બાપુજીની શિખામણ યાદ આવી, જીવનમાં સામેથી કોઈ ચીજ આવે એનો અનાદર ન કરવો

Published: 17th February, 2019 14:23 IST | રજની મહેતા

અમે શરૂઆત કરી ત્યારે મોટા ભાગની ફિલ્મો બ્લૅક ઍન્ડ વાઇટમાં બનતી હતી. હવે સમય બદલાયો હતો અને મોટા ભાગની ફિલ્મો કલરમાં બનતી.

ફિરોઝ ખાન સાથે કલ્યાણજી આનંદજી
ફિરોઝ ખાન સાથે કલ્યાણજી આનંદજી

વો જબ યાદ આએ

આણંદજીભાઈ સાથે ગુજરાતી ફિલ્મોની વાત થતી હતી ત્યારે મને ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત ગુજરાતી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પર આધારિત હિટ હિન્દી ફિલ્મની યાદ આવી. એક ક્લાસિક કહી શકાય એવી આ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું લાજવાબ સંગીત યુગો સુધી ભુલાય એમ નથી. ૧૯૬૮માં સર્વોદય ફિલ્મ્સના બૅનર નીચે બનેલી આ ફિલ્મના ડિરેક્ટર હતા ગોવિંદ સરૈયા. મેં આણંદજીભાઈને પ્રશ્ન કર્યો, ‘આ ફિલ્મ કરવા માટે તમે પહેલાં અવઢવમાં હતા એવું મેં સાંભળ્યું છે, આ વાત સાચી છે?’

આણંદજીભાઈ ખુલાસો કરતાં કહે છે, ‘ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના પ્રોડ્યુસર વિવેક અમારી પાસે આવ્યા અને કહ્યું કે મારે આ નવલકથા પરથી ફિલ્મ બનાવવી છે અને તમારું જ સંગીત જોઈએ છે. તેમનું કહેવું હતું કે મારે આ ફિલ્મ બ્લૅક ઍન્ડ વાઇટમાં બનાવવી છે. એ સમયે મોટા ભાગની ફિલ્મો કલરમાં બનતી હતી એટલે અમને નવાઈ લાગી. અમે કહ્યું, હવે એ જમાનો ગયો. લોકો આ ફિલ્મ જોવા થિયેટરમાં આવશે જ નહીં. પણ તે મક્કમ હતા. શરૂઆતમાં આ ફિલ્મ માટે ધમેન્દ્ર અને નૂતન સાથે વાત ચાલતી હતી. અમે તેમને સલાહ આપી કે નવા ચહેરા લેવા જોઈએ. છેવટે તેમણે નક્કી કર્યું કે એક નવો જ ચહેરો હીરોના રોલમાં લેવો છે જેને કોઈ ઓળખતું ન હોય. અંતે મનીષ અને નૂતનને લીડ રોલમાં સાઇન કર્યા. અમે કહ્યું, ઍટ લીસ્ટ ફિલ્મ કલરમાં બનાવો. પણ તે બે ચીજમાં મક્કમ હતા. એક, આ ફિલ્મ કલરમાં નહીં બને અને બે, સંગીત તમારે જ આપવાનું છે. અમે તેમને કહ્યું કે અમને વિચારવાનો સમય આપો, કાલે જવાબ આપીશું.

અમે શરૂઆત કરી ત્યારે મોટા ભાગની ફિલ્મો બ્લૅક ઍન્ડ વાઇટમાં બનતી હતી. હવે સમય બદલાયો હતો અને મોટા ભાગની ફિલ્મો કલરમાં બનતી. આવા સમયે બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મમાં સંગીત આપવું એ જોખમવાળું કામ હતું. લોકો તો એમ જ માને કે અમારી પાસે કામ ઓછું હશે એટલે આવી ફિલ્મો માટે સંગીત આપતા હશે. આ સમયે બાપુજીની શિખામણ યાદ આવી, જીવનમાં સામેથી કોઈ ચીજ આવે એનો અનાદર ન કરવો. અમે નક્કી કર્યું કે આ કામને એક ચૅલેન્જ તરીકે સ્વીકારવું જોઈએ. એ ઉપરાંત કલરમાં બનેલી ફિલ્મો પણ ફ્લૉપ જઈ શકે. આપણી માતૃભાષા પરથી બનેલી ફિલ્મમાં કામ કરવાનો વિશેષ આનંદ હોય. બીજા દિવસે અમે પ્રોડ્યુસરને હા પાડી. અમુક લોકોએ અમને ચેતવ્યા કે શા માટે પગ પર કુહાડી મારો છો? અમારો એક જ જવાબ હતો, આપણી ભાષાને જો આપણે પ્રેમ નહીં કરીએ તો બીજું કોણ કરશે? દરેક ચીજ રૂપિયા-આના-પાઈમાં નથી જોવાતી.

ગીતકાર ઇન્દીવરે આ ફિલ્મ માટે જે ગીતો લખ્યાં એ કાવ્યનો ઉત્કૃષ્ટ પ્રકાર છે. દરેક ગીત મીનિંગકુલ છે. ‘છોડ દેં સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ, પ્યાર સે ભી ઝરૂરી કંઈ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં ઝિંદગી કે લિએï’ ગીત વિશે કેટલાયે લોકોએ અમારી સાથે કન્ફેસ કર્યું છે કે એક સમય એવો હતો કે અમને આપઘાતના વિચારો આવતા, પરંતુ આ ગીત સાંભળ્યા પછી એમ થયું કે જીવન કોઈ એક વ્યક્તિ પાછળ વેડફી દેવાની ચીજ નથી.’

સંગીતપ્રેમીઓને ખબર હશે જ કે ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના સંગીત માટે કલ્યાણજી-આણંદજીને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. ‘અમુક પ્રોડ્યુસર-ડિરેક્ટર એવા હતા કે તેમણે એકથી વધુ ફિલ્મો માટે સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીને પસંદ કર્યા હતા. એ લોકો સાથેની તમારી યાદો અમારી સાથે શૅર કરશો તો મજા આવશે.’

મારા આ પ્રશ્નના જવાબમાં આણંદજીભાઈ કહે છે,

‘અજુર્ન હિંગોરાની મોટે ભાગે ફૉમ્યુર્લા ફિલ્મો બનાવે. પહેલી જ ફિલ્મ ‘દિલ ભી તેરા, હમી ભી તેરે’થી અમે અને ધર્મેન્દ્ર તેમની સાથે હતા એટલે અમારી વચ્ચે ઘરેલુ સંબંધ હતા. અમારી અને ધર્મેન્દ્ર સાથેની તેમની એક જ કન્ડિશન રહેતી, ‘તમને ફિલ્મ પૂરી થયા બાદ જ પૈસા મળશે.’ ફાઇનૅન્સર પાસેથી ફિલ્મ માટે જે પહેલો હપ્તો આવે એ વ્યાજ પર ચડાવી દે. કારણમાં કહે, ‘યે તો શગુન કા લક્ષ્મી હૈ, ઉસે સંભાલ કે રખના પડેગા.’ અમને પણ પૈસાની ચિંતા ન હોય. તેમની દરેક ફિલ્મનું નામ ‘ધ્’ પરથી જ હોય. એ દિવસોમાં ૧૦ વર્ષ બાદ ફિલ્મને ફરીથી ટાઇટલ માટે રજિસ્ટર કરવી પડે. એ સમયે બાકીની ઘણી વિગતો લખવી પડે. એ દિવસોમાં ફિલ્મોનાં ગીતોની બુકલેટ છપાતી. એમાં બધી ડીટેલ હોય.’

એક આડવાત. અમુક કહેવાતા પ્રોડ્યુસર પોતાની પસંદનાં ચાર-પાંચ ટાઇટલ રજિસ્ટર કરાવી લે. ફિલ્મ બનાવવાનો તેમનો કોઈ ઇરાદો ન હોય. જેન્યુઇન પ્રોડ્યુસરને પોતાની ફિલ્મો માટે આમાંનું કોઈ ટાઇટલ જોઈતું હોય તો તેણે આની કિંમત આપવી પડે. દસ વર્ષ સુધી આ ટાઇટલ તમારી પ્રૉપર્ટી બની જાય. દસ વર્ષ પછી પણ આ ટાઇટલ રજિસ્ટર કરવાનો પહેલો હક જે-તે પ્રોડ્યુસરને જ મળે. આ જ કારણે પ્રોડ્યુસર પોતાની હિટ ફિલ્મોનાં ટાઇટલ ફરી પાછાં ૧૦ વર્ષ માટે રજિસ્ટર કરાવી લે. આ બાબતમાં રાજ કપૂર ખૂબ સંવેદનશીલ હતા. જીવતા હતા ત્યાં સુધી આર. કે. ફિલ્મ્સ હેઠળ બનેલી ફિલ્મોનાં ટાઇટલ તેમણે રજિસ્ટર કરાવી રાખ્યાં હતાં.

અજુર્ન હિંગોરાનીના ટિપિકલ સ્વભાવની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘૧૦ વર્ષ પછી ટાઇટલ રજિસ્ટર કરવાનું હોય ત્યારે અમારી પાસે આવે. અમારી પાસેથી બુકલેટ લઈ જાય. અમારી પાસે મોટા ભાગે ફિલ્મ વિશેની દરેક માહિતી હોય. અમે કહીએ, ‘આપ તો પ્રોડ્યુસર હો. યે સબ આપકે પાસ હોના ચાહિએ.’ તો જવાબ મળે, ‘આપ લોગ બૈઠે હો ઇસલિએ મુઝે કોઈ ચિંતા નહીં.’

મનમોહન દેસાઈ અને સુભાષ દેસાઈને અમે નાનપણથી ઓળખીએ. મનમોહન શરૂઆતમાં બાબુભાઈ મિસ્ત્રીના અસિસ્ટન્ટ હતા. તેમની ફિલ્મ ‘છલિયા’થી કલ્યાણજી વીરજી શાહમાંથી અમે કલ્યાણજી-આણંદજી બન્યા. તેમને ભૈરવી રાગ બહુ ગમે. ક્રિકેટના ખૂબ શોખીન. સ્ટુડિયોમાં લંચ ટાઇમે ક્રિકેટ રમે. લંચ બાદ શૂટિંગમાં સૌ રાહ જોતા બેઠા હોય. બોલાવીએ તો કહે, ‘મેરી બૅટિંગ અભી બાકી હૈ.’ ફિલ્મ ‘સચ્ચા ઝૂઠા’ના પ્રોડ્યુસર વિનોદ દોશીને અમે કહ્યું, આ ભવિષ્યનો મોટો ડિરેક્ટર બનવાનો છે. તેને ચાન્સ આપો. વિનોદ દોશી સ્વભાવે થોડા ડરપોક એટલે અમને પૂછે, ‘તમે ગૅરન્ટી લો છો?’ અમે એટલું જ કહીએ ‘હા, અમારી જવાબદારી છે.’ એટલે ફરી સવાલ કરે, ‘જો પિક્ચર ફેલ જશે તો?’ અમે જવાબ આપીએ, ‘આગલી ફિલ્મમાં સંગીતના પૈસા નહીં લઈએ.’ એ દિવસોમાં ડિસ્ટ્રિબ્યુટર્સમાં મોટા ભાગના ગુજરાતી હતા. અમારા મોટા ભાઈ પણ ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુટર હતા એટલે મનમોહન દેસાઈની તેમની સાથે ચર્ચા થાય કે આજકાલ શું ચાલી રહ્યું છે? કેવા પ્રકારની ફિલ્મો બને છે? આમ ઇનસાઇડ ઇન્ફર્મેશન તેમને મળ્યા કરે. વર્ષો સુધી તેમણે એક હિટ ફૉમ્યુર્લા પકડી રાખીને અનેક સુપરહિટ ફિલ્મો આપી. એકથી વધુ હીરો અને હિરોઇન લઈને ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ તેમણે જ શરૂ કર્યો.’

આણંદભાઈ મનમોહન દેસાઈની વાત કરતા હતા ત્યારે મને એક વાત યાદ આવી. એક યુવાન સફળ ડિરેક્ટર મનમોહન દેસાઈ પાસે સલાહ લેવા ગયો. ‘મારી પહેલી ફિલ્મ મનોરંજનના મસાલાથી ભરપૂર ફિલ્મ હતી એટલે હિટ ગઈ છે. હવે મારે એક અલગ વિષય પર ફિલ્મ બનાવવી છે. તમારું શું માનવું છે?’ મનમોહન દેસાઈ તેના ખેતવાડી સ્ટાઇલના આગવા અંદાજમાં ચેતવણી આપતાં બોલ્યા, ‘દેખો, ચલતી ગાડી કો કભી બ્રેક મારને કી કોશિશ મત કરના. અગર એક બાર બંદ હો ગઈ તો વાટ લગ જાએગી.’

મિડલ ક્લાસ બૅકગ્રાઉન્ડની વસ્તીમાં મોટા થયેલા મનમોહન દેસાઈની ફિલ્મોમાં ભલે લૉજિક ન હોય, પરંતુ તેમની ફિલ્મોમાં એ જ મિડલ ક્લાસને પોતાનું પ્રતિબિંબ દેખાતું જે કેવળ મનોરંજન ખાતર જ તેમની ફિલ્મો જોતો હતો.

તેમના સમકાલીન ડિરેક્ટરોની યાદોને શૅર કરતાં આણંદજીભાઈ આગળ કહે છે, ‘ફિલ્મ ‘હીરા’ (સુનીલ દત્ત-આશા પારેખ)ના પ્રોડ્યુસર-ડિરેક્ટર સુલતાન અહમદને એમ જ લાગતું કે પોતે બીજા કે. આસિફ છે. તેમની પત્ની (અભિનેત્રી) શમ્મી અમને કહે, આને સમજાવો, જરૂરથી વધારે લાંબી ફિલ્મ શૂટ કરે છે. ખર્ચો વધતો જાય છે. અમે કહ્યું, તે નહીં સમજે. તેને થાકવા દો, પછી વાત કરીશું. ફિલ્મ પૂરી થઈ ગઈ. ડિસ્ટ્રિબ્યુટર ફિલ્મ જોવા આવે, પણ આટલી લાંબી ફિલ્મો જોઈ કંટાળી જાય. અમુક સીન કટ કરવાનું કહે તો ચોખ્ખી ના પડે. સમય વીતતો જતો હતો. શમ્મીએ તેમને કહ્યું, ‘આ ભાઈઓને મળો તો કંઈક રસ્તો નીકળશે.’ નાછૂટકે તેમણે હા પાડી. અમને કહે, ‘આવતી કાલે ટ્રાયલ રાખી છે. બે ચાર ડિસ્ટ્રિબ્યુટર આવવાના છે.’ અમે કહ્યું, ‘ચિંતા ન કરો, થોડું એડિટિંગ કરવું પડશે.’ મેં ફિલ્મના રીલ્સમાં માર્કિંગ કરી રાખ્યું હતું. ક્યાંથી ક્યાં સુધી કાપવાનું છે એ ખબર હતી. મેં અસિસ્ટન્ટને કહ્યું, ‘આ રીલમાંથી આટલું, બીજા રીલમાંથી આટલું કાપી નાખ.’

આ સાંભïળી તે ‘ક્યા કાટા, ક્યા કાટા’ એમ બોલતા ઊભા થઈ જાય. હું કહું, ‘આપ ચૂપચાપ બૈઠ જાઓ, ફિકર મત કરના,’ બીજા દિવસે ટ્રાયલ જોઈ ડિસ્ટ્રિબ્યુટર ખુશ થઈ ગયા. શ્ામ્મીનો ફોન આવ્યો, ‘ગુડ ન્યુઝ હૈ, પિક્ચર બિક ગઈ.’ સુલતાન અહમદ કહે, ‘વો તો ઠીક હૈ પર યાર, આપને તો અચ્છે-અચ્છે સીન કાટ ડાલે. મેરે સીને પે જૈસે છુરી ચલતી થી.’ એટલે અમે કહીએ, ‘કોઈ બાત નહીં. જબ જી ચાહે વો સીન હમ ઘર મેં બૈઠકર બાર-બાર દેખેંગે.’

અમારી એક ફિલ્મ ‘ઉલઝન’નો ડિરેક્ટર રઘુનાથ ઝાલાની સત્યજિત રેનો મોટો ચાહક હતો. હંમેશાં કહે, ‘સત્યજિત રે જેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈ ન આપી શકે. અમે તેને સમજાવીએ. જો ભાઈ, તે ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર, સંગીતકાર છે. બધું પોતે જ. એકલે હાથે સંભાળે છે. એટલે ક્યાં કેવું મ્યુઝિક આપવું એની તેમને ખબર છે. પૂરી ફિલ્મ તે પોતાની મરજી મુજબ બનાવી શકે, જ્યારે અમારા હાથ બંધાયેલા હોય છે. મોટા ભાગે અમને છૂટો દોર મળે, પરંતુ જો કોઈ પ્રોડ્યુસર અમારી વાત સાથે સંમત ન થાય તો અમારે તેની મરજી મુજબ કૉમ્પ્રોમાઇઝ કરવાં પડે.’

કલ્યાણજી-આણંદજીએ ફિરોઝ ખાનની ઘણી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છે. તેની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘ફિરોઝ ખાન એક સ્ટાઇલિશ અભિનેતા સાથે એક સફળ પ્રોડ્યુસર-ડિરેક્ટર હતો. પ્રોડ્યુસર તરીકે તેનું મૉડર્ન થિન્કિંગ હતું. પોતાના વિચારોમાં તે એકદમ ક્લિયર હતો. કોઈ જ કૉન્ફિલક્ટ નહીં. મોટા ભાગે દરેક પ્રોડ્યુસર એ વાતનું ધ્યાન રાખે કે ફિલ્મનું બજેટ વધી ન જાય. આ સામે ડિરેક્ટર એમ દલીલ કરે કે મારે તો આમ જ જોઈએ છે, ભલે ખર્ચો વધી જાય. એમાં અભિનેતા પણ સામેલ થાય કે વાત સાચી છે. ક્યારે કોણ કોના પર હાવી થઈ જાય એ કહેવાય નહીં. ફિરોઝ ખાન ત્રણ ભૂમિકામાં ફિલ્મો સાથે સંકળાયેલો હોય. ક્યારેક તેનામાં રહેલો અભિનેતા અને ડિરેક્ટર પ્રોડ્યુસર પર હાવી થઈ જાય તો તે ખર્ચની ચિંતા ન કરે. પોતાના રોલ માટે પણ તે તટસ્થ રીતે નિર્ણય કરે. ફિલ્મની સિચુએશન મુજબ પોતાના પાત્ર કરતાં જો પૅરેલલ હીરોના પાત્રને સારું ફુટેજ અને ડાયલૉગ મળતા હોય તો એમાં કાપકૂપ ન કરે. ફિલ્મમાં જોઇતી ઇફેક્ટ મેળવવા ખર્ચની પરવા ન કરે. હેમા માલિની જેવી સીધીસાદી હિરોઇનને જે રીતે તેણે ફિલ્મ ‘ધર્માત્મા’માં ગ્લૅમરસ રોલમાં રજૂ કરી એ તેની કમાલ છે.

એક જ ફિલ્મમાં બે હીરો હોય તો સારો સિંગર બીજાને આપે. ફિલ્મ ‘કુરબાની’માં વિનોદ ખન્ના હતો. ફિરોઝ ખાને તેને પૂછ્યું કે કયો સિંગર તારા માટે પ્લેબૅક આપે એ તું જ નક્કી કર. પોતાને સારા સિંગર જોઈએ એવું નહોતું. આ બાબતમાં તેનામાં કોઈ ઈગો નહોતો. કોઈ બીજું પાત્ર તેનાથી વધુ દાદ લઈ જાય એની ચિંતા નહોતી. (એનો અર્થ એવો થયો કે અહીં તેનામાં રહેલો પ્રોડ્યુસર અભિનેતા પર હાવી થયો, કારણ કે પ્રોડ્યુસરને કેવળ ફિલ્મની આર્થિક સફળતામાં રસ હોય છે.)

તેની એક ટેવ અમને બહુ ગમતી. તેનું દરેક કામ મેથોડિકલ હોય. અમે ગીતોના સિટિંગમાં બેઠા હોઈએ એ બધી વાતો તે રેકૉર્ડ કરી લે. મુખડા માટે, અંતરા માટે અલગ-અલગ પ્રયોગ કરીએ, અલગ ધૂન બનાવીએ. આ પૂરી ઘટના રેકૉર્ડ થાય. રિજેક્ટ થયેલું ગીત પણ રેકૉર્ડ થાય. જે કંઈ ડિસ્કશન થયું હોય એ રેકૉર્ડ થયું હોય એટલે એક રેફરન્સ લાઇબ્રેરી તરીકે ભવિષ્યમાં કામ આવે. ‘આપ જૈસા કોઈ મેરી ઝિંદગી મેં આએ તો બાત બન જાએ’ પહેલાં ‘ધર્માત્મા’ માટે રેકૉર્ડ કરવાનું હતું, પરંતુ એમાં લેવાયું નહીં. ફિલ્મ ‘કુરબાની’માં એક સિચુએશન આવી એટલે આ ગીત એમાં લેવાયુ. આ ગીતનો રેફરન્સ જો રેકૉર્ડ ન થયો હોત તો કદાચ આ શક્ય ન થાત.

લંડનમાં ઝીનત અમાનનું શૂટિંગ ચાલતું હતું. તે જ્યાં રહેતી હતી તે મિત્રને કારણે તેની નાઝિયા હસન સાથે મુલાકાત થઈ. ઝીનત અમાને ફિરોઝ ખાનને કહ્યું કે નાઝિયાનો અવાજ થોડો વીક છે, પણ કંઈક અલગ છે. ફિરોઝ ખાનની મ્યુઝિક સેન્સ સારી હતી. તેને નાઝિયાનો અવાજ ગમ્યો. આ ગીતનું રેકૉર્ડિંગ અને મિક્સિંગ તેણે લંડનમાં સંગીતકાર બિડુ સાથે કર્યું (ઇન્ટરનૅશનલ પૉપ મ્યુઝિક-કમ્પોઝર બિડુનો જન્મ બૅન્ગલોરમાં થયો હતો. લોકલ બૅન્ડમાં ગિટાર વગાડનાર બિડુ લંડન ગયો અને ત્યાં સફળતા મેળવી). આ ગીતના સંગીતમાં અરેબિક ટચ છે. નાઝિયાનો અવાજ વીક હતો એટલે તેના જ ડબલ અવાજમાં આ ગીત રેકૉર્ડ થયું છે. (આ લખનારના મનમાં હંમેશાં પ્રશ્ન થતો કે આ ગીતમાં નાઝિયાનો ડબલ અવાજ સંભળાય છે એનું શું કારણ હશે? આજે એનો જવાબ મળ્યો). આ ગીત એટલું લોકપ્રિય થયું કે રાતોરાત નાઝિયા હસનનું નસીબ ફરી ગયું. આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે. અમારા દેશ-વિદેશના સ્ટેજ-શોમાં નાઝિયા હસન જ્યારે આ ગીત પર્ફોર્મ કરતી ત્યારે ધમાલ મચી જતી.’

આણંદજીભાઈની વાત સાંભળી મને એ દિવસો યાદ આવી ગયા જ્યારે ફારુક કૈસર અને ઇન્દીવર આ બે ગીતકારે લખેલા ગીતે કેવïળ ભારત નહીં, પણ દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. રાતોરાત પાકિસ્તાનની ટીનેજર ૧૫ વર્ષની નાઝિયા હુસેન એક સેલિબ્રિટી બની ગઈ. બે વર્ષ બાદ નાઝિયાના અવાજમાં બિડુએ એક બીજું ગીત રેકૉર્ડ કર્યું. ગીતકાર અનવર ખાલિદે લખેલું ‘ડિસ્કો દિવાને આહા આહા’ પણ અત્યંત લોકપ્રિય થયું. નાઝિયા હસન પાકિસ્તાનની પૉપ સ્ટાર બની ગઈ. તેના ભાઈ ઝોએબ હસન સાથે તે ગીતો કમ્પોઝ કરતી અને સ્ટેજ-શો કરવાનું શરૂ કર્યું. કેવળ ૨૭ વર્ષની ઉંમરે તે સંગીતના ફીલ્ડમાંથી રિટાયર થઈ. ૧૯૯૦માં ફરી એક વાર બિડુએ તેને એક ગીતની ઑફર આપી, પરંતુ તેણે ના પાડી. તેના મનમાં ડર હતો કે આ ગીત ગાવાથી પાકિસ્તાનના લોકો તેનાથી નારાજ થશે. એ ગીત હતું ‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, બસ દિલ ચાહતા હૈ મેડ ઇન ઇન્ડિયા’ શ્યામ અનુરાગી અને બિડુએ લખેલું આ ગીત આલિશા ચિનોયના અવાજમાં રેકૉર્ડ થયું અને આ ગીત પણ આજ સુધી લોકપ્રિય છે.

આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજીએ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું

આવા જ બીજા એક પ્રોડ્યુસર પ્રકાશ મેહરાને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘પ્રકાશ મેહરામાં રહેલો પ્રોડ્યુસર હંમેશાં પોતાનામાં રહેલા ડિરેક્ટર પર હાવી થઈ જાય. એનું મુખ્ય કારણ એ હતું કે તેની પાસે અમિતાભ બચ્ચન જેવો હીરો હતો. આને કારણે બીજાં પાત્રો ગૌણ બની જતા. એ સિવાય સેટ પર નાની-નાની વાતોમાં પણ અમુક સમયે ભૂલો થાય. જેમ કે એક સીનમાં પડદાનો કલર એક હોય તો એની કન્ટિન્યુઇટીના એ જ સીનમાં પડદાનો કલર બીજો હોય. કોઈ તેનું ધ્યાન દોરે તો જવાબ આપે, ‘અરે યાર, જબ સ્ક્રીન પર અમિતાભ હોતા હૈ તો લોગોં કા પૂરા ધ્યાન ઉસકે ઉપર હી હોતા હૈ. આજુબાજુ કોઈ નહીં દેખતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK