ અમે શૂટિંગ પૂરું કર્યું ત્યાં સુધીમાં દેવ આનંદ આ ગીતના પ્રેમમાં પડી ગયા હતા. આ પૂરી કમાલ ગોલ્ડીની હતી.’

ફરી પાછા ફિલ્મ ‘જૉની મેરા નામ’ની વાતો પર આવીએ. આણંદજીભાઈ આગળ કહે છે, ‘ગુલશન રાય અમને કહે, બે દિવસ પછી ડિસ્ટ્રિબ્યુટર આવવાના છે. મને જલદી બે-ત્રણ ગીત રેકૉર્ડ કરી આપો. ગોલ્ડી તેમને સમજાવતો કે આમ કેવળ ગીત દેખાડવાથી પૂરી ફિલ્મનો અંદાજ ન આવે. પણ તે માને નહીં. રેકૉર્ડ થયેલાં ગીત સાંભળી તેમનું રીઍક્શન આવે, ‘યે અચ્છા હૈ’ અથવા ‘યે બેકાર હૈ.’

અમે આ ફિલ્મ માટે એક ભજન રેકૉર્ડ કર્યું ‘મોસે મેરા શ્યામ રૂઠા’ (લતા મંગેશકર-ઇન્દીવર). એ સાંભïïળી તે કહે, ‘અપની તો સસ્પેન્સ ફિલ્મ હૈ, ઇસ મેં ભજન કૈસે આએગા? સબ ભાગદૌડ કે સીન મેં ભજન મિસફિટ હૈ.’ ગોલ્ડી તેમને સમજાવે કે એક વખત ફિલ્મ પૂરી થવા દો અને પછી જુઓ. આ ગીત તમને ક્યાંય મિસફિટ નહીં લાગે. ગોલ્ડી હંમેશાં ગુલશન રાયને સલાહ આપતા કે ડિસ્ટિÿબ્યુટરને આખી ફિલ્મ જ બતાડવી જોઈએ.’

આ ગીતની એક મજેદાર વાત છે. નાનપણમાં પ્રસાદ લેવા હું મિત્રો સાથે અનેક મંદિરોમાં જતો. એ સમયે મંદિરોમાં ‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો,’ ‘રાધે ક્રિષ્ન, રાધે ક્રિષ્ન,’ અને ‘રામ રામ, હરે હરે’ જેવી અનેક ધૂનો સાંભïળી હતી. એ સમયથી આ ધૂનો મારા માનસપટ પર છવાઈ ગઈ હતી. ફિલ્મલાઇનમાં આવ્યા પછી અમે એક વાર વૈષ્ણોદેવી ગયા હતા. મંદિરે જવા ઉપર ચડતાં આખા રસ્તે આ ધૂનો વાગતી હતી. અનેક વાર સાંભળ્યા પછી પણ કંટાળો નહોતો આવતો. આ ભજનમાં અમે આ ધૂનોનો ઉપયોગ કર્યો છે. જે સિચુએશનમાં આ ભજન ફિલ્મમાં આવે છે એમાં લાંબી ભાગદોડનો સીન છે. એની સાથે આ ધૂન ગમે તેટલી વાર વાગે તો પણ કંટાળો ન આવે. જે રીતે ગોલ્ડીએ આ ભજનનું ફિલ્મમાં પિક્ચરાઇઝેશન કર્યું છે એ કમાલ છે. ગુલશન રાયે જ્યારે આ જોયું ત્યારે તેમણે અમને અને ગોલ્ડીને ખાસ અભિનંદન આપ્યાં હતાં.

એક આડવાત. આજકાલની ફિલ્મોમાં હવે વિલન સાથેની હીરોની મારામારીના દૃશ્યોમાં ઘણી વાર આવી ધૂનો બૅકગ્રાઉન્ડમાં સંભળાય છે. જેમ કે ફિલ્મ ‘સરકાર’ અને એની દરેક સીક્વલમાં ‘ગોવિંદા, ગોવિંદા’ની ધૂન બૅકગ્રાઉન્ડમાં વાગતી હોય છે..

આણંદજીભાઈની સ્મરણશક્તિ આજે પણ એટલી સતેજ છે કે જે વિષય પર વાત કરતા હોય એ સમયે એ વિષયને સંબંધિત બીજી અનેક વાતો તેમને યાદ આવે. પ્રોડ્યુસર-ડિરેક્ટર સાથેના સારાનરસા પ્રસંગોની વાત કરતાં કહે છે, ‘એક પ્રોડ્યુસર અમારી પાસે આવ્યો અને કહે, તમને મારી ફિલ્મના સંગીત માટે એક લાખ આપીશ. (જે એ સમયે અમારો માર્કેટ રેટ હતો), પરંતુ મારી એક રિક્વેસ્ટ છે. ફિલ્મમાં દસ ગીતો છે એટલે દરેક ગીત રેકૉર્ડ થાય પછી તમને ૧૦ હજાર રૂપિયા આપતો જઈશ. મોટા ભાગે અમે પ્રોડ્યુસરને કો-ઑપરેટ કરતા. અમે હા, પાડી. ચાર ગીતો રેકૉર્ડ થયાં. અમને ૪૦ હજાર આપ્યા. પછી કહે, ‘સૉરી, અબ ફિલ્મ મેં ગાને કે લિએ ઝ્યાદા સિચુએશન નહીં હૈ.’ આમ એક લાખને બદલે ૪૦ હજારમાં મ્યુઝિક આપ્યું. જોકે અમને આ વાતનો કોઈ હરખશોક નહોતો. અમે જાણતા હોઈએ કે તેની પાસે પૈસાની તંગી હશે એટલે આવું કરવું પડે. એ સમયે બાપુજીની ફિલોસૉફી યાદ કરીએ કે માણસ ખરાબ નથી હોતો, તેના સંજોગ ખરાબ હોય છે.’

આ બાબતમાં દારા સિંહ જેવી દિલદાર વ્યક્તિ તમને ન જોવા મળે. તેમની એક ફિલ્મ માટે અમને સાઇન કર્યા. હજી ફિલ્મનું કામ શરૂ નહોતું થયું એ સમયમાં મારી દીકરીનાં લગ્ન લેવાયાં. આ વાતની ખબર પડતાં તેમણે પૂરા પૈસા મોકલાવ્યા. મને કહે, ‘બેટી કી શાદી હૈ, ખર્ચે મેં કામ આએગા. આજ નહીં તો કલ, આપકો પૈસા દેના હી થા.’

ફિલ્મલાઇનમાં આવું થાય એ કોઈ માની ન શકે.

આ તો થઈ પ્રોડ્યુસર-ડિરેક્ટર સાથેના અનુભવોની વાત.

કલ્યાણજી-આણંદજીની ફિલ્મોમાં દિલીપકુમાર, રાજકપૂર અને દેવ આનંદથી લઈને અનેક નામી કલાકારોએ કામ કર્યું છે. તેમને યાદ કરતાં આણંદજીભાઈ કહે,

‘ધર્મેન્દ્ર એકદમ સીધાસાદા, મોટા હીરો બન્યા પછી પણ તેમનામાં કોઈ ફેરફાર નહોતો આવ્યો. અમારી સાથે ગીતના સિટિંગમાં બેઠા હોય પણ ખાસ પ્રતિભાવ ન આપે. અમે પૂછીએ કે ‘ગાના સહી હૈ?’ તો જવાબ આપે, ‘આપ જો ભી કરોગે ઠીક હી કરોગે.’ તેમને શેરોશાયરીનો શોખ હતો. તેમના ઘરમાં એક મોટી લાઇબ્રેરી બનાવી હતી. જોકે તેમને વાંચવાનો એટલો શોખ નહોતો. કોઈએ પૂછ્યું કે આટલી મોટી લાઇબ્રેરી રાખવાનું કારણ શું? એકદમ નિખાલસ જવાબ આપતાં તેમણે કહ્યું, ‘પઢાલિખા નહીં હૂં તો કુછ દિખાના તો પડેગાના?’

શશી કપૂર જેવો જેન્ટલમૅન અમે જોયો નથી. કપૂર ખાનદાનમાંથી આવ્યા હતા એ છતાં એકદમ સરળ હતા. સ્વભાવના શરમાïળ. ક્યાંય આડંબર નહીં. કોઈને પણ મળે તો સામેથી ઓળખાણ આપતાં કહે, ‘હલો, આઇ ઍમ શશી કપૂર.’ ટોટલ ફૅમિલી મૅન. રવિવારે કામ ન કરે. લેટ નાઇટ શૂટિંગ ન કરે. સમયસર ઘરે જઈ ફૅમિલી સાથે ડિનર લેવાનું પસંદ કરે. અમે મજાકમાં કહેતા, ‘આટલું ડિસિપ્લિનમાં જીવવાનું હોય તો મિલિટરીમાં જૉઇન થવાનું હતું, ફિલ્મોમાં શું કામ આવ્યા?’ સ્ટેજ-શોમાં પરદેશ સાથે ગયા હોઈએ અને હોટેલમાં મારી રૂમમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તો પોતાની મેïળે બધું વ્યવસ્થિત મૂકવા માંડે. હું ના પાડું કે આ ક્યાં આપણું ઘર છે? કાલે તો નીકળી જઈશું, પણ તે માને નહીં. મારું પૅકિંગ કરતો હોઉં તો કહે, ‘આ શર્ટની ઘડી આમ ન કરાય.’ અને આમ બોલી પર્ફેક્ટ ઘડી કરી આપે. મેં ક્યારેય તેમને ગુસ્સે થતા નથી જોયા. પોતાના સ્ટાફનું પુષ્કળ ધ્યાન રાખે. પોતાની ફિલ્મોનાં શૂટિંગ માટે જાય ત્યારે જે હોટેલમાં સ્ટાર્સ રહે એ જ હોટેલમાં પૂરા યુનિટનો ઉતારો હોય. એકદમ જનરસ સ્વભાવના હતા.

તેમની સાથે હોઈએ એટલે સ્ટાર સાથે હોવાનો કોઈ ભાર ન હોય. શૂટિંગ માટે આઉટડોર જતા હોઈએ અને અમે રસ્તામાં ભેળ ખાવા ઊભા રહીએ તો ના પાડે. અમને કહે, ‘બહારનું ખાવાથી તબિયત બગડે.’ જોકે અમે તો જલસાથી ખાઈએ. હવામાં ભેળની સુગંધ આવે એટલે તેમનું મન લલચાય. કહે, ‘લગતા હૈ ભેલ ટેસ્ટી હૈં’ અમે કહીએ, ‘ફિર આપ ભી શુરુ હો જાઓ.’ અને તે પણ પ્રેમથી ખાય. ફિલ્મ ‘જબ જબ ફૂલ ખિલે’ રિલીઝ થઈ અને જે રીતે લોકોને પસંદ આવી એટલે તેમને થયું કે સિલ્વર જ્યુબિલી કરશે. શશી કપૂરની આ પહેલી ફિલ્મ હતી જે લોકપ્રિય થઈ. અમે કહ્યું, ‘લગતા હૈ મંદિર જાકર ભગવાન કા આર્શીવાદ લેના પડેગા.’ તો કહે, ‘મૈં મંદિર નહીં જાતા હૂં.’ પછી તો આ ફિલ્મ હિટ થઈ અને સિલ્વર જ્યુબિલી ઊજવાઈ. અમને કહે, ‘અબ સચ મેં મંદિર જાના પડેગા.’ ત્યાર બાદ અમે સાથે મહાલક્ષ્મી મંદિર દર્શન કરવા ગયા હતા.

રાજેશ ખન્ના નાનપણથી દુકાને માલસામાન લેવા આવતો. એ દિવસોમાં પણ સ્ટાઇલમાં આવે. તેને ઍક્ટિંગનો શોખ હતો. દેવ આનંદ તેનો માનીતો હીરો હતો. તેના જેવી હેરસ્ટાઇલ કરે, ગૉગલ્સ પહેરે. અમે કહેતા, ‘કાકે, લગતા હૈ બડા હોકે હીરો બનેગા.’ તો શરમાઈને કહે, ‘નહીં નહીં.’ અમારી સાથે ક્રિકેટ મૅચ જોવા, ફંક્શનમાં આવે. અમે પ્રોડ્યુસર સાથે ઓળખાણ કરાવીએ. લોકો પૂછે, ‘ક્યા કોઈ નયા હીરો હૈ?’ આ સાંભળી અમે તેને કહીએ, ‘દેખા, હમ કહતે થે ના. તું તો હીરો મટીરિયલ હૈ.’ અમારી સાથે કામ કરવાનું આવ્યું ત્યારે તો ખુશ થઈ ગયો. તેના જેવું સુપરસ્ટારડમ બહુ ઓછા લોકોને મળ્યું છે.

જિતેન્દ્ર પણ ગિરગામમાં રહેતો હતો. તેના જેવો મહેનતુ અભિનેતા બીજો જોયો નથી. શૂટિંગ વખતે અનેક રીટેક થાય તો પણ થાકે નહીં. મોટો સ્ટાર થયા પછી પણ તે પોતાના જૂના બિgલ્ડગને ભૂલ્યો નથી. આજે પણ ગણપતિના પહેલા દિવસે તે આરતી કરવા ત્યાં પહોંચી જાય છે. એક દિવસ ઘેર આવીને કહે. ‘આપ લોગ ફૉરેન મેં ઇતને શો કરતે હો, મૈં ભી ચલુંગા.’ તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવતી. તેનામાં કોઈ સ્ટાર જેવાં નખરાં નહોતાં.’

આણંદજીભાઈની આ વાતો સાંભળી મને રાજકુમારની યાદ આવી. એક ફ્લાઇટમાં તે અને જિતેન્દ્ર સાથે હતા. આ એ દિવસોની વાત છે જ્યારે જિતેન્દ્રની ફિલ્મોમાં એન્ટ્રી થઈ ચૂકી હતી. રાજકુમારને જોયા એટલે જિતેન્દ્રે તેમની પાસે જઈ હાઇહલો કર્યું. થોડાં વાક્યોની આપલે થઈ અને રાજકુમાર પોતાના આગવા અંદાજમાં બોલ્યા, ‘જાની, શકલોંસૂરત સે હૅન્ડસમ દિખતે હો, ફિલ્મો મેં ટ્રાય ક્યૂં નહીં કરતે?’ રાજકુમારની તીખી જબાનથી ભલભલા લોકો ગભરાતા હતા. એક દિવસ સાધનાને ત્યાં પાર્ટી હતી. એમાં રાજકુમારને આમંત્રણ હતું. સાધનાએ તેમને જમીને જવાનો આગ્રહ કર્યો તો કહે, ‘હમ કિસી ઐરેગૈરોં કે ઘર ખાના નહીં ખાતે.’ આવા તો અનેક કિસ્સાઓ છે. અહમની પરાકાષ્ઠા તો એ હતી કે તે જ્યારે સંવાદ બોલતા ત્યારે જો ‘મૈં’ બોલવાનું હોય ત્યાં તે ‘હમ’ બોલતા.

આવા આતરંગી અભિનેતા રાજકુમારને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘રાજકુમાર એક અલગ મિજાજના કલાકાર હતા. બહુ ઓછા લોકો સાથે તેમનો સંવાદ થતો. મોટે ભાગે લોકો તેમનાથી ડરતા કે ક્યાંક તેમના મૂડને કારણે સાંભળવું ન પડે. તેમની ડાયલૉગ-ડિલિવરી જોરદાર એટલે સામે બીજા અભિનેતાએ ખૂબ સજાગ રહેવું પડે. તેમને મારી સાથે ખૂબ બનતું. સેટ પર પાન ખાવું હોય તો કેવળ મારી પાસે હોય એ જ પાન ખાય. (સંગીતપ્રેમીઓની જાણ ખાતર કહેવાનું કે ઇન્ડસ્ટ્રીમાં આણંદજીભાઈનું પાન ખૂબ વખણાય છે. કોઈ પણ ફંક્શનમાં ઇન્ટરવલ પડે એટલે પાનનાં શોખીન નિરુપા રૉય, વહીદા રહેમાન, પ્રાણ અને બીજા અનેક કલાકારો આણંદજીભાઈની આજુબાજુ ટોળે વળ્યા હોય). એક વાર બ્રિજ સદાના સાથે રાજકુમાર અચાનક ઘેર આવ્યા હતા. અમે જમીને જવાનો આગ્રહ કર્યો તો તરત માની ગયા. કહે, ‘મેં કભી કિસી કે ઘર ખાના નહીં ખાતા પર આપ કી બાત અલગ હૈ.’ અને પ્રેમથી અમારી સાથે જમ્યા. એક ફિલ્મના શૂટિંગ વખતે એ દિવસે તેમનો જન્મદિવસ હતો એટલે સૌના આગ્રહથી પાર્ટી રાખવામાં આવી. તે મૂડમાં નહોતા. કહે, ‘કોઈ ઢંગ કા આદમી તો સામને લાઓ.’ દરેક વિચારે કે અહીં આટલા લોકો છે તો પણ કોને બોલાવવાની વાત કરે છે. યુનિટના એક માણસને બત્તી થઈ. તેણે મારે ઘેર ગાડી મોકલાવીને મને સ્ટુડિયો બોલાવ્યો. મને જોઈ કહે, ‘સહી આદમી કો લે આએ હો. અબ હમારા પાર્ટી કરને કા મૂડ આએગા. ‘મેં એક વાર તેમને પૂછ્યું કે મારામાં એવું શું છે કે મને આટલો પ્રેમ કરો છો? તો કહે, ‘આજ એક સીક્રેટ બાત કહતા હૂં. આપકી શકલ દેખ કે મુઝે બરસોં પહલે ગુઝરા હુઆ મેરા છોટા ભાઈ યાદ આતા હૈ. વો બિલકુલ આપકી તરહ હંસીમજાક કરતા થા ઔર દિલ કા સાફ થા.’

આ પણ વાંચો : બાપુજીની શિખામણ યાદ આવી, જીવનમાં સામેથી કોઈ ચીજ આવે એનો અનાદર ન કરવો

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂરથી લઈને મનોજકુમાર, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને ત્યાર બાદ અનિલ કપૂર અને સલમાન ખાન આમ ત્રણ પેઢીના હીરો સાથે અમે કામ કર્યું છે. દરેક સાથે કામ કરવાની મજા આવી. દરેક પેઢી પાસેથી કંઈક શીખવા મળ્યું છે. એક વખત એવું થયું કે લગભગ પચાસથી સાઠ માણસો લઈને અમે પરદેશ સ્ટેજ-શો માટે ગયા હતા. ફ્લાઇટ લેટ થવાને કારણે ક્નેક્ટિંગ ફ્લાઇટ પકડવાનો સમય બહુ ઓછો હતો. લગભગ ૧૦૦ બૅગ જેટલો સામાન હતો. એ ટૂરમાં અનિલ કપૂર અમારી સાથે હતો. મોડું થતું હતું એટલે તે તો અમારી બૅગ ઊંચકીને ચાલવા માંડ્યો. મેં કહ્યું ‘અરે તુમ ક્યૂં સામાન ઉઠા રહે હો?’ તો કહે, ‘મૈં ફિલ્મ કે પરદે પર હીરો અનિલ કપૂર હૂં, યહાં નહીં.’ આ યંગ જનરેશન માટે આપણને માન થાય.’

columnists