કલ્યાણજી-આણંદજીની વાતો હસવા જેવી હોય છે, પણ હસી કાઢવા જેવી નથી હોતી

28 July, 2019 01:10 PM IST  |  મુંબઈ ડેસ્ક | રજની મહેતા - વો જબ યાદ આએ

કલ્યાણજી-આણંદજીની વાતો હસવા જેવી હોય છે, પણ હસી કાઢવા જેવી નથી હોતી

વો જબ યાદ આએ

‘અ ડે વિધાઉટ અ લાફ્ટર ઇઝ અ ડે વેસ્ટેડ.’
- ચાર્લી ચૅપ્લિન.
એક જ વાક્યમાં ચાર્લી ચૅપ્લિન જીવનમાં હાસ્યનો મહિમા કેટલો છે એ ઉજાગર કરે છે. જે દિવસે તમે રમૂજની થોડીઘણી ક્ષણો માણી નથી એ દિવસ કૅલેન્ડરના ડટ્ટા પર ભલે હોય, તમારા ખાતામાં નથી હોતો. આપણી આજુબાજુ કેટલાયે માણસો નજરે ચડશે જેમની પ્રકૃતિ ‘ગોળ ખાય તો ગરમ પડે અને સાકર ખાય તો શરદી થાય’ જેવી હોય છે તેમને માટે જીવન, દુઃખનો એવો ભવસાગર છે જેમાં હાસ્યનાં હલેસાંનું કોઈ અસ્તિત્વ જ નથી. જીવનની નાની-મોટી મુશ્કેલીઓ સામે લડવા માટે હાસ્ય જેવું હાથવગું કોઈ હથિયાર નથી. ખરી રીતે જોવા જઈએ તો કોઈ પણ સમસ્યાનું સહેલામાં સહેલું સૉલ્યુશન એમાંથી હાસ્ય શોધવાનું છે. કલ્યાણજીભાઈને આ કળા સહજ હતી. આજે ફરી પાછા તેમની સેન્સ ઑફ હ્યુમરના થોડા કિસ્સાઓ તમારી સાથે શૅર કરવા છે. આ કિસ્સાઓ વાંચતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તેમની વાત હસવા જેવી હશે, હસી કાઢવા જેવી નહીં હોય.
એક દિવસ એક ભાઈ તેમની દીકરીને લઈને કલ્યાણજીભાઈ પાસે આવ્યા, કહે...
‘મારી દીકરીની ગાયકી સાંભળવા જેવી છે. સાંભળશો તો લતા મંગેશકરને પણ ભૂલી જશો.’
કલ્યાણજીભાઈ પાસે આવાં ઘણાં માબાપ આવતાં. તેમના સ્વભાવ મુજબ તે કોઈને નિરાશ ન કરે. તેમણે શાંતિથી કહ્યું, ‘કંઈક સંભળાવો.’
ઉત્સાહથી બાપે દીકરીને કહ્યું, ‘બસ, હવે તારી કમાલ દેખાડી દે.’
પાંચ-દસ મિનિટ સાંભળ્યા પછી કલ્યાણજીભાઈએ હાર્મોનિયમ બંધ કર્યું. તેમના ચહેરા પર કોઈ જાતની અકળામણ નહોતી એટલે પેલા ભાઈ રાજી થતાં બોલ્યા, ‘મેં તમને નહોતું કહ્યું, આવી ગાયકી તમે સાંભળી નહીં હોય. લાગે છેને કે લતા મંગેશકરની છુટ્ટી થઈ જાય એવો અવાજ છે?’
કલ્યાણજીભાઈ તેમની સાથે સંમત થતા હોય એમ હળવેકથી બોલ્યા, ‘તમારી વાત સાવ સાચી છે, પણ એક પ્રૉબ્લેમ છે.’
આટલું સાંભળતાં પેલા ભાઈ બોલ્યા, ‘આટલો સારો અવાજ છે પછી તમારે શું પ્રૉબ્લેમ છે?’
કલ્યાણજીભાઈ એકદમ ડેડપાન એક્સપ્રેશન સાથે કહે છે, ‘ના, ના, અમારો પ્રૉબ્લેમ તમારી દીકરી સાથે નહીં, લતા મંગેશકર સાથે છે. જો આ ગાવા લાગશે તો પછી લતાજીનું અમારે શું કરવું એની ચિંતા થાય છે.’
આવો જ કિસ્સો એક તબલચીનો છે. કોઈની ભલામણ લઈને તે મ્યુઝિક-રૂમ પર આવ્યો. આવીને દુઆ–સલામ કરીને કહે, ‘બડી દૂર સે આયા હૂં. આપ લોગોં સે બડી ઉમ્મીદ હૈ.’ આટલું કહી પોતાની તારીફ શરૂ કરી કે ફલાણા ઘરાનામાં આટલો વખત તાલીમ લીધી છે, ઢીકણા ઉસ્તાદનો શાગિર્દ હતો. આમ જ પંદર-વીસ મિનિટ ટાઇમપાસ કર્યો. છેવટે કલ્યાણજીભાઈએ કહ્યું, ‘મિયાં, કુછ સુનાઓ તો સહી’ અને પેલાએ તબલાવાદન શરૂ કર્યું.
લગભગ અડધો-પોણો કલાક વીતી ગયો, સાથે કહેતો જાય, ‘યે ઠેકા સૂનો, બનારસ કી લગ્ગી સૂનો. જોકે સાવ નવા નિશાળિયાની જેમ વગાડતો હતો. છેલ્લે પૂછ્યું, ‘કૈસા લગા આપકો?’ એટલે કલ્યાણજીભાઈએ ફક્ત એટલું કહ્યું, ‘ઠીક હૈ.’
આટલું સાંભળતાં પેલો બોલ્યો, ‘બસ, ઠીક હૈ? જીસ ચીઝ કે પીછે હમને ઝિંદગી કે ૧૫ સાલ બરબાદ કિયે ઔર એક ખાંસાબ પર હમને ૫૦,૦૦૦ રૂપિયે લુટાએ; ઇસે આપ સિર્ફ ઠીક હૈ કહેતે હો?’
એટલે કલ્યાણજીભાઈએ શાંતિથી તેમને જવાબ આપતાં કહ્યું, ‘ઐસા કિજિયે, આપ મેરે બડે ભાઈ સે મિલિયે.’
પેલાના જીવમાં થોડો જીવ આવ્યો. કહે, ‘ક્યા ઉનકો તબલે કા શૌક હૈ, મુઝે મદદ કરેંગે?’
‘નહીં, નહીં, ઐસા નહીં હૈ. વો વકીલ હૈ. ખાંસાબ સે આપ કે પૈસે વાપસ દીલવાને મેં મદદ કરેંગે.’ કલ્યાણજીભાઈનો જવાબ સાંભળીને પેલાની હાલત કેવી થઈ હશે એની ખબર નથી, પરંતુ જીવનનું કડવું સત્ય તેને જરૂર સમજાયું હશે.
કલ્યાણજીભાઈને આવા પ્રસંગોએ ગુસ્સો તો જરૂર આવતો હશે, પરંતુ તેઓ આ પરિસ્થિતિમાંથી રમૂજ પેદા કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. તેમનો સ્વભાવ જલદી કોઈને ના પાડવાનો કે નારાજ કરવાનો નહોતો. આને કારણે અવારનવાર આવું બનતું. નવા કલાકારોને એટલા માટે આસ બંધાતી કે અહીં આપણને કોઈક સાંભળશે. અમુક લોકો તો સમય નક્કી કર્યા વિના જ આવી જાય. આવીને વિનંતી કરે કે ‘બહુ દૂરથી આવ્યો છું. પ્લીઝ, મને પાંચ-દસ મિનિટનો ટાઇમ આપો.’
આવી જ રીતે એક ભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા. એ જ વાત કરી કે ‘દૂરથી આવ્યો છું. ક્લાસિકલ ગાઉં છું. પાંચ મિનિટ આપો.’ એમ કહી ગઝલ શરૂ કરી. પાંચ મિનિટ પછી કહે, ‘હવે એક ઠૂમરી સાંભળો.’ એ પૂરી થઈ એટલે કહે, ‘એક ક્લાસિકલ બંદિશ સાંભળો.’ આમ કરતાં-કરતાં કલાક કાઢી નાખ્યો પછી પૂછે, ‘કેવું લાગ્યું?’
કલ્યાણજીભાઈ કહે, ‘ઠીક છે. તમારે રેડિયો-સ્ટેશન પર ટ્રાય કરવી જોઈએ.’
પેલો કહે, ‘હું આટલું સારું ગાઉં છું છતાં તમે મને રેડિયો-સ્ટેશન પર ટ્રાય કરવાનું કેમ કહો છો? મને પ્લેબૅક સિંગર બનાવવો એ તો તમારા હાથની વાત છે.’
‘ભાઈ, વાત એમ છેને કે રેડિયો પર ગાઓ તો રેડિયો (ઑન–ઑફ)નો નોબ અમારા હાથમાં હોય.’ કલ્યાણજીભાઈએ મોઘમ ભાષામાં વાસ્તવિકતા સમજાવી દીધી.
ગમે એ પરિસ્થિતિમાં હાસ્ય નિષ્પન્ન કરવું એ કલ્યાણજીભાઈની આગવી ખૂબી હતી. રજનીશ જ્યારે મુંબઈ આવતા ત્યારે કલ્યાણજી–આણંદજીના મ્યુઝિક-રૂમ પર તેમની નિયમિત હાજરી રહેતી. તેઓ પોતે પણ હાસ્યના જબરા ચાહક હતા. પોતાનું લેક્ચર પૂરું થાય એટલે કહે, ‘કલ્યાણજી, અબ તુ બોલ, મૈં સૂનું.’ તારક મહેતાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે રજનીશની હ્યુમર કલ્યાણજીભાઈને કારણે હતી.
મોટા ભાગે હાસ્યકલાકારો પત્નીને કેન્દ્રમાં રાખીને ઘણી હ્યુમર કરતા હોય છે. હકીકત એ છે કે એ પણ પોતાની જાત પર હસવાનો કસબ છે. પત્નીની પસંદગી પર રમૂજ કરનારાઓને એ વાતનો ખ્યાલ હોય છે કે પોતે પણ પત્નીની જ પસંદગી છે. પત્નીની આડમાં રમૂજ ઉત્પન્ન કરવા પાછળ આ જ ઇરાદો હશે કે પોતાની જાત પર હસી લેવું. કલ્યાણજીભાઈ પણ આવું જ કરતા. વાત છે પંડિત જવાહરલાલ નેહરુના અવસાન સમયની. એ સમયે ગુલઝારીલાલ નંદા હંગામી વડા પ્રધાન બન્યા. દરેક ન્યુઝપેપરમાં ફ્રન્ટ પેજ પર ‘નંદા પીએમ બન્યા’ એ સમાચાર આવ્યા. કલ્યાણજીભાઈ એ ઘટનાને યાદ કરતાં કહે છે, ‘મારાં પત્ની (સાકરબહેન) ચારે બાજુ નંદા પીએમ બન્યાની વાતો સાંભળી મને કહે, ‘હું તો તમને ‘જબ જબ ફૂલ ખીલે’ના પ્રીમિયરમાં જ કહેતી હતી કે આ છોકરી (નંદા) ખૂબ આગળ આવશે.’
કલ્યાણજીભાઈ કેવળ ટૂચકાના રાજા હતા એમ કહેવું એ તેમને માટે અન્યાય હશે. એ તેમની કેવળ ઉપરછલ્લી ઓળખાણ છે. હકીકતમાં તે હ્યુમરના ખરા જાણકાર હતા. તેમને જે સૂઝે એ તત્કાળ સૂઝે. એમાં કોઈ તૈયારી ન હોય. જે વ્યક્તિ પોતાની જાત પર હસી શકે એ જ બીજા પર હસી શકે, લોકોને હસાવી શકે. હસવાની શક્તિ વિરલ હોય છે. કેવળ બીજા પર હસનારા કદાચ સાચું હસી શકતા જ નથી. જાત પર હસનારા જ સાચા હાસ્યકાર હોય છે. પોતાથી અલગ થઈને સાક્ષી ભાવે જાતને જોવાની કળા જેમનામાં વિકસી હોય તેમના હાસ્યમાં ઊંડાણ સાથે થોડી વેદના હોય છે. બન્ને ભાઈઓમાં આ વાત કૉમન છે.
હમણાં જ એક કાર્યક્રમમાં આણંદજીભાઈનું સન્માન થયું. હું ત્યાં હાજર હતો. કલ્યાણજી–આણંદજીની ફિલ્મોનાં ગીતો સાથે આણંદજીભાઈ તેમના જીવનના યાદગાર પ્રસંગો શૅર કરતા હતા. એ દરમ્યાન જે સહજતાથી તેઓ કલાકારો અને કમ્પેરર સાથે મજાક કરતા હતા એ જોવા જેવું હતું. એક નાની ઘટના શૅર કરું છું. આણંદજીભાઈની પ્રશંસા કરતાં કમ્પેરરે કહ્યું કે તેમને ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, પંજાબી અને બીજી અનેક ભાષા આવડે છે અને પ્રશ્ન કર્યો કે આટલી ભાષા કેવી રીતે શીખ્યા? આણંદજીભાઈએ જે જવાબ આપ્યો એ એક સાચો હ્યુમરિસ્ટ જ આપી શકે.
‘હું કોઈ વિશેષ પ્રયત્ન કરતો નથી. જેવું આવડે એવું બોલું છું. હું જે બોલું એ મને સમજાય છે, સામેવાળાને ન સમજાય તો એ તેનો પ્રૉબ્લેમ છે; મારો નથી.’ આ વાત સાંભળીને ભલે તત્કાળ પ્રેક્ષકોને હસવું આવ્યું, પણ ઊંડા ઊતરીને જોઈએ તો એમાં ન કોઈ કડવાશ કે ન કોઈ બડાશ. કેવળ હકીકતનો સ્વીકાર હતો અને એ પણ આટલી હળવી રીતે. આવો સહજ યોગ બન્ને ભાઈઓને ઈશ્વરનું વરદાન છે.
હરીન્દ્ર દવે એક લેખમાં બિપિનભાઈએ કહેલો એક પ્રસંગ યાદ કરતાં લખે છે, ‘બન્ને ભાઈ રેકૉર્ડિંગમાંથી થાકીને આવ્યા હતા. મ્યુઝિક-હૉલમાંથી તેઓ ઘરે જવાનો વિચાર કરતા હતા ત્યાં જ એક તબલાવાદક આવી ગયો. તેણે કહ્યું, ‘જરા મારી કળા જુઓને.’ બન્ને ભાઈ બેઠા. તબલાવાદક આરતથી તબલાં વગાડતો હતો, પણ તેની કલામાં કોઈ વિશેષતા નહોતી. એકાદ કલાક પછી કલ્યાણજીભાઈએ તેના હાથમાં ૧૦૦૦ રૂપિયા મૂક્યા. તબલાવાદકે વિદાય લીધી. બિપિનભાઈએ પૂછ્યું, ‘આ કલાકારમાં એવી કોઈ વિશેષતા નહોતી છતાં તમે તેને આવા પારિતોષિકથી નવાજ્યો?’ કલ્યાણજીભાઈએ કહ્યું, ‘જે સમયે તે આવ્યો અને જે આરત (પીડા) તેની આંખોમાં હતી એની ભાષા હું વાંચતો હતો, તેનાં તબલાં હું નહોતો સાંભળતો.’
આંખની આરતની ભાષા વાંચતાં આવડે એ જ સાચો કલાકાર. મકરંદ દવેએ કહેલો આવો જ પ્રસંગ યાદ આવે છે. રંગભૂમિનો એક જૂનો કલાકાર મોડી રાતે મકરંદભાઈના ગોંડલના ઘરે આવ્યો અને ગીત શરૂ કર્યું, ‘દરદ બિન રેન ન જાગે કોઈ’. રાત જાગનારાઓની આંખમાં દર્દ વાંચી શકવું એ બહુ મોટી કળા છે. આ તબલાવાદકની આરતમાં પણ કલ્યાણજી‍–આણંદજીને આવા જ કોઈ દર્દનાં દર્શન કદાચ થયાં હશે.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

ચાર્લી ચૅપ્લિનની વાતથી શરૂઆત કરેલો આ લેખ તેની જ એક વાતથી પૂરો કરીએ. લાઇફ ઇઝ અ કૉમેડી ઇન લૉન્ગ શૉટ બટ ટ્રૅજેડી ઇન ક્લોઝ–અપ. આ સનાતન સત્ય કલ્યાણજી–આણંદજીની જોડીએ સાંગોપાંગ આત્મસાત્ કર્યું હશે એમાં કોઈ બેમત નથી.

columnists weekend guide