લિટલ સ્ટાર્સનાં બાળકો પરદેશમાં ભારતીય સંસ્કૃતિ, સંગીતના ઍમ્બેસેડર બન્યા

26 May, 2019 12:17 PM IST  |  | રજની મહેતા - વો જબ યાદ આએ

લિટલ સ્ટાર્સનાં બાળકો પરદેશમાં ભારતીય સંસ્કૃતિ, સંગીતના ઍમ્બેસેડર બન્યા

લિટલ સ્ટાર્સ

‘હિસ્ટરી વિલ જજ અસ બાય ધ ડિફરન્સ વી મેક ઇન ધ એવરીડે લાઇવ્ઝ ઑફ ધ ચિલ્ડ્રન.’

- નેલ્સન મન્ડેલા

બાળકોની રોજબરોજની જિંદગીમાં તમે કેટલો બદલાવ લાવી શકો છો એના પરથી ઇતિહાસ તમારું મૂલ્યાંકન કરે છે. એમ કહેવાય છે કે બાળકો મોટાં થઈને એ જ બને છે જે તેમને કહેવામાં આવ્યું હોય. એટલે જ આપણી કહેવત યાદ આવે કે કુમળો છોડ વાળો એમ વળે. નાનપણથી બાળકોની ક્ષમતાને ઓળખીને તેને યોગ્ય પ્લૅટફૉર્મ આપવામાં આવે તો તે સફળતાની સીડી પર સડસડાટ ચડે છે. કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળા આ જ લક્ષથી પોતાનું ધ્યેય સિદ્ધ કરતી હતી.

જ્યારે આણંદજીભાઈ ‘લિટલ સ્ટાર’નાં પ્રતિભાવંત બાળકોને લઈ, દેશ-વિદેશની સંગીતસફર પર જતા, ત્યારે એ બાળકો કેવળ કલાકાર તરીકે નહીં, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે જતાં. આ પ્રવાસ તેમના જીવનઘડતરનું મહત્વનું અંગ બની જતો. એ દિવસોની યાદોને તાજી કરતાં આણંદજીભાઈ કહે છે:

‘અમે જ્યારે ઇન્ડિયામાં બીજાં શહેરોમાં શો કરવા જતા ત્યારે શરૂઆતમાં ટ્રેનમાં જતા. લખનઉ, વર્ધા, નાગપુર અને બીજાં અનેક શહેરોમાં સ્ટેશન પર સ્કૂલનાં છોકરાંઓ સૌનું સ્વાગત કરે. સાથે બલૂન અને બૅનર્સ લઈને આવ્યાં હોય અને સરઘસાકારે અમને લઈ જાય. અમારી સાથે આવતાં જે બાળકો નૉન-વેજ ખાતા હોય, તેમણે વેજ ફૂડ ખાવું પડે. નાનાં હોય એટલે તેમને એ વાત સમજાવવી પડે કે વેજ ફૂડના ફાયદા શું છે. શા માટે વેજિટેરિયન થવું જોઈએ. આ માટે એક રમત રમાડીએ. દરેકને માઇક પર બોલવાનું હોય. એક બાળક સવાલ કરે. ‘ઘાસ ખાનેવાલા હાથી કિતને સાલ જીતા હૈ?’ જવાબ મળે, ‘સૌ સાલ.’ અને પછી પૂછે, ‘ઔર માંસ ખાનેવાલા શેર?’ તો જવાબ મળે, ‘બીસ સાલ.’ એટલે બાળકો જ બીજાં બાળકોને સમજાવે કે વેજ ફૂડ ખાવું તબિયત માટે સારું છે. આમ હસતાં, રમતાં બાળકોની મૂંઝવણનો ઉકેલ આવતો જાય અને કોઈને કમ્પલ્શન ન કરવું પડે. એક વખત ટ્રેનની જર્નીમાં જોયું કે જતી વખતે ખાવા-પીવાનો અને પાણીનો ખૂબ બગાડ થયો. એટલે નક્કી કર્યું કે પાછા ફરતી વખતે દરેકને ૧૦૦ રૂપિયા આપી દેવા, જેને જે ખાવુંપીવું હોય તે પોતાની રીતે લઈ લે. આને કારણે બગાડ ઓછો થાય. ટૂર પૂરી થઈ એટલે પૂછ્યું કે જતી વખતે મજા આવી કે પાછા ફરતી વખતે? તો કહે કે ‘બન્ને વખતે મજા આવી.’ અમે પૂછીએ કે શીખવા શું મળ્યું? તો જવાબ મળે, ‘ખોટો બગાડ ન કરવો જોઈએ.’ માબાપ પણ એ વાતનો રાજીપો વ્યક્ત કરે કે બાળકો ટૂરમાં જઈને ઘણું શીખીને આવે છે.’

‘અમેરિકામાં પહેલો શો સફળ થયો અને આ શોની ડિમાન્ડ વધી ગઈ. ત્યાર બાદ અમારી ફૉરનની ઘણી ટૂર થઈ. અમેરિકા ઉપરાંત લંડન, દુબઈ, મસ્કત અને બીજી જગ્યાએ અમારા શો થયા બાળકો સાથેના. શો મોડી રાત સુધી ચાલે એટલે શો દરમ્યાન બાળકો સૂઈ જાય એ ન ચાલે. અમે દરેકને સ્ટેજ પર ઍક્ટિવ રાખીએ. દર બીજું ગીત કોરસવાળું રાખીએ, જેમાં મેઇન સિંગર બદલાતો જાય એટલે દરેકને અલર્ટ રહેવું પડે. વચમાં ડાન્સની આઇટમ હોય ત્યારે ઑડિયન્સમાંથી બાળકો સ્ટેજ પર આવે, અને ધમાલ થાય. આ ટૂરમાં એક વ્યક્તિ તરીકેનું તેમનું ઘડતર સારી રીતે થાય, જવાબદારીનું ભાન થાય, બાળકો દ્વારા આપણા કલ્ચરની દુનિયાને ઓળખ થાય એવો પ્રયત્ન કરીએ. શૉપિંગ કરવા જાય તો ત્યાં કોઈ ગરબડ ન થાય એ માટેનાં જરૂરી સૂચન આપીએ કે અહીં દરેક જગ્યાએ કૅમેરા છે... કોઈ વસ્તુને હાથ લગાડવાનો નથીં... જે જોઈતું હોય એ કેવી રીતે લેવું... સ્કૅનિંગ કેમ થાય છે... આ વાતોની સમજ આપીએ. શિસ્તનું શું મહત્વ છે એ તેમને સમજાય. અમારો આશય એટલો જ હોય કે બાળકોને દુનિયાનું એક્સપોઝર આપવું છે, પરંતુ તેમને એક્સપોઝ નથી કરવાં. બે બાળકો વચ્ચે એક એડલ્ટ કૅરટેકર તરીકે હોય (જે મોટા ભાગે સાથે ગયેલા મ્યુઝિશિયન હોય). દરેકની પાસે આઇડેન્ટિટી કાર્ડ હોય, જેમાં તેનો પાસપોર્ટ નંબર, ઇમર્જન્સી કૉન્ટૅક્ટ નંબર અને બીજી અગત્યની ડીટેલ હોય.’

‘અમારા શો જોવા અમે ત્યાંની ઑથોરિટીને આમંત્રણ આપીએ. એ લોકો બાળકોની ટૅલન્ટ અને રીતભાતથી ઇમ્પ્રેસ થઈ જાય. અમે ત્યાંની ઑથોરિટી પાસેથી અમારા પર્ફોર્મન્સ અને બિહેવિયર બાબતનું સર્ટિફિકેટ લઈ લઈએ. અમુક થિયેટર્સ ત્યાંની ઑથોરિટી ભારતના લોકોને આપવાની ના પાડે એનું મુખ્ય કારણ એ કે ત્યાં લોકો ખૂબ ગંદકી કરીને જાય. ત્યાંના ઑર્ગેનાઇઝર્સને માટે આ થિયેટર્સ મળવાં મુશ્કેલ થઈ જાય. હું એ લોકોને કહું કે પહેલાં કઈ ડેટ ખાલી છે એ ચેક કરો. પછી ત્યાં જઈને અમે અમારા બીજી સિટીના શોનાં સર્ટિફિકેટ બતાવીએ એટલે તરત અમને બુકિંગ મળી જાય. ત્યાં આગળ રવિવારે બાળકોને કામ કરવાની મનાઈ છે. એ માટે પણ અમે સ્પેશિયલ સર્ટિફિકેટ મેળવી લઈએ.’

‘જે સિટીમાં જવાનું હોય એના વિશેની આગોતરી જાણકારી બાળકોને આપી દઈએ. ત્યાંની હિસ્ટરી, ખાસ વાતો, આ દરેકની માહિતી તેમને આપીએ, જોવાલાયક સ્થળની વિઝિટ લઈએ. બાળકોને અમેરિકામાં ‘નાસા’ની વિઝિટે લઈ ગયા હતા. ત્યાં વડીલોને દરેક બાળક પગે લાગે એટલે સૌને નવાઈ લાગે. તેમને આર્ય ત્યારે થાય કે આ બાળકો તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરે છે. અમેરિકામાં આપણા કલ્ચર અને બાળકોના નૉલેજથી તેઓ ખૂબ જ પ્રભાવિત થતા. અમને કહે કે આ બાળકો આટલી નાની ઉંમરમાં કેટલાં વેલ-બિહેવ્ડ અને વેલ-ઇન્ફૉર્મ્ડ છે. પોતાનાં બાળકોને ડિનર પર લાવે અને આમ બે દેશનાં બાળકો હળેમળે એટલે એક પ્રકારનું કલ્ચરલ એક્સચેન્જ થાય. દરેક જગ્યાએ આ બાળકો માટે ખૂબ જ સારો પ્રતિભાવ મળે. આમ આપણા દેશની ઇમેજ બિલ્ડિંગ કરવાનું કામ આ બાળકોએ કર્યું છે. આ ઉપરાંત તેમની મ્યુઝિકલ ટૅલન્ટને કારણે આપણી સંસ્કૃતિ અને સંગીતનાં ઍમ્બેસડર બનીને આ બાળકોએ પરદેશમાં ઉત્તમ કામ કર્યું છે. આ કામની એટલી સરાહના થઈ છે કે અનેક સ્ટેટમાંથી મને ઑનરરી સિટિઝનનાં સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે.

‘જ્યારે શો કરીએ ત્યારે ઑડિયન્સમાં જે બાળકો બેઠાં હોય, તેમને પણ સ્ટેજ પર બોલાવીએ. તેમને કાર્યક્રમમાં ઇન્વૉલ્વ કરીએ. તેમનો સ્ટેજ-ફિયર દૂર થાય. ત્યાં ઘણાં બાળકોમાં અમે ટૅલન્ટ જોઈ છે. તેમને પ્રોત્સાહન મળે, એથી માબાપ ખુશ થાય. આજની તારીખમાં રિયલિટી શોમાં આપણે જોઈએ છીએ કે વિદેશમાં રહેતા ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ આપણા ગીત-સંગીતને સરસ રીતે પ્રસ્તુત કરે છે. અમારા શોની માઉથ ટુ માઉથ પબ્લિસિટી કેટલી થતી હશે એનો એક કિસ્સો જણાવું. હ્યુસ્ટનમાં વીકએન્ડમાં અમારો શો હતો, જે હાઉસફુલ ગયો. ચાલુ શોમાં જ અમે અનાઉન્સ કર્યું કે ‘આવતા બુધવારે એક શો કરીએ છીએ...’ ઑર્ગેનાઇઝરને કહ્યું કે ‘કોઈ પબ્લિસિટી ન કરતો. જો તને લૉસ થશે તો અમે કોઈ ચાર્જ નહીં લઈએ.’ એ કહે, ‘અહીં આવું શક્ય જ નથી, તમે કેવા બિઝનેસમેન છો.’ પણ અમને વિશ્વાસ હતો. શોના દિવસે વરસાદ હતો. પેલો કહે, ‘શો કૅન્સલ કરવો પડશે.’ અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે ગાડીઓની લાઇન લાગી હતી. પછી તો ઑર્ગેનાઈઝર કહે, ‘મને લોકોના ફોન આવે છે, અમે આવીએ છીએ. પ્લીઝ તમે શો થોડો મોડો શરૂ કરજો.’

મસ્કતના એક શોમાં અમે ત્યાંનાં હૅન્ડિકેપ બાળકોને ખાસ આમંત્રણ આપ્યું હતું. એ બાળકોએ શોને ખૂબ માણ્યો. શો પૂરો થયા બાદ અમે બાળકોની મુલાકાત તેમની સાથે કરાવી. મૂળ આશય એ દેખાડવાનો હતો કે હૅન્ડિકેપ બાળકો પણ કેટલાં પ્રતિભાશાળી હોય છે. એ સાથે એ સમજાવ્યું કે તમે કેટલાં નસીબદાર છો કે તમને ઈશ્વરે કોઈ ખોડખાંપણ આપી નથી. તો આ માટે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને આવાં બાળકો માટે અનુકંપા રાખવી જોઈએ.

મસ્કતની સ્કૂલના કેવળ એક શો માટે અમે ત્યાં ગયા હતા. ત્યાં એટલો રિસ્પૉન્સ મળ્યો કે ચાલુ શોમાં જ બીજા શોની અનાઉન્સમેન્ટ કરવી પડી. પ્લેનની ટિકિટો ચેન્જ કરી. એ પછી ત્યાં એક નહીં, બીજા બે શો કર્યા. જતી વખતે અમને એ લોકોએ કહ્યું કે આવતા વર્ષે આપણા ઇન્ડિપેન્ડન્સ ડેના સેલિબ્રેશન વખતે ફરી પાછા આવવાનું છે. તે શોમાં અમે લોકપ્રિય ગીતો સાથે, ‘મેરે દેશ કી ધરતી’, ‘ભારત કા રહેનેવાલા હૂં, ભારતકી બાત સુનાતા હું’ અને બીજાં અનેક દેશભક્તિનાં ગીતોની રજૂઆત કરી. સૌએ એકઅવાજે કહ્યું કે આટલી સારી રીતે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી આજ સુધી અમે કરી નથી.’

મસ્કતમાં અમારા એક બીજા શોની મજેદાર વાત તમને કહું. શોનો સમય હતો સાત વાગ્યાનો. હજી તો પાંચ વાગ્યા હતા ત્યાં ઑર્ગેનાઇઝર કહે ,‘શો જલ્દી શરૂ કરવો પડશે, કારણ કે શેખસાહેબ આવી ગયા છે. તેમને બીજા કામે જલદી જવું છે એટલે રાહ જોવાય તેમ નથી.’ મેં કહ્યું, ‘શો તો સમય પર જ શરૂ થાય.’ પેલો ગભરાયેલો હતો કે શો તરત શરૂ નહીં થાય તો મારી મુસીબત થઈ જશે, પ્લીઝ ફટાફટ શો શરૂ કરો, પણ હું મક્કમ હતો. શો શરૂ થયો. અમે શરૂઆતમાં જ ‘યમ્માં યમ્માં, યે ખૂબસૂરત સમા’ ગીત રજૂ કરીને શેખને ખુશ કરી દીધા. પછી મેં તેમને સ્ટેજ બોલાવ્યા અને કહ્યું, ‘અમે દૂરથી આ બાળકોને લઈને આવ્યા છીએ અને તમે જવાની વાત કરો છો? તમને મજા આવી કે નહિ?’ તો કહે, ‘ખૂબ મજા આવી.’ એટલે મેં કહ્યું, ‘સો યુ આર નૉટ ગોઇંગ નાઓ. રાઇટ?’ એટલે તેમણે કહ્યું, ‘ઓ.કે. આઇ ઍમ નોટ ગોઇંગ.’ તેઓ ખુશ હતા એટલે મેં પૂછ્યું, ‘અહીં લોકો તમારાથી કેમ ડરે છે?’ તેઓ કહે, ‘કોણે કહ્યું?’ મેં કહ્યું, ‘મને એમ કહેવામાં આવ્યું કે તમારે જલદી બહાર જવાનું છે એટલે શો વહેલો શરૂ કરવાનો છે.’ તેઓ કહે , ‘ના, ના, મારાથી કોઈએ ડરવાનું કારણ નથી અને હું અહીંયાં જ છું.’ શો પછી સૌ પૂછે, ‘તમારે તેમની સાથે શું વાત થઈ? તમે તેમને ઓળખો છો? એ તો જવાના હતા, પણ તમે કહ્યું એટલે બેસી ગયા.’ મેં કહ્યું, ‘હું આજે જ તેમને પહેલીમવાર મળ્યો છું.’

આણંદજીભાઈ જે રીતે આ બનાવ કહી રહ્યા હતા એમાં તેમની મુશ્કેલ પરિસ્થિતિને સહજતાથી હૅન્ડલ કરવાની કાબેલિયતનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત શો બિઝનેસની આંટીઘૂંટીને ખૂબ જ આસાનીથી ઉકેલવાનો જે મહાવરો તેમની પાસે છે એ સાફ દેખાઈ આવે છે. જોકે આ દરેક માટે તેઓ બાપુજીને શ્રેય આપે છે, જેમણે જીવનની જડીબુટ્ટી ગળથૂથીમાં આપી હતી. બાળકો સાથેની આવી અનેક ટૂર કર્યા પછી એક વાતનો રેકૉર્ડ છે કે કદી કોઈ માંદું નથી પડ્યું કે નથી કોઈ ચીજ વસ્તુ ખોવાઈ. જયારે બાળકો સાથે હોય ત્યારે જવાબદારી બમણી થઈ જાય છે. આ જવાબદારી હતતે મોઢે પૂરી કરનાર શાંતાબહેનને આ રેકૉર્ડનું શ્રેય જાય છે. મોટા ફિલ્મસ્ટાર્સ હોય કે પછી નાનાં બાળકો, શાંતાબહેને પરદા પાછળ જે રોલ ભજવ્યો છે એની નોંધ લેવી જ જોઈએ. આણંદજીભાઈ સાથે વાતો થતી હોય ત્યારે તેમના ‘રેડી રેકનર’ જેવાં શાંતાબહેન પાસે બાળકોની ટૂરની ઝીણી ઝીણી વાતો સાંભળતાં મારા મનમાં એ જ વિચાર આવ્યો કે તેમણે પરદેશની આ ટૂરોમાં બાળકોને; માની ખોટ નહીં પડવા દીધી હોય...

આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં ત્રણ પેઢીએ તાલીમ લીધી છે

‘પરદેશની લાંબી ટૂર હોય એટલે ટૂરની શરૂઆતના ૧૫ દિવસ પહેલાં બાળકોને ઘેર બોલાવીએ. એ દિવસે તેમની સાથે ત્યાંની વાતો થાય. વેધર કેવું હશે, સાથે કેવાં કપડાં લેવાં, ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું, એ સૂચના આપીએ. એ દિવસે હું તેમને એક જુલાબની ગોળી આપી દઉં. અઠવાડિયા પછી બીજી એક ગોળી આપું. આમ પેટની સાફસફાઈ થઈ જાય. પરદેશમાં રોજ સવારે હું પાંચ લિટર દૂધ ગરમ કરીને ઉકાળું. બાળકોને દૂધ સાથે વિટામિનની ગોળી આપી દઉં. દરેકે લાઇનમાં ઊભાં રહેવાનું અને મારી નજર સામે જ ગોળી ખાવાની. ખાવાપીવામાં ક્યાંય આડુંઅવળું ન ખાઈ લે એનું ધ્યાન રાખવું પડે. ત્યાં ઠંડી હોય એટલે અમુક નાનાં બાળકો રાતના ગાદલું ભીનું કરી નાખે. તેમના માટે પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવી પડે. અમુકને ડાઇપર્સ પહેરાવવા પડે. મારી પાસે સોય અને દરેક કલરના દોરા હોય. બટન ટાંકવાનું અને બીજું નાનુંમોટું કામ પડે એટલે તે મારી પાસે દોડતાં આવે. મારી પાસે પુષ્કળ નાસ્તો હોય એટલે ગમે ત્યારે ભૂખ લાગે તો તેમને ખબર છે કે અહીં તો ખાવાનું મળશે જ. અલગ અલગ હોટેલમાં રહેવાનું હોય. એટલે કોઈ વસ્તુ ભુલાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે. તેમને પૅકિંગમાં મદદ કરું. શક્ય હોય ત્યાં સુધી તેમને હોમ સિકનેસ ન લાગે એ જ અમારો પ્રયત્ન હોય.’

columnists weekend guide