રાજનીતિના ચાણક્ય અમિત શાહ શેરો-શાયરી અને સંગીતના શોખીન છે

09 June, 2019 02:48 PM IST  |  | રજની મહેતા - વો જબ યાદ આએ

રાજનીતિના ચાણક્ય અમિત શાહ શેરો-શાયરી અને સંગીતના શોખીન છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે - ઇન્દિરા ગાંધી

વો જબ યાદ આએ

કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. -મરીઝ

રાજનીતિના ચાણક્ય અમિત શાહ શેરો-શાયરી અને સંગીતના શોખીન છે એની બહુ ઓછા લોકોને ખબર હશે. તેઓ જ્યારે ગુજરાતના ગૃહપ્રધાન હતા ત્યારે તેમને નકલી એન્કાઉન્ટરના કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જે દિવસે તેઓ જામીન પર છૂટીને ઘેર આવ્યા ત્યારે તેમણે પોતાના ટેકેદારોને મરીઝના આ શેરની યાદ અપાવી હતી. હાલમાં પૂરી થયેલી ચૂંટણીમાં, પોતાના રાજકીય વિરોધીઓને ધૂળચાટતા કરીને તેમણે પુરવાર કર્યું કે તેમની તાકાતને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવી નથી. ચાણક્ય કહે છે, ‘રાજનીતિમાં ભાગ ન લેવાની મોટામાં મોટી સજા એ હોય છે કે અયોગ્ય વ્યક્તિ તમારા પર શાસન કરતી થઈ જાય છે. નરેન્દ્ર મોદી એટલે તો કહેતા હતા કે આ ચૂંટણી જનતા લડે છે. આમ પણ ચૂંટણી ચમત્કારોથી નહીં, ચક્રવ્યૂહથી જીતાતી હોય છે. આ વાતની સાબિતી અમિત શાહે ફરી એક વાર આપણને આપી.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જમણા હાથ ગણાતા અમિત શાહ સાથેની મુલાકાતને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં હું મુંબઈ આવતો ત્યારે પ્લેનમાં મારી અને અમિત શાહની સીટ બાજુ-બાજુમાં હતી. એ દિવસોમાં તેઓ ગુજરાતના હોમ મિનિસ્ટર હતા. વાત-વાતમાં મને કહે કે હું મુકેશનો ફૅન છું. તેનાં મોટા ભાગનાં ગીતો મારી પાસે છે. ફિલ્મ ‘મહેંદી લગી મેરે હાથ’નું એક ગીત ‘આપને યું હી દિલ્લગી કી થી, હમ તો દિલ કી લગી સમઝ બૈઠેં’ મને બહુ ગમે છે, પણ એ ક્યાંય મળતું નથી. તો મને મદદ કરોને? મેં કહ્યું, એનું કારણ એ છે કે આ ગીત રેકૉર્ડમાં નથી, પણ ચિંતા ન કરો, હું મેળવી આપીશ. એક આડવાત : રેકૉર્ડ તો ફિલ્મની રિલીઝ પહેલાં જ માર્કેટમાં આવી ગઈ હોય. જ્યારે આ ગીત ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ પછીથી ઉમેરવામાં આવ્યું હતું એટલે રેકૉર્ડમાં આ ગીત નહોતું. એ દિવસોમાં આવો ટ્રેન્ડ હતો. ઘણી ફિલ્મોમાં રિલીઝ બાદ ગીતો ઉમેરવામાં આવતાં. ઘણી વાર બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મોમાં કલરમાં ગીતો ઉમેરવામાં આવતાં જેથી પ્રેક્ષકો વધુ સંખ્યામાં આવે. છૂટા પડતી વખતે મને કહે કે આ વખતે તો સમયની મારામારી છે, પરંતુ બીજી વાર મુંબઈ આવીશ ત્યારે નિરાંતે તમારી સાથે સમય ગાળવો છે. તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી. મેં એ ગીત તેમને મોકલાવી આપ્યું ત્યારે ખૂબ જ રાજી થઈ ગયા.’

મોટા ભાગના સંગીતપ્રેમીઓને મુકેશનાં ગીતો ગમે છે. રાજકારણીઓ હોય કે ક્રિકેટર, દરેકના ફેવરિટ ગાયક મુકેશ છે. શોલાપુરમાં એક શોમાં સુશીલકુમાર શિંદે હાજર હતા. તેઓ બહુ મોટા મુકેશભક્ત છે. એ શોમાં તેમણે મુકેશનાં ગીતોની જ ફરમાઈશ કરી. તેમને મુકેશનાં ઘણાં ગીતો મોઢે છે. અમિતાભ બચ્ચન સાથેનો અમારો એક શો લંડનમાં હતો. એ સમયે આપણી ક્રિકેટ ટીમ ત્યાં હતી. સુનીલ ગાવસકર, કપિલ દેવ, અઝહરુદ્દીન અને બીજા ક્રિકેટરો એ શોમાં આવ્યા હતા. અમારા ઑર્ગેનાઇઝર કહે, ‘આ લોકો ફિલ્મોનાં ગીતોના શોખીન છે. તેમને સ્ટેજ પર બોલાવીએ અને કંઈક ગવડાવીએ.’ અને એ લોકોએ સ્ટેજ પર આવીને અમારા સિંગર્સ સાથે જે ગીતો ગાયાં એમાં મુકેશનાં ગીતો જ વધુ હતાં. ૧૯૮૩માં જ્યારે આપણે ક્રિકેટનો વલ્ર્ડ કપ જીત્યા ત્યારે અમિતાભ બચન, અનિલ કપૂર, રેખા અને બીજા કલાકારો સાથે લંડનમાં અમારો શો હતો. એ શોમાં આખી ટીમ આવી હતી. શરૂઆતના દિવસોમાં રાજેશ ખન્ના અમારા મ્યુઝિક-રૂમ પર આવે ત્યારે તેમની સાથે અંજુ મહેન્દ્રુ પણ આવતી. એક દિવસ તે પ્રકાશ મહેરા સાથે ગૅરી સોબર્સને લઈને અમારા ઘરે આવી. મને યાદ છે કે નીચેના કમ્પાઉન્ડમાં છોકરાઓ ગૅરી સોબર્સને ઓળખી ગયા એટલે તેમની સાથે તેઓ ટેનિસ બૉલથી ક્રિકેટ રમતા હતા. આ ઉપરાંત ગુંડપ્પા વિશ્વનાથ, ભાગવત ચંદ્રશેખર, કૃષ્ણમૂર્તિ અને બીજા ઘણા ક્રિકેટરો અમારા મ્યુઝિક-રૂમ પર આવી ગયા છે. આ દરેક મુકેશના ફૅન છે. એ લોકો મુકેશનાં જેકોઈ નવાં ગીતો રેકૉર્ડ કરીએ એ અમારી પાસેથી લઈ જાય.

આણંદજીભાઈની વાત સાંભળીને મને એક વાત યાદ આવી. વિખ્યાત લેગસ્પિનર ભાગવત ચન્દ્રશેખર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મૅચ રમતી વખતે હું ટેન્સ સિચુએશનમાં રિલૅક્સ થવા ફીલ્ડિંગ કરતી વખતે અને અમુક સમયે તો મારા બોલિંગ-માર્ક પર પાછો ફરતો હોઉં ત્યારે મુકેશનું ગીત ગાતો. મારું હિન્દી એટલું સારું નથી, પરંતુ મુકેશનાં ગીતો મને બેહદ પસંદ છે.’

સંજય માંજરેકર પણ જૂનાં ગીતોના શોખીન છે અને તેમને સૂરમાં ગાતા મેં સાંભળ્યા છે.

રાજકારણ અને સંગીતનો સાથ બહુ જૂનો છે.

આવા જ બીજા કિસ્સાઓની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘કૉન્ગ્રેસનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીનો શો હતો. એ સમયે રાજીવ ગાંધી સોનિયા સાથે સામે જ બેઠા હતા. દેશભક્તિનાં ગીતોની સૌ મજા માણતા હતા. મારા દીકરા દીપકે મને ચિઠ્ઠી મોકલાવી, રાજીવ ગાંધીને સ્ટેજ પર બોલાવો તો માનું. તે મને અવારનવાર આવી ચૅલેન્જ આપતો હોય છે. મેં કહ્યું, હમારે દેશ કે મુખિયા સામને બૈઠે હૈં ઔર હમ અકેલે યહાં ગાના ગા રહે હૈં. યે ઠીક નહીં હૈ. આપકો ઉપર આકર હમારે સાથ ગાના પડેગા. અને તેઓ સોનિયા સાથે ઉપર આવ્યા. અમે ‘મેરે દેશ કી ધરતી...’ શરૂ કર્યું અને સ્ટેજ પર હાજર કિશોરકુમાર, બીજા સિંગર્સ અને પછી તો રાજીવ ગાંધી સહિત ઑડિયન્સમાં બેઠેલા દરેક જણ ‘હો... ઓ... ઓ... ઓ... આ... આ... આ...’ કોરસમાં ગાવા લાગ્યા. ઇમર્જન્સીના દિવસોમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીની હાજરીમાં અમે આખી ઇન્ડસ્ટ્રીને લઈને દિલ્હીમાં શો કર્યો હતો. સંગીતપ્રેમીઓને ખબર હશે કે આ એ જ શો હતો જેમાં કિશોરકુમાર હાજર નહોતા. આને કારણે રેડિયો અને ટીવી પરથી તેમનાં ગીતોનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું હતું ટોચના દરેક નેતા જેવા કે જવાહરલાલ નેહરુ, મોરારજી દેસાઈ, નરસિંહ રાવ, વી. વી. ગિરિ, જ્ઞાની ઝૈલ સિંહ, વેંકટ રામન, ખાલિદા ઝિયા, વિજયાલક્ષ્મી પંડિત, યશવંતરાવ ચૌહાણ, વી. પી. નાઈક અને બીજા અનેક વીઆઇપીની હાજરીમાં શો કર્યા છે. અમિતાભ બચન સાથે અમર સિંહ તો અમારી ઘણી ટૂરમાં સાથે આવ્યા છે. શિવસેનાની પહેલી ઉજવણીના ફંક્શનમાં અમે બાળ ઠાકરેની હાજરીમાં શાનદાર શો કર્યો હતો.

નાના ચુડાસમા જ્યારે મુંબઈના શેરિફ હતા ત્યારે તેમણે ચોપાટી પર અમારો એક શો રાખ્યો હતો, જેનું નામ હતું, ‘આઇ લવ બૉમ્બે.’ તેઓ ફ્રાન્સ ગયા હતા ત્યાં ફ્રેન્ચ ફેસ્ટિવલ જોયો એટલે તેના પરથી ઇન્સ્પાયર થઈને આ મેગા શોનું આયોજન કર્યું હતું જેમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચનથી લઈને ટૉપના આર્ટિસ્ટ હતા. એ સમયના પીએમ ચન્દ્રશેખર હાજર રહેવાના હતા. ઑડિયન્સ ચોપાટીની રેતીમાં બેસવાનું હતું અને સ્ટેજ વિલ્સન કૉલેજ પાસે રસ્તામાં બાંધવામાં આવ્યું હતું. આર્ટિસ્ટનો મેકઅપ-રૂમ સ્ટેજની નીચે હતો. શો શરૂ થતાં પહેલાં ફટાકડા અને દરિયામાં આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્યું એવું કે જેવું આ શરૂ થયું એટલે લોકો ઊભા થઈ ગયા અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. આને કારણે માંચડા પર બાંધેલું સ્ટેજ હલવા લાગ્યું. અમિતાભ બચ્ચન નીચે મેકઅપ-રૂમમાં હતા. માંડ-માંડ તેમને ત્યાંથી બહાર કાઢીને ગવર્નર હાઉસ તરફ રવાના કર્યા. હવે જ્યારે તેમની એન્ટ્રીની જાહેરાત કરી ત્યારે મુશ્કેલી એ સર્જાઈ કે ત્યાંથી ચોપાટી આવવાની નો એન્ટ્રી હતી. આ તરફ લોકો બેકાબૂ બનતા જતા હતા. ગમે તેમ કરીને ફરી ફરીને તેઓ સ્ટેજ તરફ આવ્યા. આ શો દરમ્યાન જે ધક્કામુક્કી થઈ અને કેઓસ થયા એના પરથી અમને તો ડર હતો કે પાંચ-દસ તો મર્યા જ હશે. બે લૉરી ભરાય એટલાં તો બૂટ-ચંપલ ચારે તરફ પડ્યાં હતાં. અમે સૌ ટેન્શનમાં હતા. જોકે ઈશ્વરકૃપાથી કોઈ જાનહાનિ નહોતી થઈ.

વર્ષો પહેલાં મોરબીમાં પૂર આવ્યાં ત્યારે એના પીડિતો માટે અમે એક ચૅરિટી શોનું મુંબઈમાં આયોજન કર્યું હતું. આખી ઇન્ડસ્ટ્રી ત્યારે હાજર હતી અને કલ્યાણજી-આણંદજી નાઇટમાં અમે ૨૫ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફન્ડનો એ ચેક અમે ગવર્નરના બંગલે ઇન્દિરા ગાંધીને આપ્યો હતો જેને માટે ખાસ તેઓ દિલ્હીથી મુંબઈ આવ્યાં હતાં.

દિલ્હીમાં અમારો એક શો હતો એમાં એ સમયના કૅબિનેટ મિનિસ્ટર એચકેએલ ભગત હાજર હતા. તેઓ જૂનાં ગીતો સાથે નવાં ગીતોના પણ શોખીન હતા. એે દિવસોમાં ‘ઓયે ઓયે’ ખૂબ લોકપ્રિય હતું. તેમણે એ ગીતની ફરમાઈશ કરી. અમે કહ્યું, ‘તમે સ્ટેજ પર આવો તો જ આ ગીત રજૂ કરીએ.’ તેઓ સ્ટેજ પર આવ્યાં અને એટલાં મૂડમાં આવી ગયાં કે ‘ઓયે ઓયે’ ગાવા લાગ્યાં. હમણાં વેસ્ટ બંગાળમાં બીજેપીનું કામ સંભાળતા કૈલાસ વિજયવર્ગીય પોતે સારા ગાયક છે અને રફીના મોટા ચાહક છે. ભોપાલમાં અમારો શો હતો ત્યારે તેમણે પહેલાં તો ‘છોટી છોટી ગઈયા, છોટે છોટે ગ્વાલ’ ભજનથી શરૂઆત કરી. પછી તો રફીનાં ગીતો ગાયાં, જેમાં ‘ઓ દુનિયા કે રખવાલે’ સુંદર રીતે ગાયું હતું. અમારા ત્યાંના ઑર્ગેનાઇઝર મને ફોન કરે કે કૈલાસજી પૂછ્યા કરે છે કે આણંદજીભાઈ વાપિસ કબ શો કે લિએે આ રહે હૈં.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીની આણંદજીભાઈ સાથે થયેલી પહેલી મુલાકાતમાં શું થયું?

અમારી વાતો ચાલતી હતી ત્યાં આણંદજીભાઈ સમાજના એક એવા સમુદાયની વાતો કરે છે જેને માટે સામાન્ય રીતે આપણને બહુ માન નથી હોતું. જોકે વાત સાંભળ્યા પછી એવું લાગે કે તેમના વિશેનો અભિપ્રાય આપણે બદલવો જોઈએ. એ કોની વાતો હતી એ જાણવા આવતા રવિવાર સુધી રાહ જોવી પડશે.

columnists weekend guide